બધા ૩૬૫ દિવસ આપણા માટે આવા એક ડે જ છે. થોડાંક વર્ષોથી આપણે આવો દિવસ ઊજવી રહ્યા છીએ એ પશ્ચિમી પ્રથાનો આપણે સ્વીકાર કર્યો હોય એવું લાગે છે.
પ્રતીકાત્મક તસવીર
ફાધર ન હોય એવો એકેય માણસ ક્યાંય શોધ્યો જડશે નહીં. જે કંઈ ચૈતન્ય નજર સામે દેખાય છે એ ચૈતન્ય ફાધર વિના હોઈ શકે નહીં અને આમ છતાં આજે આપણે જે ફાધર્સ ડેની વાત કરી રહ્યા છીએ એ ડે વિશે આપણામાંથી ભાગ્યે જ કોઈ કશું જાણતું હશે. ફાધર્સ ડે, મધર્સ ડે, ગ્રૅન્ડ પેરન્ટ્સ ડે અને હવે તો સિબલિંગ ડે સુધ્ધાં માનતા-મનાવતા આપણે થઈ રહ્યા છીએ. આવી કોઈ ઉજવણી આપણી પરંપરા નથી. આપણા ફાધર, મધર, ગ્રૅન્ડ પેરન્ટ્સ ડે આ બધું એક દિવસ પૂરતું હોતું નથી. જે ઘરમાં અને જે પરિવારમાં આપણે રહીએ છીએ, જે રીતે આપણે ઉછેર પામ્યા છીએ એમાં ક્યાંય આવો કોઈ એકાદ દિવસ નથી હોતો. બધા ૩૬૫ દિવસ આપણા માટે આવા એક ડે જ છે. થોડાંક વર્ષોથી આપણે આવો દિવસ ઊજવી રહ્યા છીએ એ પશ્ચિમી પ્રથાનો આપણે સ્વીકાર કર્યો હોય એવું લાગે છે.
આ કૅથલિક પરંપરા છે. એ ક્યાંથી આવી અને ક્યારે આવી એના સહેજ ઊંડાણમાં જઈએ તો કૅથલિક ખ્રિસ્તીઓ ૧૫૧૦ની સાલથી આ પ્રથા ઊજવી રહ્યા હોય એવું લાગે છે. અમેરિકાએ આ પ્રથાનો સ્વીકાર ૧૯૧૦થી કર્યો છે. ઘણા દેશોએ અને ઘણી ધાર્મિક પરંપરાઓએ આવી ઉજવણી સ્વીકારી લીધી છે ખરી, પણ દરેકના દિવસ જુદા-જુદા હોય છે. સૌથી રસપ્રદ અને મજાની વાત રોમન કાયદો છે. રોમન કાયદો આવી કોઈ પરંપરા વિશે વાત કરતાં એવું કહે છે કે પિતા કોણ છે એ કોઈ જાણતું નથી, માત્ર માતા જ નિશ્ચિત છે. વાત વિચાર કરતા કરી મૂકે એવી છે, પણ એનો અમલ કઈ રીતે થઈ શકે? વાતમાં સચ્ચાઈ હોય તો પણ એનો સ્વીકાર કરવો ગમે એવી આ વાત નથી.
ADVERTISEMENT
પ્રત્યેક સમયે અને સમાજે માતા વિશે ભરપૂર ગુણગાન ગાયાં છે. માતૃત્વનો મહિમા કર્યા વિના ચાલે એમ પણ નથી અને આમ છતાં પિતા વિના આ માતૃત્વ શક્ય હોત ખરું? પરિવાર જે રીતે માતા દ્વારા ટકી રહેલો છે એ જ રીતે પિતાનું પણ યોગદાન કંઈ ઓછું ન કહેવાય. એવું કહેવાય છે કે બાળક માતા અને પિતા બન્ને પાસેથી જે મેળવે છે એ તરફ થોડીક નજર કરવા જેવી છે. સમાજ પશ્ચિમી હોય કે પછી પૌર્વાત્ય હોય, બાળકના ઉછેરમાં માતા દ્વારા જે લાગણીનું સિંચન થાય છે એ સમાજનું ઘડતર કરે છે. એવું પણ કહેવાય છે કે જે રીતે લાગણી માતા દ્વારા પ્રાપ્ત થાય છે એ જ રીતે બુદ્ધિધન તેને પિતા દ્વારા જ મળે છે. એનો અર્થ એવો નથી કે માતા પાસે બુદ્ધિધન ઓછું હોય છે કે પિતા પાસે લાગણીપ્રધાન તત્ત્વ ઓછું હોય છે, પણ જે રીતે આ વાત કહેવાઈ છે એ જોતાં લાગણી અને બુદ્ધિની આ વાત વિચાર કરવા જેવી તો છે જ.
આપણે અને આપણા પિતા
પિતા વિશે વાત કરતી વખતે કે તેમને સંભારતી વખતે આપણે ક્યારેક ગદ્ગદ થઈ જઈએ છીએ ખરા, પણ વ્યવહારમાં જોઈએ છીએ ત્યારે પિતા વિશે આપણે પુનર્વિચાર કરવો પડે. માતાએ પુત્રને શાપિત કર્યો હોય કે પછી તેને પીડિત કર્યો હોય એવું ઉદાહરણ આપણને ભાગ્યે જ મળશે, પણ પિતાએ પુત્રને શાપિત કર્યો હોય એવા દાખલા આપણા પ્રાચીન સાહિત્યમાં પૂરતા પ્રમાણમાં મળી આવે છે. જમદગ્નિએ ચાર પુત્રોને માતૃવધ માટે પોતાની આજ્ઞાનો અસ્વીકાર કર્યો એટલે શાપિત કર્યા. પુત્ર પરશુરામ દ્વારા માતા રેણુકાનો વધ કરાવ્યો આવું ઉદાહરણ બીજે ક્યાંય નહીં હોય. અજાતશત્રુ બિંબિસારનો ઇતિહાસ લગભગ સૌ જાણતા હોય છે. અજાતશત્રુએ પિતા બિંબિસારને ભૂખ્યા-તરસ્યા મારી નાખ્યા હતા એવો ઇતિહાસ છે અને અજાતશત્રુની એ પછીની છ પેઢીમાં પિતા-પુત્ર કલહ થતો રહ્યો અને પુત્ર પિતાના મૃત્યુનું કારણ બનતો રહ્યો હતો. ઇસ્લામના ઇતિહાસમાં જોઈએ તો સુલતાન બનવા માટે અનેક શાહજાદાઓએ પિતૃહત્યા કરી છે, પણ એનો અર્થ એવો નથી કે પિતા-પુત્રના સંબંધોમાં હંમેશાં કડવાશ જ હોય. પિતા-પુત્રના સંબંધોમાં સંપૂર્ણ સમર્પણ અને સ્નેહનું સર્વોચ્ચ શિખર જોઈ શકાય છે. રાજા દશરથ રામના વિયોગથી છઠ્ઠે દિવસે જ મૃત્યુ પામ્યા હતા. કવિ દલપતરામે પિતા વિશે લખેલા એક કાવ્યમાં આમ કહ્યું છે:
છડો હું હતો છોકરો છેક છોટો
પિતા, પાળી પોષી મને કીધ મોટો
રૂડી રીતથી રાખતા રાજી રાજી
ભલા, કેમ આભાર ભૂલું, પિતાજી?
મને નીરખતાં નેત્રમાં નીર લાવી
લઈ દાબતા છાતી સાથે લાવી
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી
ભલા, કેમ આભાર ભૂલું, પિતાજી?
પિતાનો પુનર્જન્મ
આપણી ભાષામાં જાયા શબ્દ અહીં યાદ કરવા જેવો છે. જાયા એટલે જન્મ. સ્ત્રી પોતાના બાળકને જાયા કહે છે. અન્યો પણ આ બાળક માટે અમુકતમુક સ્ત્રીના જાયા એવી ઓળખાણ આપે છે. પિતા માટે સંસ્કૃત ભાષામાં પણ જાયા શબ્દ વપરાયો છે. અહીં એવું કહેવામાં આવે છે કે પિતા અવતાર પૂરો કરીને પુનર્જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે તેના ચિત્તમાં કેટલીક આકાંક્ષાઓ હોય છે. આ આકાંક્ષાઓને તે પત્ની દ્વારા પુનર્જન્મ મેળવીને પુત્ર સ્વરૂપે નવું જીવન મેળવે છે. આ નવું જીવન એટલે એકંદરે પત્નીના જાયા જ થાય છે. આમ પતિ પત્ની દ્વારા જે પુત્રને પ્રાપ્ત કરે છે તે પુત્ર પત્નીનું સંતાન તો કહેવાય જ, પણ આ સંતાન પત્નીના જાયા તરીકે પણ વપરાય છે અને આ જાયા સાથે પેલો પતિ પુનર્જન્મ ધારણ કરે છે.
માતા અને પિતા
ઝવેરચંદ મેઘાણીએ પોતાના એક કાવ્યમાં માતા અને પિતા બન્નેના મહત્ત્વનું ગીત ગાયું છે. અંતિમ શ્વાસ લઈ રહેલા એક પુત્રે પોતાની પાસે ઊભેલા મિત્ર દ્વારા માતા અને પિતા એ બન્નેનો ભાવસ્વીકાર કર્યો છે...
પહેલા પરણામ મારાં માતાજીને કેજો,
માન્યું જેણે માટીને રતનજી,
બીજા પરણામ મારા પિતાજીને કેજો
દેખાડી જેણે શેરીની વાટજી...

