સંસ્કૃતમાં બ્રહ્મ શબ્દ પુરુષવાચક નથી, નાન્યતર છે. નિરાકાર બ્રહ્મ તો કશું જ ન હોય, મહાશૂન્ય હોય : અર્ધનારીશ્વર સ્વરૂપે શિવ સ્ત્રી અને પુરુષનું સંતુલન સાધતાં શીખવે છે

ઈશ્વર ઉર્ફે બ્રહ્મ પુરુષ છે કે સ્ત્રી?
ઈશ્વર સ્ત્રી છે કે પુરુષ એવું તમને જો પૂછવામાં આવે તો તેને તરત જ જવાબ આપશો કે પુરુષ. થોડું વિચારીને જવાબ આપવાનું કહેવામાં આવશે તો તમે ગૂંચવાશો. વધુ વિચારવાનું કહેવામાં આવશે તો ખૂબ જ ગૂંચવાઈ જશો. એક કથા વાંચો. શ્રાવણ મહિનો છે એટલે શિવજીની કથા : ભૃંગી ઋષિ શંકરના અનન્ય ભક્ત હતા, પણ જડભરત હતા. માત્ર શિવજી સિવાય કોઈની પૂજા નહીં જ એવી માન્યતા તેમનામાં હતી એટલે પાર્વતીનું પણ તેઓ પૂજન કરતા નહીં. એક વખત ભૃંગી ઋષિ કૈલાસ પર્વત પર ભોલેનાથની પૂજા માટે ગયા. પૂજા માત્ર શંકરની કરી એટલે પાર્વતીએ તેમને કહ્યું કે આ યોગ્ય નથી. શંકર ભગવાને પણ ઋષિને પાર્વતીની વંદના કરવા કહ્યું, પણ ભૃંગી ઋષિ ન માન્યા. તે શિવની
એકલાની પ્રદક્ષિણા કરવા માંડ્યા એટલે શિવજીએ પાર્વતીને એકદમ લગોલગ બેસાડી દીધાં. ભૃંગી ઋષિ તો પણ ન સમજ્યા. સર્પનું રૂપ લઈને બંને વચ્ચેથી નીકળીને એકલા શંકરની પ્રદક્ષિણાનો પ્રયત્ન કર્યો. ત્યારે ત્રિપુરારિએ પાર્વતીને પોતાના દેહમાં સમાવી લીધાં. અડધું શરીર મહાદેવનું અને અડધું પાર્વતીનું. અડધું શરીર પુરુષનું, અડધું સ્ત્રીનું. જડભરત ભૃંગી ઋષિએ તો પણ તંત ન છોડ્યો. ઉંદરનું રૂપ લઈને અર્ધનારીશ્વરને વચ્ચેથી કોતરવા માંડ્યા. ત્યારે મા શક્તિએ પ્રગટ થઈને ઋષિને શાપ આપ્યો કે તું નારી સ્વરૂપની ઉપેક્ષા કરે છે એટલે તારા શરીરમાં તારી માતાને લીધે જે મળ્યું છે એ વિસર્જિત થઈ જશે. એવું મનાય છે કે શરીરમાં હાડકાં વગેરે જે અક્કડ વસ્તુઓ છે એ પિતા તરફથી અને માંસ-લોહી વગેરે નરમ વસ્તુઓ માતા તરફથી મળે છે. ઋષિ તરત જ માંસ-લોહી, મજ્જા વગરના થઈને પડ્યા. ચાલવાની પણ શક્તિ ન રહી. ત્યારે પાર્વતી અને શંકરે તેમને ચાલી શકે એ માટે ત્રીજો પગ આપ્યો. અર્ધનારીશ્વર સ્વરૂપ અંગે બીજી કથા કંઈક આવી છે : બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પછી એ સ્વયં વૃદ્ધિ પામનાર બની રહેવી જોઈએ એવું બ્રહ્માજીએ વિચાર્યું અને મૈથુન દ્વારા વૃદ્ધિ પામનાર સૃષ્ટિની રચના કરવા મહાદેવનું ધ્યાન ધર્યું. મહાદેવે પ્રસન્ન થઈને તેમને અર્ધનારીશ્વરરૂપ દર્શન આપીને સંકેત કર્યો કે સ્ત્રીની રચના કરો.
પ્રશ્ન છે કે ઈશ્વર પુરુષ છે કે સ્ત્રી? આ પ્રશ્ન હિન્દુ ધર્મમાં તો ઓછો પુછાય છે પણ ખ્રિસ્તી ધર્મમાં બહુ પુછાય છે, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને પિતા કહેવામાં આવ્યો છે. ઈશુને તે પિતાના પુત્ર કહેવામાં આવ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં જે ટ્રિનિટી છે તે ફાધર, સન અને હોલી ઘોસ્ટની છે. માત્ર ખિસ્તી જ નહીં, અબ્રાહમીય ધર્મમાંથી જે ધર્મો બન્યા છે - ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી આ તમામ ધર્મોમાં ઈશ્વરને પુરુષ તરીકે સંબોધવામાં આવ્યા છે. હવે જ્યારે વિશ્વ વિકસી ગયું છે ત્યારે ખ્રિસ્તી ધર્મના અમુક ધર્મગુરુઓને સમજાયું કે ઈશ્વરને પુરુષ ગણવા યોગ્ય નથી. એટલે ભૂલ સુધારવા માટે તેમણે બે કામ કર્યાં. હમણાં થોડાં વર્ષ પહેલાં એના એક ફિરકા એન્ગ્લિકન કૉમ્યુનિયને પોતાની પાંચ સદી જૂની પ્રેયર બુકમાં સુધારા કરીને જ્યાં ઈશ્વર માટે કિંગ, ફાધર, હી વગેરે પુરુષવાચક સંજ્ઞાઓ હતી એને બદલી નાખી. ખ્રિસ્તી ધર્મના મૂળમાં બહુ શરૂઆતમાં ઈશ્વર નારી જાતિની નજીક હતા. હિબ્રૂ બાઇબલમાં કહેવાયું છે કે ઈશ્વરે ઇસ્રાયલને જન્મ આપ્યો. અબ્રાહમીય ધર્મ જૂની સુમેરિયન સંસ્કૃતિમાંથી ઉદ્ભવ્યો હતો. સુમેરિયન સંસ્કૃતિમાં ઈશ્વરને પત્ની ધરાવનાર કહેવામાં આવ્યા છે અને ઈશ્વરની પત્નીનું નામ અશેરા હતું. અબ્રાહમીય ધર્મોમાંથી ધીમે-ધીમે અશેરાને દૂર કરી દેવામાં આવી. એના ધર્મગ્રંથોમાંથી અશેરાનું નામ કાઢી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ ઈશ્વર એક જ છે, સિંગલ છે, વિશ્વના સૃષ્ટા છે, તેના સિવાય કોઈ જ નથી એવું કહેવામાં આવ્યું. હવે ખ્રિસ્તી ધર્મ ઈશ્વરને જેન્ડરલેસ ગણાવવાનું પસંદ કરે છે, પણ ફાધર શબ્દ તેઓ દૂર કરી શક્યા નથી.
હિન્દુ ધર્મમાં ભગવાન અને પરબ્રહ્મની વ્યાખ્યા અલગ છે. બ્રહ્મ, જેની સ્તુતિ પુરુષ સૂક્ત દ્વારા થઈ છે અને જેને પુરુષ તરીકે, પરમ પુરુષ તરીકે વર્ણવાયા છે તે જગતનિયંતા નથી પુરુષ કે નથી સ્ત્રી. તે સ્ત્રી અને પુરુષથી પર છે એટલે તે પુરુષ અને સ્ત્રી બંને છે. એટલે જ સંસ્કૃતમાં બ્રહ્મ શબ્દ પુરુષવાચક નથી, નરજાતિ નથી પણ નાન્યતર છે. નિરાકાર બ્રહ્મ તો કશું જ ન હોય, મહાશૂન્ય હોય. બ્રહ્મ વાસ્તવમાં જેન્ડરથી પર છે. હિન્દુ દર્શનમાં દેવીઓ અને દેવતાઓ છે એ તો સામાન્ય છે, પણ ભગવાન વિષ્ણુ પોતે સ્ત્રી બની શકે છે. જ્યારે સમુદ્રમંથન થયું અને અમૃત નીકળ્યું ત્યારે દાનવોને મોહિત કરવા માટે વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈને સ્ત્રી બન્યા હતા. આ મોહિની સ્વરૂપથી દાનવો તો મોહિત થયા જ, શિવજી પણ મોહિત થઈ ગયા. શિવજીએ પણ કૃષ્ણની રાસલીલામાં જોડાવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું અને ગોપેશ્વર કહેવાયા હતા. હિન્દુ ધર્મમાં દેવતાઓ કે યક્ષો સ્ત્રી બન્યા હોય એવા અનેક દાખલા છે.
પરબ્રહ્મ પરમાત્મા અને તેમના સાકાર રૂપ સમાન અવતારો અને દેવતા, ભગવાન વચ્ચે હિન્દુ દર્શન સ્પષ્ટ ભેદ પાડી આપે છે. એટલે હિન્દુ દેવતાઓ પુરુષ છે, દેવીઓ નારી જાતિ છે. બ્રહ્મા પણ પુરુષ છે, શંકરનાં સતી સાથેનાં લગ્ન વખતે બ્રહ્માને સ્ખલન થઈ જતાં શિવજીએ તેમનું એક માથું કાપી નાખ્યું હતું. આ ઘટના બ્રહ્માને પુરુષ સાબિત કરે છે. વિષ્ણુ પુરુષ છે અને તેમનાં પત્ની લક્ષ્મીની સાથે ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. છતાં વિષ્ણુમાં સ્ત્રીની કમનીયતા, મોહકતા અને ઋજુતા છે. વિષ્ણુ થોડા ફેમિનાઇન છે, બ્રહ્મા જરા પણ ફેમિનાઇન નથી. શિવ તો આલ્ફા મૅન હોવા છતાં તેમના અન્ય કોઈ જ સ્વરૂપમાં ક્યાંય જરા પણ સ્ત્રીસહજ લક્ષણો ન હોવા છતાં અર્ધનારીશ્વર તરીકે તેમનામાં પુરુષ અને સ્ત્રીનું સંતુલન છે. શિવજી અદ્ભુત વિરોધાભાસના સ્વામી છે. એક તરફ તે તાંડવ કરે છે, રુદ્રરૂપે ક્રોધી છે, ગુસ્સામાં આવીને બ્રહ્માથી માંડીને સસરા દક્ષ પ્રજાપતિનાં માથાં કાપી નાખે છે, આલ્ફા મૅન, અત્યંત પુરુષ છે અને બીજી તરફ અર્ધનારીશ્વર છે. ઈશ્વરમાં સ્ત્રી અને પુરુષ બેયનો સમન્વય હોય એ વાત શિવજી અર્ધનારીશ્વરરૂપે સમજાવે છે. પુરુષ અને પ્રકૃતના મિલનને તેઓ દર્શાવે છે. બન્ને એકબીજા વગર અધૂરા છે. શંકર ઊર્જારૂપ છે, પાર્વતી શક્તિરૂપ. શિવજી રુક્ષ છે, પાર્વતી કોમળ. મહાદેવ તાંડવ નૃત્ય કરે છે, પાર્વતીનું નૃત્ય લાસ્ય કહેવાય છે. શંભુ પુરુષ છે, શૈલપુત્રી પ્રકૃતિ છે. અર્ધનારીશ્વરમાં બન્નેનું સંતુલન છે. વિજ્ઞાને હવે શોધ્યું છે કે પુરુષોમાં અમુક ગુણો, અમુક હિસ્સો સ્ત્રી હોય છે. સ્ત્રીમાં થોડા પુરુષ હોય છે - સ્વભાવ, ગુણ, કદ-કાઠી કે માનસિકતામાં. અર્ધનારીશ્વર આ રહસ્ય સમજાવે છે. યોગી જ્યારે પોતાની અંદર ઊતરી જાય છે ત્યારે તેને સમજાય છે કે તે પુરુષ અને સ્ત્રી બંને છે. સામાન્ય માણસમાં પુરુષતત્ત્વ અને સ્ત્રીતત્ત્વનું સંતુલન નથી હોતું. શિવ અર્ધનારીશ્વરરૂપે આ બન્નેનું સંતુલન શીખવે છે. અર્ધનારીશ્વર સ્વરૂપ આ સંતુલન સાધવા આહવાન આપે છે. આપણે અંતિમો પર જીવનારા છીએ. પુરુષમાં આપણને માત્ર પુરુષના જ ગુણો સોએ સો ટકા જોઈએ છે. પુરુષમાં જરા પણ સ્ત્રીપણું દેખાઈ જાય, એકાદ ગુણ પણ મહિલાનો જોવામાં આવે તો તે સ્વીકારી શકતો નથી અને એ જ રીતે સ્ત્રીમાં પુરુષના કોઈ ગુણ દેખાય તો તેને ભાયડાછાપ
કહીને તેનું સ્ત્રીત્વ ઝૂંટવી લઈએ છીએ. અહીંથી જ સમસ્યા ચાલુ થાય છે. પુરુષમાંના સ્ત્રીત્વને અને સ્ત્રીમાંના પુરુષત્વને સ્વીકારવાનું શરૂ થશે ત્યારે જ સાચી સમાનતા આવશે.

