ફિલ્મ ‘ધુરંધર’માં રહમાન ડકૈતનું કૅરૅક્ટર ભજવીને અક્ષય ખન્નાએ ઑડિયન્સનું દિલ એવી જ રીતે જીત્યું જેવી રીતે રિયલ લાઇફમાં રહમાન ડકૈતે કરાચીના લ્યારીવાસીઓનું દિલ જીત્યું હતું. વાંચો રહમાન ડકૈતના જીવનની ક્યારેય ન જાણી હોય એવી વાતો
‘ધુરંધર’ ફિલ્મમાં રહમાન ડકૈતના પાત્રમાં છવાઈ ગયેલો અક્ષય ખન્ના અને રિયલ રહમાન ડકૈત.
‘કહ દિયા, મતલબ કહ દિયા... બાત ખતમ...’
ફોન કટ થઈ જાય છે અને ફોન રિસીવ કરનારા દુનિયાના સૌથી મોટા આતંકવાદી ડૉન દાઉદ ઇબ્રાહિમના ચહેરા પર સફેદી પ્રસરી જાય છે. કરાચીના લ્યારી એરિયામાંથી આવેલા ફોનમાં તેની સાથે જે રીતે વાત થઈ, જે પ્રકારે વાતચીત દરમ્યાન તેની સાથે તોછડાઈ વાપરવામાં આવી એ અનુભવ દાઉદની લાઇફનો કદાચ પહેલો અને અંતિમ અનુભવ હતો. દાઉદને હાડમાંસથી બનેલો કોઈ ધમકાવે, દાઉદને ડરાવે એવું બને નહીં; પણ એવું બન્યું હતું. કરાચીના લ્યારી એરિયામાંથી આવેલા ફોનની એ કમાલ હતી.
વાત જાણે એમ હતી કે પાકિસ્તાનના બહુ જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ પાસે ખાસ્સી મોટી કહેવાય એવી જગ્યા કરાચીના ક્લિફ્ટન રોડ પર હતી. એ જગ્યા પર દાઉદ ઇબ્રાહિમના માણસોની નજર પડી. સાલ હતી ૨૦૦૦ની. દાઉદના માણસોએ એ જગ્યાની માગ પેલા ઉદ્યોગપતિ પાસે કરી. પેલાને જગ્યા વેચવી નહોતી એટલે તેણે સૌમ્યતા સાથે ના પાડી દીધી અને એ નકારથી દાઉદ ઇબ્રાહિમના ભાઈ નૂરાની ડાગળી ચસકી. માણસોને કહીને તેણે ઉદ્યોગપતિને ધમકીના ફોન અને મેસેજ કરવાનું શરૂ કર્યું. ઉદ્યોગપતિ પહેલાં પોલીસ, પછી પૉલિટિશ્યન પાસે ગયો પણ નામ જેવું દાઉદનું આવતું કે પેલા લોકો ફસકી જવા માંડ્યા. વાત દાઉદ ગૅન્ગ સુધી પહોંચી જાય અને પછી નવા જોર સાથે ફરીથી ધમકીની શરૂઆત થઈ જાય. પાંચ-છ મહિના સુધી આ લપ ચાલી. છેવટે પેલા ઉદ્યોગપતિને સલાહ મળી કે આ કામમાં એક જ માણસ વચ્ચે પડશે, જે છે કરાચીના લ્યારીનો સરદાર અબ્દુલ રહમાન બલૂચ ઉર્ફે રહમાન ડકૈત.
એ જ રહમાન ડકૈત જેનું કૅરૅક્ટર ફિલ્મ ‘ધુંરધર’માં અક્ષય ખન્નાએ ભજવ્યું અને બેતહાશા વાહવાહી લૂંટી લીધી. રિયલમાં પણ રહમાન એવો જ હતો. છપ્પન ગુણ્યા બે કરીએ એવું જિગર ધરાવતા રહમાન ડકૈતની વાતો પર આવતાં પહેલાં દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેનું આ શાબ્દિક એન્કાઉન્ટર જાણી લેવું જોઈએ.
ઉદ્યોગપતિ રહમાન પાસે ગયા અને આખી વાત કરી. રહમાને તેની હાજરીમાં જ માણસોને દાઉદ ઇબ્રાહિમના નંબરની ડિમાન્ડ કરી ને પાંચમી મિનિટે રહમાન પાસે ડાયરેક્ટ નંબર આવી ગયો. રહમાને પેલા ઉદ્યોગપતિની હાજરીમાં જ દાઉદને ફોન કરીને કહી દીધું કે એ જમીન પર તારે નજર નથી નાખવાની; આ માણસ મારા શરણમાં છે, તારે બધું ભૂલી જવાનું છે.
દાઉદ ચોક્કસપણે હેબતાયો પણ તેને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે બીજી સવારે તેને ખબર પડી કે તેના કરાચીના ત્રીસથી વધુ ગુંડાઓને રહમાનના માણસોએ માર્યા છે. ડાહ્યો એ, જે સમયે નિર્ણય બદલી જાણે. હરામખોર દાઉદે ડહાપણ વાપર્યું અને ઢળતી સાંજે ઉદ્યોગપતિને મેસેજ આવી ગયો કે જગ્યા અમને હજી પણ ગમે છે પણ અત્યારે અમે બીજી વ્યવસ્થા કરી લીધી છે.
ઉદ્યોગપતિએ રહમાન ડકૈતને આ કામ માટે તેની ફી પૂછી ત્યારે રહમાને તેની પાસે પોતાના વિસ્તાર લ્યારીમાં એક સ્કૂલ બનાવી દેવાનું પ્રૉમિસ લીધું જે સ્કૂલ આજે પણ લ્યારીમાં ઊભી છે. સરદાર અબ્દુલ રહમાન બલૂચની એ સ્કૂલની સવારની શિફ્ટમાં આજે પણ રોજ સવાબસો છોકરીઓ ભણે છે. સેકન્ડ હાફમાં આ જ સ્કૂલમાં લેડીઝ માટે સિવણ અને કુકિંગના ક્લાસ ચાલે છે. રહમાન ડકૈત એ લોકો માટે, ના... માત્ર તેમના માટે નહીં, કરાચીના એક સમયના લ્યારી ગામના મોટા ભાગના લોકો માટે આજે પણ મસીહા છે.

રહમાન ડકૈતના મૃત્યુ પછી તેનો વારસો સંભાળનાર પિતરાઈ ઉઝેક બલૂચ.
ADVERTISEMENT
કોણ છે આ રહમાન?
ફિલ્મ ‘ધુરંધર’ જો તમે જોઈ હોય તો તમને પાકિસ્તાનના આ માણસની આછીપાતળી સમજ આવી ગઈ હશે. સરદાર અબ્દુલ રહમાન બલૂચ એટલે કે રહમાન ડકૈત લ્યારીનો એક સમયનો ડૉન. રહમાને ક્યારેય કોઈ ડકૈતી કરી નહોતી કે ન તો તેના અબ્બા હાજી અબુ મહમદે કરી હતી. કહે છે કે રહમાનના દાદા એક સમયે સિંધ વિસ્તારમાં ડાકુ હતા પણ તેમની લોકચાહના હતી એટલે રહમાનના અબુએ પોતાના નામની પાછળ ડકૈત લખવાનું શરૂ કર્યું અને એ પછી રહમાને પણ એ શરૂ કર્યું. અલબત્ત, સમય જતાં રહમાનને પોતાના નામની પાછળ લાગતું આ ડકૈત શબ્દનું ફૂમતું ગમતું બંધ થયું પણ ત્યાં સુધીમાં મીડિયાએ આ નામ ઉપાડી લીધું હતું.
હાજી અબુ મહમદની રખાતનો દીકરો એટલે રહમાન ડકૈત, જેની રહમાનને ટીનેજમાં ખબર પડી. અહીં સુધી રહમાનનું નાનપણ સૌમ્ય હતું પણ પોતે રખાતનો દીકરો છે એ જાણ્યા પછી રહમાનનું બચપણ ડિસ્ટર્બ થઈ ગયું અને બાર-તેર વર્ષની ઉંમરે તે મવાલીગીરી પર આવી ગયો. રહમાનના બાપ પર પણ મારામારી અને ડ્રગ્સની હેરફેર તથા ડ્રગ્સના વેપારના કેસ ફાઇલ થયા છે પણ એ થવા પાછળનું કારણ સમજવા તમારે કરાચીના લ્યારીને એક વાર ઓળખી લેવું પડે.

રહમાન ડકૈત વધુ મજબૂત ન થઈ જાય એ માટે પાકિસ્તાનની પૉલિટિકલ પાર્ટીઓએ દેખીતો સપોર્ટ આપીને પાછળથી તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.
રહમાનની ફૅમિલી ફરઝાના, શહનાઝ અને સાયરા બાનો એમ રહમાને ત્રણ મૅરેજ કર્યાં. આ ત્રણ મૅરેજથી રહમાનને તેર બાળકો છે જે આજે લ્યારી, બલૂચિસ્તાન અને ઈરાનમાં રહે છે.
લોહીતરસ્યું લ્યારી
આપણે ત્યાં જેમ એક સમયે ક્રાઇમની બાબતમાં પોરબંદર કુખ્યાત હતું એવી જ રીતે પાકિસ્તનાનમાં લ્યારી કુખ્યાત રહી ચૂક્યું છે. કરાચી પાસે આવેલું આ લ્યારી હકીકતમાં તો એક નાનકડું ગામ હતું જેમાં બલૂચિસ્તાનથી આવેલા લોકો વસતા હતા. સ્થાનિક લોકો આ બલૂચી લોકો પર દાદાગીરી કરતા અને બળૂકા બલૂચીઓ સામે જવાબ આપતા. આ વાત છે પચાસેક વર્ષ પહેલાંની. પણ પછી એક તબક્કો એવો પણ આવી ગયો કે બલૂચીઓને પણ બાવડાંની તાકાતથી શ્રીમંત થવાનો ચસકો લાગ્યો અને લ્યારીમાં સ્થાનિક મુસ્લિમ અને બલૂચીઓ વચ્ચે જંગ શરૂ થયો.
સમય જતાં કરાચીની સીમારેખા વધારવામાં આવી અને લ્યારીનો સમાવેશ કરાચી શહેરમાં થઈ ગયો. જોકે એ પછી પણ લ્યારીના લોકો આજે પણ પોતાની જાતને કરાચીવાસી કરતાં લ્યારીવાસી તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરે છે. સાઠના દશકમાં લ્યારી પર બલૂચીઓનું રાજ થઈ ગયું અને રહમાનના અબ્બા-ચાચાએ બલૂચિસ્તાનથી અફીણ-ગાંજો લાવી એનો વેપાર શરૂ કર્યો. વેપાર ગેરકાયદે હતો એટલે નૅચરલી લ્યારીમાં પોલીસ અને ડકૈત ગૅન્ગ વારતહેવારે આમને-સામને થઈ જતી. ડ્રગ્સના એ ધંધામાં ત્યાર પછી ઉમેરાયો અબ્દુલ કાસકા નામનો સ્થાનિક પાકિસ્તાની અને અહીંથી ગૅન્ગ-વૉરની શરૂઆત થઈ. કાલા નાગ તરીકે કુખ્યાત થયેલો આ અબ્દુલ કાસકા પાકિસ્તાન પોલીસના ઓઠા હેઠળ કામ કરતો. પોતાનો માલ વેચવા કરતાં રહમાનના અબ્બા-ચાચાનો માલ પકડાવવામાં વધારે ધ્યાન આપતા કાસકાને કારણે એક વખત અબુ મહમદ પકડાયો. તેને કરાચી જેલમાં નાખવામાં આવ્યો જ્યાં તેને પૅરૅલિસિસનો અટૅક આવ્યો અને જેલમાં જ તેનું મોત થયું. કહે છે કે એ મોત પાછળ રહમાન ડકૈતનો એટલે કે રખાતના દીકરાનો હાથ હતો.
રહમાન ડકૈતના જીવન પર આવતાં પહેલાં લ્યારી ચૅપ્ટરનું સમાપન કરીએ. ઝુલ્ફીકાર અલી ભુત્તો અને બેનઝીર ભુત્તોને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવામાં લ્યારીનો અને ડકૈત બાપ-બેટાનો ઑફિશ્યલી બહુ મોટો ફાળો રહ્યો છે.

એક સમયે રહમાન બેનઝીર ભુત્તોની સિક્યૉરિટી ટીમનો ભાગ હતો.
૧૩ વર્ષે પહેલો ઘા...
પોતે સત્તાવાર સંતાન નથી એ જાણ્યા પછી આડા રવાડે ચડી ગયેલા રહમાન ડકૈતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે પહેલું મર્ડર કર્યુ હતું. બાય ધ વે, રહમાનના જન્મ માટે પણ બબ્બે વર્ષ નોંધવામાં આવ્યાં છે. પોલીસ-રેકૉર્ડ મુજબ રહમાનનો જન્મ ૧૯૭૬માં અને લ્યારી નગરપાલિકાના રેકૉર્ડ મુજબ ૧૯૮૦માં થયો હતો. ૨૦૦૯ની ૯ ઑગસ્ટે તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું. જન્મનું વર્ષ ૧૯૭૬ પકડીને ચાલીએ તો કહેવું પડે કે માત્ર ૩૩ વર્ષના જીવનમાં પાકિસ્તાનના મુંબઈ એવા કરાચીને ધ્રુજાવી દેનારા રહમાન ડકૈતે પહેલું મર્ડર ગુસ્સામાં કર્યું હતું. બન્યું એવું કે સ્કૂલ લઈ જવાનાં કપડાંની થેલીમાં ડ્રગ્સની ડિલિવરી દેવા જતા રહમાન સાથે અજાણ્યો માણસ ભટકાયો અને રહમાને તેને છરી મારી દીધી. છરી મારીને રહમાન ભાગી ગયો અને પેલો માણસ ચાર દિવસ પછી હૉસ્પિટલમાં મરી ગયો.
બાપના મોત પછી રહમાને સામે ચાલીને તેના ચાચા પાસેથી ગૅન્ગ અને બિઝનેસની જવાબદારી માગી લીધી. એ સમયે રહમાનની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી, પણ રહમાનની ધાક એવી પ્રસરી ગઈ હતી કે ચાચાએ રહમાન સાથે દલીલમાં ઊતરવાને બદલે તેણે માગ્યું એ બધું આપી દીધું અને પોતે નિવૃત્તિના રસ્તે ચાલ્યા ગયા. જોકે એ રસ્તે લાંબો સમય રહી શક્યા નહીં. રહમાનની હરીફ ગૅન્ગ એવી કાસકા ગૅન્ગના હાથમાં એક વાર ચાચા આવી ગયા અને કાસકા ગૅન્ગના માણસોએ ચાચાનું મર્ડર કરી નાખ્યું. બસ, એ પછી રહમાન રાક્ષસ બની ગયો. તેણે મન ફાવે એમ કાસકાના માણસોને વેતરવાનું શરૂ કરી દીધું. ચાચા માટે તેને પ્રેમ હતો એવા ભ્રમમાં નહીં રહેતા. રહમાનને ખુન્નસ એ વાતનું ચડ્યું હતું કે તેની સાથે જોડાયેલી વ્યક્તિ પર હાથ કેવી રીતે ઉપાડી શકાય? બાકી રહમાનને પ્રેમ તો ભોજિયા ભાઈ માટે પણ નહોતો.
પોતાની સગી મા કાં તો પોલીસને ઇન્ફર્મેશન આપે છે અને કાં તો કાસકા ગૅન્ગને એવા શક પર રહમાને તેની સગી માનું પોતે જ મર્ડર કરી નાખ્યું હતું જે મર્ડર લ્યારી ટાસ્ક ફોર્સના પેપર્સ પર બોલે છે. ૨૧ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો રહમાન આઠથી વધારે ખૂન કરી ચૂક્યો હતો તો ડ્રગ્સની સાથોસાથ બલૂચિસ્તાનથી હથિયારોનું સ્મગલિંગ પણ શરૂ કરી દીધું હતું. ૧૯૯૬માં લ્યારી પોલીસે રહમાનની અરેસ્ટ કરી. ૧૯૯૭ની ૧૦ જૂને કરાચી સેન્ટ્રલ જેલથી લ્યારી પાસે આવેલી સિટી કોર્ટમાં રહમાનને લાવવામાં આવતો હતો ત્યારે રહમાન ફરાર થઈ ગયો અને બલૂચિસ્તાનના હૂબમાં જઈને રહેવા માંડ્યો. અલબત્ત, તે રહેતો હૂબમાં પણ તેનું શાસન હજી પણ લ્યારી પર અકબંધ હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ એ પછી રહમાનની એક પણ વાર અરેસ્ટ ન થઈ કે ન તો રહમાનને શોધવા માટે પોલીસ પણ આગળ આવી.
જે આરોપી પોલીસના કબજામાંથી ભાગે છે અને પછી વારતહેવારે જાહેર ફંક્શનોમાં, મંચ પર જોવા મળે છે અને એ પછી પણ પોલીસ કે કાયદો કશું કરતાં નથી એ દેશની તકદીરમાં બદનામી સિવાય બીજું લખાયું પણ શું હોય?
અધધધ...
પાકિસ્તાન પોલીસના રેકૉર્ડ મુજબ ૨૦૦૬ સુધીમાં રહમાન ડકૈત પાસે ૩૪ દુકાન, ૩૩ ઘર, ૧૨ પ્લૉટ અને ૧પ૦ એકર જમીન પાકિસ્તાનના કરાચી અને લ્યારીમાં હતી તો બલૂચિસ્તાનમાં ૩૦૦ એકર જગ્યા અને ઈરાનમાં પણ પ્રૉપર્ટીઓ હતી. ૨૦૦૬થી મોત સુધીના સમયગાળામાં રહમાનની આ સંપત્તિમાં અનેકગણો વધારો થયો હોવાનું પાકિસ્તાન પોલીસનું કહેવું છે તો સાથોસાથ એ પણ કહેવું છે કે એ પિરિયડમાં મોટા ભાગે રહમાન ભાગતો ફરતો એટલે એ પ્રૉપર્ટીના વારસાઈ હક સુધી તેની ફૅમિલી પહોંચી શકી નથી.
લ્યારીનો લાડકવાયો
હા, એ સાચું છે કે રહમાન ડકૈત દુનિયાઆખી માટે જેવો હોય એવો પણ લ્યારી માટે એ લાડકવાયો હતો. કાળી રાતે પણ તેના ઘરના દરવાજા કોઈ ખખડાવે તો રહમાન બહાર આવી જાય. હૉસ્પિટલથી લઈને એજ્યુકશન ફી અને દીકરીઓનાં લગ્ન કરાવવાથી માંડીને કોઈ સાથે વ્યક્તિગત અન્યાય થયો હોય તો તેના માટે રહમાન પોતે ઊભો રહેતો અને સાથોસાથ તેના માણસોને પણ એ જ સૂચના આપવામાં આવી હતી કે લ્યારીવાસીઓને મદદ કરવામાં આગળ-પાછળનો કોઈ વિચાર કરવો નહીં. આપણે વાત ગૅન્ગસ્ટરની કરીએ છીએ ત્યારે એ ગૅન્ગસ્ટરમાં કઈ હરામીપંતી નહોતી એ પણ જોવું જોઈએ. છોકરીઓની બાબતમાં રહમાન બહુ સીધો હતો અને તે પોતાની ગૅન્ગને પણ એ બાબતમાં સીધા રહેવાનું કહેતો.
રહમાન પર કુલ ૮૯ મર્ડરના ઑફિશ્યલ કેસ છે તો આ ઉપરાંત ડ્રગ્સ, હથિયાર, અપહરણ જેવા બીજા ૨પ૯ કેસ તેના પર છે, પણ રહમાન પર છોકરીઓની છેડતીનો કે બળાત્કારનો એક પણ આરોપ નથી કે નથી એ આરોપ રહમાનની ગૅન્ગના અન્ય સભ્યો પર. રહમાન સ્પષ્ટતા સાથે કહેતો કે જે પણ નજર બગાડશે તેની જિંદગી હું બગાડી નાખીશ અને રહમાન એવું કરતો પણ ખરો.
રહમાનના રાઇટ હૅન્ડ જેવા ઝાહિદ અસગરે લ્યારીમાં રહેતી એક છોકરીની મશ્કરી કરી. એ છોકરીએ રહમાનને ફરિયાદ કરી અને રહમાને અસગરને પૂછ્યું. રહમાનના સ્વભાવથી વાકેફ એવા અસગરે સ્વીકારી લીધું કે હા, તેણે છોકરીની મશ્કરી કરી હતી. બસ, પત્યું. રહમાને પેલી છોકરીની પરવાનગી લીધી અને બીજા અઠવાડિયે અસગર અને એ છોકરીનાં મૅરેજ કરાવ્યાં. એ મૅરેજમાં રહમાન ડકૈત મન મૂકીને નાચ્યો પણ ખરો. ઍનીવે, વાત છે લ્યારીના લાડકાવાયા બનવાની. આ જ નહીં, આ સિવાયનાં પણ અનેક કારણો એવાં છે કે લ્યારી માટે આજે પણ રહમાન કોઈ ખુદાથી કમ નથી.
રહમાને લ્યારીમાં હૉસ્પિટલ બનાવડાવી, સ્કૂલ બનાવડાવી. ગરીબને જમવાનું મળી રહે એ માટે લ્યારીમાં તેણે લંગર ચાલુ કરાવ્યું. કહેવાય છે કે પાકિસ્તાનનું એ પહેલું અને છેલ્લું લંગર જ્યાં ચોવીસ કલાક જમવા મળે. એક સમયે એ લંગરમાં બેનઝીર ભુત્તો પણ રહમાન સાથે જમી ચૂક્યાં છે. રહમાન લ્યારીમાં હોય ત્યારે તે દિવસમાં એક સમય તો એ લંગરમાં જ જમતો જેથી તેને ખબર પણ પડતી કે ગરીબોને કેવું જમવાનું પીરસવામાં આવે છે. લ્યારીની ટૅલન્ટને બહાર લાવવામાં પણ રહમાને પાછું વળીને જોયું નથી. ડૉક્ટર અને વકીલાત કરનારાઓને જૉબ મળી જાય એ માટે રહમાન પોતે મહેનત કરતો તો સાથોસાથ પોતાની ફેવરિટ ગેમ ફુટબૉલમાં જો કોઈ બેસ્ટ પર્ફોર્મ કરતું હોય તો તેના ઘરે દર મહિને ફિક્સ આર્થિક મદદ પહોંચી રહે એનું પણ ધ્યાન રહમાન રાખતો.
રહમાનને નડ્યું શું?
રહમાનને નડી ગયું તેનું સપનું. પૉલિટિક્સમાં આગળ આવવા માટે તેના મનમાં જે સપનું જાગ્યું એ સપનાએ પાકિસ્તાનના પૉલિટિક્સમાં ઊથલપાથલ લાવવાનું કામ કર્યું. ઝુલ્ફીકારઅલી ભુત્તોને રહમાનના બાપ સાથે સારા સંબંધો હતા, જેને લીધે લ્યારી આખું ભુત્તોના પક્ષમાં રહ્યું તો બાપના સંબંધોના કારણે બેનઝીર ભુત્તો અને રહમાનને પણ સારા સંબંધો બન્યા. બેનઝીર ભુત્તો પાકિસ્તાનની વડાં પ્રધાન બની એમાં પણ લ્યારીનો બહુ મોટો ફાળો. પણ એ ફાળો આપ્યા પછી રહમાનના મનમાં આવ્યું કે દર વખતે રાજકીય આગેવાન પાસે જઈને રજૂઆત કરો અને તમારાં કામ થાય એના કરતાં એવું શું કામ ન કરવું જેમાં લોકો રજૂઆત તમારી પાસે કરે ને તમે કામ કરી આપો.
રહમાને લ્યારીમાં જ પાર્ટી પીપલ્સ અમન કમિટી નામની પોતાની પાર્ટી બનાવી અને એ પાર્ટીએ સત્તાવારપણે બેનઝીર ભુત્તોની પાર્ટીને સમર્થન આપ્યું. પત્યું. બેનઝીરની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સરદાર નબીલ ગબોલના પેટમાં તેલ રડાયું. આ એ જ કૅરૅક્ટર જે ફિલ્મમાં રાકેશ બેદીએ જમીલ જમાલીના નામે કર્યું છે. જોકે ફિલ્મમાં દેખાડાયું છે એમાં કેટલું તથ્ય છે એ તો અલ્લાહ જાણે, પણ કહે છે કે રહમાનના વધતા જતા કદને જોઈને નબીલ ગબોલને લાગ્યું કે જો હવે આ ડકૈતને રોકવામાં નહીં આવે તો ભુત્તોની પાર્ટીમાંથી પોતે સદા માટે કપાઈ જશે અને તેણે એ જ કર્યું.
ગબોલની આડકતરી પરમિશન સાથે લ્યારીમાં વધતા ક્રાઇમને રોકવા ખાસ લ્યારી ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી અને એની આગેવાનીમાં ચૌધરી અસલમ ખાને લ્યારી પર અલગ-અલગ મુદ્દે રેડ પાડવાની શરૂ કરી. દરેક વખતે વાત એક જ હતી, રહમાનને શોધો અને રહમાન ક્યાંય મળતો નહોતો.
૨૦૦૭ના જૂન મહિનામાં તો લ્યારી ટાસ્ક ફોર્સ, સિંધ પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા લ્યારી પર એક અઠવાડિયાનું ઑપરેશન કરવામાં આવ્યું. ડિટ્ટો એવું જ ઑપરેશન જેવું ઑપરેશન અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર કરવામાં આવ્યું હતું અને ખાલિસ્તાનીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. પણ કમનસીબી અસલમ ચૌધરીની, સાત દિવસના એ ઑપરેશન પછી પણ રહમાન તેમના હાથમાં આવ્યો નહીં પણ હા, રહમાનના ઘર અને તેના અલગ-અલગ અડ્ડામાં કેવાં-કેવાં હથિયારો પડ્યાં છે એની ચોક્કસ ખબર પડી.
પોલીસ દ્વારા કરવામાં આવતા હુમલાના વળતા જવાબમાં સામેથી રૉકેટ લૉન્ચરથી મિસાઇલ છોડવામાં આવતી હતી તો AK 56 જેવી મશીનગનથી જવાબ આપવામાં આવતા હતા. સામાન્ય ગુજરાતીના ઘરમાં જે માત્રામાં ચણા અને મમરા હોય એટલી મોટી માત્રામાં હૅન્ડગ્રેનેડ પોલીસ પર ફેંકવામાં આવ્યા હતા. આ જવાબ બેનઝીર ભુત્તોનો હાથ પણ રહમાન પરથી હટાવી ગયો અને લેડી ભુત્તોએ પણ રહમાનને ખતમ કરવાનો આદેશ આપી દીધો.

રહમાનનું એન્કાઉન્ટર કરનારા અસલમ ચૌધરીના પાત્રમાં સંજય દત્ત અને રિયલ અસલમ ચૌધરી.
પહલા પ્યાર
રહમાન પોતાના જીવનમાં જો સૌથી વધારે કોઈને પ્રેમ કરતો હોય તો એ ફુટબૉલ ગેમ હતી. રહમાનની કૃપાદૃષ્ટિથી લ્યારીના અનેક યંગસ્ટર્સ પાકિસ્તાનની જુદી-જુદી ફુટબૉલ ટીમ સુધી પહોંચ્યા તો અમુક તો નૅશનલ પ્લેયર્સ પણ બન્યા.
ફુટબૉલ પછી જો રહમાનને કંઈ ગમતું તો એ બૉલીવુડ મ્યુઝિક હતું. રહમાન આપણી હિન્દી ફિલ્મોનાં ગીતો પાછળ ગાંડો હતો. એક સમયે તેને સતત વૉકમૅન પર એ ગીતો સાંભળવાની આદત પડી ગઈ હતી પણ લ્યારી ટાસ્ક ફોર્સના નિશાન પર પોતે છે એની ખબર પડ્યા પછી તેણે એ આદત છોડી દીધી જેથી તેના કાન ખુલ્લા રહે અને આજુબાજુમાં થતી હરકતો સાંભળી શકે.
સીધા ને સટ સમાચાર
૨૦૦૮ની ૧૦ ઑગસ્ટના દિવસે ન્યુઝપેપરમાં સમાચાર આવ્યા કે રહમાન ડકૈતનું એન્કાઉન્ટરમાં મોત થયું છે. આનાથી વધારે કોઈ વિગત હતી નહીં અને ન્યુઝની સાથે જ લ્યારી આખું ધગધગવા માંડ્યું. રહમાનનો જનાઝો નીકળ્યો ત્યારે હજારો લોકો એમાં જૉઇન થયા અને પોલીસે એ જનાઝા પર પણ ફાયરિંગ કર્યું, જેમાં સાત જણનાં મોત થયાં અને સેંકડો ઘાયલ થયા. લ્યારી ટાસ્ક ફોર્સના અસલમ ચૌધરીનું કહેવું હતું કે એ અંતિમયાત્રામાં આતંકવાદીઓ પણ જોડાયા હતા, તેમને મારવા જરૂરી હતા.
રહમાન બલૂચની પહેલી પત્ની ફરઝાનાએ આ એન્કાઉન્ટર ફેક હતું એવો દાવો કોર્ટમાં કર્યો ત્યારે પહેલી વાર અસલમ ચૌધરીએ ઘટના વિશે વાત કરી, જે જાહેરમાં આવી. અસલમે કોર્ટમાં કહ્યું કે ‘રહમાન લ્યારી એક્સપ્રેસવે પરથી પસાર થાય છે એવા સમાચાર મળ્યા અને એવી માહિતી પણ મળી કે બલૂચિસ્તાન થઈને તે અફઘાનિસ્તાનમાં દાખલ થવાનો છે. રહમાનને રોકવાનો પ્રયાસ થયો પણ રહમાને હુમલો કર્યો જેમાં પોલીસના વળતા જવાબમાં રહમાનનું મોત થયું.’
રહમાનના મોત સાથે લ્યારીને દુનિયા સામે મેક્સિકો બનાવી દેનારા ડૉનનો ઇતિહાસ પણ પૂરો થયો. હા, રહમાનનું એન્કાઉન્ટર કરનારા અસલમ ચૌધરીનો અંત પણ રહમાન જેવો જ આવ્યો અને એ જ લ્યારી એક્સપ્રેસવે પર આવ્યો જ્યાં રહમાને અંતિમ શ્વાસ લીધા હતા.
૨૦૧૪ની ૯ જાન્યુઆરીએ અસલમ ચૌધરી જે કારમાં જતો હતો એ કારમાં બ્લાસ્ટ થયો અને અસલમ સહિત ત્રણ જણનાં મોત થયાં. પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે એ બ્લાસ્ટ તાલિબાને કરાવ્યો જેમાં અસલમના ડ્રાઇવર-કમ-બૉડીગાર્ડને સુસાઇડ-બૉમ્બર બનાવવામાં આવ્યો હતો.


