નાનપણથી જ આજુબાજુમાં ગુજરાતીઓ રહ્યા છે, તો કરીઅરમાં પણ ગુજરાતીઓનો અદ્ભુત રીતે સાથ રહ્યો છે.
કોન્સર્ટની તસવીર
નાનપણથી જ આજુબાજુમાં ગુજરાતીઓ રહ્યા છે, તો કરીઅરમાં પણ ગુજરાતીઓનો અદ્ભુત રીતે સાથ રહ્યો છે. હું કહીશ કે તમે જેટલા વધુ ગુજરાતી સાથે રહો એટલા વધુ તમે એના પ્રેમમાં પડતા જાઓ. ગુજરાતીઓની ઝિંદાદિલી અને ખેલદિલી સૌકોઈનાં દિલ જીતી લે એવી છે. મારા જીવનમાં મને મળેલા ગુજરાતી અને હું તેમની પાસેથી શું શીખ્યો એની વાત તમે જાણશો તો તમને પણ ગુજરાતી તરીકે ગર્વ થશે
નવરાત્રિ. જો મારો કોઈ ફેવરિટ ફેસ્ટિવલ હોય તો એ નવરાત્રિ છે. કારણ ખબર છે? એક તો એમાં માતાની ભક્તિની વાત છે તો બીજું કારણ છે એ ગુજરાતીઓનો પણ ફેવરિટ ફેસ્ટિવલ છે. નાનપણથી જ ગુજરાતીઓ સાથે મારે એક જુદા જ પ્રકારનો પ્રેમ રહ્યો છે. આમ તો હું રાજસ્થાની, એટલે ગુજરાત અમારી નજીક જ કહેવાય. કહો કે ગુજરાતી-રાજસ્થાની કઝિન જ કહેવાય.
ADVERTISEMENT
નાનપણમાં વીરા દેસાઈ રોડ પર ચાલ સિસ્ટમમાં હું રહેતો ત્યારથી ગુજરાતીઓની સતત કંપની મળી છે. મારા પિતાના ઘણા ફ્રેન્ડ્સ ગુજરાતી હતા એટલે ભલે હું રાજસ્થાની હોઉં, પણ ગુજરાતી કલ્ચર અને ગુજરાતી લોકોની વૅલ્યુનો નાનપણથી મારા પર પ્રભાવ રહ્યો છે. સિંગર તરીકેની જર્ની શરૂ થઈ એમાં પણ ગુજરાતી મહત્ત્વના રહ્યા, તો સિંગર તરીકે જેના થકી પૉપ્યુલરિટી મળી એમાં પણ ગુજરાતીનો રોલ બહુ મોટો. ડગલે ને પગલે ગુજરાતી કમ્યુનિટી મારી સાથી બનીને રહી છે. નાનપણમાં ગરબા રમવા જતો, પછી વગાડવાનો અને ગાવાનો શોખ જન્મ્યો. દાદાજી અને પિતાજીને કારણે ઘરમાં તો સંગીતનું વાતાવરણ હતું જ. છેલ્લાં કેટલાંયે વર્ષોથી નવરાત્રિના ૯ દિવસ ગુજરાતમાં મારા શો હોય છે, પણ આ વખતે પહેલી વાર મુંબઈમાં ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલનો હિસ્સો બનવા મળ્યું એ મારે મન લહાવો છે. જિયો વર્લ્ડમાં અમે બધાને સંગીતના તાલે ઝુમાવીશું એ વાત જ મને ઉત્સાહિત કરે છે તો ઉત્સાહથી છલોછલ ભરાયેલી નવરાત્રિ પણ મને બહુ એક્સાઇટ કરે છે.
મેં કહ્યું એમ, ગુજરાતીઓ જીવન માણવામાં બહુ ઉત્સાહી છે અને મને લાગે છે કે કદાચ એ જ કારણ હશે જેને લીધે ગરબામાં જીવ ઉમેરાતો હશે. આનંદમાં રહેવાનું, કોઈને નડવાનું નહીં અને શક્ય હોય એટલી મદદ કરતા રહેવાની. આ ત્રણ ક્વૉલિટી લગભગ દરેક ગુજરાતીમાં મેં જોઈ છે. ગુજરાતીઓમાં રહેલી વર્સેટાલિટી તમને તેમના ફૂડમાં પણ જોવા મળશે. મારા એટલા શો અમદાવાદમાં થાય છે કે હું મુંબઈ કરતાં અમદાવાદમાં જ વધારે રહેવા લાગ્યો છું અને એ પછી પણ હું જ્યારે અમદાવાદ લૅન્ડ થાઉં એટલે પહેલું કામ ગુજરાતી થાળી ખાવા જુદી-જુદી જગ્યાએ જવાનું. ઇન ફૅક્ટ, ગુજરાતમાં વધતું કામ, ગુજરાતી દ્વારા આવતું મૅક્સિમમ કામ અને ગુજરાતીઓ જે ખાય છે એ ગુજરાતી થાળીને લીધે જ છેલ્લા થોડા સમયથી મને અમદાવાદમાં એક ઘર લઈ લેવાનું બહુ મન થાય છે, જે કદાચ હું કરીશ પણ ખરો.
તમને થાય કે શું ગુજરાતીનાં આટલાં વખાણ કરો છો તો કહીશ કે મારા એક પણ શબ્દમાં અતિશયોક્તિ નથી. મારી પાસે એનાં નક્કર કારણો છે જેના વિશે આપણે હવે વાત કરીએ. ગુજરાતીઓમાં મને સૌથી વધુ પંસદ હોય એવી પાંચ વાત તમને કહું.
બી વિથ રૂટ
સૌથી પહેલી વાત, ગુજરાતીઓ આજે પણ પોતાનાં રૂટ્સ સાથે જોડાયેલા છે. તમે જોજો, તેમને ત્યાં વર્ષોની પરંપરા આજે પણ જીવંત હશે. તમારા ઘરમાં તમારાં દાદી કુળદેવીની જે રીતે પૂજા કરતાં એ જ પદ્ધતિ તમે પણ અપનાવી હશે અને તમારા પછીની પેઢી પણ એને માટે તૈયાર હશે. દુનિયાની સૌથી મોટી અને શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીજીના ઘરના પ્રસંગ જોઈ લો. સાંસ્કૃતિક રીતે આજે પણ એટલા જ સમૃદ્ધ છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોઈ લો. પોતાનાં રૂટ્સ સાથે કેટલા અટેચ્ડ લાગશે તેઓ.
નાના માણસથી લઈને પૈસા અને પોઝિશનની દૃષ્ટિએ ટોચ પર રહેલા ગુજરાતીઓ પણ પોતાના કલ્ચરથી જુદા નથી પડતા.
ઑલવેઝ ફૅમિલી ફર્સ્ટ
બીજા નંબરે આવે છે તેમની પારિવારિક વ્યવસ્થા.
સાથે હળીમળીને સેલિબ્રેશન કરવાનું આ કમ્યુનિટી ભૂલી નથી અને એટલે જ જ્યારે પણ તકલીફ આવે છે ત્યારે ફૅમિલી એવી જ રીતે એકઠી થઈ જાય જે રીતે સદીઓ પહેલાં લોકો સુખ-દુઃખમાં એક થઈ જતા. ગુજરાતીઓ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એમ સંસ્કારોથી પણ તેઓ સજ્જ છે. પરિવાર-વ્યવસ્થાને તેઓ માને છે અને નિભાવે પણ છે. ગુજરાતીઓમાં તમને ઘણાં સંયુક્ત કુટુંબ આજે પણ મળશે. મારા ઘણા મિત્રો છે જેઓ આજે પણ જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે. પોતાના વડીલોની ઇજ્જત કરે છે અને તેમની આમન્યા પણ જાળવે છે.
બી ઍડ્જસ્ટેબલ
ત્રીજા નંબર આવે છે તેમનું ઍડ્જસ્ટમેન્ટ. બહુ જ મળતાવડો સ્વભાવ એ મોટા ભાગના ગુજરાતીઓની મારી દૃષ્ટિએ ખૂબી છે. તમે જોશો તો સમજાશે કે વાતવાતમાં ક્યારે તમે તેમના થઈ જાઓ એની તમને ખબર પણ ન પડે.
એટલી હૂંફ અને સૌજન્યશીલતા ગુજરાતીઓના વ્યવહારમાં હોય. તેમનામાં તમે રફનેસ નહીં જુઓ. હું જનરલ વાત કરું છું. થોડાક લોકો એવા હશે પણ ખરા જેઓ રુક્ષ થઈ જતા હોય, પણ મોટા ભાગે ગુજરાતીઓ મળતાવડા હોય છે. ભળી જવામાં અને સાથે જોડાઈ જવામાં માનતા હોય છે અને સાથોસાથ તેઓ કોઈ પણ પરિસ્થિતિ સાથે તાલમેલ મિલાવતા થઈ જાય છે. આ જ કારણ હશે કે ગુજરાતીઓ તમને દુખી જોવા ન મળતા હોય. પોતે જ્યાં હોય ત્યાં, ધારો કે મિની ગુજરાત તેમણે ઊભું કર્યું હોય તો પણ બીજાના ઉત્સવમાં તેઓ સામેલ થઈ જ જાય. ગૂડી પડવામાં તેઓ મરાઠી ભાઈ-બહેનોને શુભકામના આપે તો ક્રિસમસમાં ચર્ચમાં જઈને મીણબત્તી પણ ચડાવે. આ ખેલદિલી દરેક લોકો નથી દેખાડી શકતા, જે સત્ય હકીકત છે.
બી સિમ્પલ
અબજોપતિ હશે, ઘરમાં ૫૦ નોકર આગળ-પાછળ ફરતા હશે છતાં તેમની વાણી, વર્તન કે પહેરવેશમાં ગુમાન નહીં દેખાય. તેઓ સાદગીમાં જીવે અને જે મજા આવતી હોય એ બેધડક કરે.
હું એવા ગુજરાતના લોકોને ઓળખું છું જેમની ત્રેવડ પ્રાઇવેટ જેટમાં ફરવાની હોય અને છતાં સ્લીપર પહેરીને ફરતા હોય અને જમીન પર બેસીને વાતો કરતા જમતા હોય. પૈસો તેમના માથે નથી ચડતો. તેઓ બહુ હસીખુશી સાથે મિડલ ક્લાસ વ્યક્તિ જીવતો હોય એવી રીતે જીવવામાં નાનપ નથી અનુભવતા.
સ્ટેટસ સિમ્બૉલના નામે તેઓ પોતાને હવામાં ઉડાડવા નથી માગતા, કારણ છે સાદગી. સહજ અને સરળ થઈને જીવવું એ તેમનો જીવનમંત્ર છે.
બેસ્ટ મની મૅનેજર
સાવ ખોટી રીતે ચગેલો મુદ્દો એટલે ગુજરાતીઓ સતત પૈસા વિશે જ વિચારતા હોય. આ ભ્રમણા છે. ગુજરાતીઓ મની માઇન્ડેડ નહીં, પણ તેમનામાં મની મૅનેજમેન્ટની સ્કિલ્સ અવ્વલ દરજ્જાની છે. તેમને પૈસો બચાવતાં આવડે છે, પૈસાથી પૈસાને ખેંચી જાણે છે અને પૈસો ખર્ચતાં પણ જાણે છે. તમે જુઓ, ગુજરાતી જ્યારે પણ પ્રસંગો કરે ત્યારે દિલ ખોલીને પૈસો ખર્ચે તો બીજી બાજુ તેઓ પૈસામાંથી પૈસો કેમ બનાવાય એની જન્મજાત કોઠાસૂઝ પણ ધરાવે છે.
ગુજરાતીઓને પૈસા કમાતાં પણ આવડે અને વાપરતાં પણ આવડે અને એટલે જ તેઓ પોતાનાથી બનતી મદદ કરવા માટે હંમેશાં તત્પર હોય છે.
મારી વાતોમાં કોઈ અતિશયોક્તિ નથી અને સાથોસાથ એ પણ કહીશ કે આ ક્વૉલિટી અન્ય કમ્યુનિટીમાં નથી. દરેકમાં કોઈ ને કોઈ ખાસિયત છે અને મને દરેક પ્રત્યે આદર છે, પણ વ્યક્તિગત રીતે ગુજરાતીઓમાં એક જુદો જ ચાર્મ મેં જોયો છે. ગુજરાતીઓ સાથે ખૂબ શો કર્યા છે. મારા જીવનમાં કલ્યાણજી-આણંદજી, અમિત ત્રિવેદી, સચિન-જિગર જેવા ગુજરાતીઓનો ખૂબ મોટો રોલ પણ રહ્યો છે. તો જીવનના જુદા-જુદા તબક્કે કોઈ ને કોઈ ગુજરાતી જ સપોર્ટ બનીને રહ્યા છે એટલે મારા માટે તેમનું જુદા જ સ્તરનું મહત્ત્વ છે.
-દિવ્ય કુમાર
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

