સિનિયર સિટિઝન એકલા પડી ગયા હોવાથી જ્યારે તેમને સંતાનોના સાથની જરૂર હોય છે ત્યારે જ તેમનાં સંતાનો તેમની સાથે નથી
પ્રતીકાત્મક તસવીર
સિનિયર સિટિઝનો માટે ભારતમાં પણ એક બહુ મોટી સમસ્યા આકાર લઈ રહી છે. અભ્યાસ માટે અથવા તો કમાણી માટે આજે યુવાનો વિદેશ જઈ રહ્યા છે. ભારતમાં છે તેઓ પણ પોતાનું ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છે એને કારણે આજે એવી સ્થિતિ પેદા થઈ છે કે ગામડાંઓમાં કે શહેરોમાં પણ સિનિયર સિટિઝનો એકલા પડી ગયા છે.
આમાં યુવાનોનો પણ કોઈ વાંક નથી. આજીવિકા માટે અને વધુ વિકાસ માટે તેઓ બહાર નીકળે એમાં કશું ખોટું નથી. કેટલાકનાં માતાપિતા વતનના ગામમાં રહેતાં હોય છે તો વિદેશ ગયેલા યુવાનોનાં માતાપિતા પણ ભારતમાં એકલાં રહે છે. અમારા ગામની જ વાત કરીએ તો એક સમયે લોકોથી હર્યાભર્યા મહોલ્લાઓ, શેરીઓ, ચકલાઓ અને માર્કેટો આજે સાવ સૂનાં થઈ ગયાં છે. શેરીઓ અને મહોલ્લાઓમાં અડધાં ઘર બંધ છે, કારણ કે તેઓ મોટાં શહેરમાં કે વિદેશમાં છે અને કેટલાંક ઘરોમાં સિનિયર સિટિઝનો જ રહે છે એટલે એક સમયે શોરબકોરવાળું ગામ આજે સાવ સૂનું થઈ ગયું છે.
ADVERTISEMENT
હવે સમસ્યા એ છે કે સિનિયર સિટિઝન એકલા પડી ગયા હોવાથી જ્યારે તેમને સંતાનોના સાથની જરૂર હોય છે ત્યારે જ તેમનાં સંતાનો તેમની સાથે નથી. તેઓ બીમાર થાય, દવાખાને જવાની જરૂર પડે અથવા કોઈ પણ તકલીફમાં મુકાય તો તેમને મદદ કરનારું કોઈ નથી હોતું. કેટલાક લોકો એટલા અશક્ત હોય છે કે પોતાનું રોજિંદું ભોજન પણ બનાવી નથી શકતા. તેમને દવા લાવવી હોય, કોઈ વસ્તુ લાવવી હોય તો લાવી આપનારું કોઈ નથી હોતું અને તેઓ પણ બહાર નથી જઈ શકતા. આવા સમયમાં સમાજના લોકોએ આગળ આવવાની જરૂર છે. સમસ્યાઓની ચર્ચા કરવાથી એ હલ નથી થતી, પણ એના ઉકેલ માટે ઍક્શન લેવાની જરૂર છે.
આજે કુટુંબોમાં સંગઠનને બદલે વિઘટન થઈ રહ્યું છે અને એમાં આપણે જેને વિકાસ કહીએ છીએ એ પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત વિચારધારા જવાબદાર છે. આને અટકાવવી જરૂરી છે. એ માટે સમાજશાસ્ત્રના એવા અભ્યાસક્રમ બનાવી બાળકોને ભણાવાય જેનાથી કુટુંબ અને સમાજ-વ્યવસ્થા મજબૂત બને. બીજું, એકલા રહેતા વડીલોને ભોજન અને રહેવા સહિતની જોઈતી તમામ મદદ મળી શકે એવી વ્યવસ્થા સમાજના લોકો ગોઠવે જેથી તેમણે ઓશિયાળા ન થવું પડે. એ માટે દરેક સમાજોએ આગળ આવીને કામ કરવાની જરૂર છે.
- ઇન્દિરાબહેન પંડિત (ઇન્દિરાબહેન પંડિત શ્રી સિદ્ધપુર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજની મહિલા પાંખનાં પ્રમુખ છે)

