Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શા માટે સારી કંપનીઓના શૅરમાં પણ હંમેશાં સારું વળતર મળતું નથી?

શા માટે સારી કંપનીઓના શૅરમાં પણ હંમેશાં સારું વળતર મળતું નથી?

Published : 14 December, 2025 05:42 PM | IST | Mumbai
Khyati Mashru Vasani

બીજી સમસ્યા અવાસ્તવિક અપેક્ષાઓની હોય છે. લોકો માને છે કે દરેક સારી કંપનીના શૅરમાં જલદીથી વળતર મળવું જોઈએ. જ્યારે તાત્કાલિક પરિણામ ન મળે ત્યારે તેઓ બેચેન થઈ જાય છે અને શૅર વહેલા વેચી દે છે અથવા પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કરતા રહે છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ઘણા રોકાણકારો માને છે કે જો કંપની સારી હોય તો શૅર ચોક્કસ સારું વળતર આપે. જોકે હકીકતમાં ઘણી વખત એવું થતું નથી. જાણીતી અને મજબૂત કંપનીઓમાં રોકાણ કરવા છતાં ઘણા લોકોના પોર્ટફોલિયો નબળા દેખાવા લાગી જતા હોય છે. આમાં કંપનીની ગુણવત્તાની કોઈ ખામી હોતી નથી, ખરી ઊણપ રોકાણકારના નિર્ણયોમાં હોય છે. 
રોકાણમાં સૌથી મોટું નુકસાન ભાવનાત્મક નિર્ણયોથી થાય છે. બજાર તેજી દેખાડે ત્યારે લોકો ઉત્સાહમાં મોંઘા ભાવે શૅર ખરીદી કરવા દોડી પડે છે અને જ્યારે બજાર નીચે જાય ત્યારે ડરથી સસ્તામાં વેચી કાઢે છે. કંપની ગમે એટલી સારી હોય, તમે વૃદ્ધિમાં ખરીદો અને ઘટાડામાં વેચો ત્યારે તમારી બાજી બગડી જતી હોય છે.
બીજી સમસ્યા અવાસ્તવિક અપેક્ષાઓની હોય છે. લોકો માને છે કે દરેક સારી કંપનીના શૅરમાં જલદીથી વળતર મળવું જોઈએ. જ્યારે તાત્કાલિક પરિણામ ન મળે ત્યારે તેઓ બેચેન થઈ જાય છે અને શૅર વહેલા વેચી દે છે અથવા પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કરતા રહે છે. આમ કરીને તેઓ કમ્પાઉન્ડિંગને પૂરતો સમય આપતા નથી. ખરી સંપત્તિ તો કમ્પાઉન્ડિંગ દ્વારા જ બનતી હોય છે.
લાંબા ગાળાનો સારો શૅર એક મહેનતી વિદ્યાર્થી જેવો હોય છે - સ્થિર, સતત અને ક્યારેક ધીમો. બીજી બાજુ રોકાણકારો ટ્રેન્ડિંગ ‘ટૉપર્સ’ની પાછળ જ ભાગતા જોવા મળે છે. જે બિઝનેસ મજબૂત હોય એ મોટા ભાગે મજબૂત જ રહે છે, ફરક પડે છે તો માત્ર ટ્રેન્ડ્સનો જે વારંવાર બદલાયા કરતો હોય છે.
બીજી એક સમસ્યા જરૂરથી વધુ ડાઇવર્સિફિકેશનની છે. બહુબધા શૅર રાખવાથી પોર્ટફોલિયોમાં કોઈ નિશ્ચિત દિશા રહેતી નથી. સરેરાશ શૅરને લીધે સારા શૅરનાં વળતર પણ ઓછાં દેખાવા લાગે છે. પરિણામે એકંદર વળતર નબળું રહે છે. 
પોર્ટફોલિયો નબળો રહી જવા પાછળનું સૌથી મોટું કારણ ટાઇમિંગનું હોય છે. સારી કંપનીઓ પણ વૃદ્ધિ, મંદી, સુધારા જેવાં ચક્રોમાંથી પસાર થાય છે. જો તમે ઊંચા ભાવે ખરીદો અને નાની-નાની સમસ્યાઓ જોઈને વેચાણ કરો તો વળતર નબળું જ રહી જાય, કારણ કે તમે એને પરિપક્વ થવાનો સમય જ આપતા નથી.
વારંવાર પોર્ટફોલિયો તપાસતા રહેવાની વૃત્તિ પણ નુકસાન કરાવે છે. રોકાણકારોને થોડો ઘટાડો દેખાતાં જ ગભરાટ થાય છે અને તેઓ પોર્ટફોલિયોમાં બિનજરૂરી ફેરફારો કરવા લાગી જાય છે, જે કમ્પાઉન્ડિંગમાં વ્યત્યય આણે છે.
આ બધાનો સરળ ઉકેલ છે : રોકાણમાં બુદ્ધિ કરતાં શિસ્ત વધુ મહત્ત્વની છે. રોકાણ લાંબા સમય સુધી રહેવા દો, રોજ નહીં પરંતુ થોડા-થોડા સમયાંતરે સમીક્ષા કરો અને ટૂંકા ગાળે આવતી હિલચાલોની અવગણના કરો. 
સારી કંપનીઓના શૅરમાં રોકાણ કરવાથી ચોક્કસપણે સંપત્તિસર્જન થાય છે. એને માત્ર સમય આપવાની જરૂર હોય છે. 
આમ જો તમારા સારા શૅર સારું વળતર આપતા ન હોય તો સમસ્યા કદાચ શૅરમાં નહીં, તમારા રોકાણના વ્યવહારમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 05:42 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK