આપણને પજવતી દરેક લાગણીની ફક્ત નોંધ લેવાથી એ અદૃશ્ય થઈ જાય છે. જગતનો કોઈ ભાવ સ્થાયી નથી, એક પણ લાગણી પર્મનન્ટ નથી. સદાય ખુશ રહેવું કોઈના પણ માટે અશક્ય છે
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં તમારી એકમાત્ર ઇચ્છા શું છે? આવા પ્રશ્નનો જવાબ મોટા ભાગના લોકો પાસેથી એવો જ મળશે કે ‘ખુશ રહેવાની’. ઇઝન્ટ ઇટ? રોજ સવારે ઊઠીને રાતે ફરી પાછા સૂઈ જઈએ ત્યાં સુધીના આપણા દરેક ધમપછાડા કે પ્રયત્નો અલ્ટિમેટલી તો ખુશ રહેવાના હોય છે. પણ સાચું કહું? આ કાયમ ખુશ રહેવાની ઇચ્છા કે અપેક્ષા જ આપણી ઉદાસીનું સૌથી મોટું કારણ છે.
વિશ્વભરના પ્રિય આધ્યાત્મિક ગુરુ અને વિયેટનામીઝ બુદ્ધિસ્ટ સાધુ Thich Nhat Hanh (ટિક નાટ હાન) આજે હયાત નથી, પણ તેમનાં પુસ્તકો આપણને આજીવન પ્રકાશ આપતાં રહે છે. તેમના દ્વારા લખાયેલા પુસ્તક ‘યુ આર હિયર’ના સૌથી પહેલા પ્રકરણનો સાર જ એ છે કે આપણા જીવનમાં યાતનાઓ જરૂરી છે. દુ:ખ, પીડા કે યાતનાઓની હાજરી વગર આપણી અંદર કરુણાનો ઉદ્ભવ શક્ય નથી. યાતનાઓ જ કરુણાની જનેતા છે.
મજામાં હોવાનાં આપણાં ધોરણો આપણે પોતે જ નક્કી કરતા હોઈએ છીએ. સતત આનંદમાં રહેવાનાં આપણે સેટ કરેલાં સ્ટાન્ડર્ડ્સથી ઓછી હોય એવી એક પણ લાગણી આપણને મંજૂર નથી હોતી. વાસ્તવિકતા એ છે કે આપણા આધ્યાત્મિક વિકાસ માટે દરેક નકારાત્મક લાગણી જરૂરી છે. ઈર્ષા, ગુસ્સો, અકળામણ, ઉદાસી, બેચેની કે હતાશા જેવાં નેગેટિવ ઇમોશન્સ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, કારણ કે નકારાત્મક લાગણીઓના બીજમાંથી જ સકારાત્મક લાગણીઓના છોડ અંકુરિત થતા હોય છે.
ADVERTISEMENT
એક ફૂલના રૂપક દ્વારા તેઓ સમજાવે છે કે ‘તમે પુષ્પનું ધ્યાનથી અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે એની તાજગી, સુંદરતા અને સુગંધનો આધાર એને મળતા ખાતર પર રહેલો છે. ખાતર એ બીજું કશું નથી પણ પ્રાણીઓના મળ અને કચરાથી બનતો ગંદકીનો ઢગલો છે. એ માળીની મહેનત અને સુખનું પરિણામ છે કે ગંદકીમાંથી તે ખાતર બનાવી શકે છે અને એ ખાતરથી ફૂલ ઉગાડી શકે છે.’ જીવનમાં રહેલી અસંખ્ય નકારાત્મક લાગણીઓની ગંદકીમાંથી સુગંધીદાર પુષ્પ ઉગાડવાની પ્રક્રિયા એટલે આધ્યાત્મિક મથામણ. આપણી આસપાસ રહેલી ગંદકી, નિરાશા, ડિપ્રેશન કે અંધકારનું પ્રમાણ જેમ વધારે; આપણી અંદર ફૂલ ઊગી શકવાની શક્યતા એટલી જ વધારે. બીજમાંથી છોડ ઊગી નીકળ્યા બાદ બીજનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતું.
કૂંપળમાંથી ફૂલ ઊગ્યા બાદ કૂંપળ અદૃશ્ય થઈ જાય છે. એ જ રીતે આપણે પણ ટ્રાન્સફૉર્મેશનના એક એવા તબક્કામાં હોઈએ છીએ જ્યાં નેગેટિવ ઇમોશન્સ આપણા માટે એક ઉદ્દીપકનું કામ કરે છે.
નકારાત્મક કે અપ્રિય લાગતી દરેક લાગણી ધીમે-ધીમે એવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે જે આપણને સતત નિરાંત અને રાહત આપ્યા કરે છે. લાગણીઓનો આ વેશપલટો ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણી અંદર ઉદ્ભવતી સારી કે ખરાબ દરેક લાગણીનો આપણે આદરપૂર્વક સત્કાર કરીએ. નકારાત્મક લાગણીથી ભાગવાને બદલે પૂરી સૌમ્યતાથી એની સંભાળ લેવી એ જ એકમાત્ર રસ્તો છે આપણા દરેકની અંદર રહેલી ડાર્ક સાઇડને હૅન્ડલ કરવાનો.
જીવનની કોઈ સાંજે હીંચકા પર બેઠા હોઈએ અને અચાનક ઉદાસી મહેમાન બનીને આવે તો કહેવું કે ‘આવો. બેસો. ચા પીશો?’ મનોવિજ્ઞાન એવું કહે છે કે સપ્રેસ કરવાને બદલે જે નકારાત્મક લાગણીનો આપણે પૂરી સમગ્રતાથી સ્વીકાર કરીએ છીએ એ લાગણી બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. એ ઉદાસી હોય કે અફસોસ, દુઃખ હોય કે ચિંતા; આપણને પજવતી દરેક લાગણીથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે એ લાગણીને પૂરું અટેન્શન આપવું, એની નોંધ લેવી.
દુઃખ, પીડા કે હતાશાનો વેશપલટો કરીને જિંદગી આપણને કંઈક શીખવવા કે સુધારવા આવે છે. નકારાત્મક લાગણીઓ બીજું કશું જ નથી પણ ભવિષ્યમાં આવનારા આપણા બેટર વર્ઝને ઍડ્વાન્સમાં કરેલો ગંદો અને ડરામણો મેક-અપ છે. નેગેટિવ ઇમોશન્સના વરસાદમાં ધોવાણ થઈ ગયા બાદ બાકી બચેલી આપણી જાત વધુ ઉન્નત, પરિપક્વ અને પ્રસન્ન હોય છે. દરેક પીડા, દુ:ખ અને સંઘર્ષ આપણી આત્મસાક્ષાત્કારની યાત્રામાં આપણને મદદ કરવા આવે છે. આ જગતનો સૌથી જટિલ અને લાંબો રસ્તો આપણા જ અંતઃકરણ સુધી પહોંચવાનો હોય છે. હૈયાના ઝાડવાની હેઠ પહોંચવા માટેની લાંબી મુસાફરીમાં યાતનાઓ જ આપણને લિફ્ટ આપે છે.
પુસ્તકના એક પાના પર ટિક નાટ હાન અદ્ભુત વાત લખે છે : ‘તમે ક્યારેય તમારી ઉદાસી કે દુ:ખને એવું કહ્યું છે કે તમે ગભરાશો નહીં? હું છુંને તમારી સાથે! હું તમારી કાળજી લઈશ.’ આપણી દરેક લાગણીને આવી હૈયાધારણની જરૂર હોય છે. બસ, એટલું આશ્વાસન મળતાં જ એ પસાર થઈ જાય છે.
રૂમીએ લખેલી એક અફલાતૂન કવિતા ‘ધ ગેસ્ટ હાઉસ’માં જણાવ્યા પ્રમાણે આ પૃથ્વી પર આપણું મનુષ્ય હોવું એક ગેસ્ટ હાઉસ જેવું છે. લાગણીઓના રૂપમાં રોજ સવારે મનના ફળિયામાં અણધાર્યા અતિથિઓ આવે છે. ક્યારેક ઉદાસી, દુ:ખ, ચિંતા તો ક્યારેક પ્રસન્નતા આવે છે. ભેદભાવ રાખ્યા વગર એ દરેકનું ભાવસભર સ્વાગત કરવું, કારણ કે એ દરેક લાગણી પરમ તત્ત્વે મોકલાવેલો સીક્રેટ સંદેશો છે.
નકારાત્મક લાગણીઓના સંદર્ભમાં જે વાત સાહિત્ય કરે છે એ જ વાત મનોવિજ્ઞાન કરે છે. આપણને પજવતી દરેક લાગણીની ફક્ત નોંધ લેવાથી એ અદૃશ્ય થઈ જાય છે. તો હાથમાં કાગળ-પેન લઈ લો અને જે કંઈ પણ અનુભવતા હો એ લખો. જગતનો કોઈ ભાવ સ્થાયી નથી, એક પણ લાગણી પર્મનન્ટ નથી. સદાય ખુશ રહેવું કોઈના પણ માટે અશક્ય છે. ક્યારેક મુશળધાર વરસી પડતાં પ્રસન્નતા, આનંદ કે યુફોરિયાનાં ઝાપટાં વચ્ચે અપ્રિય લાગણીઓના તડકાને કુશળતાપૂર્વક સાચવી એને સંભાળી લેવાની આવડત એટલે જિંદગી.