Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચહેરો એ શખ્સનો મેં જોયો નથી કદી પણ

ચહેરો એ શખ્સનો મેં જોયો નથી કદી પણ

12 November, 2023 03:12 PM IST | Mumbai
Hiten Anandpara

‘મિડ-ડે’ના વાચકોને શુદ્ધ ઘીના દીવાથી પલ્લવિત દિવાળીની પવિત્ર શુભકામનાઓ. આપણે નવા વર્ષમાં નવા સંકલ્પો કરવાના છે.

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


‘મિડ-ડે’ના વાચકોને શુદ્ધ ઘીના દીવાથી પલ્લવિત દિવાળીની પવિત્ર શુભકામનાઓ. આપણે નવા વર્ષમાં નવા સંકલ્પો કરવાના છે. એ સંકલ્પો શક્યતાની નજીક હોય અને ફળે પણ ખરા એવી આશા રાખીએ. આ સંકલ્પો કરતી વખતે પૂર્વાનુભવોને પણ ધ્યાનમાં લેવાના છે અને કયા અવરોધો આવી શકે છે એની સંકલ્પના પણ કરી લેવાની છે. ઉદયન ઠક્કર જે વાત કહે છે એવી જિંદગી જીવવાનું કામ મુશ્કેલ છે, પણ અસંભવ નથી...
જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે
કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે
આપણા વિચારો અને આચારોમાં એટલા બધા વળ હોય છે કે એની કળ વળે નહીં. સાતત્ય નામનો શબ્દ વાંચવામાં સારો લાગે છે, પણ એના અમલીકરણમાં ઘણા વ્યત્યય આવતા રહે છે. અનેક મૂંઝવણો અને મથામણોમાંથી પસાર થવું પડે છે. ગુણવંત ઠક્કર ધીરજ એક વિચારપ્રેરક વાત છેડે છે...
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી
મારી મથામણોની એ બહુ મોટી જીત છે
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી
આપણે જિંદગીમાં આબાદ થવાનો સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. આગળ આવવા માટે કેટલીયે વાર સિદ્ધાંતો અને આદર્શોને પાછળ છોડી દઈએ છીએ. એને કારણે કદાચ ઇચ્છિત પ્રાપ્તિ તો થઈ જાય, પણ ક્યારેક જો માંહ્યલો ડંખે તો ભીતરથી લાલચોળ થઈ જવાય. અમુક સત્યો સમજવા માટે અમુક દાયકાઓ લાગી જાય. દર્શક આચાર્ય એમાંથી એક સમજાવે છે... 
સત્ય શું છે એ જાણવા માટે
ઘર ભલે છોડ, પણ સમજ સાથે
દોસ્ત, દર્પણના સત્યને જાણી
કાચને ફોડ, પણ સમજ સાથે
નવા વર્ષની સવાર દસ્તક દેવા ઉત્સુક છે ત્યારે એક નિર્ધાર સાથે આગળ વધવાનું છે, આડેધડ નહીં. સંભવિત જોખમ વિચાર્યા વિના આગળ વધીએ તો કાર્ય અડધા રસ્તે ખોડંગાઈ જવાનો ડર રહે. હમાસે ઇઝરાયલ પર હુમલો તો કરી દીધો, પણ પ્રત્યાઘાતરૂપે ગાઝા શહેર તહસનહસ થઈ ગયું. એક ધબકતું શહેર ધરાશાયી થઈને કણસી રહ્યું છે. જાનમાલના નુકસાન ઉપરાંત લાખો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. જટિલ વ્યાસ લખે છે એવી બિસમાર હાલત ખિન્ન કરી મૂકે...
હતા ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ
હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ
યુદ્ધને કારણે માત્ર યુદ્ધ કરનારા દેશો જ નહીં, વિશ્વનો પણ વિકાસ રૂંધાય છે. નવા વર્ષે હવે કોઈ યુદ્ધ પોસાય એમ નથી. વિકસિત દેશો પણ વિકાસદરમાં ઓટ અનુભવી રહ્યા છે. જેટલો પૈસો હથિયારોમાં વપરાશે એટલો આખરે તો વિકાસનાં કે જનકલ્યાણનાં કામોમાંથી જ સેરવવાનો હોય છે. સામસામે ઝીંકાતાં મિસાઇલોમાં આખરે તો માણસાઈ જ લોહીલુહાણ થાય છે. હેમંત ધોરડા હુંસાતુંસીનાં વરવાં પરિણામો બતાવે છે...
ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી
હતી હઠ લખેલી મુખ પર કદી આપણે ન વાંચી
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી
આવનારા વર્ષમાં શાંતિનું ચલણ વધે એવી કામના કરીએ. વિનાશ માટે નહીં પણ વિકાસ માટેનો તખ્તો આંતરરાષ્ટ્રીય સ્તરે રચાય એવી ભાવના કરીએ. માત્ર આપણે જ નહીં, આપણી સાથેના લોકોનું પણ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. જિંદગી તડકાછાયાનું મિશ્રણ છે. એ તો એ રીતે જ ચાલવાની. આપણે આપણી આસ્થાને સાચવી રાખવાની છે. જિગર જોષી પ્રેમ કહે છે એવી સમજણ વિકસાવીએ...
હવે આગળ કશે રસ્તો નથી, 
એ પણ હકીકત છે
હું પાછો ક્યાંયથી વળતો નથી, 
એ પણ હકીકત છે
સતત ફરિયાદ, ઈર્ષાઓ, 
સખત પીડા ને સીમાઓ
છતાં આ જિંદગી ધક્કો નથી, 
એ પણ હકીકત છે


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2023 03:12 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK