Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > પગલાંથી માપ લેવાની પ્રેરણા ભગવાને જ આપી હતી

પગલાંથી માપ લેવાની પ્રેરણા ભગવાને જ આપી હતી

11 February, 2024 12:38 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

જાણે કે યુદ્ધની છાવણી હોય એમ પોલીસ અને અર્ધલશ્કરી દળોનો કાફલો મંદિરના સ્થળ પર હતો. વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલજીએ મને કહ્યું કે હું બહાર બેઠો છું, તમે અંદર જઈને માપ લઈ આવો

ચંદ્રકાન્ત સોમપુત્રા

અરાઉન્ડ ધી આર્ક

ચંદ્રકાન્ત સોમપુત્રા


આપણે વાત કરીએ છીએ રામમંદિરના નિર્માણ અને સર્જનની. રામમંદિર બનાવવાનું નક્કી થયું અને ત્યાં જઈને મેં એ સ્થળ જોયું ત્યારે એ સ્થળ નાનું હતું તો સાથોસાથ એ જગ્યાને વિવાદિત ગણવામાં આવી હતી એટલે ક્યારે એ ખુલ્લી થાય એની પણ કોઈ જાણકારી નહોતી. સૌથી મોટી વિટંબણા જો કોઈ હોય એ કે મંદિર બનાવવું છે એટલું જ નક્કી હતું, મંદિર માટે કેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે એનો કોઈ અણસાર નહોતો અને એ બધા વચ્ચે અમારે મંદિર માટે કામ શરૂ કરવાનું હતું. આ બહુ અવઢવવાળી પરિસ્થિતિ કહેવાય, પણ વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલનો આશાવાદ જબરદસ્ત હતો. મેં તમને કહ્યું એમ બિરલા મંદિરના કામ દરમ્યાન જ મને અયોધ્યા મંદિર માટે કહેણ આવ્યું. સિંઘલજી સાથે મારો કોઈ સીધો સંપર્ક નહીં.


અશોકજીને પણ મારી કોઈ ઓળખ નહીં. તેમણે તો સહજ રીતે જી. બી. બિરલાને ફોન કરીને કહ્યું કે તમારું બિરલા મંદિર જેણે બનાવ્યું છે તેમનો સંપર્ક કરાવો. બિરલાએ જ મારી મીટિંગ અશોક સિંઘલ સાથે દિલ્હીમાં કરાવી. વાત છે ઓછામાં ઓછાં ૩પ વર્ષ પહેલાંની. એ સમયે તો હવાઈ સફર પણ આટલી સુલભ નહોતી, પણ મને કહેવામાં આવ્યું કે આપણે આ કામમાં મોડું નથી કરવું એટલે હું અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી પ્લેનમાં લખનઉ ગયો.



મારા પહેલાં અશોકજી પહોંચી ગયા હતા. તે મને ઍરપોર્ટ લેવા આવ્યા. ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પહેલા દિવસે પહોંચતાં સાંજ પડી ગઈ હતી એટલે બીજા દિવસે અયોધ્યા જવાનું નક્કી થયું. બીજી સવારે લખનઉથી અયોધ્યા અને પછી મંદિરવાળા સ્થળ પર લઈ ગયા. બહાર રીતસર યુદ્ધની તૈયારી ચાલતી હોય એટલો પોલીસ અને અર્ધલશ્કરી દળોનો કાફલો હતો. સિંઘલજીએ મને કહ્યું કે હું અહીં બહાર બેઠો છું, તમે અંદર જઈ આવો; હું અંદર આવીશ તો તમને માપ લેવા મળશે નહીં.


અશોક સિંઘલના મનમાં હતું કે પોતે આંદોલનકર્તા છે એટલે કદાચ તેમને અંદર જવા ન દે અને તેમને લીધે મને પણ પછી અંદર જવા ન મળે અને કામ રખડી પડે. એવું ન થાય એટલે તેમણે મને એકલાને જ અંદર જવાનું કહ્યું. અત્યારે, આ વાત કરતી વખતે પણ મને એ સમય યાદ આવે છે તો શરીરમાં રોમાંચ પ્રસરી જાય છે. એ સમયે જે રામલલ્લા જન્મભૂમિ હતી એની એકેએક તસવીર આંખ સામે આવે છે. અશોકજીએ દૂરથી જ મને સૂચના આપી હતી કે તમે તમારી રીતે માપ લઈ લેજો. માપ માટેનાં સાધનો વાપરવા નહીં દે એ તો મને પહેલેથી ખબર હતી એટલે હું જાણતો હતો કે મારે માપ કઈ રીતે લેવું. અરે, તમે માનશો નહીં, મારી પાસે લખવા માટે પેન્સિલ સુધ્ધાં નહોતી. મારે બધેબધું મોઢે જ યાદ રાખવાનું હતું.

હું અંદર ગયો. જમીન પર પગ મૂકતાં જ મારા શરીરમાં જબરદસ્ત રોમાંચ પ્રસરી ગયો. એ જગ્યાનાં વાઇબ્રેશન જ જબરદસ્ત છે. અલૌકિક અનુભૂતિ થતી હતી. તમારા આખા શરીરમાં જાણે કે ઈશ્વર પસાર થઈને આવતા હોય એવો અનુભવ થતો હતો. મને થયું પણ ખરું કે અહીં થોડી વાર બેસવું જોઈએ, પણ મારે ફટાફટ કામ કરીને નીકળી જવાનું હતું એટલે મેં મનોમન ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી અને પછી આજુબાજુમાં નજર ફેરવી.


મેં જોયું કે કાળા કલરના પથ્થરો જે મૂર્તિઓ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા એ અસ્તવ્યસ્ત પડ્યા હતા તો કારસેવકો જે ઈંટો લાવ્યા હતા એ ઈંટો પણ અહીં-ત્યાં પડી હતી. હું મંદિરના કૅમ્પસમાં વીસ મિનિટ રહ્યો અને આ વીસ મિનિટમાં મેં મારાથી લઈ શકાય એટલું પરફેક્ટ માપ લેવાની કોશિશ કરી. અંદર ત્રણ રૂમ પણ હતી. પહેલાં મેં એ રૂમનું માપ લીધું હતું અને પછી બહારનું માપ લેવાનું શરૂ કર્યું. મને ધીમી ચાલે અને પરફેક્ટ માપનાં જ ડગલાં સાથે આગળ વધતો જોઈને ત્યાં હાજર હતો એ પોલીસ કાફલાને સહેજ શક પણ ગયો હતો, પણ કંઈ પૃચ્છા નહોતી કરી. મને ડર એ જ વાતનો હતો કે મારી ગણતરી ચાલતી હશે એ સમયે જો પૂછપરછ થઈ તો ગણતરીમાં ભૂલ આવી શકે છે. કારણ તમને અગાઉ કહ્યું એમ મારી પાસે લખવા માટે પેન્સિલ સુધ્ધાં નહોતી અને મારે એ સાથે રાખવાની પણ નહોતી, કારણ કે જો હું કશું ટપકાવતો કે નોંધ કરતો દેખાઉં તો તરત જ ઇન્ક્વાયરી થાય અને કામ અટકાવી દે.

મારે એક વાત કહેવી છે કે મેં જે પગલાંથી માપ લીધું એ માપ લેવાની પદ્ધતિ સદીઓ પહેલાં હતી, પણ મારા મનમાં બિલકુલ એવું નહોતું કે હું એવું કરીશ. જગ્યાએ ગયા પછી મને આપોઆપ જ મનમાં પ્રેરણા આવી હતી કે મારે આ રીતે માપ લઈ લેવું જોઈએ. મારે સ્વીકારવું જોઈએ કે આ પ્રેરણા મને ભગવાન શ્રી રામે જ આપી હશે.

માપ લીધા પછી મંદિરનું મૉડલ બન્યું અને એ પછી વર્ષોની રાહ જોવાની આવી. એ રાહ જોયા પછી જ્યારે કોર્ટે પરમિશન આપી ત્યારે અમે ફરીથી સાધન-સામગ્રી સાથે માપ લીધું અને મેં પગલાંના લીધેલા માપ સાથે એ માપને સરખાવ્યું. તમે વિચારો, બન્ને માપ વચ્ચે માત્ર અઢી ટકાનો ફરક હતો, એક્ઝૅક્ટ અઢી ટકાનો. નહીં ૦.૧ ટકા વધારે કે ૦.૧ ટકા ઓછો. ઈશ્વર જ આ કરાવી શકે, બીજું કોઈ નહીં.

રામમંદિરની અન્ય આવી જ નવી અને ક્યારેય જાણી ન હોય એવી વાતો સાથે હવે મળીએ આપણે આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 12:38 PM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK