Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > Teachers Day : શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થી

Teachers Day : શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થી

Published : 17 September, 2022 02:11 PM | Modified : 04 September, 2023 05:44 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

Teachers Day : એક શિક્ષક તેના કાર્યકાળમાં ૧૦૦ ડૉક્ટરો કે ૧૦૦ ઇજનેરો બનાવી શકે છે. યાદ રાખવાનું કે ૧૦૦ ડૉક્ટરો અથવા ૧૦૦ ઇજનેરો સાથે મળીને એક શિક્ષકનું નિર્માણ કરી શકતા નથી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


Teachers Day : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તાજેતરમાં નિવૃત્ત થયા હતા. તેમની નિવૃત્તિનો વિદાય સમારંભ યોજાયો ત્યારે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે આપણી ન્યાયપ્રણાલી ભારે શિથિલ છે. દેશની અદાલતોમાં આજે પાંચ કરોડ જેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં સેંકડો જજોની સંખ્યા ખાલી પડી છે. તેમની જગ્યાએ નવી નિમણૂકો થઈ નથી. 
તેમની વાત એક દિશાએથી સાચી છે. ખાલી જજોની સંખ્યા ખાલી છે એટલે કામગીરી થતી નથી, પણ બીજી દિશાએથી જુઓ તો અદાલતમાં શાળાઓની જેમ લાંબા ગાળાનું જે વેકેશન આપવામાં આવે છે એ પણ શું આ પડતર કેસની સંખ્યા માટે જવાબદાર નથી? અદાલતોમાં ઉનાળુ વેકેશનની શી જરૂર છે, ભાઈ? 


સમાજ-રચનાની સ્થિરતા


સમાજ-રચનાની સ્થિરતા માટે અદાલતોના જજિઝની જેમ જ અન્ય વ્યાવસાયિકો પણ પૂરતી સંખ્યામાં હોય અને કાર્યક્ષમ પણ હોય એ જરૂરી છે. સમાજમાં જજિઝની જેમ જ ડૉક્ટરો, ઇજનેરો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા વૈજ્ઞાનિકો આ બધાની પૂરતી સંખ્યામાં જરૂર છે જ. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ બધી ખાલી પડતી જગાઓ માટે નવાં પ્રતિષ્ઠાપન કોણ અને ક્યાંથી કરશે? આ બધા જ વ્યાવસાયિકોનું નિર્માણ કરવાનું કામ જે કરે છે એની સંખ્યાની ગણતરી કરવાનું કામ આપણે ભૂલી જઈએ છીએ. આ કામ શિક્ષક કરે છે. એક શિક્ષક તેના કાર્યકાળમાં ૧૦૦ ડૉક્ટરો કે ૧૦૦ ઇજનેરો બનાવી શકે છે. યાદ રાખવાનું છે કે ૧૦૦ ડૉક્ટરો અથવા ૧૦૦ ઇજનેરો સાથે મળીને એક શિક્ષકનું નિર્માણ કરી શકતા નથી. જો સાચા શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં આપણી પાસે નહીં હોય તો જજિઝ, ડૉક્ટરો, ઇજનેરો વગેરેની સંખ્યા અપૂરતી જ રહેશે. 

શિક્ષકોની સંખ્યા 


૨૦૨૦માં ભારત સરકારે આપણી નવી શિક્ષણનીતિ પ્રગટ કરી છે. આ નીતિ અનુસાર ૬થી ૧૪ વર્ષની વયના દરેક બાળકે શાળાએ જવું ફરજિયાત છે. વસ્તીની દૃષ્ટિએ શાળાએ જતાં આવાં બાળકોની સંખ્યા ગણતરીમાં લઈ લેવી જોઈએ. આ ગણતરીને ધ્યાનમાં લીધા પછી નવી શિક્ષણનીતિ એવું કહે છે કે શાળા-કૉલેજના પ્રત્યેક વર્ગમાં દર ૩૦ વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ. આજે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ૧૦૦થી ૧૫૦ જેટલા ખીચોખીચ ભરાયેલા વર્ગખંડમાં એક શિક્ષક ૪૦ મિનિટ પૂરતું પ્રવચન આપીને ચાલતો થઈ જાય છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કોઈ વ્યક્તિગત સંપર્ક રહેતો જ નથી. શિક્ષકને પોતાના ટ્યુટોરિયલ ક્લાસિસમાં સમયસર પહોંચવામાં રસ હોય છે અને વિદ્યાર્થીને પ્રવચન પૂરું થાય એમાં રસ હોય છે.
દર ૩૦ વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ એ આદર્શ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવે તો કેટલા શિક્ષકો જોઈએ? આ પ્રશ્ન સુપ્રીમ કોર્ટના પેલા ચીફ જસ્ટિસના વિધાન કરતાં વધારે મૂંઝવણમાં મૂકી દે તેવો છે. આ સંખ્યાએ ક્યારેય પહોંચી શકાશે ખરું?

શિક્ષક શું શીખવે છે?

એવું કહેવાય છે કે શાળાના વર્ગખંડમાં શિક્ષક ૩૦ કે ૪૦ મિનિટના નિયત થયેલા પિરિયડમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન કે ગણિત જેવા વિષયો વિશે કશુંક બોલી દે છે. આ કશુંક એટલે બહારથી લાવેલું જ્ઞાન અહીં વિદ્યાર્થીના મસ્તક ઉપર ઠાલવી દેવામાં આવે છે. ઠાલવવાની આ પ્રક્રિયાને આપણે શિક્ષણ કહીએ છીએ. અંગ્રજીમાં આને education કહેવામાં આવે છે. આ education શબ્દ મૂળ લેટિન ભાષાનો છે. એનો અર્થ ‘ખેંચી કાઢવું’ અથવા ‘બહાર લઈ આવવું’ એવો થાય છે. આનું તાત્પર્ય એવું થાય છે કે વિદ્યાર્થિની અંદર જેકંઈ જાણકારી જ્ઞાન કે વિજ્ઞાનના રૂપે સંગ્રહાયેલી પડી હોય છે એને શિક્ષકે બહાર ખેંચી કાઢવાની હોય છે. આજે આપણી શિક્ષણપદ્ધતિમાં એવું થયું છે કે વિદ્યાર્થીમાં જે જાણકારી મુદ્દલ હોય નહીં એના વિશે શિક્ષક ૩૦ કે ૪૦ મિનિટના પિરિયડમાં પરાણે ઠોકી દેવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીને ગણિતમાં મુદ્દલ રસ ન હોય અને સંગીતમાં ભરપૂર રસ હોય ત્યારે એક સંગીતકાર આપણને મળતો નથી, પણ સરવાળા-બાદબાકી કરતો એક વહીવટી કારકુન પેદા થાય છે.
 
શિક્ષક વિદ્યાર્થીને કંઈ નવું શીખવતા નથી. દુનિયામાં કોઈ જ્ઞાન નવું હોતું જ નથી. શિક્ષકે અથવા તો મુઠ્ઠીઊંચેરા માણસે સ્થળકાળના ભેદ વિના જ્ઞાનપ્રસારને આ રીતે ઓળખાવ્યો છે...
 
 - ‘હું જેકંઈ કહું છું એમાં કંઈ નવું નથી. જેકંઈ સનાતન છે એ વાતને જ હું આગળ ચલાવી રહ્યો છું. કોઈ નવી વાત બતાવી શકતો નથી.’
 
યહૂદીઓના ધર્મગ્રંથમાં મોઝેસ પણ એવું કહે છે કે ‘શું કોઈ એવી વાત છે જેને નવી કહેવાય? આ બધું પહેલાંના સમયથી ચાલતું આવ્યું છે. દુનિયામાં કોઈ ચીજ નવી નથી.’ 
હવે મને યાદ આવ્યું

ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જેકંઈ શીખવ્યું એ સાંભળીને અર્જુને જે શબ્દ કહ્યો છે એ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધમાં સમજવા જેવો છે. અર્જુને કહ્યું, ‘સ્મૃતિલબ્ધા.’ આનો અર્થ એ થયો કે હું જે ભૂલી ગયો હતો એ તમારા કહેવાથી મને યાદ આવ્યું. હકીકતમાં શિક્ષણમાં આ ‘સ્મૃતિલબ્ધા’ શબ્દ સાચો હોવો જોઈએ.

 કોઈ વિદ્યાર્થીને ગણિતમાં મુદ્દલ રસ ન હોય અને સંગીતમાં ભરપૂર રસ હોય ત્યારે એક સંગીતકાર આપણને મળતો નથી, પણ સરવાળા-બાદબાકી કરતો એક વહીવટી કારકુન પેદા થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2023 05:44 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK