જૅપનીઝ હાઉસ ફિલોસૉફી વાશીત્સુ સમજાવે છે કે આપણી આસપાસ જેમ-જેમ આપણે પદાર્થોનો ઢગલો કરતા જઈએ છીએ તેમ-તેમ આપણામાં રહેલું ચૈતન્ય ગૂંગળાતું જાય છે
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
એક જાણીતી ઝેન કથા છે. એક વાર એક રાજાએ તેના વૃદ્ધ સુથારને એક ટેબલ બનાવવાનું કામ સોંપ્યું. રાજાને કોઈ ચોક્કસ પ્રકારનું ટેબલ બનાવડાવવું હતું. સુથારે કહ્યું, ‘ચોક્કસ બનાવી આપીશ, પણ મને થોડો સમય આપો.’ એટલું કહીને સુથાર લાકડાં લેવા માટે જંગલમાં ચાલ્યો ગયો. છેક ત્રણ દિવસ પછી તે પાછો ફર્યો.
રાજાએ ગુસ્સામાં પૂછ્યું, ‘આટલાં ઓછાં લાકડાં લાવવામાં ત્રણ દિવસ લાગે?’ સુથારે બે હાથ જોડીને જવાબ આપ્યો, ‘ત્રણ દિવસ તો શું, ક્યારેક ત્રણ મહિના પણ લાગે અને ક્યારેક તો ત્રણ વર્ષ સુધી પણ લાકડું ન મળે.’
ADVERTISEMENT
રાજાએ કહ્યું, ‘વિસ્તારથી સમજાવો.’
સુથારે કહ્યું, ‘લાકડાં કાપવા માટે સૌથી પહેલાં મારે ઉપવાસ પર ઊતરવું પડે. હું ઉપવાસ કરું તો જ મારી આક્રમકતા ઓછી થાય અને પછી જ મારામાં કરુણા જન્મે. એ કરુણાભાવ સાથે હું જંગલમાં જાઉં. ત્યાં જઈને ધ્યાન કરું. આસપાસ રહેલાં વૃક્ષોની વાઇબ્સ સમજવાનો પ્રયત્ન કરું. એ પછી હું દરેક વૃક્ષ પાસે જઈને વિનમ્રતાથી સવાલ કરું કે હું તમને કાપું તો વાંધો નથીને? વૃક્ષોને કાપતાં પહેલાં હું એમની મંજૂરી મેળવું. જે વૃક્ષ લાકડું આપવા તૈયાર હોય એને જ કુહાડી મારું. જો વૃક્ષ સ્વેચ્છાએ લાકડું આપે તો જ હું લઉં. બાકી વૃક્ષો પર કુહાડી ચલાવનાર હું કોણ?’
જ્યારે આ વાર્તા મેં પહેલી વાર વાંચેલી ત્યારે એનો સાર હું નહોતો સમજી શક્યો. એનું મુખ્ય કારણ એ હતું કે વૃક્ષોની ભાષા વિશે હું અજાણ હતો. વૃક્ષો પણ કમ્યુનિકેટ કરે છે એ વાત મને ત્યારે સમજાઈ જ્યારે વૃક્ષો પર લખાયેલું એક અદ્ભુત પુસ્તક ‘The hidden life of Trees’ મારા હાથમાં આવ્યું. આધુનિક વિજ્ઞાને પણ હવે એ સ્વીકાર્યું છે કે વૃક્ષો એકબીજાં સાથે અને આપણી સાથે પણ વાતો કરી શકે છે. આધુનિક ઉપકરણોની મદદથી એ જાણવું હવે શક્ય બન્યું છે કે વૃક્ષો ખુશ છે કે દુખી, કપાવવા માટે રાજી છે કે નહીં. સૉફિસ્ટિકેટેડ યંત્ર વડે હવે વૃક્ષોનો ‘ECG’ કાઢી શકાય છે. સ્ટેથોસ્કોપની મદદથી વૃક્ષોમાંથી આવતા અવાજો અને તેમનો મૂડ જાણી શકાય છે.
કુહાડી કે કરવત લઈને કઠિયારો નજીક આવે ત્યારે વૃક્ષોમાં રહેલો ડર, હવે સાબિત કરી શકાયો છે. વૃક્ષ જ્યારે ભયભીત અવસ્થામાં હોય એ સમયે જો એને કાપવામાં આવે તો એમાંથી બનતું ફર્નિચર નકારાત્મક ઊર્જા અને નેગેટિવ વાઇબ્સ લઈને આપણા ઘરમાં પ્રવેશે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણા ઘરના ફર્નિચરમાં વપરાયેલું લાકડું વૃક્ષોએ સ્વેચ્છાએ આપ્યું હશે કે ઇચ્છા વિરુદ્ધ એ આપણને કેમ ખબર પડે?
તો આનો જવાબ જૅપનીઝ હાઉસ ફિલૉસૉફીમાં રહેલો છે. એ ફિલોસૉફીનું નામ છે ‘વાશીત્સુ’. વાશીત્સુ એટલે ઘરનો એવો એક ઓરડો જ્યાં ફર્નિચર નહીંવત્ હોય. જમીન પર પાથરેલી જાજમ સિવાય એ ઓરડામાં બીજું કશું જ ન હોય. વાશીત્સુને ‘ટટામી રૂમ’ તરીકે પણ ઓળખાય છે. ટટામી એટલે જાજમ. ટૂંકમાં ઘરમાં રહેલી એવી કોઈ ખાલી જગ્યા જ્યાં બેસવા માટે ખુરશી કે સોફા પણ ન હોય. એ ઓરડામાં જાજમ પાથરીને ફરજિયાત જમીન પર બેસવાનું.
શું થાય એનાથી? વાશીત્સુના કન્સેપ્ટ પાછળનો હેતુ શું છે? તો જવાબ છે માનસિક શાંતિ. જૅપનીઝ ઘરોની આ ફિલોસૉફી એવું કહે છે કે આપણી આસપાસ ફર્નિચર જેટલું ઓછું અને મોકળાશ જેટલી વધારે, મનને મળતી શાંતિ અને ટાઢક એટલી જ વધારે. જપાનમાં વાશીત્સુ ઓરડાનો ઉપયોગ મહેમાનગતિ માટે કે ચા-કૉફી માણતી વખતે રિલૅક્સ થવા માટે કરવામાં આવે છે.
ઘરનો એક આખેઆખો ઓરડો ફક્ત વાશીત્સુ માટે આપી દેવો કદાચ આપણા માટે શક્ય ન બને, પણ હકીકત એ છે કે આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ આપણા મન અને વિચારો પર પ્રભાવ પાડે છે. ચામડું, લાકડું, કૉટન કે વુલ. સજીવોમાંથી મળતી દરેક વસ્તુ પર એના દાતાની ભાવનાત્મક છાપ રહેલી હોય છે. ક્વૉન્ટમ ફિઝિક્સ પણ હવે એ વાત સાબિત કરી ચૂક્યું છે કે આ આખું જગત ઊર્જા અને તરંગો પર ચાલે છે. એવા સમયે જે જીવોનો ઉપયોગ કરીને આપણે આપણો વૈભવ વધારીએ છીએ એ જીવો સાથેનો વ્યવહાર ફક્ત એકપક્ષીય ન હોઈ શકે.
વૃક્ષના થડ પર પ્રેમથી હાથ ફેરવીને ક્યારેય ‘થૅન્ક યુ’ કહ્યું છે? જો આ બ્રહ્માંડ તરફથી મળતી ચીજો માટે આપણામાં કૃતજ્ઞતા નથી તો આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ આપણને કાયમ ખૂંચતી રહેવાની છે. સારી હોય કે ખરાબ, વાતાવરણમાં ઉત્સર્જિત કરેલી તમામ વાઇબ્સ કોઈ ને કોઈ રીતે પ્રકૃતિ આપણને જ પાછી મોકલતી હોય છે.
વાશીત્સુ એવું સમજાવે છે કે આપણી આસપાસ જેમ-જેમ આપણે પદાર્થોનો ઢગલો કરતા જઈએ છીએ તેમ-તેમ આપણામાં રહેલું ચૈતન્ય ગૂંગળાતું જાય છે. નિર્જીવોથી સતત ઘેરાયેલું સજીવ ચિત્ત મૂંઝવણ અનુભવે છે. એ મોકળાશ માગે છે. ઘરમાં આપણે ગમે તેટલું મોંઘું, આકર્ષક કે લક્ઝુરિયસ રાચરચીલું વસાવી લઈએ, અંતે તો આપણી અંદર રહેલું સજીવ તત્ત્વ વાશીત્સુ જ ઝંખે છે.