બધા કલાકારો કોઈ ને કોઈ નોકરી કે પ્રોફેશન સાથે જોડાયેલા હોય, પણ હું એકલી એવી જેને માટે આજીવિકાનું એકમાત્ર સાધન અને એ ગુજરાતી રંગભૂમિ. મેં નક્કી કર્યું હતું કે જીવનમાં જો હું બે પાંદડે થઈશ તો એ માત્ર ને માત્ર ગુજરાતી રંગભૂમિના સહારે
સરિતા જોશી
પ્રવીણ જોષીને હું માત્ર ડિરેક્ટર નહીં કહું, ના, જરાય નહીં. પ્રવીણ બહુ સારા મેન્ટર હતા. શિક્ષક, ગુરુ. તેઓ પોતાની આસપાસના સૌકોઈને ઘડતા રહેતા. ઘડતરનું એવું જ હોય. એના ક્લાસ ન હોવા જોઈએ, એ તો જ્યાં પણ અને જ્યારે પણ જરૂર લાગે ત્યાંથી મેળવીને આગળ વધતા રહેવાનું. મેં પણ એ જ કર્યું હતું. જ્યાં પણ અને જ્યારે પણ મને ઘડતર મળ્યું ત્યાંથી મેં એ મેળવ્યું અને એ જ ઘડતરના આધાર પર મારી આજ બની.
આજે પણ પાછળ ફરીને જોઉં છું ત્યારે મને ખરેખર હાશકારો થાય છે. મનમાં થાય છે કે કેવું-કેવું ઘડતર મેં મેળવ્યું અને કેવા દિગ્ગજો પાસેથી મને શીખવા મળ્યું. ફરી આવું પ્રવીણની વાત પર, તો મારે કહેવું જ રહ્યું, કમાલ હતી એ સ્કૂલ. એ સ્કૂલમાં શીખેલી એકેએક વાત આજે પણ, આજના સમયમાં પણ મને એટલી જ કામ લાગે છે અને મારી સાથે કામ કરનારાઓની આંખો ખુલ્લી રહી જાય છે, પણ હું કહીશ કે હું કાંઈ નથી, આ જ કમાલ છે અને એ બધી પેલી સ્કૂલની કમાલ છે.
ગયા મંગળવારે કહ્યું એમ, પ્રવીણે મને એવાં કપડાં પહેરીને આવવાનું કહ્યું જેને લીધે હું સોફા પર સૂતી હોઉં એ સમયે પણ મારું બૉડી પર્ફેક્શન સાથે દેખાય. આ એ સમયની વાત છે જે સમયે સ્ટ્રેચ પૅન્ટ બહુ ચાલતાં અને હું તો સ્ટીલેજ પહેરતી. આ સ્ટીલેજ આજે પણ ચાલે છે. અત્યારે ફેશન-શોમાં જે છોકરીઓ રૅમ્પ-વૉક કરે છે ત્યારે એ પહેરાતી મેં જોઈ છે. પ્રવીણે મને કહ્યું
એટલે મને થયું કે ભલે મને એવું કહ્યું કે તમે પહેરીને આવવા ન માગતાં હો તો હું એ સીન રીટા પર કરીને દેખાડીશ. રીટાની વાત મેં તમને ગયા મંગળવારે કરી. રીટા દેસાઈ પ્રવીણની અસિસ્ટન્ટ હતી.
ADVERTISEMENT
રીટા પર શું કામ સીન દેખાડે, એના કરતાં હું જ સ્ટ્રેચેબલ પૅન્ટ પહેરીને જાઉં અને હું જ એ સીન કરું.
મારા મનમાં બતાવી દેવાની ભાવના જાગી. ધ્યાનથી વાત સમજજો સાહેબ. બતાવી દેવાની ભાવના, દેખાડી દેવાની વૃત્તિ નહીં. આ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. બતાવી દેવાનો અર્થ થાય છે તમે ઘડાઈને એ કરી બતાવો અને દેખાડી દેવાનો અર્થ થાય છે તમારામાં આવડત ન હોય એ પછી પણ તમે એવું કરવાની વૃત્તિ મનમાં રાખો.
બીજા દિવસે સાહેબ હું તો ગઈ સ્ટ્રેચ પૅન્ટ પહેરીને. વાઇટ કલરનું એ પૅન્ટ અને એની સાથે મૅચિંગ કહેવાય એવું સુંદર ટૉપ. ટૉપની લાંબી-લાંબી બાંયો, જે હમણાં-હમણાં ફરી ફૅશનમાં આવી છે એવી લાંબી બાંયો. બહુ સરસ લાગતી હતી હું. એ વખતે હું સુંદર જ હતી. આજે પણ સુંદર જ છું અને એ ઈશ્વરની કૃપા છે. આજે પણ પ્રેક્ષક મને ક્યાંય મળી જાય તો તેમની આંખોમાં મને તરત જ વંચાય કે તેમની આંખોમાં અહોભાવ આવી ગયો છે. આ જે અહોભાવ છે એવો જ અહોભાવ એ સમયે પણ લોકોની આંખોમાં આવી જતો.
એ દિવસે સ્ટ્રેચ પૅન્ટ સાથે મેં શૂઝ પહેર્યાં હતાં અને વાળ મારા ખુલ્લા હતા. રિહર્સલ્સ પર પહોંચી ત્યારે રીટા આવી ગઈ હતી, પ્રવીણ હજી આવ્યા નહોતા. જયહિન્દ કૉલેજની એક રૂમમાં અમારાં રિહર્સલ્સ ચાલે. અહીં એક થિયેટર પણ હતું, જે ૧૨ મહિના આઇએનટી પાસે જ રહેતું. આ થિયેટરની એક ખાસિયત કહું, અહીં રૅમ્પ બાંધીને સેટ પણ મોટો કરી શકાતો હતો. નાટકનો શો હોય તો એ પણ સાંજે સાડાછ વાગ્યે હોય અને રિહર્સલ્સ પણ એ જ સમયે હોય. સાડાઆઠથી નવ વચ્ચે બધું પૂરું. આજે પણ મને યાદ છે કે નજીકમાં જ એક હોટેલ હતી જ્યાં કેક, કૉફી અને જાતજાતનાં સ્નૅક્સ મળતાં. એ સમય અને એ સમયની લાઇફ જ સાવ જુદાં હતાં. અદી મર્ઝબાનની ખાસિયત હતી. શો પૂરો થાય એટલે અમે બધા કલાકારો ચાઇનીઝ ખાવા જઈએ. રજાના દિવસોમાં બે અને ત્રણ શો હોય. મજા એ કે રજા સિવાય કોઈના શો હોય જ નહીં, જેને લીધે લોકોમાં રીતસર નાટક જોવાની તડપ રહેતી. હું કહીશ કે ખરા અર્થમાં કલ્ચરલ ઍક્ટિવિટી કહેવાય એવો માહોલ હતો. આજ જેવું પ્રોફેશનલિઝમ, સૉરી કમર્શિયલિઝમ એ દિવસોમાં નહોતું.
રોજ શો ન થતા એનું કારણ પણ કહું. બધેબધા કલાકારો નોકરિયાત હતા. એકદમ સુશિક્ષિત કહેવાય એવો આખો એ વર્ગ હતો. અફકોર્સ આજે પણ એજ્યુકેટેડ કલાકારો જ છે, પણ એ કલાકારો હવે પોતાના એજ્યુકેશન મુજબની પ્રૅક્ટિસ નથી કરતા. ભણતર પછી તેમણે ઍક્ટિંગના ક્ષેત્રને આજીવિકાનું સાધન બનાવી લીધું છે, પણ એ સમયે એવું નહોતું. કલાકારોમાંથી કોઈ બૅન્કર હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય અને બધા પોતાનું એ કામ પણ એટલી જ પ્રામાણિકતાથી કરે અને સાંજ પડ્યે બધા પોતાના શોખને પોષવા માટે સ્ટેજ પાસે આવી નાટકનું કામ ચાલુ કરે.
અરવિંદ જોષી તો ત્યાં કામ કરે છે, મુકેશ રાવલ તો અહીં કામ કરે છે, ડી. એસ. મહેતા બૅન્કમાં છે, ફલાણો પ્રોફેસર છે અને ઢીંકણો તો પેલી ફાર્મસી કંપનીમાં છે. આવી વાતો રિહર્સલ્સમાં થતી રહે, પણ એક વાત કહું, ભાગ્યે જ કોઈ એવું હશે જે મોડું પડતું હશે. એ દિવસોમાં મોબાઇલ નહોતા. અરે, લૅન્ડલાઇન પણ બહુ મોટી લક્ઝરી કહેવાતી અને એ પછી પણ કોઈએ ક્યારેય ફોન કરીને જાણ પણ નથી કરી કે તે આજે રિહર્સલ્સમાં નહીં પહોંચી શકે. બધા પોતપોતાની જૉબ પૂરી કરીને સાંજે રિહર્સલ્સમાં પહોંચી જ જાય અને એ જ કારણ હતું કે બધાં રિહર્સલ્સ સાંજે છ વાગ્યા પછીનાં જ ગોઠવવામાં આવ્યાં હોય. સાંજે ૬ વાગ્યે રિહર્સલ્સ અને ગ્રૅન્ડ રિહર્સલ્સ વીક-એન્ડમાં. કારણ કે શનિ-રવિ રજા હોય અને કાં તો રજા લેવી સહેલી પડે અને અમે બધા લેટ-નાઇટ સુધી કામ કરી શકીએ અને એ પણ એકમાત્ર શનિવાર. રવિવારે તો એ કામ પણ ન થાય. કારણ કે સોમવારથી તો નોકરી હોય.
મને આજે પણ યાદ છે કે શનિવારનાં રિહર્સલ્સમાં અમે અનેક વખત સવારસવારે રિહર્સલ્સ કર્યાં હોય અને બીજા દિવસે એટલે કે રવિવારે સવારે ૧૦ વાગ્યે ફરી રેડી થઈને જયહિન્દ પહોંચી ગયાં હોઈએ. એ સમયે તો અમારી પાસે ઑડિટોરિયમનું પણ રિસ્ટ્રિક્શન હતું. મોટા ભાગનાં ઑડિટોરિયમ ટાઉનમાં જ હતાં અને અમારે ત્યાં જ જઈને કામ કરવું પડતું, પણ એની મજા હતી, એક અનેરો આનંદ હતો અને એ આનંદ જ અમારા સૌનું જીવનભરનું ભાથું બન્યો.
બધા કામ કરે, બધાની નોકરી. અરે, મહિલા આર્ટિસ્ટ હતી તેની પણ જૉબ હોય અને હું એક, ફુલફ્લેજ માત્ર રંગભૂમિ સાથે. મેં નક્કી કરેલું કે જીવનમાં જો મારું કોઈ પ્રોફેશન રહેશે તો એ માત્ર ને માત્ર નાટક રહેશે. રંગભૂમિ પરથી જ હું નામ કમાઈશ, હું એ જ ભૂમિ પરથી મારી આજીવિકા રળીશ અને હું એમાંથી જ મારો જીવનનિર્વાહ ચલાવી, મારી જાતને મોટી કરીશ. એ જ દિવસોથી નક્કી હતું કે આ જ મારું કર્મ અને આ જ મારો ધર્મ. જૂની રંગભૂમિ પર તો અમને શીખવવામાં આવેલું કે સ્ટેજ જ તમારો ભગવાન છે. નટરાજ જ તમારો કર્મ-દેવતા છે. નાહી-ધોઈને ભગવાનને ચરણે દીવો કરતાં હો એ રીતે થિયેટરમાં સ્ટેજના ખૂણે તમારી જાતને રંગદેવતાને ચરણસ્પર્શ કરાવો અને બસ, પછી રંગદેવતાનું નામ રોશન કરવામાં રત થઈ જાઓ.


