આજકાલના સમયમાં બાળક ગુમ થયું હોય એવા ન્યુઝ તો આપણે બહુ વાંચતા હોઈએ પણ એ ન્યુઝમાં અમુક લાઇનો એવી લખી હતી કે મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો
પ્રતીકાત્મક તસવીર
હું ન્યુઝપેપર પર અચૂક નજર કરી લઉં, જેને માટે જરૂરી નથી કે મને આ જ ન્યુઝપેપર જોઈએ. મારું કામ જ એવું છે કે હું ક્યાંય પણ હોઉં તો નૅચરલી મને મારું જોઈતું ન્યુઝપેપર ન મળે, પણ હું જ્યાં હોઉં ત્યાં ન્યુઝપેપર પર નજર અચૂક કરું. જ્યારે સમય મળે ત્યારે કરું. ઘણી વાર તો મારા ફ્રેન્ડ્સ કે યુનિટના લોકો મારા પર હસે પણ ખરા કે દિવસ પૂરો થઈ ગયો ત્યારે તું મૉર્નિંગ પેપર જુએ છે. ઍક્ચ્યુઅલી મારું ધ્યાન એ પેપરમાં ન્યુઝ કરતાં પણ ઘટના પર વધારે હોય છે. એવી ઘટના જેને અનેક લોકો સાથે સીધો સંબંધ હોય, એવી ઘટના જે મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો તમને પણ આનંદ આવે.
થોડા સમય પહેલાં મેં પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘જગત’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મ પણ મને ન્યુઝપેપરમાં આવેલા એક ન્યુઝ પરથી મળી હતી. એક બાળક ગુમ થયાના ન્યુઝ હતા. આજકાલના સમયમાં બાળક ગુમ થયું હોય એવા ન્યુઝ તો આપણે બહુ વાંચતા હોઈએ પણ એ ન્યુઝમાં અમુક લાઇનો એવી લખી હતી કે મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. એમાં લખ્યું હતું કે એ બાળકને કોઈની સાથે પ્રૉબ્લેમ નહોતો. ઘરમાં કોઈ તેને લડ્યું નહોતું, સ્કૂલમાં કોઈની સાથે તેનો ઝઘડો નહોતો થયો. બાળક સ્કૉલર હતું, એકદમ ડાહ્યું કહેવાય એવો તેનો નેચર હતો અને એ પછી પણ બાળક ઘરે પાછું નહોતું આવ્યું. આવી હિસ્ટરી હોય એટલે કોઈને પણ વિચાર આવે કે આ બાળકને કોઈ ઉઠાવી ગયું હશે અને પછી એ દિશામાં તપાસ ચાલુ થાય, પણ ઘણી વખત ઘટનામાં એવું પણ નથી હોતું અને એનાથી પણ સાવ જુદું જ કારણ હોય છે.
ADVERTISEMENT
એ ન્યુઝ વાંચ્યા પછી મને ઇન્ટરેસ્ટ પડ્યો અને મેં જુદા-જુદા પોલીસ ઑફિસરોને મળવાનું શરૂ કર્યું. એ લોકો પાસેથી જે વાત સાંભળવા મળી, જે કિસ્સાઓ સાંભળવા મળ્યા એ સાંભળીને ખરેખર મારી આંખો પહોળી થઈ ગઈ. તમને એ જે વાતો થઈ હતી એ વાતો પૈકીની એક વાત કહું. ગુમ થયેલા બાળકના ન્યુઝ મળ્યા પછી ચોવીસથી વધુમાં વધુ અડતાલીસ કલાક એવા હોય છે જેમાં બાળકને પાછું લાવી શકાય, એ પછી ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એ બાળક પાછું આવે એવી આશા છોડી દે છે.
બીજી વાત, બાળક ગુમ થવામાં દેખીતું કારણ ન હોય એવું પણ અનેક વાર બને અને એવું પણ બને કે એ કારણ પેરન્ટ્સ સાથે જોડાયેલું હોય અને એ પછી પણ પેરન્ટ્સને એની ખબર પણ ન હોય! આજે અહીં આ ટૉપિકની વાત પણ એટલે જ કરું છું. તમે એમ માનો કે અમને તો બાળકની બધેબધી વાત ખબર છે તો તમે ભૂલ કરો છો. બાળક પોતાના મનની બધી વાત નથી કરતું એટલે બાળકના મનની બધી વાત જાણવા માટે તે જેની પાસે ખૂલતું હોય એવા તેના ફ્રેન્ડ્સ કે ગાઇડને મળીને પણ બાળકનું મન જાણવું જોઈએ અને પોલીસ પણ દરેક પેરન્ટ્સને આ ઍડ્વાઇઝ આપે છે. મને લાગે છે કે દરેક માબાપે આ કામ કરવું જોઈએ.
- કૃષ્ણદેવ યાજ્ઞિક (કૃષ્ણદેવ યાજ્ઞિક ‘છેલ્લો દિવસ’, ‘રાડો’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોના રાઇટર-ડિરેક્ટર છે.)


