Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાલ્કનીમાં થોડાં કૂંડાંની જ જગ્યા છે તો એમાં પણ કિચન-ગાર્ડન બને?

બાલ્કનીમાં થોડાં કૂંડાંની જ જગ્યા છે તો એમાં પણ કિચન-ગાર્ડન બને?

10 May, 2024 07:31 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આવો સવાલ તમને પણ થતો હોય અને ઘરમાં ઉગાડેલી ચીજો વાપરવાની ઇચ્છા હોય તો શરૂઆત ખૂબ નાનાં પૉટ્સ અને પ્લાન્ટ્સથી થઈ શકે છે. મેઇન્ટેન કરવું ઈઝી હોય એવું ટચૂકડું કિચન-ગાર્ડન બનાવવા શું કરવું એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈનાં ઘરોમાં વધુ જગ્યા હોતી નથી. બાલ્કની હોય એમાં પણ વધુમાં વધુ પાંચથી છ જ કૂંડાં રાખી શકીએ. તો એવા સમયે કયા પ્લાન્ટ્સ ઉગાડવા એને લઈને કન્ફ્યુઝન રહેતું હોય છે. આપણને કિચન-ગાર્ડનની ઇચ્છા તો હોય પણ ગાર્ડનિંગનું વધારે નૉલેજ હોતું નથી એટલે કઈ રીતે શરૂઆત કરવી એની ગતાગમ પડતી નથી. આપણે બહુ બધાં શાકભાજી અને ફળો ઉગાડ્યાં હોય એને જ કિચન-ગાર્ડન કહેવાય એવું જરૂરી નથી એમ જણાવતાં સોસાયટીઓમાં કિચન-ગાર્ડનની વર્કશૉપ્સ કન્ડક્ટ કરનારાં કાંદિવલીના પૂર્વી શાહ કહે છે, ‘કિચન-ગાર્ડન કન્સેપ્ટને જોવાનો નજરિયો બદલવાની જરૂર છે. ખાલી ચાર જ પ્લાન્ટ રાખવાની જગ્યા હોય તો એવા રાખો જેનો તમે બારેમાસ ઉપયોગ કરી શકો. હવે એક કૂંડામાં તમે ભીંડો ઉગાડો તો તમને એક પ્લાન્ટમાંથી છ-આઠ ભીંડા મળશે, જે કોઈ ફૅમિલીની જરૂરિયાત પૂરી નહીં કરે. એના કરતાં તમે કઢી પત્તાં લગાવો તો રોજ વાપરી શકશો.’

શરૂઆતમાં આ પ્લાન્ટ લગાવો
શરૂઆતમાં તમે તુલસી, અલોવેરા, કઢી પત્તાં, લીલી ચા, ફુદીનો, કોથમીર, બેસિલ, નાગરવેલ, જાસવંતી, શંખપુષ્પી જેવા પ્લાન્ટ્સ ઉગાડી શકો એમ જણાવતાં પૂર્વી શાહ એની પાછળનું કારણ સમજાવે છે, ‘આવા બધા પ્લાન્ટ્સ માટે મોટાં કૂંડાંની જરૂર નથી. એને વધુપડતી સનલાઇટની જરૂર પણ પડતી નથી અને બારેમાસ એનો ઉપયોગ કરી શકો. તમે તમારી જરૂરિયાતના હિસાબે કોઈ પણ પ્લાન્ટ લગાવી શકો. જેમ કે ઘરમાં કોઈને ડાયાબિટીઝ હોય તો તમે ઇન્સ્યુલિન પ્લાન્ટ લગાવો. તમે ઇચ્છો તો બેસિલ જેવા ઍરોમૅટિક પ્લાન્ટ લગાવી શકો જે તમારા ઘરમાં ખુશ્બૂ લઈને આવે. તમે તમારા સ્કિન-કૅર રૂટીનમાં અલોવેરા યુઝ કરી શકો. લીલી ચા ઉગાડી હોય તો રોજ સવારે એને ઉપયોગમાં લઈ શકો. કઢી પત્તાં, કોથમીર, ફુદીનાનો તમે રસોઈમાં ઉપયોગ કરી શકો. જાસ્વંદ, શંખપુષ્પીનાં ફૂલોમાંથી તમે શરબત બનાવી શકો. આ બધા પ્લાન્ટ એવા છે જેને તમે આરામથી છથી આઠ ઇંચનાં કૂંડાંમાં ઉગાડી શકો છે.’ શાકભાજી આ રીતે પણ ઉગાડી શકો
જનરલી શાકભાજી ઉગાડવા માટે પ્રમાણમાં મોટું કૂંડું જોઈએ, પણ તેમ છતાં અમુક શાકભાજીને તમે નાની જગ્યામાં પણ ઉગાડી શકો છે. આ વિશે પૂર્વી શાહ કહે છે, ‘તમે ઇચ્છો તો કોલ્ડ ડ્રિન્કના બે લીટરના બાટલામાં પણ ગાજર, મૂળા ઉગાડી શકો. એક બૉટલમાં બે મૂળા આરામથી ઊગી શકે. તમારી પાસે બાસ્કેટ હોય તો એમાં તમે પાલક જેવી ભાજી ઉગાડી શકો. નારિયેળની કાચલીની અંદર પણ તમે માઇક્રોગ્રીન્સ ઉગાડી શકો. ઈવન માટીના કુલ્લ઼ડમાં પણ લીલા કાંદા કે લસણ ઉગાડી શકો. ગાર્ડનિંગ એક આર્ટ છે. તમને ફક્ત એટલી ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે એમાં શું ઉગાડી શકીએ. એ માટે તમારે ગાર્ડનિંગની શરૂઆત કરવી પડે. એ પછી તમે જાતે તમારા અનુભવજ્ઞાનથી શીખી જશો. જો તમારા ઘરે વધારે જગ્યા હોય તો ગુવાર, ભીંડો, ફણસી, રીંગણ, મરચાં, ટમેટાં, કૅપ્સિકમ, કાકડી ઉગાડી શકો. એ માટે ૧૨-૧૫ ઇંચનું કૂંડું જોઈએ. એમાં પણ આજકાલ ગ્રો બૅગનો વિકલ્પ છે, જે બ્રીધેબલ ફૅબ્રિકથી બનેલી હોય છે. જનરલી પ્લાસ્ટિકનાં કૂંડાંમાં પ્લાન્ટના રૂટ સુધી બહારની હવા ન પહોંચી શકે, પણ ગ્રો બૅગમાંથી હવા સારી રીતે પસાર થઈ શકે છે. બીજું એ કે બાલ્કનીમાં આપણે વધારે વજન ન રાખી શકીએ તો એકસાથે પાંચ-છ પ્લાન્ટ રાખવા હોય તો કૂંડાં કરતાં ગ્રો બૅગ્સનો યુઝ કરીએ તો સારું પડે.’


ગાર્ડનિંગનું ફર્સ્ટ સ્ટેપ શું?
પ્લાન્ટને ઉગાડવા સરળ છે, પણ એને મેઇન્ટેન કરવાનું કામ અઘરું છે. એ માટે તમારે સારી ગુણવત્તાની માટી તૈયાર કરતાં શીખવું પડશે. જો તમારી માટી સારી હશે તો જ તમારા પ્લાન્ટ લાંબા સમય સુધી ટકી રહેશે. એ માટે તમારે ઘરે જ કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરવું પડશે એમ જણાવતાં પૂર્વી શાહ કહે છે, ‘તમારે એક માટલું લેવાનું. એમાં નીચે માટીનો એક થર કરવાનો, એના પર ફળો અને શાકભાજીનાં જે છીલકાં હોય જેને આપણે ભીનો કચરો કહીએ એનું એક લેયર કરવાનું અને પછી એના પર સૂકાં પાંદડાં, નારિયેળનાં છીલકાં કે કોકોપીટનું લેયર કરીને માટલું બંધ કરી દેવાનું. તમારું માટલું ન ભરાય ત્યાં સુધી તમારે દરરોજ લેયર કરતા જવાનું અને માટલું ભરાઈ જાય પછી એને ૨૫-૩૦ દિવસ સુધી સાઇડમાં ઢાંકીને મૂકી રાખવાનું. એ પછી કુદરતી રીતે વિઘટનની પ્રક્રિયા થઈને તમે જે પણ કચરો નાખ્યો હશે એનું રૂપાંતર માટીમાં થઈ ગયું હશે. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે સૂકા અને ભીના કચરાની જે લેયર છે એ ઇક્વલ પ્રપોર્શનમાં હોવી જોઈએ. તમે ભીના કચરાની લેયર જાડી કરી હોય પણ ઉપર કોકોપીટની લેયર સાવ પાતળી કરો તો એ ન ચાલે. એનાથી તમારું ખાતર વધુપડતું ભીનું થઈ જશે અને દુર્ગંધ આવવા લાગશે. તમે ભીનો કચરો ઓછો અને સૂકો કચરો વધુ નાખી દો તો એ પણ ન ચાલે, કારણ કે એનાથી વિઘટનની પ્રક્રિયા અટકી જશે. કૂંડાની માટી વધારે ગારા જેવી કે વધારે પડતી સૂકી હોતી નથી એવી જ રીતે ખાતરમાં પણ એ લેવલનું મૉઇશ્ચર મેઇન્ટેન કરવાનું હોય છે. ઇન કેસ જો કમ્પોસ્ટ બનાવતી વખતે એના થર જરૂર કરતાં વધારે ભીના થઈ ગયા હોય તો એમાં સૂકું મટીરિયલ અને સૂકા થઈ ગયા હોય તો ભીનું મટીરિયલ મિક્સ કરી દો. એને એકાદ દિવસ છાયામાં હવા આવે એ રીતે ખુલ્લું રાખી દો અને પછી એને ફરી માટલામાં ભરીને લેયર બનાવવાનું શરૂ કરી દો. કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયા થોડી અઘરી છે, પણ તમને એ બનાવતાં આવડી જાય તો સમજી લો કે તમે ૭૦ ટકા ગાર્ડનિંગ શીખી ગયા છો. બને ત્યાં સુધી માટલાનો જ ઉપયોગ કરો; કારણ કે એનાથી મૉઇશ્ચર-લેવલ આપોઆપ મેઇન્ટેન થશે. દરેક પ્લાન્ટને અલગ-અલગ ન્યુટ્રિઅન્ટ્સની જરૂર પડે છે. આપણે ઘરે જે કમ્પોસ્ટ રેડી કરીએ એમાં બધું જ આવી જાય, કારણ કે આપણે જે શાકભાજી-ફળોનાં છીલકાં એમાં નાખ્યાં એને કારણે વિવિધ ન્યુટ્રિઅન્ટ્સ એમાં આવી ગયાં. હવે પ્લાન્ટ્સને જેની જરૂર હશે એ આપોઆપ માટીમાંથી લઈ લેશે.’

નાની, પણ યાદ રાખવા જેવી કામની વાતો
ગાર્ડનિંગમાં બીજી સૌથી મહત્ત્વની વસ્તુ છે એ મલ્ચિંગ છે, જેને માટીનું બ્લૅન્કેટ આપણે કહી શકીએ. જેમ આપણે કપડાં પહેર્યા વગર નથી ફરતા એમ આપણી માટી પણ ક્યારેય ખુલ્લી ન હોવી જોઈએ એમ જણાવતાં પૂર્વી શાહ કહે છે, ‘કૂંડાની માટીની ઉપરની લેયરને તમે કવર કરીને રાખો તો એના પર સીધો તડકો નહીં પડે અને તમારી માટી સુકાઈ નહીં જાય. એની અંદરનું જે મૉઇશ્ચર લેવલ છે એ જળવાઈ રહેશે. માટીની અંદર જે જીવન છે એને પણ નુકસાન નહીં થાય. કૂંડાની માટીને તમે ઢાંકવા માટે કેરીની પેટી સાથે આવતું સૂકું ઘાસ, મગફળી, પિસ્તાં, અખરોટનાં છીલકાં, સૂકાં પાંદડાંનો ઉપયોગ કરી શકો. આ બધી જ ઑર્ગેનિક વસ્તુનું માટીમાં વિઘટન થાય છે ત્યારે હ્યુમસ ફૉર્મ થાય છે, જે તમારી માટીની ગુણવત્તાને સુધારીને પ્લાન્ટને ગ્રો થવામાં મદદ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 07:31 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK