Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોમનાથ મંદિરના નવનિર્માણની દરેક કથા જાણવા જેવી છે

સોમનાથ મંદિરના નવનિર્માણની દરેક કથા જાણવા જેવી છે

05 March, 2023 11:50 AM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

મૂળ ચાલુક્ય શૈલીમાં બનેલા આ મંદિરનું ૭ વખત નવનિર્માણ થયું છે, જેમાંથી છેલ્લું નવનિર્માણ મારા દાદાજી પદ્‍મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા દ્વારા થયું

સોમનાથ મંદિર

અરાઉન્ડ ધી આર્ક

સોમનાથ મંદિર


‘મને આઠ વર્ષ પછી અહીં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ જગ્યા અનંતકાળથી તીર્થસ્થાન રહ્યું છે. અનેક પ્રકારની આપત્તિ આવતી રહી હોવા છતાં આ સ્થાન પુનર્જીવિત થતું રહ્યું છે. આ સ્થાને આજે પણ પોતાનું ગૌરવ કાયમી રાખ્યું છે. આપણા સૌ માટે એ ગૌરવની વાત છે કે સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ અને મહામાહિમ જામસાહેબના અધ્યક્ષપદે આ સ્થાન ફરી એક વાર પુનર્જીવિત કરવામાં આવ્યું છે, જેને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે.’

આ શબ્દો દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીના છે, જે તેમણે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે કહ્યા હતા. સોમનાથ મંદિર ગીર-સોમનાથ જિલ્લામાં આવ્યું છે. ૧૨ જ્યોતિર્લિંગ પૈકીનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સોમનાથના ઇતિહાસની વાતો બહુ પહેલાંના સમયથી છે, પણ એનો છેલ્લો અને તાજેતરનો ઇતિહાસ જોઈએ તો, ૧૯પ૧માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. જે મારા દાદાજી પદ્‍મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું. આમ તો મંદિરનિર્માણનું કાર્ય અમે ૬૦૦ વર્ષથી કરીએ છીએ, પણ સોમનાથ મંદિરના નિર્માણ પછી લોકો અમને ઓળખતા થયા અને અમારા કામને પણ જાણતા થયા.૧૯પ૧ના સમયમાં થયેલા એ નિર્માણકાર્યની વાતો કરતાં પહેલાં તમને સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરવાની છે. 
આ મંદિર મૂળ ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. લોકવાયકાઓ મુજબ સોમનાથ મંદિર ચંદ્રદેવ એટલે કે સોમરાજ દ્વારા સોનામાંથી બનાવવામાં આવ્યું હતું, એ પછી લંકાપતિ રાવણે આ મંદિરમાં ચાંદીથી કામ કરાવ્યું હતું. યાદવકુળના સ્થાપક એવા કૃષ્ણ ભગવાન દ્વારા આ મંદિરનું વધારાનું કામ ચંદનના કાષ્ઠ દ્વારા કરવામાં આવ્યું હતું. એ સમયે શિયાળામાં ઠંડીને કારણે કાષ્ઠમાં ભેજ સમાવાથી, ઉનાળામાં લાકડાં ગરમ થવાથી અને ચોમાસામાં દરિયા પરથી આવતા ભારે પવનોને કારણે ચંદનની ખુશ્બૂ માઇલો દૂર સુધી પહોંચતી હતી. એવું પણ કહે છે કે એ સમયે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા આવનારાઓને આ ચંદનની ખુશ્બૂ રસ્તો દેખાડવાનું કામ કરતી.


સોમનાથ મહાદેવના મંદિરનો ઉલ્લેખ શિવપુરાણ, શ્રીમદ ભાગવત અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળ્યો છે, તો રુગ્વેદમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. 
સોના-ચાંદી અને ચંદનના કાષ્ઠમાંથી તૈયાર થયેલા આ મંદિરને અગિયારમી સદીમાં સોલંકી વંશના રાજવીઓએ પથ્થરથી બનાવ્યું. આ મંદિરની પ્રથમ સ્થાપના અને એનો જે પ્રકારે અલગ-અલગ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે એ જોતાં એવું અનુમાન મૂકવામાં આવ્યું કે સોમનાથ મંદિર મધ્યકાલીન યુગમાં ૨૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી, જેનો પ્રથમ જીર્ણોદ્ધાર ઈસવી સન ૬૪૯ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રક દ્વારા થયો અને તેમણે એ જ સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું, તો ઈસવી સન ૭પપમાં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમણખોરોએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટફાટ મચાવીને મંદિરનું પણ પતન કર્યું હતું, જે પછીનું જીર્ણોદ્ધાર ઈસવી સન ૮૧પમાં પ્રતિહાર રાજા નાગભટ્ટે કર્યું, જે સોમનાથ મંદિરનું ત્રીજું જીર્ણોદ્ધાર હતું. નાગભટ્ટ (બીજા)ના શાસનમાં થયેલા આ નવનિર્માણમાં પહેલી વાર લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને રેતિયો પથ્થર કહેવામાં આવે છે. એ પછી મંદિરની જાહોજલાલી ફરી નવી ચરમસીમાએ પહોંચી અને એ વાત છેક મહમૂદ ગઝની સુધી પહોંચી. ગઝનીએ નક્કી કર્યું કે કોઈ પણ કાળે સોમનાથ મંદિર લૂંટવું અને તે ૫૦,૦૦૦ સૈનિકોની વિશાળ ફોજ સાથે પ્રભાસ પાટણ પર ચડાઈ કરવા આવ્યો.

ગઝનીની ૫૦,૦૦૦ સૈનિકોની ફોજમાં ૮૦૦૦ હાથી અને ૧૦,૦૦૦ ઘોડા હતા, તો એવું પણ કહેવાય છે કે ગઝની પોતાની ફોજમાં ૫૦૦ વાઘ પણ રાખતો હતો. આ વાઘ પોતાના પાળેલા હતા. જ્યારે તેની સેના હારતી દેખાય ત્યારે ગઝની એ વાઘને છૂટા મૂકી દેતો અને ફરીથી હારેલી બાજી પોતાના હાથમાં લેતો.


ઈસવી સન ૧૦૨પમાં મહમૂદ ગઝનીએ પ્રભાસ પાટણ પર ચડાઈ કરી અને આઠ દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું, જેમાં એ સમયના રાજા ભીમદેવની હાર થઈ હતી. આ યુદ્ધમાં ગઝનીના હાથે આ વિસ્તારમાં અકલ્પનીય કતલ થઈ હતી. કહે છે કે ગઝનીની સેનાએ ૫૦,૦૦૦થી વધારે હિન્દુઓનો જીવ લીધો હતો, જેમાં નાનાં બાળકોથી માંડીને મહિલાઓનો સમાવેશ થયો છે. સોમનાથ મંદિર બચાવવા માટે એ સૌ રણે ચડ્યાં હતાં. સોમનાથ મહાદેવના આ ઇતિહાસ અને એના તમામ નવનિર્માણને આપણે અહીંથી જ કન્ટિન્યુ કરીશું, પણ હવે આવતા રવિવારે...

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 11:50 AM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK