Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વ્યવસ્થિત જિંદગી જીવતો હતો

વ્યવસ્થિત જિંદગી જીવતો હતો

04 December, 2022 08:41 PM IST | Mumbai
Hiten Anandpara

હરિવંશરાય બચ્ચનની બાનીમાં કહીએ તો જીવનની આપાધાપીમાં રાજા અને રાણી બંને ખોવાઈ જાય અને એમના સ્થાને ગુલામ ગોઠવાઈ જાય. દેવદાસ શાહ અમીરની પંક્તિઓ સાથે જાતને જ સવાલ પૂછીએ...

વ્યવસ્થિત જિંદગી જીવતો હતો અર્ઝ કિયા હૈ

વ્યવસ્થિત જિંદગી જીવતો હતો


માણસ બે ઘડીમાં હતો - ન હતો થઈ જાય છે. હતો શબ્દમાં અતીત ડોકિયાં કરતું દેખાય. એક રાજા હતો અને એક રાણી હતી એવી વાર્તાઓ સાંભળીને આપણે મોટા થયા છીએ. સમજણા થઈએ ત્યારે વાત બદલાઈ જાય. હરિવંશરાય બચ્ચનની બાનીમાં કહીએ તો જીવનની આપાધાપીમાં રાજા અને રાણી બંને ખોવાઈ જાય અને એમના સ્થાને ગુલામ ગોઠવાઈ જાય. દેવદાસ શાહ અમીરની પંક્તિઓ સાથે જાતને જ સવાલ પૂછીએ...
કાલ મુઠ્ઠીમાં હતો ને આજ સરતો જાય છે
આ સમય પણ બર્ફની માફક પીગળતો જાય છે
એમને સ્પર્શે નહીં જો તારા હોવાની ભીનાશ
તો પછી કારણ વગર તું કેમ ગળતો જાય છે?
એક સમય મેમુ ટ્રેનની જેમ વહેતો સમય હવે વંદે ભારત એક્સપ્રેસ જેવો થઈ ગયો છે. આપણને ગતિ પૈડાંમાં પણ જોઈએ છે ને પ્રગતિમાં પણ જોઈએ છે. ટેક્નૉલૉજીને કારણે બાંધકામ ક્ષેત્રે એવી ગતિ આવી છે કે મોટાં-મોટાં મકાનો થોડાક મહિનામાં ઊભાં થઈ જાય. આકાશમાં ગતિ કરતા મિસાઇલની નવી આવૃત્તિઓ તેજતર્રાર રફતાર હાંસલ કરતી જાય છે. આપણી રોજિંદી ઘટમાળ પણ એવી વેગીલી બની ગઈ છે કે દિવસ ક્યારે શરૂ થાય અને ક્યારે ખતમ થાય એનું ભાન ન રહે. ભગવતીકુમાર શર્મા એક સ્પીડ-બ્રેકર મૂકીને આપણને વિચારવાની તક આપે છે...
હતો, છું ને હઈશ કેવળ નદીમાં
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?
બધે રસ્તેથી હું પાછો વળ્યો છું
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે
જિંદગીનો રસ્તો અનેક વળાંકોમાંથી પસાર થતો હોય છે. કોઈ વાર આડી ગલીમાં અવળી કિસ્મત ફસાઈ જાય તો એમાંથી નીકળવાનો વારો જ ન આવે. કેટલાક લોકો પોતાની કેડી પોતે કંડારે છે. કોઈએ વિચાર પણ ન કર્યો હોય એવો નુસખો લઈને નિતનવા બિઝનેસમાં ઝંપલાવે. નવી પેઢી રિસ્ક લેવામાં માને છે. એને કંઈક જુદું કરવું છે અને પડકાર ઉપાડી લેવા છે. ખલીલ ધનતેજવી આવી સાહસવૃત્તિને આલેખે છે...
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી
કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી
બધાં સાહસ સફળ થાય એ જરૂરી નથી. છતાં માણસ પુરુષાર્થ કરીને નવી દિશાઓમાં ઝંપલાવે એ જરૂરી છે. કેટલાક માત્ર સૂચનો આપે, કેટલાક અવરોધો ઊભા કરે તો કેટલાક કામ કરે. આપણે જે ન કરી શકતા હોઈએ એ અન્ય કોઈ કરી બતાવે તો તેમને બિરદાવવા જોઈએ. ધંધામાં પ્રતિસ્પર્ધી હોય એ બરાબર છે, પણ કોઈ આદર્શને સાકાર કરવા માટે તો એકબીજાના પૂરક બનવું પડે. જિગર જોષી પ્રેમ જે કહે છે એ અનુભવ ઇન્ટરવ્યુ લેનારને જરૂર થયો હશે...  
તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો -  જાણકાર નથી.
જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી
દિશા તો બદલાવાની નથી. આપણી સ્થિતિ બદલાઈ શકે છે. હોકાયંત્રને ગમે એટલા નાચ નચાવો, એ નિયત દિશા જ દર્શાવશે. આપણા જીવનની દશા માત્ર આપણા હાથમાં નથી હોતી. પ્રિયજન અને પરિવાર પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે. એમાં જો છેતરામણી થાય તો બહાર આવવું મુશ્કેલ બને. બરકત વીરાણી ‘બેફામ’નો આક્ષેપ જરા જલદ લાગશે...
તું મને મળશે હવે તો ઓળખી શકશે નહીં
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે
હું નહીં તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો
થઈ ગયું છે આ બધું અંધેર તારે કારણે
ખરી પડેલાં પાંદડાની જેમ સંબંધો વિખરાઈને પડ્યા હોય ત્યારે આકરું લાગે. બોલવું હોય તોય બોલી ન શકાય. ચીસ ગળામાં જ અટકી જાય. અમૃત ઘાયલના વિષાદમાં હામી ભરવાનું મન થઈ આવે...
આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં
પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

લાસ્ટ લાઇન
ઘર તો છે પથ્થર સમી દીવાલનું
એ કદી મારું થશે એ ભ્રમ હતો



તૃણ સમું ધરતી ઉપર પ્રસરી ગયો
એ જ મારો તૂટવાનો ક્રમ હતો


બારણાં બારી ઉઘાડ્યાં મેં તરત
ખાલીપો ભેગો કર્યાનો શ્રમ હતો

પાંખમાં ઊગ્યા સૂરજને સાચવ્યો
કાવ્ય એ મારું થશે એ ભ્રમ હતો


દ્વારકેશ વ્યાસ

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 08:41 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK