ગીતા માણેક તો નાટક જ લખવા માગતાં હતાં, પણ સરદારના નસીબમાં કંઈક જુદું જ લખાયું હતું
‘મિડ-ડે’નાં પાનાંઓ પર જે ડૉક્યુ-નૉવેલ વાચકો વાંચી ચૂક્યા છે એ ‘સરદાર - ધ ગેમ ચેન્જર’નાં રાઇટર ગીતા માણેક સિરિયલના પોસ્ટર સાથે
નાટક માટે સરદાર વલ્લભભાઈ પટેલ પર સ્ટડી શરૂ કરનારાં ગીતા માણેક તો નાટક જ લખવા માગતાં હતાં, પણ સરદારના નસીબમાં કંઈક જુદું જ લખાયું હતું. નાટકને બદલે ડૉક્યુ-નૉવેલ લખાઈ અને ત્યાર બાદ એના પરથી ફિલ્મ, વેબ-સિરીઝ બનાવવાની ચર્ચાઓ થઈ, પણ ફાઇનલી આજથી લોકો સામે એ ટીવી-સિરિયલના રૂપમાં આવશે
‘મૂળ તો અમારે આ વિષય પર નાટક કરવું હતું, પણ સરદારના જીવનની જેમ જ આ વિષયે એટલાં નવાં-નવાં રૂપ જોયાં અને હવે એમાં આ નવું સ્વરૂપ આવ્યું છે.’
ADVERTISEMENT
જાણીતાં લેખક અને ‘મિડ-ડે’માં પબ્લિશ થયેલી ડૉક્યુ-નૉવેલ ‘સરદાર - ધ ગેમ ચેન્જર’નાં રાઇટર ગીતા માણેક વાત કરી રહ્યાં છે આ જ નામની ટીવી-સિરિયલ વિશે, જે આજથી ડીડી એટલે કે દૂરદર્શન નૅશનલ ચૅનલ પર શરૂ થઈ રહી છે.
પુસ્તકનું મુખપૃષ્ઠ
‘સરદાર - ધ ગેમ ચેન્જર’ ડૉક્યુ-નૉવેલના ગર્ભાધાનથી લઈને ‘મિડ-ડે’નાં પાનાંઓ પર એ નૉવેલના એપિસોડ પ્રસિદ્ધ થવાની પ્રક્રિયા શરૂ થઈ એ વાતો તેમના માનસપટ પર સિરિયલના આગમન ટાણે વધારે તાજી થઈ છે. ગીતા માણેક કહે છે, ‘ઍક્ટર મનોજ જોષીએ એક દિવસ મને માત્ર એટલું કહ્યું કે આપણે સરદાર પર નાટક કરીએ અને આ એક લાઇનથી સફર શરૂ થઈ. હું કોઈ ઇતિહાસપ્રિય વ્યક્તિ નથી કે ઇતિહાસવિદ્ પણ નથી એટલે મને તો આ મજાક જ લાગી, પણ મનોજે કહ્યું કે તું કામ તો સ્ટાર્ટ કર અને મેં કામ શરૂ કર્યું. પહેલાં તો મૂંઝવણ એ હતી કે હું ક્યાંથી શરૂ કરું, પણ પછી મેં સરદાર પર લખાયેલી બુક્સ વાંચવાનું શરૂ કર્યું અને એ વાંચતાં-વાંચતાં હું ખરેખર ગભરાઈ કે આ બધું બે કલાકના નાટકમાં કેમ સમાવી શકાય? અશક્ય.’
સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક તબક્કા રહ્યા છે અને એ બધા તબક્કા મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સરદારના અંગત જીવનથી માંડીને તેમના વકીલાત સમયના દિવસો, મહાત્મા ગાંધી માટેના તેમના શરૂઆતના વિચારોથી લઈને કઈ રીતે તે ગાંધીજી સાથે જોડાયા, કેવી રીતે વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ બન્યા અને એ પછી કઈ રીતે ગાંધીબાપુની કોર ટીમમાં સામેલ થયાથી લઈને દેશના પહેલા ગૃહપ્રધાન બન્યા એ અને એ સિવાયની પણ અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો સરદારના જીવન સાથે જોડાયેલી રહી છે એટલે આ મૂંઝવણ વાજબી તો હતી. જોકે એક વાક્યે ગીતા માણેકને દિશા આપવાનું કામ કર્યું. ગીતા માણેક કહે છે, ‘સામાન્ય રીતે જ્યારે પણ ચડાઈ થાય ત્યારે એક રાજવી જીત માટે બીજા રાજવીને યુદ્ધમાં મારી નાખે અને પોતાનું સામ્રાજ્ય મોટું કરે, પણ સરદારે તો એક પણ રાજવીને માર્યા વિના કે બંદી બનાવ્યા વિના સાડાપાંચસોથી વધારે રાજવીઓને જીત્યા અને દેશનું સામ્રાજ્ય મોટું કર્યું. આ જે વાત છે એને કેન્દ્રમાં રાખવી જોઈએ અને નાટક માટે મને સ્પષ્ટતા આવી ગઈ.’
અલબત્ત, નાટક માટે કરવામાં આવેલા રિસર્ચ પછી એટલું સાહિત્ય ગીતા પાસે હતું કે તેને લાગ્યું કે સરદારના જીવનની આ બધી વાતો સહજ રીતે પણ લોકો સુધી પહોંચવી જોઈએ. નાટક પહેલાં ડૉક્યુ-નૉવેલ કેવી રીતે બની અને કઈ રીતે એ ‘મિડ-ડે’માં આવી એની વાત કરતાં ગીતા માણેક કહે છે, ‘મૂળ પત્રકાર-લેખક એટલે મેં ડૉક્યુ-નૉવેલના બે એપિસોડ લખીને ‘મિડ-ડે’ના તંત્રી અને મિત્ર રાજેશ થાવાણીને મોકલ્યા. કદાચ એ ૨૦૧૮નો જુલાઈ મહિનો હતો અને એ પછી મને રાજેશનો ફોન આવ્યો કે ૧પ ઑગસ્ટથી આપણે આ નૉવેલ ચાલુ કરીએ. બસ, એ કામ શરૂ થયું.’
ડૉક્યુ-નૉવેલના દરેક પ્રકરણ દરમ્યાન ગીતા માણેકને સમજાતું જતું હતું કે બે કલાકના નાટકમાં પણ જો ઑડિયો-વિડિયો કન્ટેન્ટ ઉમેરવામાં આવે તો જ નાટક અસરકારક બનશે. એટલે સામાન્ય સ્તરના નાટકને બદલે તેમણે એ દિશામાં કામ શરૂ કર્યું અને ત્યાં કોવિડ અને લૉકડાઉન આવ્યું. વાત ફરીથી અટકી ગઈ. જોકે ગીતા માણેકે અટક્યા વિના આ પિરિયડમાં ગુજરાતી ડૉક્યુ-નૉવેલ ‘સરદાર - ધ ગેમ ચેન્જર’નું હિન્દીકરણ કર્યું, જેના માટે તેમને હરિવંશરાય બચ્ચન પુરસ્કાર પણ મળ્યો. એ પછી ગીતા માણેકે આ જ નૉવેલનું અંગ્રેજીકરણ પણ કર્યું. નાટક નહીં તો સિરિયલ, પણ સરદારે જે રીતે દેશને એક કરવાનું આખું કામ સંભાળ્યું એ વાત કોઈ ને કોઈ રીતે તો લોકો સુધી પહોંચે એ માટે ગીતાબહેન સતત લાગેલાં રહ્યાં. જોકે ક્યાંક બજેટના ઇશ્યુ આવતા હતા તો ક્યાંક ડાબેરી માનસિકતા વિલન બનતી હતી. ગીતા માણેક કહે છે, ‘મેં તો માની લીધું કે જેમ સરદારની બધી વાતો ભૂતકાળમાં ધરબાયેલી રહી એવું જ આ વખતે પણ બનશે. ત્યાં એક દિવસ મને પ્રોડ્યુસર કે. સી. બોકાડિયાનો ફોન આવ્યો કે મેં તમારી આ નૉવેલ વાંચી છે, મારી ઇચ્છા છે કે એના પરથી ટીવી-સિરિયલ બનાવીએ.’
‘રામાયણ’ પછી કદાચ પહેલી વાર દૂરદર્શને ‘સરદાર - ધ ગેમ ચેન્જર’ની જબરદસ્ત પબ્લિસિટી કરી છે, જેના અંતર્ગત ગુડગાંવ અને દિલ્હીમાં હોર્ડિંગ્સ લાગ્યાં છે તથા મુંબઈની લોકલ ટ્રેનો પર પણ એનો પ્રચાર જોવા મળે છે
પ્રોડ્યુસર કે. સી. બોકાડિયા એક સમયનું હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ. અમિતાભ બચ્ચન સાથે ‘આજ કા અર્જુન’ અને ‘લાલ બાદશાહ’ જેવી સુપરહિટ ફિલ્મ તો જૅકી શ્રોફ સાથે ‘તેરી મેહરબાનિયાં’ નામની મેગાહિટ ફિલ્મ આપનારા કે. સી. બોકાડિયાએ વીસથી વધુ ફિલ્મો ડિરેક્ટ કરી છે તો ત્રીસથી વધારે ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. ગીતા માણેક કહે છે, ‘કે. સી. બોકાડિયાને હું મળી અને પછી પ્રોજેક્ટ ક્યાંય અટક્યો નહીં. કામ આગળ વધતું ગયું અને આજે ટીવી-સિરિયલ રિલીઝ થાય છે.’
‘સરદાર - ધ ગેમ ચેન્જર’ની સ્ટોરી અને ડાયલૉગ્સ ગીતા માણેકનાં છે તો સ્ક્રીન-પ્લેમાં ગીતા માણેક સાથે આશુ પટેલ અને વિરલ રાચ્છ જોડાયા છે. બાવન એપિસોડની આ સિરિયલનું શૂટિંગ અત્યારે મુંબઈમાં ચાલે છે, જે આગામી દિવસોમાં અન્ય શહેરમાં પણ થઈ શકે છે. ગીતા માણેક કહે છે, ‘સરદારના જીવન સાથે માઉન્ટબેટનથી લઈને ગાંધીજી, જવાહરલાલ નેહરુ, મોહમ્મદઅલી જિન્નાહ, હૈદરાબાદના નિઝામ, સરદારનાં દીકરી મણિબહેનથી લઈને અનેક મહત્ત્વનાં પાત્રો જોડાયેલાં હતાં એટલે કાસ્ટ બહુ મોટી છે. અંદાજે દોઢસોથી બસો પાત્રો આ ડૉક્યુ-ડ્રામામાં હશે.’
‘સરદાર - ધ ગેમ ચેન્જર’ આજથી દર રવિવારે સવારે સાડાઅગિયાર વાગ્યે પ્રસારિત થશે અને રિપીટ ટેલિકાસ્ટ રવિવારે જ રાતે દસ વાગ્યે જોવા મળશે.
તો અનુપમ ખેર હોત સરદાર
‘સરદાર - ધ ગેમ ચેન્જર’ના લીડ રોલ માટે મનોજ જોષી, અનુપમ ખેર અને રજિત કપૂર એમ ત્રણ નામ ફાઇનલ થયાં હતાં. ગીતા માણેકની ઇચ્છા મનોજ જોષી માટે હતી, પણ મનોજ જોષી લાંબા સમયથી દૂરદર્શન નૅશનલની સિરિયલ ‘સ્વરાજ’ કરતા હતા એટલે દૂરદર્શનની ઇચ્છા કોઈ નવા ચહેરાની હતી જે પ્રૅક્ટિકલ વાત હતી. વાત આવી અનુપમ ખેરની, પણ તે પોતે ફરીથી ડિરેક્શન શરૂ કરવાના હોવાથી તેમની પાસે છ મહિના સુધી સમય નહોતો એટલે સરદાર બનવાનું સૌભાગ્ય રજિત કપૂરને મળ્યું.

