મારી ઉંમર ૩૯ વર્ષ છે. મને ત્રણ મહિના પહેલાં ટીબીનું નિદાન થયું છે. મને વારંવાર તાવ આવતો અને ક્રૉસિનથી ઊતરી જતો. ખાંસી પણ ખૂબ આવતી અને શ્વાસ લેતી વખતે ફેફસાંમાં શૂળ જેવું પેઇન થતું.
પ્રતીકાત્મક તસવીર
પ્રશ્ન : મારી ઉંમર ૩૯ વર્ષ છે. મને ત્રણ મહિના પહેલાં ટીબીનું નિદાન થયું છે. મને વારંવાર તાવ આવતો અને ક્રૉસિનથી ઊતરી જતો. ખાંસી પણ ખૂબ આવતી અને શ્વાસ લેતી વખતે ફેફસાંમાં શૂળ જેવું પેઇન થતું. ખૂબ નબળાઈ લાગવા લાગી છે અને વજન પણ ખૂબ ઘટી ગયું છે. દવાઓ ચાલુ કરી દીધી છે, પણ એ દવાઓની આડઅસરને કારણે ઍસિડિટી, ખાવાનું ન ભાવવું અને કબજિયાત રહે છે. આયુર્વેદમાં આનો કોઈ વિકલ્પ ખરો? ટીબીની દવાઓ અને ઇન્જેક્શનની સાથે બીજું પૂરક એવું કંઈક કરી શકાય કે જેથી પાચન સુધરે, નબળાઈ ઘટે, ઇન્ફેક્શનમાં ફરક પડે એ માટે શું કરવું?
જવાબ : હવે તો ટીબી માટે ઇન્જેક્શન્સ અપાવાનું બંધ થઈ ગયું છે. એને બદલે કૉમ્બિનેશન ડ્રગ્સ આવી ગઈ છે. તમે ટીબીના નિષ્ણાત પાસેથી જ દવા લો છોને એટલું એન્શ્યૉર કરશો.
એ વાત સાચી છે કે ટીબીની જે દવાઓ છે એ હેપેટોટૉક્સિક એટલે કે લિવરને ડૅમેજ કરનારી હોય છે. એને કારણે ભૂખ ન લાગવી, પાચન બરાબર ન થવું જેવી સાઇડ-ઇફેક્ટ્સ બહુ કૉમન છે. આયુર્વેદમાં આ દવાઓની આડઅસર ઘટે અને લિવરને બળ મળે એવાં ઔષધો છે એટલે તમે એનો ઉપયોગ તમારી ટીબીની રૂટિન દવાઓની સાથે કરી શકો છો. એ માટે રોજ સવારે ખાલી પેટે તમારે સિતોપલાદિ ચૂર્ણ એક ચમચી લેવું. એને એક ચમચી સફેદ માખણ સાથે મેળવીને ચાટી જવું. સફેદ માખણ ન હોય તો ગાયનું ઘી પણ ચાલે. એ ઉપરાંત લીંડીપીપર એક એવું ઔષધ છે જે લિવરને પ્રોટેક્ટ કરે છે. એક ગ્લાસ દૂધમાં એક ગ્લાસ પાણી નાખીને એમાં લીંડીપીપર નાખવી અને ધીમે આંચે ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય અને એક ગ્લાસ દૂધ બચે એટલે એ પી જવું.
ADVERTISEMENT
સવારે અને સાંજે એક-એક કપ આ દૂધ પીવું. ટીબીને કારણે લિવર પર આવતા લોડની સાઇડ ઇફેક્ટથી પ્રોટેક્ટ કરવા માટે આ બહુ જ અક્સીર નુસખો છે. એ ઉપરાંત સવાર-સાંજ બે-બે ગોળી લઘુમાલિની વસંતની દૂધ અને ઘી સાથે લેવી.
પાચનમાં સુધારો થાય એ માટે દ્રાક્ષાસવ જમતાં પહેલાં બે-બે ચમચી થોડુંક પાણી મેળવીને પી જવી. એનાથી ભૂખ ઊઘડશે અને પાચન સારું થશે.
ઉપરોક્ત દવાઓ તમારી દવાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સાથે ચાલુ રાખવી. દવાઓ પૂરી થાય એ પછી એક-દોઢ મહિનો આયુર્વેદિક ઔષધો લેવાં. એલોપથીની મેડિસિન અધવચ્ચેથી બંધ કરવાની ભૂલ કદી ન કરતા.

