Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સફળતા મળ્યા પછી રસ્તો બદલાવવાને બદલે એ જ કરો જે કામે તમને સક્સેસ દેખાડી હોય

સફળતા મળ્યા પછી રસ્તો બદલાવવાને બદલે એ જ કરો જે કામે તમને સક્સેસ દેખાડી હોય

19 November, 2022 07:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અપ્રામાણિકતાથી એક રાત સારી જાય અને કામચોરી તમારા થોડા કલાકો પસાર કરી આપે, પણ જો તમે ઈમાનદારીને પકડી રાખો તો એ તમને લાઇફટાઇમ સુખ-શાંતિ આપે

સફળતા મળ્યા પછી રસ્તો બદલાવવાને બદલે એ જ કરો જે કામે તમને સક્સેસ દેખાડી હોય

સેટરડે સરપ્રાઈઝ

સફળતા મળ્યા પછી રસ્તો બદલાવવાને બદલે એ જ કરો જે કામે તમને સક્સેસ દેખાડી હોય


તમારી નિષ્ઠા, તમારી પ્રામાણિકતા, તમારી ધીરજ જ તમને સફળતા સુધી લઈ જવાનું કામ કરે છે. બેઈમાની ક્યારેય સક્સેસ ન આપે. અપ્રામાણિકતાથી એક રાત સારી જાય અને કામચોરી તમારા થોડા કલાકો પસાર કરી આપે, પણ જો તમે ઈમાનદારીને પકડી રાખો તો એ તમને લાઇફટાઇમ સુખ-શાંતિ આપે

તમે સારું કામ કરતા રહો, કામને તલ્લીનતાથી કરો, ધગશથી કરો, પૂરી ઈમાનદારીથી કરો તો સક્સેસ મળે જ મળે અને કામ પણ મળતું રહે. પછી ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય, પરંતુ કામ તમને શોધીને તમારી પાસે આવે. સફળતાનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ જ છે કે તમે નહીં પણ તમારું કામ બોલે અને તમારી સાથે કામ કર્યું હોય એ લોકો બોલે. 



નાનપણથી મને ઍક્ટિંગનો શોખ. તમે એવું કહી શકો કે મને આ એક જ કામ ગમે. સ્કૂલ એજ્યુકેશન દરમ્યાન એટલે કે ૨૦૦૧માં મેં નાટકોની શરૂઆત કરી અને પછી એ જર્ની ચાલુ જ રહી. મેં ઘણાં નાટકોમાં ઍક્ટિંગ કરી અને પછી તો નાટક ડિરેક્ટ પણ કર્યાં અને પછી પ્રોડ્યુસ પણ કર્યાં. બહુ ઓછા લોકોને ખબર છે કે મેં બે નાટક લખ્યાં હતાં. આ બધું કરવાનું કારણ એક જ કે આ મારું ગમતું કામ હતું અને મારે આ ગમતા કામમાં આવતાં દરેક પાસાં સમજવાં હતાં. આ બધી વાતોનો હેતુ શું છે એ તો હું કહીશ, પણ અત્યારે આપણે આ જ વાતને કન્ટિન્યુ કરીએ.
મારા આ કામમાં મને ક્યારેય રૂટીન જેવું નહોતું લાગ્યું કે એવું નહોતું લાગતું કે મારા કામમાં નૉવેલ્ટી નથી. 
મારી ફૅમિલીમાં બધા જ આર્કિટેક્ટ. મારા ફાધર અને બ્રધર બન્ને આર્કિટેક્ટ એટલે હું પણ આર્કિટેક્ટ થયો અને એજ્યુકેશન પૂરું કરીને મેં ઑફિસ જૉઇન કરી. ઑફિસનું કામ પણ કરવાનું અને સાથે નાટકો પણ કરું. નાટકોનો મોડો ઍડ્વાન્ટેજ એ જ કે એનાં રિહર્સલ્સ સાંજે હોય અને શો રાતનો હોય એટલે દિવસભર તમે ઑફિસ પણ અટેન્ડ કરી શકો. 
મારી પહેલી ફિલ્મ મેં ૨૦૧૬માં કરી, ‘હુતુતુતુ - આવી રમતની ઋતુ’. આ ફિલ્મ પછી મારી લાઇફમાં ઘણું બધું ચેન્જ થયું એમ કહું તો ખોટું નહીં કહેવાય. એ ફિલ્મની એક ખાસ વાત કહું. ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ ફર્સ્ટ ટાઇમ ફિલ્મમેકર હતા. ફિલ્મનું કામ ઈઝી નથી એટલે પુષ્કળ સમય આપવો પડે, જેને લીધે મેં ઑફિસમાંથી રજા લઈ ફુલટાઇમ ઍક્ટિંગ પર ફોકસ કરવાનું શરૂ કર્યું અને બાય ગૉડ ગ્રેસ, મને સક્સેસ પણ મળી. મેં ૧૫ વર્ષ થિયેટર કર્યું હતું એટલે ઍક્ટિંગમાં એક રીતે જોવા જાઓ તો ફિલ્મ એ મારી કરીઅર માટે વન-અપ જ હતી. જ્યારે ફિલ્મો કરવાની શરૂઆત કરી ત્યારે જે મેં નક્કી રાખ્યું હતું કે સ્ક્રિપ્ટ અને કૅરૅક્ટર ગમે તો જ ફિલ્મ કરવી, નહીં તો પ્રેમથી ના પાડી દેવી.
પહેલી ફિલ્મથી જ સક્સેસ મળી એવું નહોતું, પણ હા, એટલું ખરું કે એ વખતે મારે શું કરવાનું છે એ હું ત્યારે પણ આટલી જ ગંભીરતાથી જાણતો હતો અને એવું જ મારી સાથે કામ કરનારાઓનું પણ હતું. તેમને ખાતરી હતી કે મારી સાઇડથી કોઈ કામમાં કોઈ ફરિયાદ નહીં આવે. મને લાગે છે કે એ ખરેખર સારી વાત છે કે જે લોકો સાથે હું કામ કરતો હતો તેમના પર મને વિશ્વાસ હતો અને તેમને મારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો. આ તમારી સક્સેસનું બૅરોમીટર છે અને તમારે એને ફૉલો કરવું પડે.
મને આજે પણ યાદ છે કે મારે જે ફિલ્મમેકર સાથે કામ કરવું હતું એ ફિલ્મમેકરની એક ફિલ્મ મને ઑફર થઈ અને છતાં હું એ ફિલ્મ કરી શક્યો નહીં, કારણ કે એ વખતે હું બીજી ફિલ્મ કરતો હતો અને એનું શેડ્યુલ એ ફિલ્મ સાથે મૅચ થતું નહોતું. મારી પાસે ઑપ્શન એવો હતો કે હું મારી એ ફિલ્મને લટકાવી દઉં, પણ એ અન્યાય છે અને આર્ટ સાથે થયેલો અન્યાય ક્યારેય સફળતા ન આપે. બસ, આ જ વાત પર મેં મારી જાતને તૈયાર કરી અને મેં મારા ફેવરિટ ફિલ્મમેકરને ના પાડી દીધી. એ ફિલ્મ સુપરડુપર હિટ રહી અને એ પછી પણ મને એ ફિલ્મ જતી કરવાનો કોઈ અફસોસ નથી. ઊલટું, મને મારા પર ગર્વ થયો કે મેં જે કામ કર્યું છે અને મારે જે કામ કરવું છે એના હું રાઇટ ટ્રૅક પર છું. 
આ જે રાઇટ ટ્રૅકની વાત છે એ તમને સફળતા સુધી લઈ જાય છે. મારા હિસાબે સફળતા એટલે કામ મળતું રહે, ગમતું કામ મળતું રહે, ગમતું કામ કરતા રહો અને કામમાં નૉવેલ્ટી મળતી રહે અને સાથોસાથ તમે હંમેશાં વૅલ્યુ એડિશન કરી શકો, તમારા એ કામથી તમારામાં કશું વન-અપ થતું રહે એ સફળતા. 
મેં કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે કામ કર્યું. મેં વિજયગિરિ બાવા સાથે કામ કર્યું. આ બન્ને આજે ગુજરાતી ફિલ્મોના બહુ સારા ડિરેક્ટર. કેડી સર એટલે કે કૃષ્ણદેવ યાજ્ઞિકને તો મેં જ વાત કરી હતી કે મારે તમારી સાથે ફિલ્મ કરવી છે અને મને એમાં કશું ખોટું લાગતું નથી કે તમારે કોઈની સાથે કામ કરવું છે અને તમે તેમને સામેથી વાત કરો છો. 
તેમની સાથેની મારી ‘નાડીદોષ’ ફિલ્મ મારી અત્યાર સુધીની સૌથી મોટી સક્સેસ છે. કેડી સર કે પછી વિજયગિરિ બાવા કે પછી મારા બીજા કોઈ ડિરેક્ટરે મને કયારેય કોઈ વાતની રોકટોક કરી નથી કે પછી સીનમાં બેટરમેન્ટ માટે ના પાડી નથી. આ જ મારે મન સફળતા છે. હું એ પણ કહીશ કે મને સફળતા મળી અને એ સફળતા મને ગમતા લોકો સાથે કામ કરીને, ગમતું કામ કરીને મળી જેની મને ખુશી છે.
સફળતા ટકાવવા શું કરવું જોઈએ એવું મને કોઈ પૂછે તો મારો બહુ સરળ જવાબ છે કે મેં જે કર્યું છે એ જ મારે કરવાનું છે. મારે જે ગમતું કામ હતું એ મેં કર્યું અને એ જ આગળ હું કરવાનો છું. હવે એવું નથી કે આગળ જતાં માત્ર ને માત્ર મેઇન સ્ટ્રીમની કે પછી મસાલા ફિલ્મો જ મારે કરવી છે કે પછી હું હવે પ્રયોગાત્મક ફિલ્મ કરીશ. ના, મને જે ઑપોર્ચ્યુનિટી મળી છે એનો મેં સદુપયોગ કર્યો છે અને મને ગમતું કામ કર્યું છે. એમાંથી સફળતા મળી છે તો સિમ્પલ વાત એક જ થાય કે હવે કોઈ ફૉર્મ્યુલા પકડવાને બદલે હું એ જ રસ્તા પર ચાલું જે રસ્તા પર આજ સુધી ચાલતો રહ્યો છું. 
સફળતાની આનાથી મોટી કે આના સિવાયની કોઈ વ્યાખ્યા હોઈ જ ન શકે. જો તમે ઇચ્છતા હો કે તમારી પાસે આવેલી સફળતા અકબંધ રહે તો તમે એ જ કરો જેણે તમને સફળતા સુધી લઈ જવાનું કામ કર્યું હોય. હું એ જ કરીશ અને એ જ મારે કરવું જોઈએ એવું મારું મન કહે છે. આજે પણ, લીડ ઍક્ટર બન્યા પછી પણ, જો મને એવી ફિલ્મ ઑફર થાય જેમાં ‘નાડીદોષ’ની જેમ મારે ઍક્ટ્રેસના ભાઈ બનવાનું હોય તો હું બનીશ. હા, શરત એટલી કે એ રોલમાં શેડ્સ હોવા જોઈએ અને એ રોલમાં મને પર્ફોર્મ કરવાની પૂરતી તક મળવી જોઈએ.
તમે સારું કામ કરતા રહો, તમારા કામને તલ્લીનતાથી કરો, ધગશથી કરો, પૂરી ઈમાનદારીથી કરો તો સક્સેસ મળે જ મળે અને કામ પણ મળતું રહે. પછી ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય, પરંતુ કામ તમને શોધીને તમારી પાસે આવે. સફળતાનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ જ છે કે તમે નહીં, પણ તમારું કામ બોલે અને તમારી સાથે કામ કર્યું હોય એ લોકો બોલે. જો તમે સક્સેસફુલ હો તો પણ તમે નમ્ર રહો એ બહુ જરૂરી છે. લોકોને સફળ માણસો સાથે કામ કરવું છે, પણ સાથોસાથ તેમને એવા લોકો સાથે કામ કરવું છે જે દિલના પણ એટલા જ સાફ અને ડાઉન-ટુ-અર્થ હોય. જીવનમાં અપ ઍન્ડ ડાઉન આવતાં જ રહેવાનાં, પણ તમે કેટલા સારા માણસ છો અને કેટલી સારી રીતે તમારું કામ કરો છો એના પર બધો આધાર હોય છે. 
લોકોને સફળ માણસો ગમે છે, પણ સરળતા સાથેના સફળ માણસો તેમને વહાલા લાગે છે. સરળતા અકબંધ રહેશે તો સફળતાને પણ તમારી પાસે આવવાનું ગમે. કહે છેને કે ‘વક્ત સે પહલે ઔર ઔકાત સે જ્યાદા ના કભી મિલા હૈ, ના કભી મિલેગા.’
તો બસ, સમયની રાહ જુઓ અને ઔકાતને એવી તૈયાર કરો કે તમને આપવામાં બે હાથવાળાથી લઈને હજાર હાથવાળાને પણ કોઈ સંકોચ ન થાય.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK