Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અભ્યાસેન તુ કૌંતેય

અભ્યાસેન તુ કૌંતેય

18 September, 2022 03:07 PM IST | Mumbai
Kana Bantwa

અત્યારનું જગત એક્સપર્ટાઇઝનું છે. તમને માત્ર આવડતું હશે તો તમે ટોળામાં જ રહી જશો. જો તમારે સફળ થવું હશે તો તમારા ફીલ્ડમાં સર્વશ્રેષ્ઠ બનવું પડશે

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


અસંખ્ય બાબતો એવી હોય છે જેનો અભ્યાસ છૂટી ગયો છે એટલે એનું કૌશલ્ય ગુમાવી દીધું છે. અભ્યાસની મજા જ એ છે કે એ વિસ્મૃત થઈ જાય, પણ વિલુપ્ત થતો નથી. તમે ડ્રાઇવિંગ શીખ્યા હો, પછી વર્ષો સુધી ગાડી ચલાવી ન હોય તો પણ, થોડા દિવસ અભ્યાસ કરવાથી તમે ફરીથી એવી જ કુશળતા મેળવી શકશો જે અગાઉ હતી. પ્રથમ વખત ગાડી શીખવામાં તમને એક મહિનો લાગ્યો હશે, ફરીથી શીખવા માટે માત્ર એકાદ-બે દિવસ જ લાગે.

કાર ચલાવતાં બધાને આવડતું જ હોય, પણ ફૉર્મ્યુલા-વન રેસમાં ભાગ લેવો હોય તો અભ્યાસ કરવો પડે. શૅરબજારમાં ટ્રેડિંગ તો અનેક કરતા હોય, વૉરન બફેટ બનવું હોય તો અભ્યાસ કરવો પડે. એમબીએ તો અસંખ્ય હોય, પણ ટોચના સીઈઓ બનવું હોય તો પ્રૅક્ટિસ કરવી પડે, અભ્યાસ કરવો પડે. એક કહેવત છે કે ‘પ્રૅક્ટિસ મેક્સ મૅન પર્ફેક્ટ.’



પાંડવો અને કૌરવો ગુરુદ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખતા હતા એ સમયની વાત છે. એક વખત રાતે બધા જમવા બેઠા હતા. ભોજન હજી શરૂ જ થયું હતું ત્યાં હવાની જોરદાર લહેરખી આવી અને દીવા ઓલવાઈ ગયા. દીવાઓને ફરી પ્રગટાવવામાં આવે ત્યાં સુધી હાથમાં કોળિયા લઈને તો બેસી રહેવાય નહીં. બધાએ હાથમાંના કોળિયા મોંમાં મૂક્યા. ભીમ તો સ્વભાવે જ અધીર અને જ્યારે ભોજન પર બેઠો હોય ત્યારે તો તેની અધીરાઈ આસમાને પહોંચે એટલે તેણે અંધારામાં પણ જમવાનું ચાલુ રાખ્યું. બાજુમાં જ બેઠેલા અર્જુનને ચાવવાનો અવાજ આવ્યો એટલે તે સમજી ગયો કે ભીમસેન અંધારામાં ભોજન આરોગી રહ્યો છે. અર્જુનને પ્રશ્ન થયો કે અંધારામાં કશું દેખાતું જ નથી છતાં કોળિયો થાળીથી સીધો મોંમાં જ જાય છે, આવું કેમ બનતું હશે? તેણે પણ પ્રયત્ન કરી જોયો તો અંધારામાં પણ થાળીમાંથી ગ્રાસ લઈ શકાયો અને મોંમાં જ ગયો. અર્જુનના મનમાં ચમકારો થઈ ગયો કે આ અભ્યાસની કમાલ છે. એ રાતે બધા સૂઈ ગયા એટલે અર્જુન રાતના અંધારામાં બાણ ચલાવવાનો અભ્યાસ કરવા માંડ્યો. 


મહાન ધનુર્ધર બનવા પાછળ અર્જુનનો આ સતત અભ્યાસ કારણભૂત હતો. અન્ય એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે આટલા લોકો એ સમયે હાજર હતા એમાંથી માત્ર અર્જુનને જ પ્રશ્ન થયો. બન્ને બાબત મહત્ત્વની છે, પ્રશ્ન થવો અને અભ્યાસ કરવો. અર્જુન અભ્યાસનો માણસ હતો એટલે જ્યારે તેણે ભગવદ્ગીતામાં પ્રશ્ન કર્યો કે મન એટલું ચંચળ છે કે એને નિયંત્રિત કરવું એ પવનને નિયંત્રણમાં લાવવા જેવું કઠણ કામ છે, એને કેમ કાબૂમાં લેવું ત્યારે શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો હતો કે અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિયંત્રણમાં રાખી શકાય. ‘અભ્યાસેન તુ કૌંતેય, વૈરાગ્ય ચ ગૃહ્યતે.’

અત્યારનું જગત એક્સપર્ટાઇઝનું જગત છે. અહીં તમને કશુંક માત્ર આવડતું હશે તો તમે ટોળામાં જ રહી જશો. જો તમારે સફળ થવું હશે, નામ કમાવું હશે, ટોચ પર પહોંચવું હશે તો તમારા ફીલ્ડમાં સર્વશ્રેષ્ઠ બનવું પડશે અને શ્રેષ્ઠતા મેળવવા માટે સતત અભ્યાસ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. પ્રખ્યાત બૉક્સર મોહમ્મદ અલીએ કહ્યું હતું, ‘મને પ્રૅક્ટિસ કરવાનો રીતસર કંટાળો આવતો, પણ મને ખબર હતી કે પ્રૅક્ટિસ કર્યા વગર હું શ્રેષ્ઠ બની શકું નહીં. હું મારી જાતને કહેતો કે અભ્યાસ તો કરવો જ પડશે. સતત પ્રૅક્ટિસે મને વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યો.’ રમતના જગતમાં તો પ્રૅક્ટિસ વિના સફળતા સંભવ જ નથી, પણ એ સિવાયના વિશ્વમાં સફળ થવા માટેય અભ્યાસ જ એકમાત્ર ગુરુચાવી છે. માણસનું મન ઘરેડને અનુસરનાર છે. એને ઘરેડ ફાવે છે. લગભગ મોટા ભાગનાં કામ ઘરેડ મુજબ થતાં રહે છે. ઉપર ભીમનો દાખલો આપ્યો છે, પણ વાસ્તવમાં તો આપણે બધા એવા જ છીએ. આપણે જમતી વખતે ક્યારેય વિચારવું પડ્યું છે ખરું કે હાથ હવે મોં સુધી જ જવો જોઈએ? ક્યારેય વિચારવું પડ્યું છે કે રોટલીના ટુકડાને હવે ચાવવાનો છે અને પછી એને ગળે ઉતારવાનો છે. એ એની મેળે થતી પ્રક્રિયા એટલા માટે છે કે આપણે એનો સતત અભ્યાસ કરતા રહીએ છીએ.


કૂદકો તો કોઈ પણ માણસ મારી શકે, પણ લાંબા કૂદકામાં કે ઊંચા કૂદકામાં ચૅમ્પિયન બનવું હશે તો એને માટે અભ્યાસ કરવો પડશે, નિષ્ણાત પાસે શીખવું પણ પડશે. ગાડી ચલાવતાં બધાને આવડતું જ હોય, પણ ફૉર્મ્યુલા-વન રેસમાં ભાગ લેવો હોય તો અભ્યાસ કરવો પડે. શૅરબજારમાં ટ્રેડિંગ તો અનેક કરતા હોય, વૉરન બફેટ બનવું હોય તો અભ્યાસ કરવો પડે. એમબીએ તો અસંખ્ય હોય, પણ ટોચના સીઈઓ બનવું હોય તો પ્રૅક્ટિસ કરવી પડે, અભ્યાસ કરવો પડે. એક કહેવત છે કે પ્રૅક્ટિસ મેક્સ મૅન પર્ફેક્ટ. વાત સાચી છે, પણ એમાં અત્યારના સમય મુજબ ઉમેરો કરવો પડે એમ છે. અત્યારે માત્ર પ્રૅક્ટિસ કામમાં આવતી નથી, અત્યારે પર્ફેક્ટ પ્રૅક્ટિસ કરવી પડે એમ છે. સારા મૅનેજર બનવા માટે કોઈ પણ કૉલેજમાં શિક્ષણ લઈ લેવું પૂરતું નથી, એને માટે આઇઆઇએમ કે હાર્વર્ડના અભ્યાસની જરૂર પડે.

હવેનું વિશ્વ સામાન્ય માટેનું છે જ નહીં. હવે સમય અસામાન્યનો છે. સામાન્યની સંખ્યા એટલી વધી ગઈ છે કે અસામાન્ય બન્યા વગર છૂટકો નથી અને અસામાન્યમાં પણ એટલી ભીડ છે કે અતિ અસામાન્ય બનો તો જ ટોચ પર પહોંચો. અતિ અસામાન્ય બનવા માટે માત્ર શિક્ષણ, પ્રશિક્ષણ, તાલીમ પૂરતાં નથી. એનાથી જે જ્ઞાન મળે એ જ્ઞાનનો સતત અભ્યાસ અને એમાં નવું વિચારતા રહેવાની ક્ષમતા વિકસાવવી અનિવાર્ય બની ગઈ છે. અભ્યાસ કરવાનો અર્થ જ એ છે કે અત્યારે છીએ એના કરતાં વધુ કુશળ, વધુ શ્રેષ્ઠ બની શકીએ. સતત ઇમ્પ્રૂવ થતા રહીને શ્રેષ્ઠતાની નજીક પહોંચી જવું એ અત્યારનો અંતિમ પડાવ છે. વાસ્તવમાં તો અભ્યાસ આપણી અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાનું જ કામ છે. દરેકની અંદર પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવાની સંભાવના પડી છે, એને બહાર કાઢવા પ્રયત્ન કરવાનો ઉત્સાહ બધામાં હોતો નથી.

આપણી કેટલીયે પ્રૅક્ટિસ છૂટી ગઈ છે. માણસ જીવનના પ્રવાહમાં ઢસડાઈને દૂર સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલુંય વીસરી જાય છે. વર્ષોથી ગાડી ચલાવવાનું થયું જ નથી એટલે ડ્રાઇવિંગ ભુલાઈ ગયું છે. ગૃહિણીઓમાં તો આવું ખાસ બને છે. ગાડી ચલાવવાનું કામ પતિ કે ડ્રાઇવર જ કરે છે, સ્ટિયરિંગ હાથમાં લેવાનું થતું જ નથી એટલે ડ્રાઇવિંગ વીસરાઈ ગયું છે. લગ્ન પહેલાં સરસ નૃત્ય કરતી હતી, પણ ઘટમાળમાં એવી ગૂંચવાઈ ગઈ કે કથક સાવ ભુલાઈ ગયું. કૉલેજમાં હતી ત્યારે કેવું સરસ ક્લાસિકલ ગાતી હતી, પણ હવે રિયાઝ છૂટી ગયો, ગાવાનું જ છૂટી ગયું. તમે યાદી બનાવવા બેસો તો લાંબીલચક બને. અસંખ્ય બાબતો એવી હોય છે જેનો અભ્યાસ છૂટી ગયો છે એટલે એનું કૌશલ્ય ગુમાવી દીધું છે. અભ્યાસની મજા જ એ છે કે એ વિસ્મૃત થઈ જાય, પણ વિલુપ્ત થતો નથી. તમે ડ્રાઇવિંગ શીખ્યા હો, પછી વર્ષો સુધી ગાડી ચલાવી ન હોય તો પણ થોડા દિવસ અભ્યાસ કરવાથી તમે ફરીથી એવી જ કુશળતા મેળવી શકશો જે અગાઉ હતી. પ્રથમ વખત ગાડી શીખવામાં તમને એક મહિનો લાગ્યો હશે, ફરીથી શીખવા માટે માત્ર એકાદ-બે દિવસ જ લાગે. આ જ અભ્યાસની મજા છે. એક સરસ વાક્ય ક્યાંક વાંચ્યું હતું, ‘પ્રૅક્ટિસ તમારા સ્નાયુઓમાં મગજ મૂકી આપે છે.’ અર્થાત્ તમારા સ્નાયુઓને બુદ્ધિ પ્રદાન કરે છે, એ પોતાની મેળે કામ કરવા માંડે છે.

સાવ નવું, અગાઉ ક્યારેય ન કર્યું હોય એવું કોઈ કૌશલ્ય પણ અભ્યાસથી મેળવી શકાય છે. માણસ પોતાની દરેક મર્યાદાને ઉલ્લંઘી શકે છે. દરેક સીમાને વટાવી શકે છે, દરેક નબળાઈથી ઉપર ઊઠી શકે છે. તમે માણસની સ્વરપેટી કાઢી નાખો તો પણ અભ્યાસથી તે અવાજ કાઢતાં શીખી જશે, ભલે એ અવાજ બહુ સૂરીલો ન હોય, પણ કામ તો ચાલી જ શકશે. ગળાના મેકૅનિઝમનો ઉપયોગ કરીને માણસ સ્વરપેટી વગર પણ બોલી શકે એ તો અસંભવ જ કહેવાયને. જો દરેક મર્યાદાને વળોટી શકાતી હોય તો પછી બેસી રહેવાનો શું અર્થ છે? ચાલો, ઊભા થાઓ, નવું કંઈક શીખીએ, નવું કંઈક કરીએ. અભ્યાસ કરીને એને હાંસલ કરીશું. કૃષ્ણને સાચા પાડવાનું કામ પણ આપણું જ છેને. અભ્યાસેન તુ કૌંતેય

.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 03:07 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK