Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > બાપુ ફરી જનમ લે તો?

બાપુ ફરી જનમ લે તો?

02 October, 2023 01:50 PM IST | Mumbai
Darshini Vashi

દર્શિની વશીએ બાપુના જીવનને નજીકથી જોનારા, જાણનારા અને બાપુના વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા લોકો સાથે કરેલી રસપ્રદ ચર્ચા પ્રસ્તુત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે મોહનદાસ કરમચંદ ગાંધીની ૧૫૪મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. દેશને એકજૂટ કરવામાં જેમની ભૂમિકાને શબ્દોમાં વર્ણવી ન શકાય એવા સૌના લાડીલા બાપુ આ જમાનામાં પાછું અવતરણ કરે તો? ધારો કે આજના સમયમાં બાપુએ દેશમાં બદલાવ લાવવા માટે ફરી કોઈ સત્યાગ્રહ કરવાનો આવે તો? ધારો કે તેમણે ફરીથી અસહકારની ચળવળ માટે વિષય પસંદ કરવો પડે તો? અત્યારની કઈ વાતો તેમને કનડે અને શેનો તેઓ વિરોધ કરે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે દર્શિની વશીએ બાપુના જીવનને નજીકથી જોનારા, જાણનારા અને બાપુના વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા લોકો સાથે કરેલી રસપ્રદ ચર્ચા પ્રસ્તુત છે

ગાંધીજી જેવા નેચરોપથી ડૉક્ટરની વર્તમાન સમયમાં હાજરીથી મહત્તમ બીમારી નાસી જાય : પ્રફુલ્લ સલોત



ગાંધીજી હંમેશાં કુદરતી ઉપચાર કરવાના આગ્રહી રહ્યા છે. તેમને જાણ હતી કે કુદરતના ખોળે એટલી જડીબુટ્ટી અને ઔષધીય વનસ્પતિ છે જે દરેક બીમારીની સામે લડવા માટે સક્ષમ છે. આજે જ્યારે વિશ્વ બીમારી અને રોગચાળાના ભરડામાં ખૂંપી રહ્યું છે ત્યારે તેમની હાજરી લોકો માટે સંજીવની બની જશે એમ જણાવતાં શ્રી બોરીવલી ગુજરાતી સેવા મંડળ હેઠળ છેલ્લાં ૫૬ વર્ષથી ચાલતા કુદરતી ઉપચાર વિભાગના પ્રેસિડન્ટ પ્રફુલ્લ સલોત કહે છે, ‘આજે જો ગાંધીજી પાછા ફરે તો સૌથી પહેલાં કુદરતી ઉપચારને પ્રોત્સાહન આપવા માટે રીતસરની ચળવળ ચલાવી દીધી હોત. ગાંધીજીના કુદરતી ઉપચાર કરવાના આગ્રહ અને એ દ્વારા થઈ શકનારી માનવસેવાને ધ્યાનમાં રાખીને અમારા કુદરતી ઉપચાર વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. ગાંધીજીએ કહેલી અને અનુકરણમાં પણ ઉતારેલી દેશી કુદરતી ઔષધીય સારવાર દુનિયાની સૌથી બેસ્ટ મેડિસિન છે જે શરીરના તમામ રોગો અને બીમારીઓને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, પણ આજે બહુ જૂજ લોકો કુદરતી અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરે છે. એટલે જો ગાંધીજી જન્મ લે તો સૌથી પહેલું કામ કુદરતી ઉપચારને પ્રોત્સાહન આપવાનું કરે. તેઓ સોશ્યલ મીડિયા, ઑનલાઇન સ્પીચ, મેસેજિસ તેમ જ લાઇવ દાખલા આપીને કુદરતી ઉપચાર તરફ વળવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હોત. બીજું, તેમણે લોકોમાં અહિંસા અને જીવદયા વધારવા માટે પણ ચળવળ શરૂ કરી દીધી હોત. જો તેમને કોઈ બદલાવ લાવવો હોય તો તેઓ યુવાનોના માનસને બદલશે જેઓ દેશનું ભવિષ્ય છે. તેઓ મોટી-મોટી કૉપોરેટ કંપનીઓમાં અને ઑફિસોમાં તેમ જ હાયર સ્ટડી કરતા યુવાનોને મળવા જશે અને તેમને શું તકલીફો છે અને શું જોઈએ છે એ સમજશે અને યુવાનોમાં વિશ્વાસ અને હિંમત વધારશે.’ 


...તો બાપુ અત્યારે સોશ્યલ મીડિયા પર તેમના પ્રયોગો કરતા હોત : પ્રીતેશ સોઢા

‘અસત્યના પ્રયોગો’ નામના ગુજરાતી નાટકના પ્રોડ્યુસર અને ડિરેક્ટર પ્રીતેશ સોઢા કહે છે, ‘ગાંધીબાપુ પૉઝિટિવ જિદ્દી માણસ હતા. જ્યાં સુધી તેમનો પ્રયોગ સફળ ન થાય ત્યાં સુધી તેઓ પ્રયોગ કરતા રહેતા હતા. આજના સમયમાં જો બાપુ ફરી અવતરણ કરે તો ચોક્કસ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા સત્યના પ્રયોગોને આજની પેઢી સુધી પહોંચાડવા સોશ્યલ મીડિયાનો અવશ્ય અને ભરપૂર ઉપયોગ કરી રહ્યા હોત. જેમ ગાંધીબાપુ અગાઉ પગપાળા ગામેગામ ફરતા અને લોકોની સાથે સંપર્ક સાંધતા એમ આજે તેઓ મૉડર્ન જનરેશનને સમજવા અને સમજાવવા માટે સ્કૂલો અને કૉલેજોમાં જઈ યુવા પેઢીની બાજુમાં બેસીને તેમની સાથે વાત કરી રહ્યા હોત. આજે વિશ્વભરમાં આતંકવાદનો સૌથી મોટો ભય છે અને સમસ્યા પણ છે જેને સુલઝાવવા માટે ગાંધીજી જો આજે હોત તો કંઈક નોખા પ્રકારના સત્યાગ્રહ કરી નાખ્યા હોત. જે માણસ સાચો અને પ્રામાણિક હોય છે તેને કોઈનો ડર લાગતો નથી એટલે ગાંધીજીએ આતંકવાદને ડામવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા દેશો તેમ જ જૂથોની મુલાકાત લઈને તેમના વડાને પણ મળી આવવાની હિંમત કરી નાખી હોત. હા, હું આવું કહું છું કેમ કે અહીં આપણે ગાંધીજીની વાત કરી રહ્યા છે જેમની પ્રતિભા અને હિંમત એટલી બધી મજબૂત હતી કે ગમે તેવા માણસના હૃદયને અને મનને બદલી શકવાની ક્ષમતા ધરાવતા હતા.’


સોશ્યલ મીડિયા દ્વારા વધી રહેલા વૈમનસ્યને મર્યાદિત કરી શક્યા હોત : પુલકિત સોલંકી

આજે સોશ્યલ મીડિયા દ્વારા કોઈ પણ વસ્તુ કે મુદ્દો મિનિટોમાં ટ્રેન્ડિંગ બની જાય છે તો આ જ માધ્યમનો ઉપયોગ તેમણે પોતાની અસત્ય સામેની ચળવળ લડવા અને સત્યાગ્રહ કરવા માટે કરવાનું શરૂ કરી દીધું હોત એમ જણાવીને ‘અપૂર્વ અવસર’ અને ‘યુગપુરુષ’ નાટકમાં ગાંધીજીનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા ગુજરાતી રંગમચના નાટ્યકલાકાર પુલકિત સોલંકી કહે છે, ‘ઘણા લોકો આજે કહે છે કે હવે એ સમય રહ્યો નથી કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ આગળ કરવાની હિંમત કરી શકાય; પણ જો આજે ગાંધીજી હોય તો ગાલ આગળ કરવાની હિંમત પણ આપોઆપ આવી જાય, કેમ કે ગાંધીજી એક એવું વ્યક્તિત્વ છે, એક એવી છબિ છે કે તે કહે એટલે માનવું જ પડે. આજે લોકોની અને ખાસ કરીને યુવાનોની મેન્ટલ હેલ્થ બગડી રહી છે જેનો ગાંધીજીએ સૌથી પહેલાં ઉપચાર કરવાનું શરૂ કરી દીધું હોત. ગાંધીજી પહેલેથી જ યુવાનોને આગળ આવવા માટે પ્રોત્સાહન આપતા હતા એટલે તેમણે આ જ કાર્યને આજના સમય મુજબ આગળ વધારવાનું ચાલુ રાખ્યું હોત. આજે ઘણા નેતાઓ યુવાનોમાં રહેલા દ્વેષ, દુઃખને પ્રોત્સાહન આપતાં વચનો બોલીને તેમને જીતવાના પ્રયત્નો કરે છે, જ્યારે બાપુ આજે હોત તો તેઓ યુવાનોના દુઃખ અને દ્વેષ પર મલમ લગાવીને તેમને અહિંસા અને સત્યના માર્ગે આગળ વધવાનું પ્રોત્સાહન આપી રહ્યા હોત. ગાંધીજી ઘણા સારા મનોવિજ્ઞાની હતા. તેમણે ઇતિહાસમાં ઘણા એવા લોકોનાં મન ફેરવી નાખ્યાં હતાં જે એક ઇતિહાસ બની ગયો. જેમ કે નેલ્સન મન્ડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જેમણે પોતાના દેશમાં પરિવર્તન લાવી દીધું. આજના સમયમાં ગાંધીજીની હાજરી ભલે સંપૂર્ણ બદલાવ ન લાવી શકે, પણ ઘણાં પરિવર્તનો તો ચોક્કસપણે થઈ જ ગયાં હોત. એટલે આજના સમયમાં ગાંધીજી જેવા માનસશાસ્ત્રીની ખૂબ જ જરૂર છે.’

ગાંધીજી એવી વ્યક્તિ છે જેમને કોઈ ચોક્કસ ચોકઠામાં મૂકી શકાય નહીં : યોગેશ કામદાર

મહાત્મા ગાંધી ફરી વખત જન્મ લે તો શું કરી શકે અને કેવા બદલાવ લાવી શકે એ કહેવું ખરેખર મુશ્કેલ છે, કેમ કે તેઓ એવી વ્યક્તિ હતા કે જો તેમને પરિસ્થિતિ ઠીક ન લાગે તો તે કોઈ પણ નિર્ણય લઈને એનું પાલન કરવામાં અને કરાવવામાં સમર્થ હતા એમ જણાવીને મણિભવન તથા સર્વોદય મંડળની સાથે જોડાયેલા તેમ જ ભારતીય વિદ્યાભવનના ડિરેક્ટર યોગેશ કામદાર કહે છે, ‘અહિંસા અને સત્ય એ બેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વિના આધુનિક સમયમાં આધુનિક નિર્ણયો લઈ રહ્યા હોત. બદલાતા જમાના અને સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે નિર્ણય અને બદલાવ લાવવાનું પસંદ કર્યું હોત. જેમ કે આઝાદીના સમયગાળા દરમિયાન તેમણે સત્યાગ્રહનો સહારો લીધો હતો તેમ જ આજના સમયમાં કોઈ બીજું અહિંસાનું હથિયાર ઉપાડી લીધું હોત. જેમ એ સમયે ચોપાનિયાં કાઢીને લોકોને જાગૃત કરતા અને હિંમત વધારતા હતા એમ આજે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોત. એટલે કહેવાનું એટલું જ કે તેમને કોઈ સ્પેસિફિક ચોકઠામાં મૂકી શકાય નહીં. અન્ય વ્યક્તિ માટે આપણે કલ્પના કરી રહ્યા હોત તો આપણે અનુમાન કરી શકીએ, પરંતુ પોતાનું આગલું કદમ શું હશે એ પોતે જાણતી નહોતી એવી વ્યક્તિ વર્તમાન સમયમાં કેવાં પગલાં લઈ શકે એ જજ કરવા માટે હું ઘણો વામણો છું.’

રાજકીય ક્ષેત્રે થઈ રહેલી નકામી લહાણીનો વિરોધ તેઓ કરવેરા ન ચૂકવીને કરવાનું કહેતા હોત : પ્રણવ દેસાઈ

ગાંધીબાપુની ચિત્રકથાને ૧૭ પ્રાદેશિક અને બે આંતરરાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત કરાવીને છપાવી રહેલા પ્રણવ દેસાઈ કહે છે, ‘હું છેલ્લા ઘણા સમયથી જોતો આવ્યો છું કે બદલાઈ રહેલા સમયમાં ગાંધીબાપુનો સંદેશો અને તેમના વિચારો લોકો સુધી પહોંચાડવા ખૂબ જ જરૂરી બની ગયા છે. એને ધ્યાનમાં રાખીને હું મારી સદગત ફોઈની ચિત્રકથાને અલગ-અલગ ભાષામાં અનુવાદિત કરાવીને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યો છું. ખાસ કરીને સનાતન ધર્મની વ્યાખ્યા લોકોમાં બદલાઈ ગઈ છે, જે બદલવાનો તેમણે આગ્રહ રાખ્યો જ હોત. ગાંધીજી પણ સનાતની હતા, પણ તેમની સનાતન ધર્મની વ્યાખ્યા અલગ હતી. જો તેઓ ફરી વખત ધરતી પર અવતરે તો ચોક્કસ લોકોને ખરા સનાતની ધર્મ વિશે જાણ કરે. આજના સમયમાં સત્યાગ્રહનું નામ આપો કે પછી બીજું કંઈ પણ, એનો સહારો લઈને ગાંધીજીએ આજે રાજકીય ક્ષેત્રે થઈ રહેલી લહાણીનો વિરોધ કર્યો હોત. અમુક રાજકીય પક્ષો કે પછી નેતાઓ દ્વારા નકામી બાબતો માટે વેડફાઈ રહેલા પૈસા અને રાજકીય કોશનો વેડફાટ અટકાવવા માટે તેમણે આજે દરેક પ્રકારના કરવેરા ન ચૂકવવાની અપીલ પણ કરી દીધી હોત. બીજું, ગાંધીજી શ્રમજીવીઓ પ્રત્યે વિશેષ લાગણી ધરાવતા હતા અને તેમના હિતમાં હોય એવાં કાર્યો કરવા પર ભાર આપતા હતા, પણ અત્યારની તેમની પરિસ્થિતિને જોતાં તેઓ આ દિશામાં કાર્ય કરવા પ્રેરાયા હોત. તેમના માટે ચોક્કસ સ્કીમ, રોકાણયોજના કે પછી રાહતની જાહેરાત કરવા સતત કાર્યશીલ રહ્યા હોત.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2023 01:50 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK