Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > યૉર આ‍ૅનર, આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે

યૉર આ‍ૅનર, આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે

Published : 19 July, 2025 12:34 PM | Modified : 20 July, 2025 06:54 AM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વર્ષે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વર્ષે તો મેટ્રિક થઈ ગયો!

૧૯૫૦ની આસપાસની બૉમ્બે હાઈ કોર્ટની એક કોર્ટરૂમ અને રામ જેઠમલાણી – પાકટ વયે.

ચલ મન મુંબઈનગરી

૧૯૫૦ની આસપાસની બૉમ્બે હાઈ કોર્ટની એક કોર્ટરૂમ અને રામ જેઠમલાણી – પાકટ વયે.


બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વર્ષે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વર્ષે તો મેટ્રિક થઈ ગયો! અને સત્તરમે વર્ષે મુંબઈ યુનિવર્સિટીની LLBની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે મેળવી. પણ પછી? વકીલાત કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૧ વર્ષની હોવી જોઈએ એવો એ વખતે કોર્ટમાં નિયમ. બીજો કોઈ છોકરો હોત તો ચાર-પાંચ વર્ષ બીજી કોઈ નાની-મોટી નોકરી કરીને મન મનાવ્યું હોત અને ગુજરાન ચલાવ્યું હોત. પણ આ છોકરો તો હતો માથાફરેલો એટલે અદાલતમાં અરજી કરી કે આ નિયમ અયોગ્ય અને ભેદભાવભર્યો છે. કોર્ટે વાત સ્વીકારી અને ૧૭ વર્ષના એ છોકરાને વકીલ તરીકે પ્રૅક્ટિસ કરવાની અપવાદરૂપે મંજૂરી આપી. એટલે ૧૮ વર્ષની ઉંમરે બન્યો વકીલ. ૧૯૪૮માં માદરે વતન સિંધ છોડી નિરાશ્રિત તરીકે મુંબઈમાં આવીને વસ્યો. ફરી એકડે એકથી વકીલાત શરૂ કરી. ૨૦૧૭ના સપ્ટેમ્બરની નવમી તારીખે તેણે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું. તે પહેલાં કંઈ કેટલાય ચકચારભર્યા કેસ લડ્યો, મોટા ભાગના જીત્યો. હર્ષદ મહેતા, કેતન પારેખ, લાલ કૃષ્ણ અડવાણી, જેસિકા લાલ, લલિત મોદી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓ, હાજી મસ્તાન, આસારામ બાપુ, જયલલિતા, અરવિંદ કેજરીવાલ, જેવી કેટલીયે વ્યક્તિઓના આખા દેશમાં ગાજેલા કેસ લડ્યો. કેસ લડવા માટે આખા દેશમાં સૌથી વધુ ફી લેવા માટે નામચીન બન્યો. આ બાબતે ટીકા થતી ત્યારે તે બેધડક કહેતો : ‘હું ક્યાં બળજબરીથી પૈસા પડાવું છું? અસીલ રાજીખુશીથી આપે છે અને હું લઉં છું.’ પછી રાજકારણમાં પડ્યો. દિલ્હીમાં મિનિસ્ટર બન્યો. માથાભારે વિચારો અને વર્તનને કારણે થોડો વખત કૅનેડા જઈને રહેવું પડ્યું. એક રાજકીય પક્ષમાંથી બરતરફ થયો, છ વર્ષ માટે. જિંદગીનું ૯૬મું વર્ષ પૂરું થવાને માત્ર છ દિવસની વાર હતી ત્યારે ૨૦૧૯ના સપ્ટેમ્બરની આઠમી તારીખે સવારે પોણાઆઠ વાગ્યે દિલ્હીમાં તેનું અવસાન થયું. આ વિલક્ષણ અને વિચક્ષણ વકીલ તે રામ જેઠમલાણી. મામી આહુજાના મિત્ર હતા એટલે તેમણે રામ જેઠમલાણીને આ કેસ માટે રોકેલા. નાણાવટી ખૂનકેસ તેમનો પહેલો હાઈ પ્રોફાઇલ કેસ.
જેઠમલાણીના બીજા સાથીદાર વકીલ કોણ હતા? યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ. ૧૯૨૦ના જુલાઈની ૧૨મી તારીખે પુણેમાં જન્મ. ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં ભણતર. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે BA થયા. પુણેની લૉ કૉલેજમાં ભણીને ૧૯૪૨માં LLB થયા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. યુનિવર્સિટી ઑફ બૉમ્બેની ત્રણ-ત્રણ સ્કૉલરશિપ મેળવી. ૧૯૪૩માં બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ શરૂ કરી. ૧૯૬૧માં એ જ કોર્ટના જજ બન્યા. ૧૯૭૨માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ અને ૧૯૭૮ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે નિમાયા. ૧૯૮૫ના જુલાઈની ૧૧મી તારીખે નિવૃત્ત. સાત વર્ષ અને ચાર મહિના સુધી ચીફ જસ્ટિસના હોદ્દા પર રહીને તેઓ સૌથી વધુ લાંબી મુદત માટે એ પદ પર રહેનારા બન્યા. ૨૦૦૮ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. વખત જતાં તેમના દીકરા ધનંજય ચંદ્રચૂડ પણ ૨૦૨૨માં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બન્યા. નાણાવટી ખૂનકેસના બે મહત્ત્વના વકીલોના પરિચય પછી પાછા ફરીએ મિસિસ યાજ્ઞિકની જુબાનીના દિવસે.

ખંડાલાવાલા: મિસિસ યાજ્ઞિક, તમે આરોપી કમાન્ડર નાણાવટી અને તેમનાં પત્નીને કેટલા વખતથી ઓળખો છો?

મિસિસ યાજ્ઞિક: હું તેમને પહેલી વાર મળી કોચીનમાં, વરસ હતું ૧૯૫૪. એ વખતે મારા પતિનું પોસ્ટિંગ કોચીનમાં હતું. કમાન્ડર નાણાવટીને પણ કોચીનમાં પોસ્ટિંગ મળ્યું પણ તેમને ઘર ફાળવવામાં આવ્યું નહોતું. એટલે કેટલોક વખત તેઓ અને મિસિસ નાણાવટી અમારા ઘરે રહ્યાં હતાં.

ખંડાલાવાલા: અને મરનાર પ્રેમ આહુજા અને તેમની બહેન મામી આહુજાને તમે ક્યારથી ઓળખો છો?

મિસિસ યાજ્ઞિક: ૧૯૪૭થી. હું અને મારા પતિ લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક મુંબઈ આવ્યાં. કારણ કે મારા પતિની બદલી મુંબઈ થઈ હતી. પછી ૧૯૫૫ના ઑગસ્ટમાં તેમની બદલી વાઇઝેગ (હાલનું નામ વિશાખાપટ્ટનમ્) થઈ. પણ હું ત્રણ મહિના પછી ત્યાં ગઈ. ઑગસ્ટની ૨૦મીથી ઑક્ટોબરની ૩૦મી સુધી હું મિસિસ નાણાવટી સાથે રહી. એ વખતે મામી આહુજા ઘણી વાર મને મળવા આવતાં અને હું અને સિલ્વિયા પણ તેમને ઘરે મળવા જતાં. ઘણી વાર સિલ્વિયાનાં બાળકો પણ સાથે આવતાં. આ રીતે હું તેમને ત્યાં છ-સાત વખત ગઈ હોઈશ. વાઇઝેગ ગયા પછી હું મુંબઈ આવી નથી. આજે આ જુબાની આપવા માટે જ આવી છું.

ખંડાલાવાલા: નાણાવટી કુટુંબ અને આહુજા કુટુંબનો પરિચય તમે કરાવી આપ્યો હતો?

મિસિસ યાજ્ઞિક: હા જી. ૧૯૫૬માં મેં આ બન્ને કુટુંબોનો પરિચય એક-બીજા સાથે કરાવ્યો હતો. એ પહેલાંથી તેઓ એકબીજાને ઓળખતાં હતાં કે નહીં એની મને ખબર નથી. સિલ્વિયા અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમસંબંધ વિશે હું કશું જ જાણતી નથી. 

ખંડાલાવાલા: મારે આ સાક્ષીને વધુ કશું પૂછવાનું નથી. મારા મિત્ર વકીલ ઊલટતપાસ કરી શકે છે.

રામ જેઠમલાણી: મારે આ સાક્ષીને કશું પૂછવાની જરૂર જણાતી નથી.

એટલે અદાલતે લેફ્ટનન્ટ કમાન્ડર પ્રવીણ સી. યાજ્ઞિકને જુબાની માટે બોલાવ્યા.

ખંડાલાવાલા: લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક, આહુજા કુટુંબને કેટલાં વર્ષથી ઓળખો છો?

યાજ્ઞિક: પચીસ વર્ષથી.

ખંડાલાવાલા: અને આરોપીને?

યાજ્ઞિક: ૧૯૪૧થી. ૧૯૫૪માં તે અને તેમનાં પત્ની કોચીનમાં અમારી સાથે રહ્યાં હતાં પણ હું ક્યારેય તેમના ઘરે રહ્યો નથી. પણ ૧૯૫૮માં મારી બદલી વાઇઝેગ થઈ ત્યારે મારાં પત્નીએ પોતાને માટે રહેવાની વ્યવસ્થા નાણાવટી કુટુંબ સાથે કરી હતી.

ખંડાલાવાલા: મિસિસ નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમસંબંધ વિશે તમે શું જાણતા હતા?



યાજ્ઞિક: કશું જ નહીં. મારી નોકરીના ભાગ તરીકે મારે ઘણી વાર થોડા-થોડા દિવસ માટે મુંબઈ આવવાનું થતું ત્યારે હું પ્રેમ આહુજાના ઘરે ઊતરતો. 

ખંડાલાવાલા: આ રીતે તમે છેલ્લે તેમને ત્યાં ક્યારે રહ્યા હતા?

યાજ્ઞિક: છેલ્લે મેં પ્રેમ આહુજાને કાગળ લખ્યો હતો કે મારી ફરજના ભાગરૂપે સત્તાવાર કામ માટે એપ્રિલની ૨૭મી તારીખે હું મુંબઈ આવવાનો છું. કામ પૂરું થાય એટલે દસ દિવસની રજા લઈને હું મારા બાપુજીને મળવા સૌરાષ્ટ્ર જવા ધારું છું. મેં લખ્યા પ્રમાણે એપ્રિલની ૨૭મી તારીખે સાંજના સાત વાગ્યાના સુમારે હું પ્રેમ આહુજાના ઘરે પહોંચ્યો હતો. હું તેમના ફ્લૅટમાં ગયો ત્યારે ત્યાં ઘણાબધા પોલીસ-ઑફિસર હાજર હતા. તેમણે મને કહ્યું કે પ્રેમ આહુજાનું મોત નીપજ્યું છે.

ખંડાલાવાલા: નામદાર, આ સાક્ષીને મારે વધુ કાંઈ પૂછવાનું નથી. મારા મિત્ર તેમની ઊલટતપાસ કરી શકે છે.

રામ જેઠમલાણી: મારે કશું પૂછવાની જરૂર જણાતી નથી.

એટલે મરનાર પ્રેમ આહુજાના નોકર રાપાની જુબાનીw શરૂ કરવામાં આવી. તેણે અદાલતને જણાવ્યું કે બનાવના દિવસે સવારે સાડાનવ વાગ્યે મારા શેઠ – પ્રેમ આહુજા – ઑફિસ જવા નીકળ્યા હતા. બપોરે પોણાબે વાગ્યે તેઓ લંચ માટે ઘરે આવ્યા હતા. શેઠનાં બહેન, મામી મૅડમ પણ સવારથી બહાર ગયાં હતાં. શેઠ આવ્યા પછી પાંચેક મિનિટે મૅડમ પણ બહારથી આવ્યાં. બન્ને સાથે જમવા બેઠાં. જમી લીધા પછી બન્ને પોતપોતાના બેડરૂમમાં આરામ કરવા ગયાં. બેડરૂમમાં જતાં પહેલાં શેઠે મને કહેલું કે સવાચાર વાગ્યે મને જગાડજે અને હું ઊઠું ત્યારે ચા તૈયાર રાખજે. મેં એ પ્રમાણે તેમને જગાડીને ચા આપી. પછી હું રસોડામાં ગયો. થોડી વાર પછી ખાલી કપ લેવા તેમના બેડરૂમમાં ગયો. એ વખતે મેં ટેલિફોન બેડરૂમમાંથી કાઢીને ડ્રૉઇંગ રૂમમાં લગાડ્યો. એ વખતે શેઠ બાથરૂમમાં નહાઈ રહ્યા હતા. પછી હું મૅડમ મામી માટે ચા બનાવવા લાગ્યો. એવામાં ડોરબેલ વાગી એટલે હું બારણું ખોલવા ગયો. એ વખતે લગભગ ૪:૨૦ થઈ હશે. મેં બારણું ખોલ્યું ત્યારે બહાર આરોપી ઊભો હતો. તે અગાઉ પણ અમારા ઘરે આવતો હતો. તેના હાથમાં પીળા રંગનું એક મોટું કવર હતું. 

રામ જેઠમલાણી: એ કવરમાં શું હતું?

નોકર: કાળા રંગની રિવૉલ્વર.

ખંડાલાવાલા: કવરમાં શું હતું એની તમને કઈ રીતે ખબર પડી? કમાન્ડર નાણાવટીએ કવરમાંથી કાઢીને તમને બતાવેલી કે તમે પોતે કાઢીને જોયેલી? (કોર્ટમાં હસાહસ)

જજ મહેતા: ઑર્ડર, ઑર્ડર!

નોકર: ના જી. મેં જોઈ નહોતી કે ન તો તેમણે મને બતાવી હતી પણ પછી જે કંઈ બન્યું એના આધારે મેં આવું અનુમાન કર્યું હતું.

ખંડાલાવાલા: યૉર ઑનર! ભલે આ સાક્ષી કહે કે તેણે આવું અનુમાન કર્યું હતું પણ હકીકત એ છે કે શું બોલવું અને શું નહીં એ તેને બચાવપક્ષના વકીલ દ્વારા શીખવવામાં આવ્યું છે અને પોપટની જેમ આ માણસ એ પ્રમાણે બોલે છે. 

જજ મહેતા: અદાલત તમારી રજૂઆતની નોંધ રેકૉર્ડ પર લે છે.

ખંડાલાવાલા: થૅન્ક યુ માય લૉર્ડ!

નોકર: પછી આરોપીએ મને પૂછ્યું કે તારા શેઠ ઘરમાં છે? મેં ‘હા’ પાડી એટલે તે શેઠના બેડરૂમમાં ગયો અને પાછળ બારણું બંધ કર્યું. એ વખતે મૅડમ આહુજા તેમના બેડરૂમમાં હતાં. હું ડાઇનિંગ ટેબલ પાસે ઊભો હતો. એ વખતે મેં ત્રણ મોટા અવાજ સાંભળ્યા. એ અવાજ શેઠના બેડરૂમમાંથી આવ્યા હતા. એમાંના પહેલા બે અવાજ ‘ટૅપ’ ‘ટૅપ’ જેવા હતા. ત્રીજો અવાજ કાચ તૂટવાનો હતો. આરોપી શેઠના બેડરૂમમાં ગયો એ પછી લગભગ તરત જ આ અવાજો આવ્યા હતા. અવાજો સાંભળીને મૅડમ આહુજા તેમના બેડરૂમમાંથી આવ્યાં અને મને પૂછ્યું: ‘શું થયું? આ અવાજ શેના?’ અને અમે બન્ને તરત શેઠના બેડરૂમમાં ગયાં. 

ત્યારે તમે શું જોયું?

મારા શેઠ લોહીલુહાણ હાલતમાં બાથરૂમની ફર્શ પર પડ્યા હતા. આરોપી થોડે દૂર ઊભો હતો અને તેના હાથમાં રિવોલ્વર હતી. તેણે મને કહ્યું: ખબરદાર છે, એક ડગલું પણ આગળ વધ્યો તો તારો જાન જશે. છતાં હું બારણું રોકીને ઊભો રહ્યો. પણ આરોપીએ મને જોરથી ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. મૅડમ આહુજાએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ તેમનેય ધક્કો મારીને આરોપી ઘરની બહાર નીકળી ગયો. હું તેની પાછળ-પાછળ દોડ્યો. મેં બૂમ પાડીને વૉચમૅનને કહ્યું કે આ માણસને રોક. તેણે મારા શેઠનું ખૂન કર્યું છે. પણ ત્યાં સુધીમાં આરોપી તેની મોટરમાં બેસી ગયો હતો. છતાં વૉચમૅને અને મેં તેની મોટર રોકી. વૉચમૅને કહ્યું કે હું તને ભાગવા નહીં દઉં. હમણાં પોલીસને બોલાવું છું. ત્યારે આરોપી બોલ્યો કે હું જ પોલીસ-સ્ટેશન જઈને સરન્ડર કરું છું. 

બરાબર એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. 

નોકરની જુબાની વિશેની વધુ વાત હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2025 06:54 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK