અમેરિકાની મહિલાઓને જોશો તો તમને દેખાશે કે તેઓ બહુ ફસ્ટ્રેડ નથી, જેનું કારણ પણ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જો મારે પાછળ ફરીને મેં કરેલાં બધાં કૅરૅક્ટર જોવાનાં હોય અને એમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો હું એમાં ‘ખીચડી’ની જયશ્રીનું કૅરૅક્ટર પસંદ કરું. એનું તમને કારણ કહું, મારું એ જે કૅરૅક્ટર છે એ કૅરૅક્ટર હકીકતમાં આપણા દેશની એકેક મહિલા સાથે કનેક્ટ થાય છે. હા, હું માનું જ છું કે દરેકમાં એક જયશ્રી છે જ છે, જે મુંહફટ થઈને બોલી શકે છે. તેના પેટમાં પાપ નથી, તે કોઈનું અહિત નથી ઇચ્છતી, પણ એ ફસ્ટ્રેટ છે અને મારે એ જ ફસ્ટ્રેશન વિશે આજે કહેવું છે.
આપણા દેશની મહિલાઓની સરખામણીમાં તમે બીજા દેશની અને ખાસ તો યુરોપ કે અમેરિકાની મહિલાઓને જોશો તો તમને દેખાશે કે તેઓ બહુ ફસ્ટ્રેડ નથી, જેનું કારણ પણ છે. તે પોતાને માટે સમય કાઢતી રહે છે. પોતાને ગમે એવી ઍક્ટિવિટી કરે છે તો પોતાને અપડેટ રાખવાની દિશામાં કામ પણ કરે છે. આ બહુ જરૂરી છે. જો તમે તમારી જાતને અપડેટ ન રાખો, જો તમે તમારી જાતને ખુશ ન રાખો તો તમે કેવી રીતે બીજાની સાથે તાલમેલ મિલાવી શકો, તમે કેવી રીતે અન્યને ખુશ રાખી શકો?
ADVERTISEMENT
શક્ય જ નથી. તમે ગમે એટલી ખુશ રહેવાની ઍક્ટિંગ કરો તો પણ એક વખત તો તમારું ફસ્ટ્રેશન બહાર આવી જ જાય અને એ સમયે બધું બસ્ટ થાય. મારું કહેવું છે કે દરેકેદરેક મહિલાઓએ પોતાને માટે સમય કાઢવો જ જોઈએ. તે બીજા બધા માટે સમય કાઢી લે છે તો પછી પોતાને શું કામ સાઇડલાઇન કરવાની? જાતને મહત્ત્વ મળે એ બધાને ગમે અને તમે એ જ કરો છો. તમે બધાને મહત્ત્વ આપો છો, બધાને ખુશ રાખવા સતત પ્રયાસ કરતા રહો છો, એક વખત તમારી જાતને પણ એ બધાની સાથે મૂકીને નક્કી કરો કે તમારે એને પણ મહત્ત્વ આપવાનું છે, તમારે એને ખુશ રાખવાની છે.
મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે કે જે ઘરની મહિલા ખુશ હોય છે એ ઘરનું વાતાવરણ બહુ પૉઝિટિવ હોય છે. જે ઘરની મહિલા પોતાને માટે સમય કાઢતી હોય છે એ ઘરમાં હંમેશાં બધા એકબીજાને પ્રાયોરિટી આપતા હોય છે અને એ પણ પૂરા રિસ્પેક્ટ સાથે. તમે બીજા માટે ઘણું કર્યું અને કરતા જ રહેવાનું છે. આપણને એ સંસ્કાર મળ્યા છે, એને ક્યાંય છોડવાના નથી, પણ મહત્ત્વનું છે કે તમે તમારી જાતને પણ પ્રાયોરિટી પર રાખો. નવું શીખો, નવું જાણો, સતત અપડેટ થતાં રહો. અપડેટ હશો તો તમને પોતાને મજા આવશે. તમને ખુશી થશે કે તમારી પાસે બીજા કરતાં વધારે માહિતી છે અને એની પણ મજા હોય છે. હું કંઈ નવું જાણી કે શીખીને આવું ત્યારે મારે એ વાત તરત મારાં બાળકો કે મારા હસબન્ડ પાસે શૅર કરવાની હોય છે અને હું એ કરું પણ છું. હવે તો એવું બને છે કે એ લોકો કંઈ નવું શીખીને આવ્યા હોય તો મારી સાથે રાજી થઈને શૅર કરે. આ જે વાતાવરણ છે એમાં હૂંફ હોય છે પણ એ હૂંફ લાવવા માટે સૌથી મહત્ત્વનું છે, જાતને ખુશ રાખો.

