ટ્વિન ટાવર સમયે અમેરિકામાં તોફાનો થયાં, પણ અમેરિકાએ તરત કાબૂ પ્રાપ્ત કર્યો અને અપરાધીઓને પકડી જેલભેગા કર્યા.
ગુજરાતી મિડ-ડે લૉગૉ
ટ્વિન ટાવર સમયે અમેરિકામાં તોફાનો થયાં, પણ અમેરિકાએ તરત કાબૂ પ્રાપ્ત કર્યો અને અપરાધીઓને પકડી જેલભેગા કર્યા. એક મસ્જિદમાં પ્રમુખ બુશ પોતે ગયા અને ઇસ્લામને શાંતિદાતા ધર્મ બતાવી, અમેરિકાના વિકાસમાં મુસ્લિમોએ સારો ફાળો આપ્યો છે એમ કહીને વખાણ કર્યાં અને વિરોધ કરનારા ગોરાઓને ફટકારીને ‘શરમ-શરમ’ કહ્યું.
પ્રશ્ન એ છે કે અમેરિકા ઇસ્લામનો મોટો શત્રુ છે એવો પ્રચાર કયા આધારે થયો? શું એણે મસ્જિદો તોડી? શું એણે મુસલમાનોને જબરદસ્તીથી ધર્માંતરિત કર્યા? એણે એવું તો કયું કામ કર્યું કે લોકો એને ઇસ્લામનો શત્રુ માને છે? આ કોઈ અમેરિકાની વકાલત નથી, પણ એક ગાંડું ટોળું માર-માર કરતું દોડી રહ્યું છે, એમાં થોડાક તો
ડાહ્યા લોકો ઊભા રહીને શાંતિથી વિચાર કરે. ઓસામાના માણસોએ કેન્યા-ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસોને બૉમ્બનો પલીતો ચાંપ્યો અને ઇમારતો
ધ્વસ્ત થઈ. સાથે સાથે બસો-અઢીસો માણસો પણ મરાયા. એ પછી આતંકવાદ એની પાછળ છેડતીઓ કરતો રહ્યો. એમ છતાં અમેરિકાએ અપરાધીઓ સિવાય બીજા
કોઈ મુસલમાન સામે કોઈ પગલાં ભર્યાં નથી. વિશ્વવ્યાપાર કેન્દ્રની ભયંકર
હોનારત પછી પણ એણે ઇસ્લામ કે સંપૂર્ણ મુસલમાનો માટે કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. એ તો કહે છે કે અમારો વિરોધ માત્ર આતંકવાદી ઓસામા પ્રત્યે અને તેના સહયોગીઓ પ્રત્યે હતો. જો તમને યાદ હોય તો એક સમયે ઓસામાનું નેટવર્ક ચાલીસ દેશોમાં ફેલાયેલું હતું, જેમાં ભારત પણ આવી ગયું.
આવા મોટા આતંકવાદીને અમેરિકા સહન કરી લે અને તેની પ્રવૃત્તિઓ ચાલવા દે એવી કોઈની ધારણા હોય તો એ અસ્વસ્થતાની નિશાની છે. જે લોકો આંતરે દિવસે વાતવાતમાં જેહાદ-જેહાદના નારા લગાવી પોતે અશાંત થાય અને વિશ્વને શાંતિથી રહેવા દેતા નથી તેમના હાથમાં ધર્મની વ્યાખ્યા આપવામાં આવશે તો તે ધર્મને જ વધુ નુકસાન કરશે. દુર્ભાગ્યવશ આતંકવાદના ચરમશિખર પર બેઠેલા માણસને ધર્મરક્ષક માની લેવામાં આવ્યો છે અને તેના એક શબ્દ પર ફના થવા હજારો-લાખ્ખો લોકો તૈયાર થઈ રહ્યા છે. ક્ષમા, દયા, કરુણા, ઉદારતા, વિશાળતા, ભાઈચારો વગેરે ઉદાત્ત માનવીય ગુણોથી ધર્મ દીપી ઊઠતો હોય છે. એની જગ્યાએ નફરત, માત્ર નફરત અને ક્રૂરતાભરી હિંસાના દ્વારા કોઈ ધર્મનો જયજયકાર કરવા માગે તો તે પોતાના ધર્મને જ હલકો પાડવાનું કૃત્ય કરી રહ્યો છે. તેને રોકવાની જગ્યાએ તેની પીઠ થાબડનારા ધર્મના નામે અધર્મનું જ કાર્ય કરી રહ્યા છે.

