પત્નીઓને આકરી ને માથાનો દુખાવો ને લપનું પોટલું ને હેરાન કરી દેનારું પ્રાણી કહેનારાઓને એક વખત આ હેડિંગ વંચાવીને કહેજો કે ભલા માણસ, જરાક વાંઢાઓથી દૂર રહીને આ ઉક્તિને ધ્યાનથી વાંચી લે.
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
પત્નીઓને આકરી ને માથાનો દુખાવો ને લપનું પોટલું ને હેરાન કરી દેનારું પ્રાણી કહેનારાઓને એક વખત આ હેડિંગ વંચાવીને કહેજો કે ભલા માણસ, જરાક વાંઢાઓથી દૂર રહીને આ ઉક્તિને ધ્યાનથી વાંચી લે. તું તો નગુણો છે જ અને એટલે જ તને તારા માટે ત્રિવેણી બનીને ભાગદોડ કરતી પત્નીનાં દર્શન નથી થતાં
કુંવારા હોવાનો વૈભવ એક અલગ મિજાજની વાત છે.
ADVERTISEMENT
કુંવારાને દ૨ કલાકે ઘરેથી ફોન નથી વાગતા કે તમે ઘરે ક્યારે આવશો? કુંવારાને ઇચ્છા પડે એ શર્ટ પહેરી શકે છે, પછી ભલે એનું એકાદ બટન ન હોય! કુંવારા હોટેલમાં પોતાનું ગમતું ભોજન ખાઈ શકે છે. જમતી વખતે તમને ડાયાબિટીઝ છે એવી કોઈ કચકચ નથી કરતું. કુંવારા બાઇક પોતાને મન પડે એટલી સ્પીડે ભગાવી શકે છે. ખભા પર આંગળાંઓ દબાવીને કોઈ તેની બ્રેક નથી મારતું. કુંવારો ધારે તો સવારે જાગતી વખતે ડાબી બાજુએથી ઊતરે ને મન પડે તો તે જમણી બાજુએથી પણ ઊતરે. તેને કોઈને ટાંટિયો લાગી જવાની બીક નહીં. કુંવારાઓને છોકરાવની સ્કૂલની ફીની કે ઍડમિશનની ચિંતા કરવાની નથી હોતી. કુંવારાઓને સાળાની નોકરીની ભલામણમાંથી મુક્તિ મળે છે. કુંવારાઓએ સાસરા પક્ષના લોકોને પરાણે સાચવવા નથી પડતા. કુંવારાઓને રૂમમાં જ્યાં-ત્યાં નાખી દીધેલાં મોજાં માટે કોઈ ખિજાતું નથી. કુંવારાઓ બિન્દાસ રાજાની જેમ જિંદગી જીવે ને કૂતરાની જેમ મરે.
આ બધાયની સામે વાત કરીએ પરણેલાઓની.
પરણેલાઓ કૂતરાની જેમ જિંદગી જીવે છે ને રાજાની જેમ મરે છે. કુંવારા શબ્દમાંથી ‘રા’ને દૂર કરો તો ‘કુવા’ જ રહે ને ‘કું’ દૂર કરો તો ‘વારા’ જ રહે. કુંવારાને અલ્લડ મસ્તીના કૂવામાં જરૂ૨ નહાવા મળે, પણ વાતે-વાતે વારા પણ ચડતા રહે.
આજીવન કુંવારા રહેનારા બધેબધા પુરુષો કાંઈ સુખી જ હોય એ વાત સાવ સાચી નથી. અમુક મુરતિયા તો નિર્ણયશક્તિના અભાવે વાંઢા રહી જાય છે તો અમુક યાદશક્તિના અભાવે પરણી ગયા હોય છે. પોતાના જીવનના કે અધ્યાત્મના નિયત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેટલાંક સ્ત્રી-પુરુષોને જગતમાં કોઈની પણ લાગણી કે હૂંફની મોહતાજીની જરૂ૨ નથી લાગતી. જે માનસિક રીતે કન્ફર્મ છે એને કુંવારાપણું મોજથી મુબારક. બાકી અંગૂર ખટ્ટી હૈ એમ ગણીને મનમાં સ્ત્રીનો વસવસો લઈને પરાણે બ્રહ્મચારીનો ડોળ કરનારા રહી ગયેલા વાંઢાઓ ઘાય ભગવા ધારણ તો કરી લ્યે, પણ એ પછી મંદિરમાં બેઠાં-બેઠાં કોકની બેન-દીકરયું કે બૈરીને રાતે બાર ને એક વાગે મેસેજુ કર્યા કરે. ‘બાવાનાં બેય બગડ્યાં’ કહેવત કદાચ આવા લંપટ ને લબાડના નબળા જીવનચરિત્ર (આને ચરિત્ર કહેવાય?) ૫૨થી જ આવી હશે.
બાકી તો પત્ની શું ચીજ છે એની વાંઢાને શું ખબર હાય? પૉઇન્ટ જસ્ટ નોટેડ.
પત્ની હરગિજ કોઈ એક ચીજ નથી જ નથી. ખાખરાની ખિસકોલી આંબલીનો સ્વાદ શું જાણે? પત્નીના ગેરફાયદાઓનું લાંબું લિસ્ટ કદાચ કુંવારાઓ પાસે હશે, પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી મોટું લિસ્ટ મારી પાસે છે. જી હા, પળેપળ તમારી ચિંતા કરતી પત્ની, તમારા વાળમાં મીઠો હાથ ફેરવીને વગર અલાર્મે તમને વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની, એક તાજગીભર્યા સ્મિત સાથે રોજ સવારે આદુંવાળી ચા પાઈને તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની, તમારું નહાવાનું ગરમ પાણી, તમારાં ઇસ્ત્રી-ટાઇટ કપડાં, તમારાં બૂટ, તમારો બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર માટે રોબોની જેમ ચાર હાથે અવિરત કામ કરતી પત્ની, તમારા એક નાનકડા સ્મિતથી જેનો આખો દિવસનો થાક ઊતરી જાય તે પત્ની, સોસાયટીનું કોઈ પારકું બૈરું તમારી સામે વધુ સ્માઇલ આપે તો જાણે સરકારી જમીન પર દબાણ થતું હોય એમ શબ્દોનું બુલડોઝર લઈને બાધવા ભાગતી પત્ની ને તમને પણ ચેતવતી પત્ની, માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની ચાર દીવાલોમાં પતી જનારી પત્ની, તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને પરિવારને મીઠાશ આપતી પત્ની.
પત્ની એક શ્વાસ છે, વિશ્વાસ છે, અહેસાસ છે, એક પ્યાસ છે.
પત્ની માટે એટલે જ તો કહેવાયું છે:
કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા, ભોજનેષુ માતા
ધન્ય છે આ એક લાઇન અને આ એક લાઇન પર હું મારાં બધેબધાં પુણ્ય લખી દેવા તૈયાર છું. કારણ, કારણ કે સ્ત્રી એક ખુશ્બૂની જેમ જગતના બાગને મઘમઘતો રાખે છે. ઉ૫૨નાં ત્રણ સૂત્રો વાંચીને અમુક સ્ત્રીઓ આઘીપાછી થઈ ગઈ છે. આ પણ સનાતન સત્ય છે. સ્ત્રીને સમજવા અને પામવા માટે તેને ભરપેટે દિલ ફાડીને પ્રેમ કરવો પડે, તેની આરપાર ઊતરવું પડે. માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય ભઈલાઓ. એના માટે તો આખી જિંદગી તેના નામે કરવી પડે અને જરૂર પડે ત્યારે મધમીઠો ઠપકો પણ સાંભળવો પડે, કારણ કે તેણે આખી જિંદગી એક એવા હડબંબાના નામે કરી છે જે દિવસ આખો લક્ષ્મીની પાછળ ભાગતો ફરે છે, પણ ઘરમાં રહેલી અન્નપૂર્ણાને નમસ્કાર કરવાનો સૂઝકો તેને પડતો નથી.
એક વાર, માત્ર એક વાર, પત્ની સામે જોઈને એટલું કહી જોજો કે તારા વિનાની જિંદગી સાવ સૂની હશે.
ગૅરન્ટી સાથે કહું છું, બડિકો લઈને વાંહે દોડશે ને કહેશે, ‘પે’લા હું નથી જાવાની, તમે જાવાના છો...’
સાચું કહું સાહેબ, એવું જ થવું જોઈએ. પહેલાં તે ન જાય એની માનતા માનજો, કારણ કે તેની ગેરહાજરી વિનાનું જીવન અને નર્ક બન્ને સમાન હશે.
ખરેખર.