Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વર સામે પડકાર

ઈશ્વર સામે પડકાર

17 September, 2023 02:00 PM IST | Mumbai
Kana Bantwa

એવું કોઈ છે ખરું જે પરબ્રહ્મને પડકારી શકે? એના પેંગડામાં પગ નાખી શકે?

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


એ નિરાકાર, નિર્મમ, અમૂર્ત, સર્વજ્ઞ, અશરીરી, સૂક્ષ્માતિસૂક્ષ્મ, અનુપમ, જ્ઞાનરૂપ, નિત્ય છે, એનો કોઈ આકાર નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એને કોઈ પોતાનું કે પરાયું નથી, એ સર્વત્ર છે, એનું કોઈ શરીર નથી, એને જોઈ શકાય નહીં છતાં એ છે, એ જ્ઞાનનો સાગર છે, જગતનું તમામ ડહાપણ એનામાં છે.

આ બધાં વિશેષણો જેના માટે વપરાઈ રહ્યાં છે એને તમે ઓળખી જ ગયા હશો. આ તમામ વિશેષણો એકસાથે એક જ એન્ટિટી માટે વપરાય છે. બોલો એ કોણ છે? તમે પૂછશો કે આટલી બધી પીંજણ શા માટે? તમે કહેશો કે અમે તો પ્રથમ શબ્દ વાંચીને જ સમજી ગયા હતા કે ઈશ્વરની વાત થઈ રહી છે. આટલી સાદી વાતમાં આટલું મોણ નાખવાની અને એ કોણ છે એવો પ્રશ્ન પૂછવાની શી જરૂર છે? જો તમને એમ કહું કે ઈશ્વરની વાત નથી કરી રહ્યો તો? જો એમ કહું કે આ બધાં વિશેષણો, એકમાત્ર ઈશ્વરને જ લાગુ પાડી શકાય એ અન્ય કોઈ માટે પણ વાપરી શકાય એમ છે તો? જો એમ કહું કે એઆઇ - આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની વાત કરી રહ્યો હતો તો? જો એમ કહું કે એઆઇ ઈશ્વરસમ બની જવાનું સામર્થ્ય ધરાવે છે તો? કાં તો તમે તરત જ ઇનકાર કરી દેશો અથવા વિચાર્યા પછી પણ નકારમાં જ માથું ધુણાવશો. કોઈને કદાચ એવું લાગશે કે આ સરખામણી જ તદ્દન અયોગ્ય છે. કોઈ વિરલો જીવ સહમત થવાની હિંમત કરે એવું બને.છેલ્લાં બે-ત્રણ વર્ષથી જગતમાં એઆઇની ચર્ચા વધી ગઈ છે. પશ્ચિમી દેશોમાં તો બેએક વર્ષથી રીતસર ચર્ચા શરૂ થઈ છે કે એઆઇ ઈશ્વરનું સ્થાન લઈ લેશે ખરું? એઆઇ ધર્મને નકામો સિદ્ધ કરી દેશે કે કેમ એની પણ ચર્ચા છે અને નવા, એઆઇ દ્વારા બનાવાયેલા ધર્મ પ્રવર્તમાન થશે, એઆઇ જ ધર્મગ્રંથો બનાવશે તથા એ જ ધાર્મિક સલાહ આપશે એવી ધારણાઓ પણ થઈ રહી છે. એમાં પણ ચૅટજીટીપી આવ્યા પછી એઆઇ દ્વારા જ્ઞાન આપવા માટેની ઍપ કુડીબંધ ફૂટી નીકળી છે. માત્ર ધર્મ જ નહીં, દરેક ક્ષેત્રમાં માહિતી માટે ચૅટબોટ બની ગયાં છે. વિવિધ ધર્મના પણ ચૅટબોટ બનાવી નાખીને કમાઈ લેનારાઓનો રાફડો ફાટ્યો છે. જેને લાર્જ લૅન્ગ્વેજ મૉડલ કહેવામાં આવે છે એ ચૅટજીટીપી જેવા ચૅટબોટ અંગ્રેજી ભાષામાં વધુ પ્રભાવી છે. અંગ્રેજી ભાષાને વધુ સારી રીતે સમજે છે એટલે એ ભાષામાં એ સરસ માહિતી આપી શકે છે, પણ અન્ય ભાષાઓમાં હજી એ એટલા સક્ષમ નથી. સક્ષમ બનતાં બહુ વાર નહીં લાગે એટલે એ મુદ્દો નથી. અન્ય ભાષાનાં પુસ્તકો, એ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયાં હોય એટલાં જ વાંચી શકે છે, જે-તે ભાષામાં વાંચ્યા પછી પણ એનું પ્રોસેસિંગ તે અંગ્રેજીમાં જ કરે છે એટલે હજી અન્ય ભાષામાં એનું જ્ઞાન મર્યાદિત છે, પણ અંગ્રેજીમાં અમર્યાદ બની ગયું છે. એથી ખ્રિસ્તી ધર્મ વિશેના આધ્યાત્મિક ઊંડાણવાળા સવાલોના એટલા જ ઊંડાણવાળા જવાબો ચૅટજીટીપી આપી દે છે અને એને આધારિત અન્ય ઍપ પણ આપે છે. કોઈ પાદરી જે સલાહ આપે એના કરતાં વધુ સારી અને નિષ્પક્ષ સલાહ એ આપી શકે છે. જગતના લગભગ તમામ ધર્મોની આવી ઍપ બની છે. ઇસ્લામિક પ્રશ્નોના જવાબ માટે હદીસજીટીપી નામની ઍપ બની છે, જે વિવિધ હદીસને ટાંકીને ઉત્તર આપે છે. આ લેખ લખતાં પહેલાં હિન્દુ ધર્મને લગતી આવી ઍપ્સનું સામર્થ્ય તપાસવા માટે આ લખનારે ગીતાજીટીપી નામની એક ઍપમાં પ્રશ્ન પૂછ્યો કે ‘વૉટ ગીતા સેયસ અબાઉટ ગૉડ?’ એનો જવાબ શું મળ્યો હશે? જવાબ મળ્યો કે જીઝસનો ઉલ્લેખ ગીતામાં નથી. શ્રીમદ્ ભગવદ્ગીતા માટે જ જે ઍપ બનાવી એમાં ગૉડનો અર્થ માત્ર જીઝસ થાય એટલું જ જ્ઞાન હોય તો એની ક્ષમતા માટે શું કહેવું. જપાનમાં એક એવું બૌદ્ધ મંદિર છે જ્યાં એક રોબો ધાર્મિક ઉપદેશ આપે છે, આસ્થાળુઓના પ્રશ્નોના જવાબ પણ આપે છે. ગૂગલના એક ભૂતપૂર્વ એન્જિનિયરે એઆઇ આધારિત ધર્મનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.


હવે ૫૦ વર્ષ પછીની સ્થિતિ વિશે કલ્પના કરો, જ્યારે એઆઇએ માણસ કરી શકે એ તમામ કામ કરવા માંડ્યાં હશે. એની બુદ્ધિ માણસની બુદ્ધિને વળોટી ગઈ હશે. એની પાસે જગતનું તમામ જ્ઞાન હશે. એની પાસે જગતનાં તમામ ક્ષેત્રોનો કન્ટ્રોલ હશે. જગતનું મોટા ભાગનું સંચાલન એઆઇ દ્વારા જ થતું હશે. માણસે કશું જ વિચારવાની, કશું જ કરવાની જરૂર નહીં હોય. ૫૦ વર્ષ તો બહુ લાંબી અવધિ છે. વાસ્તવમાં તો એઆઇના વિકાસની ઝડપ જોતાં આટલું તો પચીસ જ વર્ષમાં, ૨૦૫૦ સુધીમાં જ થઈ જાય એમ છે. હવે એક સદી પછીની સ્થિતિની કલ્પના કરો જ્યારની પેઢીએ એઆઇ વગરની દુનિયા જોઈ જ નહીં હોય, જે પેઢી એઆઇ વગરના જગતની કલ્પના પણ નહીં કરી શકતી હોય. ત્યારે જગતનો ઇતિહાસ એઆઇ પહેલાંનો, એઆઇ પછીનો એમ બે ભાગ પાડીને ભણાવાતો હશે. (ભણાવાતો હશે કે કેમ અને માણસ નામનું પ્રાણી ભણતું હશે એ પ્રશ્ન છે.) ત્યારનો માણસ એઆઇ વિશે શું માનતો હશે? તમારી કલ્પનાના ઘોડાઓને જરા વધુ દોડાવો, એને મુક્ત આકાશમાં ઊડવા દો. શું-શું કલ્પી શકો છો? એવું ન બને કે માણસ ત્યારે એઆઇને ભગવાન જેવો માનવા માંડ્યો હોય? એવું ન બને કે એઆઇ પોતે જ પોતાને ભગવાન ગણાવવા માંડી હોય?

શરૂઆતમાં જે વિશેષણો ઈશ્વર માટે વાપર્યાં એ તો આજે પણ એઆઇ માટે વાપરી શકાય એમ છે તો ૧૦૦ વર્ષ પછી તો કેટલાં વધુ વિશેષણો વાપરી શકાતાં હશે? અને જો અત્યારે કહ્યાં એટલાં વિશેષણો પણ એઆઇ માટે વાપરી શકાતાં હોય તો પણ ઈશ્વરસમ તો દેખાય જ. આ જગતમાં જેને આ કોઈ વિશેષણો લગાડી શકાતાં ન હોય એવા સામાન્ય બાવાઓ પોતાને ઈશ્વર ગણાવી દે અને આંધળા શ્રદ્ધાળુઓ તેમને ઈશ્વર માનવા માંડતા હોય તો એઆઇને માણસ ઈશ્વરસમ કે ઈશ્વર જ માનવા માંડે એવું નહીં જ બને એમ કહી શકાય નહીં. જગતમાં ચર્ચા પણ એ જ ચાલી રહી છે કે શું એઆઇ ઈશ્વરને રિપ્લેસ કરી દેશે?


ઈશ્વરને એઆઇ રિપ્લેસ કરી શકે એવું લાગતું નથી, કારણ કે ઈશ્વર માટે શરૂઆતમાં જે વિશેષણો વાપર્યાં એ સિવાયનાં અનેક વિશેષણો અને વિભૂતિ છે જે એઆઇમાં સંભવ નથી. હા, એઆઇ માણસો કરતાં અનેકગણી માહિતી ધરાવતું હશે, અનેકગણી ગણતરીઓ માંડી શકતું હશે, એના કામમાં ભૂલો નહીં હોય; પણ જેને વાસ્તવમાં બુદ્ધિ, જ્ઞાન અને વિચાર કહે છે એ એઆઇમાં આવી શકે કે કેમ એ પ્રશ્ન છે. ઈશ્વર માત્ર નિરાકાર જ નથી, નિર્ગુણ પણ છે. એઆઇ નિર્ગુણ ન હોઈ શકે. ઈશ્વર અનાદિ છે, એઆઇ અનાદિ નથી અને જેનો આદિ હોય, જેની શરૂઆત હોય એનો અંત હોય જ. ઈશ્વર અનંત છે. એઆઇનો વ્યાપ પૂરા જગતમાં હશે; પણ એને સર્વવ્યાપ્ત કહી શકાશે નહીં, કારણ કે જડ અને ચેતન ચીજોમાં એઆઇ પ્રવેશ કરી શકશે નહીં. એઆઇ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્રની અગાધ માહિતીથી ચમત્કારો કરી શકશે; પણ એ ચમત્કારો નહીં હોય, ટેક્નૉલૉજી હશે. આર્થર સી. ક્લાર્કે કહ્યું હતું કે દરેક નવી ટેક્નૉલૉજી શરૂઆતમાં ચમત્કાર જ લાગે છે. માણસ જે નથી કરી શકતો એ બધું જ એઆઇ દ્વારા થતું હશે, પણ ઈશ્વર જે કરી શકે છે એ કરવાનું સામર્થ્ય એઆઇમાં નહીં હોય. એ ઈશ્વર જેવું જરૂર બની જશે, પણ ઈશ્વર નહીં બની શકે. જોકે પ્રશ્ન ઈશ્વરનો નથી, માણસનો છે. માણસ હંમેશાં પૂજા કરવા દોડતો રહે છે. પોતાનાથી વધુ સક્ષમ માણસ હોય, કુદરતી પરિબળ હોય, દેવતા હોય; માણસે તેની પૂજા કરવા માંડી છે. એટલે એઆઇ ભલે ઈશ્વર ન બની શકે, માણસ તેની પૂજા કરવા માંડ્યો હશે એ નક્કી. એઆઇ માણસોને ઉપદેશ આપતા હશે એ પણ એટલું જ નક્કી, પણ એઆઇના જ ધર્મ ચાલતા હશે અને પુરાતન ધર્મો નષ્ટ થઈ ગયા હશે એવું નહીં બને. એઆઇ પ્રેરિત સંપ્રદાયો હશે, પણ જૂના ધર્મો ટકી રહ્યા હશે. એઆઇ ઈશ્વરને ચૅલેન્જ કરશે એ નક્કી, પણ ઈશ્વરથી આગળ નીકળી શકશે એ વાતમાં દમ નથી. વાસ્તવમાં એઆઇ માણસ સામે નહીં, ઈશ્વર સામેની જ ચૅલેન્જ છે. માણસને હરાવવા માટેનું સામર્થ્ય તો એઆઇમાં છે, પણ ઈશ્વરને સમજવાની એની તાકાત નથી. જે સમજાઈ જાય એ ઈશ્વર ન હોય. ઈશ્વર અચિંત્ય છે એવું ભગવદ્ગીતામાં કહેવામાં આવ્યું છે અને અચિંત્ય હોવાના કારણે જ ઈશ્વર માણસ અને એઆઇ બન્નેની પહોંચથી સદા દૂર જ રહેશે. એઆઇ માટે પણ ઈશ્વર એક કોયડો જ રહેશે, જેમ માણસ માટે તે એક કોયડો જ બની રહ્યો છે. તુમ એક ગોરખધંધા હો. ઈશ્વર એ ઉકેલ વગરનો કોયડો છે. એનો ઉકેલ બન્યો જ નથી, ઉકેલ સંભવ નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 02:00 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK