મણિયારો રાસ જુઓ તો પણ તમારા શરીરમાં એનર્જી ભરાઈ જાય અને તમારું લોહી ગરમ થઈ જાય. આ એ રાસની કોરિયોગ્રાફીની કમાલ છે
ધીના ધીન ધા
મણિયારો રાસ
આપણે વાત કરતા હતા ભૂચર મોરીની યાદમાં તૈયાર થયેલા તલવાર રાસની. આ તલવાર રાસની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો એ કે માત્ર લાઇવ મ્યુઝિક પર એ રમવામાં આવે છે. લાઇવ મ્યુઝિક માટે ઢોલ, હાર્મોનિયમ, તબલાં, ઝાંઝ અને અલગ-અલગ જાતની વાંસળીઓનો ઉપયોગ થાય છે. તલવાર રાસ માટે હંમેશાં પુરુષ ગાયકનો જ અવાજ હોય છે તો સમૂહ ગીતના ગાનમાં રાસ રમનારા ખેલૈયાઓ પોતે અને તેમની સાથે સંગીતકારો જોડાય છે. આપણે અગાઉ જે કણબી રાસની વાત કરી એ રાસની કોરિયોગ્રાફીમાં સ્ટેપ્સ ખેતી સાથે જોડાયેલાં હોય છે પણ એ રાસના લિરિક્સ બાળકૃષ્ણ સાથે જોડાયેલા હોય છે, જ્યારે તલવાર રાસમાં યુદ્ધભૂમિ સાથે જોડાયેલી હલચલને સ્ટેપ્સ તરીકે જોડવામાં આવી છે અને આ રાસમાં પણ સિંગર પુરુષો જ હોય છે; પણ હા, આ રાસના લિરિક્સમાં મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે એ ભારતના વીર પુરુષોના જીવન સાથે જોડાયેલી વાતો હોય છે. કહે છે કે આપણે ત્યાં બહુ પૉપ્યુલર થયેલું શિવાજીનું હાલરડું છે એ અગાઉ તલવાર રાસની થીમ સાથે જ તૈયાર થયું હતું, પણ હાલરડું હોવાને કારણે સમય જતાં એનું સંગીત બદલાયું અને પછી એ ગીતના રાગમાં પણ ચેન્જ થયો.