એકનાં આંસુ બીજાની બૅન્ક-બૅલૅન્સ બની શકે છે. કોઈની મજબૂરીને લૂંટ બનાવનારી વાઇટ કૉલર કંપનીઓને આમાં કંઈ ખોટું લાગતું નથી. ચૂંટણી સમયે વિશેષ વપરાતો આચારસંહિતા શબ્દ વાસ્તવિક જીવનમાંથી ગુમ છે. ગુણવંત ઉપાધ્યાય વાસ્તવિકતા નિરૂપે છે...
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોની કથા વ્યથામાં પલટાઈ ગઈ. અન્ય ઍરલાઇન્સે આ હોબાળાનો લાભ લઈ મોંઘીદાટ ટિકિટો વેચીને ભરપૂર નફો રળ્યો. એકનાં આંસુ બીજાની બૅન્ક-બૅલૅન્સ બની શકે છે. કોઈની મજબૂરીને લૂંટ બનાવનારી વાઇટ કૉલર કંપનીઓને આમાં કંઈ ખોટું લાગતું નથી. ચૂંટણી સમયે વિશેષ વપરાતો આચારસંહિતા શબ્દ વાસ્તવિક જીવનમાંથી ગુમ છે. ગુણવંત ઉપાધ્યાય વાસ્તવિકતા નિરૂપે છે...
ADVERTISEMENT
ગતિ-અવગતિ એ તમારી સમજ
લગોલગ ઊભો છું ને રફતાર છું
વ્યથા, આંસુ, આહો લૂંટાયા પછી
હું બાકી વધેલો સદાચાર છું
આફતોમાં સદાચાર અને દુરાચાર બન્ને બહાર આવે છે. કુદરતી આપત્તિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સહાયમાં ઊતરીને માનવધર્મ દીપાવે છે. કચ્છના ભૂકંપ વખતે જે ભયંકર તારાજી સર્જાઈ હતી એમાં સરકાર પહેલાં અનેક સંસ્થાઓએ સેવાકાર્ય ઉપાડી લીધું હતું. રાહુલ ગાંધી જેને સતત ભાંડે છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો આ અને આવી અનેક આફતોમાં પ્રશંસનીય સેવાકાર્ય કર્યું છે. કલમ ઝાટકીને કહી શકાય કે આ પ્રકારના માણસ દેશ માટે રાજકીય હોનારત છે. કેટલુંક માલ-ફંક્શનિંગ સુધારી શકાય એવું હોતું નથી. અનિલ ચાવડા નિરીક્ષણ કરે છે...
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને
કે થઈ ગયો છે સૂરજ છુટ્ટો પગાર લઈને
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો
હું શું કરું તમારી આ સારવાર લઈને
આજકાલ તબીબી સારવાર બહુ મોંઘી થઈ રહી છે. મેડિક્લેમનું પ્રીમિયમ બેહિસાબ વધ્યું છે. પરિવારમાં ત્રણ જણનો વીમો હોય તો સહેજે પચાસ હજારની ઉપર જતો રહે. ગણતરી કરીએ તો છેલ્લા એક દાયકામાં ભરેલું પ્રીમિયમ આઠ-દસ લાખની પાર જતું રહે. પછી આપણે માથું ખંજવાળીને જાતને જ પૂછીએ કે આના કરતાં માંદા પડીને સારવાર કરાવી લીધી હોત તો ઓછો ખર્ચો થાત. આવા અનેક કૂટપ્રશ્નો આપણને બેચેન કરતા રહે છે. ચિન્મય શાસ્ત્રી ‘વિપ્લવ’ દ્વિધા વ્યક્ત કરે છે...
ઘણી પ્રસ્તાવના સાથે કથાઓ અંત પામી છે
સમીક્ષા, સારનો આશય અમે સમજી નથી શકતા
તમારી સહમતીનું માપ સંક્ષેપીકરણ પામે
અને ઇનકારનો આશય અમે સમજી નથી શકતા
તત્કાલીન અમેરિકન સરકારનો આશય વિશ્વને અચંબિત કરી રહ્યો છે. તાજેતરમાં વીઝાના નિયમોમાં થયેલી જાહેરાતે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ અને જેમને તાજેતરમાં જૉબ મળી છે એવા યુવાનોમાં તહેલકો મચાવી દીધો છે. H1-B વીઝા માટે ડિસેમ્બરમાં અપાયેલી અપૉઇન્ટમેન્ટ રી-શેડ્યુલ થઈ છે અને આવું જ આગામી મહિનામાં અપેક્ષિત છે. જે વર્ગ સ્ટૅમ્પિંગ માટે કે સગાઈ-લગ્ન માટે ભારત આવવાનો હતો તેમના માટે કોઈ પણ નિર્ણય કરવો કપરો થશે. બરકત વીરાણી ‘બેફામ’ વ્યથા નિરૂપે છે...
તમારી આંખમાંથી છોને છલકાઈ રહ્યો છું હું
પરંતુ મારા જીવનમાં તો સુકાઈ રહ્યો છું હું
હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું
મસ્તીમાં ઝૂમવા અને આનંદ-પ્રમોદ વાસ્તે ગોવા માનીતું સ્થળ બન્યું છે. ત્યાંની નાઇટ-ક્લબમાં લાગેલી આગમાં પચીસ જણ હોમાઈ ગયા એ ગમખ્વાર ઘટનાએ શાસકોને હચમચાવી નાખ્યા છે. ફાયર-ઑડિટ વગર કઈ રીતે આ પ્રકારની ક્લબને કામ કરવાની સંમતિ આપવામાં આવી એ તપાસનો વિષય છે. મધરાતે આગ લાગી એના દોઢેક કલાકમાં તો માલિક લુથરા બ્રધર્સે ફુકેટની ટિકિટ બુક કરાવી અને બીજા દિવસે સવારે તેઓ ફુકેટમાં હતા. તપાસકર્તાઓ ખરેખર ઊંઘતા ઝડપાઈ ગયા. જોકે થાઇલૅન્ડ સરકારના સહકારને કારણે તેમની દેશવાપસી આટલા ઓછા સમયમાં સાકાર થઈ શકે એ સાનંદાશ્ચર્યનો વિષય છે. એક તરફ પ્રામાણિકતાથી જીવન જીવનારાઓ આખી જિંદગી સિદ્ધાંતોના આધારે જીવે છે તો બીજી તરફ બધા સિદ્ધાંતોને નેવે મૂકીને અઠંગ ગુનેગારો પરદેશમાં મોજમજા કરે છે. આદિલ મન્સૂરી બારીક વેદના વણી લે છે...
તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા
ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા
લાસ્ટ લાઇન
રાત, રોનક, શમા તમારી છે
મારું શું છે? સભા તમારી છે
છે અમારી બધી અફળ-ઇચ્છા
જે ફળી તે દુઆ તમારી છે
લ્યો! ઉઠાવો તરંગ ફાવે એમ
જળ તમારું, હવા તમારી છે
આખરે આપ મુક્ત પંખી છો
આભ જેવી જગા તમારી છે
નિત્ય હોવું નવા-નવા રૂપે
એ પુરાણી પ્રથા તમારી છે
કાલ મેં પ્રેમગ્રંથ વાંચ્યો’તો
પાને-પાને કથા તમારી છે
‘રાજ’ ગિરનાર છું હું એ સાચું
પણ શિખર પર ધજા તમારી છે
- રાજ લખતરવી (ગઝલસંગ્રહ : રિવાયત)


