નવું વર્ષ શરૂ થયું એને આજે પાંચ દિવસ પણ થઈ ગયા. દર વર્ષે એક નવું વર્ષ આવે છે. નવા વર્ષે માણસ સહજ રીતે જ જૂના વર્ષના હિસાબો માંડવા સાથે નવા વર્ષમાં તેની અપેક્ષા-આશાઓની ગણતરી કરવા લાગે છે
સીધી વાત
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવું વર્ષ શરૂ થયું એને આજે પાંચ દિવસ પણ થઈ ગયા. દર વર્ષે એક નવું વર્ષ આવે છે. નવા વર્ષે માણસ સહજ રીતે જ જૂના વર્ષના હિસાબો માંડવા સાથે નવા વર્ષમાં તેની અપેક્ષા-આશાઓની ગણતરી કરવા લાગે છે. જોકે આ બધું જ કામ માણસનું મન કરે છે. આ એક સામાજિક પરંપરા અને માનવીય માનસિકતા છે. આ નવા વર્ષે આપણા મનનો પણ હિસાબ માંડીએ.
આપણા દરેક પાસે મન છે. સતત સાથે ને સાથે રહેતું મન; સતત વિચારોના ધોધ, નદી કે ઘણી વાર તો સાગરો ઉછાળતું મન. જોકે શું આપણે આપણા મનને મળીએ છીએ ખરા? મનોમન વાતો અને વિચારો તો સતત ચાલ્યા કરે છે, પરંતુ મન સાથે મુલાકાત થાય છે ખરી? મન વિશે છૂટાછવાયા વિચારો આવતા ગયા અને અહીં શબ્દો બનીને ઊતરતા ગયા. ક્યાંથી આવ્યા? નથી ખબર, મનથી જ આવ્યા હશે.
ADVERTISEMENT
પાયાનો મુદો એ છે કે મનને મળવા માટે જાત પાસે અને જાત સાથે જ બેસવું પડે. મનને જોઈ શકાતું નથી, મનને સ્પર્શ પણ કરી શકાતો નથી, મન શરીરનો કોઈ ભાગ કે ઇન્દ્રિય નથી છતાં જે છે એ મન છે અને માનવીના જીવનમાં એ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
મનને કેટલું પણ કહો, કેટલાં પણ વિશેષણો લગાવો; મનનાં અનેક રૂપ છે. એનું પોતાનું અલગ વિજ્ઞાન છે એટલે જ તો મનોવિજ્ઞાન વિકસ્યું છે. મનના રોગો છે, મનના ચિકિત્સકો છે; મન સ્વસ્થ હોય, મન અસ્વસ્થ પણ હોય; મન સાથે હોય તો પણ ભટકતું હોય; મનનું પોતાનું મહાભારત છે, રામાયણ છે; મનની ગીતા પણ છે; મન ચેતન છે તો અચેતન પણ છે. ચેતન કરતાં અચેતન મન પાસે બહુબધું સચવાયેલું રહે છે, સંભવત: જન્મોજનમનું.
ક્યારેક વિચાર આવે કે મનનું પણ પોતાનું મન હશે જે તેને મૂંઝવતું હશે, સવાલો પૂછતું હશે; તેને પૂછ્યા કે કહ્યા વિના કેટલાય વિચારો કરતું હશે, કલ્પનાઓમાં એને ક્યાંય લઈ જતું હશે; ક્યારેક સતાવતું હશે, કયારેક ચિંતા કરાવતું હશે; ક્યારેક એની સાથે જીદમાં ઊતરતું હશે અને ક્યારેક એને મુસીબતમાં મૂકતું હશે; ભલાં-બૂરાં કામ કરાવતું હશે; છેતરતું હશે અને છેતરાતું પણ હશે. શું મનને પણ પોતાના મનને મારવાનું-હરાવવાનું મન થતું હશે? એની મરકટવૃત્તિને ડામવાનું મન થતું હશે? જોકે મન આગળ બધા હારી જાય છે. મન પણ પોતાના એ મન સામે હારી જતું હશે?
મન સતત મનાવતું રહે છે માણસને કે આપણે જે કરીએ છીએ એ બરાબર જ છે. મન આરોપી, મન અપરાધી પણ; મન જ વકીલ અને મન ન્યાયાધીશ પણ.
આ સત્ય કેવળ અ-મનની અવસ્થામાં જ સમજાય છે. મનથી અ-મન સુધીની યાત્રા જરૂરી છે. માત્ર નવા વરસે જ નહીં, રોજ ઊગતા નવા દિવસે આ વિચાર કરવા જેવો છે. ક્યાંક શાંતિનો માર્ગ અને મંઝિલ એ દિશામાં જ મળે.