Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક શક્યતામાંથી જ ઘટનાઓ બને

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને

Published : 27 August, 2023 02:21 PM | IST | Mumbai
Hiten Anandpara

૨૩ ઑગસ્ટની સાંજે દિલ ચાંદ-ચાંદ થઈ ગયું. ચંદ્રયાન-૩ની સફળતાને કારણે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી ગયો.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને


૨૩ ઑગસ્ટની સાંજે દિલ ચાંદ-ચાંદ થઈ ગયું. ચંદ્રયાન-૩ની સફળતાને કારણે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી ગયો. વિક્રમ લૅન્ડરે કોઈ તિકડમમાં સપડાયા વગર ટેન્ડર ઉતરાણ કર્યું. ધર્મની વાડાબંધી, જાતિ-જ્ઞાતિના ભેદ, ઊંચ-નીચની સરખામણી વગેરે સમીકરણો આ ક્ષણે ઓગળીને ભારતમય થઈ ગયાં. ચંદ્રયાન-૨ વખતે જે અકલ્પનીય ધ્રાસકો પડેલો એ આખરે નિરાંતના ધબકારમાં ફેરવાયો. મરીઝસાહેબની પંક્તિઓમાં છેલ્લાં ચાર વર્ષનો ઉચાટ અને સમજણ બંને જોવા મળશે...
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં
૧૯ મિનિટના લૅન્ડિંગની પળેપળ મહિનાઓ જેવી લાગી. સેકંડે-સેકંડે ગતિવિધિઓની ટેક્નિકલ સમીક્ષા સાંભળીને અને આંકડાઓની વધઘટ જોઈને જીવ ચકરાવે ચડી ગયો હતો. આખી ઘટનાનું જીવંત પ્રસારણ ચકિત કરી ગયું. એક સરકારી સાહસને જો પ્રોફેશનલી કામ કરવાની છૂટ આપવામાં આવે તો એ કેવી કમાલ કરી શકે એનું જ્વલંત ઉદાહરણ ઇસરો છે. સાઇકલ પર રૉકેટ મૂકીને લઈ જતા વૈજ્ઞાનિકોથી આરંભાયેલી સફર આજે ચાંદ પર પહોંચી ગઈ છે. અલ્પેશ પાગલ પ્રથમ પગલાની મહત્તા કરે છે... 
તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી
એક શક્યતામાંથી જ ઘટનાઓ બને
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી
એક નાના વિચારનું જતન-સંવર્ધન થાય તો એ સાકાર થઈ શકે છે. હૉલીવુડની ફિલ્મોમાં દાયકાઓ પહેલાં જે ફૅન્ટસી ઊભી કરવામાં આવી હતી એ વિજ્ઞાન દ્વારા ઘણા અરસા પછી સાકાર થઈ હોય એવું બન્યું છે. વાસ્તવિકતા તરફ જવા કલ્પનાનો પાયો જોઈએ. પ્રારંભિક તબક્કામાં કદાચ એ તુક્કો લાગે, પણ જેમ-જેમ એનો ઘાટ ઘડાતો જાય એમ-એમ એમાંથી તારણ તરફ જવાય. આ મંથન માટે વર્ષો સાધના કરવી પડે. પારુલ બારોટ ધૈર્યનું પરિણામ આલેખે છે...
આ ધીરજનું બારણું ખખડાવીને
લઈ સફળતા સાથમાં ડોકાઉં છું
રાતના પડદા ઉકેલે ચાંદની
મખમલી સપનું થઈ મ્હેકાઉં છું
ચંદ્રયાન-૧ મિશન ૨૦૦૮માં સાકાર થયેલું. ત્યારથી આજ સુધી દોઢ દાયકાની મજલમાં ઇસરોએ અનેક ગડમથલ અનુભવી હશે. જે મિશનમાં હજારો કર્મચારીઓ સંકળાયેલા હોય તેમની સાથેનું સંકલન અને સંયોજન બહુ વિકટ હોય છે. આપણા ઘરે બર્થ-ડે પાર્ટીમાં પંદર જણને બોલાવવાના હોય તોય બ્લડ-પ્રેશર વધી જાય. વિવિધ વિભાગો હુંસાતુંસી વિના એકરસ થઈને કામ કરે ત્યારે ચંદ્રની ધરતી પર ઊતરાતું હોય છે. આ સફર સુધી પહોંચવામાં અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો  હશે. અશોક જાની આનંદ કહે છે...  
આમ તો આળોટતી રહે છે સફળતા પગ મહીં
પણ કરેલા યત્ન વિશે તું મને ના પૂછ કંઈ
સૌની માફક મેં હંમેશાં કેટલી મહેનત કરી
રાહ આવ્યા વિઘ્ન વિશે તું મને ના પૂછ કંઈ
વિઘ્ન વગર વિજય તરફ આગળ વધાતું નથી. ચંદ્રયાન-૩ની સફળતામાં જોડાયેલા વિભાગીય વડાઓએ ટૂકું સંબોધન કર્યું એમાં કામ પ્રત્યેની તેમની નિષ્ઠા અને દેશ પ્રત્યેની નિસબત પ્રગટ થતી હતી. કોઈ જાતનો મોભો છાંટ્યા વગર, માન મેળવવાનાં હવાતિયાં માર્યા વગર લક્ષ્યને વળગીને કર્મરત રહેતા આવા વિરલાઓથી દેશ ગૌરવાન્વિત છે. ગુણવંત ઉપાધ્યાયની પંક્તિઓ બણગાં ફૂંક્યા વગર કામ કરતા લોકોને સમર્પિત છે...
સફળતા; વિફળતા; સમયપાર છું
અકળ મન; હૃદય; રક્તસંચાર છું
ગતિ-અવગતિ એ તમારી સમજ
લગોલગ ઊભો છું ને રફ્તાર છું
આપણે કામના કરીએ કે આ રફ્તાર જળવાઈ રહે. ઇસરોનાં આગામી લક્ષ્યોમાં સમાનવ અવકાશયાન અને સૂર્યને તાગવાનું મિશન આદિત્ય ક્રાંતિકારી જણાઈ રહ્યું છે. કવિ નર્મદની પંક્તિ સાથે ઇસરોની ટીમને શુભેચ્છા પાઠવીએ : યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

લાસ્ટ લાઇન
ઊગવાની જીદ રાખો, ભીંત પર કૂંપળ ફૂટે
પ્યાસ ભીતર હોય તો પથ્થર વચાળે જળ ફૂટે
એટલી મે’નત કરો બસ, એટલી મે’નત કરો
કે હથેળીમાં સફળતાનું જ ગંગાજળ ફૂટે
રાકેશ સગર સાગર
માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
ગની દહીંવાળા
ખુદની સમસ્યા હોય ને શોધો ઉકેલ બીજે?!
થઈને નિવારણ, શક્ય છે, જીવન કિતાબ આવે
પહોંચી ગયો છું હું સફળતાની કઈ હદે જો
કાયમ ‘પથિક’, રાતે મને એવાં જ ખ્વાબ આવે
જૈમિન ઠક્કર પથિક
આવનજાવન એવી થઈ ગઈ
દિલમાં જાણે શેરી થઈ ગઈ
સ્વાદ સફળતાનો ચાખ્યો સ્હેજ
સપનાંઓની મેડી થઈ ગઈ
મેહુલ ગઢવી મેઘ


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2023 02:21 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK