ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે એની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી
પ્રતીકાત્મક તસવીર
પરાગ અગ્રવાલની ટ્વિટરના સીઈઓ તરીકે નિમણૂક થઈ ત્યારે ટ્વિટર પર એક મીમ વાઇરલ થયું હતું. એમાં મધ્યમ વર્ગના ઘરની એક સ્ત્રી એક હાથમાં ચંપલ ઉગામીને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, ‘ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર કા સીઈઓ બન ગયા ઔર તૂ બસ ડેઇલી ટ્વિટર પે બૉયકૉટ ધીસ ઍન્ડ ધૅટવાલા ટ્રેન્ડ ચલાતા હૈ?’ ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે એની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી
થોડા દિવસ પહેલાં બે સમાચારોએ ધ્યાન ખેંચ્યું. બંને અલગ હતા, પરંતુ પરોક્ષરૂપે સબંધિત હતા. પહેલા સમાચાર : ૧૯૯ દેશોના પાસપોર્ટનું વૈશ્વિક રૅન્કિંગ આપતી ઑનલાઇન સંસ્થા હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સના ૨૦૨૩ના રિપોર્ટ પ્રમાણે વિશ્વના સૌથી તાકતવર પાસપોર્ટની યાદીમાં ભારતના પાસપોર્ટનો ક્રમ ૮૫મો છે. ૨૦૨૨માં એનો ક્રમ ૮૭મો હતો એમાં બે પગથિયાંનો સુધારો થયો છે. સૌથી તાકતવર પાસપોર્ટમાં જપાન પહેલા ક્રમે છે અને એ પછી બેથી ૧૦ના ક્રમે સિંગાપોર અને સાઉથ કોરિયા; જર્મની અને સ્પેન; ફિનલૅન્ડ, ઇટલી અને લક્ઝમબર્ગ; ઑસ્ટ્રિયા, ડેન્માર્ક, નેધરલૅન્ડ્સ અને સ્વીડન; ફ્રાન્સ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને યુકે; બેલ્જિયમ, ચેકોસ્લોવેકિયા, ન્યુ ઝીલૅન્ડ, નૉર્વે, સ્વિટ્ઝરલૅન્ડ અને યુએસ; ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ગ્રીસ અને માલ્ટા; પોલૅન્ડ અને હંગેરી તથા લિથુઆનિયા અને સ્લોવેકિયા છે.
ADVERTISEMENT
સૌથી તાકતવર પાસપોર્ટ એટલે એવો પાસપોર્ટ જેના ધારકને ત્રીજા કોઈ દેશમાં ઓછામાં ઓછાં વિઝા નિયંત્રણો વગર હરવા-ફરવાની છૂટ હોય. સામાન્ય રીતે જપાન અને યુરોપિયન જેવા ધનવાન દેશોના પાસપોર્ટ તાકતવર ગણાય છે, કારણ કે એ દેશોના નાગરિકોની આર્થિક લાભ માટે બીજા દેશમાં રહી પડવાની સંભાવના ઓછી હોય છે. ઊલટાના તેઓ બીજા દેશોમાં ખૂબ પૈસા ખર્ચે છે એટલે તેઓ ‘મોંઘેરા મહેમાન’ ગણાય છે.
બીજી રીતે કહીએ તો જે દેશના નાગરિકો નોકરી-ધંધા માટે બીજા દેશોમાં ઘૂસી જવાની તકો શોધતા હોય તેમના પાસપોર્ટ ઓછા તાકતવર ગણાય છે. એટલા માટે વિકાસશીલ અને ગરીબ દેશોનો ક્રમ પાછળ હોય છે. ભારતનો ક્રમ ૮૫મો કેમ છે એ સમજી શકાય એમ છે. આપણે ત્યાં વિદેશમાં સ્થાયી થઈ જવાનું ચલણ ઘણું છે અને એ માટે આપણે વૈધ અને અવૈધ બંને રસમો અપનાવીએ છીએ.
હવે બીજા સમાચાર : વિદેશપ્રધાન એસ. જયશંકરે રાજ્યસભામાં માહિતી આપી છે કે ભારતમાં છેલ્લાં ૧૨ વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં વસી ગયા છે. એમાં સૌથી વધુ સવાબે લાખ લોકોએ ગયા વર્ષે નાગરિકતા છોડી હતી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૫માં ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧,૩૧,૪૮૯ હતી, જ્યારે ૨૦૧૬માં ૧,૪૧,૬૦૩ લોકોએ નાગરિકતા છોડી હતી. ૨૦૧૮માં આ સંખ્યા ૧,૩૪,૫૬૧ હતી, ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭, ૨૦૨૦માં ૮૫,૨૫૬ અને ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦ ભારતીયોએ નાગરિકતા છોડી હતી.
૨૦૧૮માં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મૉર્ગન સ્ટૅન્લીમાં ઇમર્જિંગ માર્કેટ્સના વડા અને ગ્લોબલ સ્ટ્રૅટેજિસ્ટ રુચિર શર્માએ આપેલા આંકડા પ્રમાણે દુનિયામાં પોતાનો દેશ છોડનારા લખપતિઓમાં ભારત સૌથી મોખરે હતો. ૨૦૧૪થી ૨૦૧૮ સુધીમાં ૨૩,૦૦૦ લખપતિઓ દેશ છોડીને પરદેશમાં સ્થાયી થયા હતા. ૨૦૧૭માં આવા લખપતિઓની સંખ્યા ૭,૦૦૦ હતી. એ જ વર્ષે ચીનમાંથી ૧૬,૦૦૦ અને રશિયામાંથી ૫,૫૦૦ અમીરો વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા.
હેન્લે ઍન્ડ પાર્ટનર્સ નામની વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મનો એક સર્વે કહે છે કે અગાઉ કરતાં પણ વધુ સંખ્યામાં હાઈ નેટવર્થવાળા ભારતીયો બીજા દેશમાં ઘર વસાવી રહ્યા છે. એ લોકો ઇન્વેસ્ટમેન્ટના નામે વિદેશમાં ઘર ખરીદી રહ્યા છે. સર્વે કહે છે કે ૨૦૨૦માં કોવિડની મહામારીમાં સરહદો બંધ હતી ત્યારે પણ તેમની પાસે વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની પૂછપરછમાં ૬૨ ટકાનો વધારો થયો હતો. અમેરિકાની ટેક રાજધાની સિલિકૉન વૅલીમાં તો જોક પણ છે કે ત્યાં સૌથી વધુ હિન્દી અને તેલુગુ ભાષા બોલાય છે.
ભારતનું આ ત્રીજું માઇગ્રેશન કહેવાય. એક સદી પહેલાં પંજાબ-ગુજરાતના ગરીબ ખેડૂતો પરદેશ ગયા હતા. એ પછી વ્યાવસાયિકો સારા કામ અને જીવનની તલાશમાં શિફ્ટ થયા. હવે હાઈ નેટવર્થવાળા ભારતીયો આંતરરાષ્ટ્રીય બજારોનો લાભ લેવા પરદેશમાં બેસીને ઉદ્યમ કરી રહ્યા છે.
૨૦૨૧માં ભારતીય મૂળના પરાગ અગ્રવાલની માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) તરીકે નિમણૂક થઈ ત્યારે ટ્વિટર પર એક મીમ વાઇરલ થયું હતું. એમાં મધ્યમ વર્ગના ઘરની એક સ્ત્રી એક હાથમાં ચંપલ ઉગામીને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, ‘ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર કા સીઈઓ બન ગયા ઔર તૂ બસ ડેઇલી ટ્વિટર પે બૉયકૉટ ધિસ ઍન્ડ ધૅટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ?’
ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે એની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી.
બૅન્ગલોરસ્થિત ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી સ્ટાર્ટ-અપ કંપની ‘ક્રિડ’ના સીઈઓ કુણાલ શાહે ત્યારે પરાગ અગ્રવાલના સમાચાર પર ટ્વીટ કરતાં લખ્યું હતું, ‘આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં ભારતીયોના સીઈઓ બનવાની ખુશી મનાવી રહ્યા છીએ ત્યારે બીજી તરફ ભારતીય તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે? જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય એ દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?’
છેલ્લા ઘણા સમયથી ભારતીય મૂળના લોકો વૈશ્વિક કંપનીઓમાં સીઈઓ બની રહ્યા છે એના સંદર્ભમાં કોરોના મહામારીનો હવાલો આપીને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રમૂજમાં પણ આ જ વાત કરી હતી, ‘આપણને એક એવી મહામારીનું ગૌરવ છે જે ભારતમાંથી શરૂ થઈ છે. એને ઇન્ડિયન સીઈઓ વાઇરસ કહે છે. એની સામે કોઈ વૅક્સિન બની નથી.’
આનંદ મહિન્દ્રએ ભલે મજાકમાં એને મહામારી કહી હોય, પરંતુ ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડૉક્ટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઊપડી જતા હતા. એના માટે બ્રેઇન ડ્રેઇન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુ યૉર્ક, કૅનેડા, ઑસ્ટ્રેલિયા કે ન્યુ ઝીલૅન્ડ જતાં રહેવાનાં સપનાં સેવતાં હોય છે.
એક આંકડા પ્રમાણે ૨૦૧૯માં વિદેશ ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૪,૪૦,૦૦૦ હતી, જે ૨૦૨૧માં વધીને ૭,૭૦,૦૦૦ થઈ હતી. એમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓ અમેરિકા અને કૅનેડા જાય છે; જ્યારે બાકીના ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, યુકે, જર્મની, રશિયા અને ફિલિપીન્સ જાય છે. અમુક ચીન અને મધ્યપૂર્વના દેશોમાં પણ જાય છે.
યુનેસ્કોના આંકડા કહે છે કે ૨૦૨૧માં દસ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિશ્વના ૮૫ દેશોમાં પથરાયેલા હતા. ૨૦૨૧ અને ૨૦૨૨માં અમેરિકા ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૬૭,૫૮૨ હતી.
આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટા ભાગનાં સંતાનો અને પેરન્ટ્સનું એ સપનું રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું નહોતું જે બીજા દેશો આપી શકતા હતા. જોકે ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે એને ભારતમાં આવકાર આપ્યો એ છતાં બ્રેઇન ડ્રેઇનમાં કેમ રુકાવટ નથી આવી એ એક વિચારવા જેવો મુદ્દો છે.
ભારતની પ્રતિભાઓ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહી છે એ વાતને લઈને ભલે આપણે કૉલર ઊંચા કરીએ, પણ ભારત દેશ તેમની કિંમત નથી કરી શકતો એ પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પરાગ અગ્રવાલની ટ્વિટરમાં નિમણૂક થઈ ત્યારે એક બીજું મીમ પણ વાઇરલ થયું હતું. એમાં આઇબીએમના ચૅરમૅન-સીઈઓ અરવિંદ ક્રિશ્ના, માઇક્રોસૉફ્ટના ચૅરમૅન-સીઈઓ સત્યા નાદેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની તસવીરો સાથે લખેલું હતું, ‘પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા અમેરિકા.’ (મૂળ આ ભારત સરકારનું સર્વશિક્ષા અભિયાનનું સૂત્ર હતું : પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા)
જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધા એકબીજાને કહેતા હોય છે કે ‘આના કરતાં તો ફૉરેન જતા રહેવું જોઈએ.’ આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમૅનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે એ ભારતમાં નજર નથી આવતી.


