Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘરબાર વિનાના સરદાર

ઘરબાર વિનાના સરદાર

29 October, 2022 05:22 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

કેન્દ્રીય ગૃહપ્રધાન બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે દિલ્હીમાં પોતાનું કોઈ ઘર નહોતું

ફાઇલ તસવીર

ઉઘાડી બારી

ફાઇલ તસવીર


૧૯૪૬ના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સરકારે પોતાનું શાસન સંકેલી લેવા દિલ્હીમાંથી ગાંસડાં-પોટલાં બાંધી દીધાં હતાં. જે નવી સરકાર શાસન સંભાળવાની હતી એના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ નિયુક્ત થઈ ચૂક્યા હતા. સરદાર આ નવી સરકારના વડા પ્રધાન બને એવો દેશના મોટા ભાગના કૉન્ગ્રેસી નેતાઓનો આગ્રહ હતો અને છતાં એવું ન બન્યું. સરદાર પટેલ વડા પ્રધાન નહીં, પણ નાયબ વડા પ્રધાન બન્યા અને સરદારે ગૃહખાતાનો અખત્યાર સંભાળ્યો. 
સંસદસભ્યો અને મંત્રીઓને રહેઠાણના નામે પાટનગરના સૌથી મૂલ્યવાન વિસ્તારમાં બંગલાઓ ફાળવી દઈને લૂંટ આચરવાની પ્રથા હજી ચાલુ નહોતી થઈ. સ્મારક નિધિના નામે પાટનગરની સૌથી અધિક મૂલ્યવાન જમીન પારિવારિક ટ્રસ્ટની માલિકોની બનાવી દેવાની લુચ્ચાઈઓ હજી શરૂ થઈ નહોતી. 
ઘરબાર વિનાના સરદાર
કેન્દ્રીય ગૃહપ્રધાન બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે દિલ્હીમાં પોતાનું કોઈ ઘર નહોતું. ખરું કહીએ તો માત્ર દિલ્હીમાં જ નહીં; ગુજરાતમાં અમદાવાદ, બારડોલી કે કરમસદમાં પણ પોતાનું કહી શકાય એવું અંગત માલિકીનું કોઈ ઘર તેમની પાસે નહોતું (તેમના મરણ પછી તેમના બૅન્કના બચત ખાતામાં માત્ર ૨૩૭ રૂપિયા હતા. તેમનાં વસ્ત્રોમાં બે જોડી ધોતિયાં અને બે જોડી ઝબ્બા રહેતા. આ વસ્ત્રો સુધ્ધાં ખાદીનાં અને હાથેથી કાંતેલા સૂતરમાંથી જ બનાવેલાં રહેતાં. જરૂર પૂરતું સૂતર કાંતવાની જવાબદારી મણિબહેન પટેલની રહેતી). સરદાર જ્યારે દિલ્હીમાં રહેતા ત્યારે ઘનશ્યામદાસ બિરલાના અતિથિ તરીકે બિરલા હાઉસમાં જ રહેતા અને અમદાવાદમાં તેઓ હંમેશાં તેમના મિત્ર ડૉ. કાનુગાના બંગલે અથવા દાદાસાહેબ માવળંકરના ઘરે ઊતરતા. તેમના સામાનમાં પતરાની એક પેટી અને રેંટિયો રહેતાં. ક્યારેક સાબરમતી આશ્રમ તો ક્યારેક ગુજરાત વિદ્યાપીઠમાં પણ તેમનો ઉતારો રહેતો. 
હવે દિલ્હીમાં ગૃહપ‍ધાન તરીકે બિરલાજીના ઘરે રહીને સરકારનો કાર્યભાર સંભાળવો એમાં ઔચિત્ય નહોતું. ગૃહપ્રધાન તો બન્યા પણ સરકારી રાહે તેમને કોઈ રહેઠાણ ફાળવવામાં આવ્યું નહોતું. આવા કટોકટીના સમયે ઘરબાર વિનાના ગૃહપ્રધાન માટે એક આશરો અચાનક આવી મળ્યો. સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના મિત્ર દિલ્હીના એક ઉદ્યોગપતિ બનવારીલાલે સરદારને એક ઉકેલ સૂચવ્યો. બનવારીલાલ વિઠ્ઠલભાઈ પટેલના બહુ જ નિકટના મિત્ર હતા એટલે બનવારીલાલનું ઘર વિઠ્ઠલભાઈનો ઉતારો હતો. બનવારીલાલના મનમાં સરદાર માટે માત્ર આદરભાવ નહોતો, પૂજ્યભાવ પણ હતો. તેમણે સરદારને કહ્યું, ‘સરદાર, બિરલા હાઉસમાં રહીને સરકાર સંભાળવી એ બે ઘોડે સવારી જેવું થાય. મારો ઔરંગઝેબ રોડ પરનો બંગલો આપને બધી જ રીતે અનુકૂળ છે. બીજી વધુ સારી વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી આપ એ બંગલામાં રહો.’
સરદારનું નવું રહેઠાણ
બનવારીલાલનું આમંત્રણ સ્વીકારીને સરદાર મણિબહેન સાથે પતરાની બે પેટી, એક ડબ્બો અને એવો જુનવાણી સામાન લઈને અહીં રહેવા આવ્યા. બંગલાના પાર વિનાના ઓરડાઓ જોઈને તેમણે મણિબહેનને કહ્યું, ‘દીકરી, આટલા બધા ઓરડાની જો રોજ સાફસૂફી કરીશ તો મારી કામગીરી ક્યારે કરીશ?’
ત્યારે મણિબહેને જવાબ આપ્યો, ‘બાપુ, આપણે કામ કરવા માટે ઓરડા જોઈએ છે, આટલા બધા ઓરડા સંભાળવા માટે આપણે અહીં નથી આવ્યાં.’
અને તેમણે કામપૂરતા ત્રણ-ચાર ઓરડા રાખીને બાકીના બધા ઓરડા તેમણે બંધ કરાવી દીધા. 
જેવો બંગલો એવો જ ભવ્ય બગીચો હતો. જાતજાતના રંગબેરંગી પ્રકાશવાળા વીજળીના ગોળાઓથી આખી રાત બંગલો ઝળહળતો હતો. મણિબહેને બીજા જ દિવસે ચોકીદારોને કહ્યું, ‘બગીચાના આ બધા દીવા આખી રાત રાખવાની શી જરૂર? આ તો બહુ મોટો ખર્ચ કહેવાય. એક-બે દીવા ચાલુ રાખીને બાકીના બધા બંધ કરો.’
પાંચ વરસને અંતે
પૂરાં પાંચ વરસ સરદાર ગૃહપ્રધાન તરીકે આ બંગલોમાં રહ્યા. પાંચ વરસના અંતે સરદારની જીવનયાત્રા સમાપ્ત થઈ. મૃત્યુ પૂર્વેની આખરી તબીબી સારવાર કરાવવા માટે તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા. સ્વાસ્થ્યની હાલત એવી હતી કે સહુ કોઈ જાણતા હતા કે સરદાર હવે પહેલાંની જેમ સાજા થઈને અહીં રહેવા આવી શકશે નહીં. સરદારે જતાં પહેલાં મણિબહેનના હાથમાં એક નાની પેટી આપીને કહ્યું, ‘મણિબહેન, આમાં કૉન્ગ્રેસ પક્ષના પૈસા છે. હું પાછો ન આવું તો આ પેટી જવાહરને આપી દેજો.’
કહે છે કે મણિબહેને સરદારની વિદાય પછી ચાર-પાંચ દિવસે જ આ પેટી જવાહરને ઘરે જઈને તેમને હાથોહાથ આપી હતી. જવાહરલાલ એ પેટી લઈને ઘરમાં ચાલ્યા ગયા હતા અને મણિબહેન જવાહરલાલ બહાર આવીને આ પેટી વિશે કંઈક કહે એની રાહ જોઈને બેસી રહ્યાં હતાં. 
સરદાર સ્મારક અને ઔરંગઝેબ રોડ પરનો બંગલો
દિલ્હીમાં મહાત્મા ગાંધીથી માંડીને જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ચરણ સિંહ, જગજીવનરામ આ બધાનાં સ્મારક બન્યાં છે. આમાં ક્યાંય સરદારનું સ્મારક નથી. સરદારના મૃત્યુ પછી તરત જ ઔરંગઝેબ રોડ પરનો આ બંગલો કેન્દ્ર સરકારે કબજે કર્યો હતો. કબજે કરવાનું કારણ એ હતું કે આ બંગલામાં સરદાર રહેતા હતા અને સરદાર નાયબ વડા પ્રધાન હતા એટલે આ બંગલો પણ સરકારી કહેવાય. બનવારીલાલના પરિવારે એનો વિરોધ કર્યો અને અદાલતમાં કાર્યવાહી શરૂ થઈ. પૂરાં દસ વરસ આ કેસ ચાલ્યો અને પછી અદાલતે આ બંગલાનો કબજો બનવારીલાલના પરિવારને સોંપ્યો. આજે આ બંગલો કોઈ પણ જાતના વપરાશ વિના બનવારીલાલનો પરિવાર સંભાળે છે. આ બંગલો સરકાર ખરીદી લે અને ત્યાં સરદાર સ્મારક બનાવે એવા ઉદ્દેશથી અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે એક સમિતિની નિમણૂક થઈ હતી. આ સમિતિના પ્રમુખપદે શ્રી ત્રિલોકીનાથ ચતુર્વેદી હતા. ત્રિલોકીનાથ રાજ્યસભાના સભ્ય હતા. વિદેશોમાં આપણા એલચી તરીકે પણ રહ્યા હતા. આ સમિતિનું પછી શું થયું એ કોઈ જાણતું નથી. શ્રી ત્રિલોકીનાથ સાથે મારે ૯૨ કે ૯૩ વર્ષની ઉંમરે આ સમિતિના અહેવાલ વિશે વાત થઈ હતી, પણ જૈફ વયને લીધે તેઓ કંઈ સંભારી શક્યા નહોતા. 
આજે સરદારને સંભારવા માટે ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી છે. દિલ્હીમાં આવું સ્મારક ક્યારે બનશે એની રાહ જોઈએ.        


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2022 05:22 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK