બન્ને રાજ્યોમાં કૉન્ગ્રેસ ફ્રન્ટ ફુટ પર આવીને રમી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
બન્ને રાજ્યોમાં કૉન્ગ્રેસ ફ્રન્ટ ફુટ પર આવીને રમી રહી છે. કર્ણાટકમાં બીજેપીનો પરાજય થતાં કૉન્ગ્રેસમાં જોશ આવ્યું છે અને એ મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ એવો જ દેખાવ કરવાની આશા સેવે છે. બીજેપીની મુશ્કેલી એ છે કે શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર બન્ને લપસણી ભૂમિ પર છે અને બીજેપીની અંદર પણ આ બાબતે ચિંતન ચાલી રહ્યું છે
ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ અને મુખ્ય પ્રધાનો મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મનોહરલાલ ખટ્ટરને લઈને ઘમસાણ ચાલે છે. બન્ને નેતાઓ અહીં સત્તામાં વાપસી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમના માટે આ રાજકીય અસ્તિત્વનો સવાલ છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જ્યારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ પછી થવાની સંભાવના છે. કદાચ વહેલી પણ થાય. બન્ને રાજ્યોનાં પરિણામો બીજેપી માટે પ્રભાવી રહેવાનાં છે.
બન્ને રાજ્યોમાં ચૂંટણીની હિલચાલ તેજ થઈ ગઈ છે અને મુખ્ય વિરોધ પક્ષ કૉન્ગ્રેસ ફ્રન્ટ ફુટ પર આવીને રમી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં બીજેપીનો પરાજય થતાં કૉન્ગ્રેસમાં જોશ આવ્યું છે અને એ મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ એવો જ દેખાવ કરવાની આશા સેવે છે. બીજેપીની મુશ્કેલી એ છે કે શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર બન્ને લપસણી ભૂમિ પર છે અને બીજેપીની અંદર પણ આ બાબતે ચિંતન ચાલી રહ્યું છે.
૨૦૧૮માં ચૂંટણી હારતાં પહેલાં શિવરાજ સિંહ ચૌહાણને ઉદાર નેતા માનવામાં આવતા હતા. તેઓ દર વર્ષે ઇફ્તાર પાર્ટીઓ કરતા હતા, જેમાં ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા પણ ભાગ લેતા હતા. ૨૦૧૮ની ચૂંટણીમાં બીજેપી ચૂંટણી હારી ગઈ અને તડજોડથી સરકાર બની એ પછી શિવરાજ જ નહીં, પ્રધાનમંડળ પણ બદલાઈ ગયેલું દેખાયું. તેમણે જે રીતે ભરચક સ્ટેજ પરથી અધિકારીઓને ભૂગર્ભમાં દફનાવી દેવાની વાત કરી અથવા રાજ્યમાં બુલડોઝર ઑપરેશન શરૂ કર્યું એ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ ‘યોગી સ્ટાઇલ’ને અનુસરી રહ્યા છે, પરંતુ આનાથી મધ્ય પ્રદેશના મુસ્લિમોમાં સારો સંદેશ નથી ગયો. મધ્ય પ્રદેશમાં કુલ મુસ્લિમ વસ્તી લગભગ સાતથી આઠ ટકા છે.
પાર્ટીના આંતરિક સર્વેમાં સામે આવ્યું છે કે સત્તાનો માર્ગ મુશ્કેલ છે. ત્યાં સુધી કે ૧૫ વર્ષ પહેલાં આરએસએસ છોડી ગયેલા અમુક સભ્યોએ મધ્ય પ્રદેશમાં પોતાની આગવી રાજકીય પાર્ટીની રચના કરી છે અને આગામી ચૂંટણીમાં રાજ્યના રાજકારણ પર બીજેપી-કૉન્ગ્રેસની ઇજારાશાહી તોડવાનો નિર્ધાર કર્યો છે.
૨૦૧૮ અને ૨૦૨૦ વચ્ચેના ૧૮ મહિનાને બાદ કરતાં બીજેપી ૨૦૦૩થી રાજ્યમાં સત્તા પર છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સત્તાવિરોધી લહેર અને આંતરિક લડાઈને ડામવાના પ્રયાસોના ભાગરૂપે વારંવાર મધ્ય પ્રદેશની મુલાકાતે છે. ચૌહાણે ગયા મહિને તેમની કૅબિનેટનું વિસ્તરણ કર્યું હતું અને ત્રણ પ્રધાનોને સામેલ કર્યા હતા. બીજેપીએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાંથી ૨૩૦ નેતાઓને મધ્ય પ્રદેશના દરેક મતવિસ્તાર પર ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવા માટે મોકલવાનું નક્કી કર્યું છે.
શિવરાજ સિંહ ચૌહાણ બે પરિબળોથી પ્રભાવિત છે - તેમનાં ૧૮ વર્ષના શાસનમાં તેઓ મજબૂત સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે અને માર્ચ ૨૦૨૦થી કૉન્ગ્રેસના પાર્ટીબદલુઓની મદદથી સરકાર ચલાવવાનું તેમના પર કલંક છે.
ત્યાં સુધી કે મધ્ય પ્રદેશમાં પાર્ટીએ ચૂંટણી પછી શિવરાજને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઘોષિત કરવાનો ઇનકાર કર્યો છે. આંતરિક સર્વે એવું કહે છે કે મતદારોમાં રાજ્ય સરકાર સામે ભારે નારાજગી છે અને એવામાં સિંહને જો મુખ્ય પ્રધાન તરીકે આગળ કરવામાં આવે તો વધુ નુકસાન થાય એવી શંકા છે.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના કૉન્ગ્રેસના સંસદસભ્ય દિગ્વિજય સિંહ ચૂંટણી આધારિત એક સર્વેના વિવાદમાં ફસાયા છે. સિંહ અને પ્રદેશ કૉન્ગ્રેસ મીડિયા વિંગના વડા કે. ના. મિશ્રાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં (એક રાષ્ટ્રીય ન્યુઝ ચૅનલ દ્વારા હાથ ધરવામાં આવેલા) એક ઓપિનિયન પોલનાં તારણોમાં દાવો કરવામાં આવ્યો છે કે કૉન્ગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવવા માટે તૈયાર છે.
જોકે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે વળતું આક્રમણ કરીને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને જૂઠાણાનો ટેકો છે, પરંતુ આ વખતે એને ખોટા સમર્થનનો કોઈ ફાયદો થશે નહીં. એણે જનતાના રોષનો સામનો કરવો પડશે.’
જોકે શિવરાજ સાવ આંધળા આત્મવિશ્વાસમાં નથી. મતદારોને લલચાવવા માટે તે ખાસ્સા ઉત્સાહી છે અને એમાં જ તેમના સાથી મુખ્ય પ્રધાન હરિયાણાના ખટ્ટર સાથે તેમનો એક વિરોધાભાસ બહાર આવ્યો છે.
દર અસલ બીજી સપ્ટેમ્બરે શિવરાજ સિંહે રાજ્યની મહિલાઓ માટેની લાડલી યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારી દીધી છે. ટ્વિટર પર એક વિડિયો શૅર કરતાં તેમણે લખ્યું પણ હતું કે ‘ચોમાસાના ત્રણ દિવસ પહેલાં મેં ૨૫૦ રૂપિયા (ખાતામાં) નાખ્યા હતા. સપ્ટેમ્બરમાં વધુ ૧૦૦૦ રૂપિયા નાખીશ. ઉપરાંત, ઑક્ટોબરથી દર મહિને ૧૨૫૦ રૂપિયા નાખવામાં આવશે. બહેનો, તમારો ભાઈ અહીંથી રોકવાનો નથી. ધીરે-ધીરે વધારીને ૩૦૦૦ રૂપિયા કરી નાખીશ.’
શિવરાજનું આ નિવેદન સાંજે ૭ વાગીને ૧૫ મિનિટ પર આવ્યું હતું. એના અડધા કલાક પછી, ૭ વાગીને ૫૫ મિનિટે હરિયાણાના મુખ્ય પ્રધાનનું જે નિવેદન આવ્યું એણે રાજકીય નિરીક્ષકોને ચોંકાવી દીધા હતા. ખટ્ટરે પણ ટ્વિટરનો સહારો લઈને કહ્યું હતું, ‘એવી બહુ પાર્ટીઓ છે જે નારા લગાવે છે કે આ મફત લો, પેલું મફતમાં લો... મફતની ટેવ પાડવાને બદલે અમારી સરકારની પ્રાથમિકતા છે કે કામ કરતી વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરીને તેના હૂનરને ધાર કાઢીને તેનો વિકાસ કરવામાં આવે.’
ખટ્ટરનું નિશાન નિશ્ચિતપણે આમ આદમી પાર્ટી હશે જે પંજાબની જેમ હરિયાણામાં પણ મફત સેવાઓનાં વચન આપી રહી છે. જોકે જે દિવસે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાને મહિલા મતદારોને રોકડ રકમની સહાયની જાહેરાત કરી એ જ દિવસે ખટ્ટરે રેવડી પ્રણાલીની ટીકા કરી એટલે લોકોમાં સવાલ ઊભો થયો કે બીજેપીના બે કદાવર નેતાઓ વિરોધાભાસી નિવેદનો કેમ કરે છે, ખાસ તો જ્યારે ખુદ વડા પ્રધાન મોદીએ રક્ષાબંધનના દિવસે બહેનોને સસ્તા ગૅસની ભેટ આપી હતી?
હરિયાણામાં ખટ્ટર સામે પણ કપરાં ચડાણ છે. મધ્ય પ્રદેશથી વિપરીત હરિયાણામાં કૉન્ગ્રેસ જૂથબંધીમાં વહેંચાયેલી છે એટલે ખટ્ટરને એ દિશામાં મોટો ખતરો નથી, પરંતુ જાટ વોટ તેમનાથી નારાજ છે અને એ બીજેપી માટે ચિંતાનું કારણ છે.
એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે હરિયાણામાં ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં જાટ મતદારોના વિભાજનને કારણે કૉન્ગ્રેસ હારી ગઈ હતી, જેના કારણે રાજ્યમાં મનોહરલાલ ખટ્ટર સરકારની વાપસી થઈ હતી.
જાટ એ જાતિઓમાંની એક છે જેણે ભૂતકાળમાં હરિયાણામાં બિન-જાટ જાતિઓના એકીકરણને કારણે બીજેપીને સમર્થન આપ્યું નહોતું. ૨૦૧૪ અને ૨૦૧૯ રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપીએ બિન-જાટ મતોને તેની ફેવરમાં એકત્ર કર્યા હતા.
જાટ સમુદાય પરંપરાગત રીતે કૉન્ગ્રેસ તરફ રહ્યો છે. જોકે કૉન્ગ્રેસની જૂથબંધીનો લાભ ઉઠાવીને, ચૂંટણી પછી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીને ટેકો આપીને, બીજેપીએ જાટ મતોને તોડી નાખ્યા હતા. આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે બીજેપી સતત ત્રીજી વખત એકલા હાથે ચૂંટણી લડશે. તે દુષ્યંત ચૌટાલા સાથે ગઠબંધન કરવાના મૂડમાં નથી. ચૌટાલાને પણ આનો અંદાજ છે એટલે જ તેઓ દબાણની રાજનીતિ રમવા માટે રાજસ્થાનમાં પણ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં ૭૫ ટકા અનામતનો તેમનો જૂનો દાવ ખેલી રહ્યા છે.
વાસ્તવમાં બીજેપીએ જાટ મતો નહીં જ મળે એવું માનીને એની વ્યૂહરચના બનાવી છે. હરિયાણામાં ભજનલાલની જનહિત કૉન્ગ્રેસ પાર્ટી બિન-જાટ મતો પર નભતી હતી, જે પાછળથી કૉન્ગ્રેસમાં ભળી ગઈ હતી. બાદમાં ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ પરિવાર સાથે બીજેપીમાં જોડાયા હતા.
તેમનો પુત્ર પણ બીજેપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીત્યો હતો. કુલદીપ આ વખતે બીજેપી તરફથી લોકસભાની ચૂંટણી લડવાના છે. બીજેપીની ગણતરી એવી છે કે એનાથી બિન-જાટ મતો મજબૂત થશે.
એટલે બીજેપી ઇચ્છે છે કે ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી અલગ ચૂંટણી લડે, જેથી તે જાટ મતોનું વિભાજન કરી શકે. આ મતો ભૂપિન્દર સિંહ હુડ્ડાને કારણે કૉન્ગ્રેસ સાથે એક થઈ રહ્યા છે. દુષ્યંતના દાદા ઓમપ્રકાશ ચૌટાલાની ઇન્ડિયન નૅશનલ લોકદળ પાર્ટી પણ અલગથી ચૂંટણી લડે એમ મનાય છે. કુલ મળીને જાટ મતોનું વિભાજન થાય તો ખટ્ટરની નૌકા ફરી પાર લાગી શકે છે. એક જ મુશ્કેલી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણી માટે ૨૭ વિપક્ષોનું ઇન્ડિયા ગઠબંધન હરિયાણા વિધાનસભામાં કેવી રીતે મતોનું વિભાજન રોકવા યુક્તિ કરે છે એ જોવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાની પહેલી સંયુક્ત જનસભા ઑક્ટોબરના પહેલા અઠવાડિયે મધ્ય પ્રદેશના ભોપાલમાં થવાની છે. એનો અર્થ એ થયો કે લોકસભાની ચૂંટણી પૂર્વે ઇન્ડિયા ગઠબંધન પાંચ રાજ્યોની ચૂંટણીમાં એનાં બાવડાં ફુલાવવાની કોશિશ કરશે.
લાસ્ટ લાઇન
તમને રાજનીતિમાં રસ નથી એનો અર્થ એ નથી કે રાજનીતિને તમારામાં રસ નથી.- પ્લુટાર્ચ