Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમય બગાડવો એટલે શું?

સમય બગાડવો એટલે શું?

14 September, 2023 02:45 PM IST | Mumbai
JD Majethia

તમે જુઓ, જેકોઈ ઇન્વેન્શન થાય છે એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એક હેતુ સ્પષ્ટ છે કે માનવકલાકોનો, માણસના સમયનો બચાવ કરવો. આ જે હેતુ છે એનું જ વિજ્ઞાન છે, જે વિશેષ જ્ઞાનની મદદથી માણસના જીવનનો સમય બચાવે અને તેને વધુ ને વધુ મલ્ટિટાસ્કર બનાવે

ફાઇલ તસવીર

જેડી કૉલિંગ

ફાઇલ તસવીર


હમણાં તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર મારા બે આર્ટિકલ વાંચ્યા. એ આર્ટિકલ દરમ્યાન જ વચ્ચે-વચ્ચે ઘણી વાર મલ્ટિટાસ્કિંગની વાતો થઈ, પણ આ બધું શું કામ કરીએ?

એનો જવાબ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવે અને એ બરાબર ફાવી ગયું હોય તો એકાદ કામ તમે કરતા હો અને એકાદ કામ તમારી આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી કરતી હોય તો વચ્ચે-વચ્ચે તમે મોબાઇલ પર આવતા કૉલના જવાબ પણ આપતા જતા હો. આ બધું થવા પાછળનું કારણ શું છે ખબર છે, ખેવના. માણસના મનમાં સતત એક ખેવના હોય છે કે હું આગળ કેવી રીતે વધું, હું વિકાસ કેવી રીતે કરું?G20 સમિટમાં તમે જોયું તો આપણા દેશે આપણને કેટલી ખુશી થાય એવા વિકાસની વાતો કરી. કેવી-કેવી અનાઉન્સમેન્ટ એ સમિટ દરમ્યાન થઈ. અરે, તમે જુઓ તો ખરા કે આપણે રેલવેનો તો કોઈ દિવસ આટલો વિચાર પણ નહોતો કર્યો કે આપણે ત્યાંથી સ્ટીમરમાં બેસીને જવાનું અને થોડે આગળ જઈને આપણે ટ્રેન પકડીને મિડલ ઈસ્ટ થતાં છેક યુરોપ અને અમેરિકા સુધી જવાનું પણ વિચારી શકીશું. આ બધું ન્યુઝમાં જોઈને ખરેખર આપણને દેશ પર ગર્વ થાય, માન થાય કે આપણે ખરેખર કેવા આગળ વધી રહ્યા છીએ. કેટકેટલા મોટા-મોટા લોકો ભારત આવીને ભારતની કેટલી સરસ વાતો કરી ગયા. આ બધું હું જોતો હતો એ દરમ્યાન મને વિચાર આવ્યો કે આ સમયે પાકિસ્તાનમાં રહેતા નાગરિકો શું વિચારતા હશે, તેઓ શું બોલતા હશે?


કાશ, અમે પણ ભારતમાં રહેતા હોત તો અમે પણ અત્યારે ડેવલપમેન્ટની આ નવી દુનિયામાં જોડાઈ શક્યા હોત.

હા, આવું સોશ્યલ મીડિયા પર લખાવાનું શરૂ થયું અને એની બરાબર વચ્ચે જ ટેરરિઝમનો અટૅક થયો. જરા વિચારો કે એ લોકોને કેટલો અફસોસ થતો હશે, કેવો વસવસો થતો હશે કે અત્યારે અમારી સાથે જે થાય છે એના કરતાં પણ જો અત્યારે અમારી સાથે એવું જ થતું હોત જેવું હિન્દુસ્તાનમાં જોવા મળે છે, માણવા મળે છે. જો એવું હોત તો અમારી પણ પ્રગતિ થતી હોત, અમારી પણ દુનિયાભરમાં વાહવાહી થતી હોત. આ જ વાત ચંદ્રયાન-3 સમયે પણ બની હતી.


આપણે ચંદ્રયાન-3ની સફળતા પ્રાપ્ત કરી એ પછી કેટલાંક સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ પર પાકિસ્તાનના લોકોના ઓપિનિયન લેવામાં આવ્યા હતા. એ લોકો એટલા ભાવુક થઈને કમેન્ટ કરતા હતા કે આપણને જોઈને એમ થાય કે ખરેખર આ દિશામાં કામ થવું જોઈએ, પાકિસ્તાને જાગવું જોઈએ અને નાગરિકોની ઇચ્છા મુજબ દેશને વિકાસના રસ્તે વાળવા માટે પગલાં લેવાં જોઈએ.

હશે, આપણા ધારવા કે માનવાથી કશું થવાનું નથી એટલે આપણે આ ટૉપિકને સાઇડ પર મૂકીને આપણા મૂળ વિષય પર આવી જઈએ.

આ બધી વાતને ભેગી કરતાં, કરતાં, કરતાં, કરતાં આપણે વિચારીએ તો આ જ દિશામાં હજી બીજું ઘણું આવી શકે, પણ આ બધાનો સરવાળો કરતાં આપણે જો મનોમંથન કરીએ તો એક જ વાત લાગે કે આપણે બધા પ્રગતિ કરવા ઇચ્છીએ છીએ, આપણે બધા આપણી લાઇફના, જીવનના સમયનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવા માગીએ છીએ અને આ વાત પણ આજકાલની નથી, એ સદીઓથી ચાલી આવે છે.

પહેલાં વિકાસ માટે લોકો સમય બચાવે એ પ્રકારનાં સંશોધન પર પુષ્કળ કામ કરતા તો એ પછી કમ્યુનિકેશન જેવા વિષયો પર પણ ખૂબ કામ થયું. આજે પણ એ કામ ચાલુ જ છે અને આગળ પણ કરતા રહેશે.

મને એક વાતની હંમેશાં નવાઈ લાગે છે કે જ્યાં જુઓ ત્યાં, જેને જુઓ તેને અને જે સંશોધન થાય એમાં બધા હરીફરીને એક જ વાત પર આવે છે કે સમય કેવી રીતે બચાવવો,  ટાઇમ કેવી રીતે સેવ કરવો? એનો સીધો અર્થ એ છે કે ટાઇમથી મોટી કોઈ કરન્સી છે જ નહીં. હા, આ સાવ સાચું છે, સમયથી મોંઘું કશું હોતું જ નથી.

તમે લાખો કમાતા હો અને કરોડપતિ બની જાઓ તો તમે ક્યારેય એવું નથી કહેતા કે બસ, હવે બહુ થઈ ગયું. હવે તો હું બધું છોડી દઈ આ ધન, સંપત્તિ વાપરવાનો સમય કાઢીશ. ના, ત્યારે તમને એમ સમજાઈ જાય છે કે હવે મારો જે સમય છે, મારી જે એકેએક મિનિટ છે એ ૧૦ લાખની કે પછી એક કરોડની થઈ ગઈ. હવે તો હું અબજોપતિ બની શકું છું અને જો અબજોપતિ બની શકું તો એનો અર્થ એવો થયો કે મારી પ્રત્યેક મિનિટની કિંમત કરોડોની થઈ જશે. હા, તરત જ આ દિશામાં વિચારો શરૂ થઈ જાય છે અને સમયનું મૂલ્યાંકન લાગવા માંડે છે. નહીં રે, આટલો સમય કેવી રીતે બગાડવો?! આટલા સમયમાં તો આટઆટલું કરી શકાય એટલે મારે સમય નથી બગાડવો.

મારાથી સમય ન બગડવો જોઈએ.

સમયનો બગાડ.

સમય બગાડવો એટલે શું?

ક્યારેય જાતને આ સવાલ પૂછ્યો છે? ક્યારેય જાત પાસેથી આ સવાલનો જવાબ માગ્યો છે ખરો?

ન માગ્યો હોય તો પણ ચાલો, હું તમને એના જવાબ આપું.

ઘણી વાર આપણને એમ લાગે કે કંઈ ન કરવું એટલે સમયનો બગાડ કરવો અને ઘણી વાર આપણને એમ લાગે કે અર્થહીન રીતે સમય પસાર કરવાનો અર્થ સમયનો બગાડ કરવો. કોઈ વાર એવું લાગે કે આપણે મહેનત કરીએ અને રિઝલ્ટ ન મળે અને આપણને એમ થાય કે ખોટો સમય બગાડ્યો તો કોઈ વાર, કોઈને બહુ સમજાવવામાં આપણે સમય ખર્ચીએ અને એ પછી પણ સામેની વ્યક્તિ પોતાની ખોટી જીદ પર અડી રહે તો આપણને એમ થાય કે આપણે સમય બગાડ્યો.

દરેકની જુદી-જુદી માન્યતા હોય અને દરેકના વિચારો જુદા-જુદા હોય, પણ એક હકીકત છે કે આપણો સમય ન બગડે એને માટેના પ્રયત્ન સતત થઈ રહ્યા છે.

જુઓ તમે. પહેલાં ટ્રાન્સપોર્ટેશન હતું નહીં એટલે આપણે પગે ચાલતા, એ પછી ગાડાં આવ્યાં. પછી બસ, પછી રેલગાડી આવી અને એ પછી વિમાન અને હેલિકૉપ્ટર આવ્યાં. વાત આગળ વધી કે પ્લેનમાં જઈને ત્યાં લાઇનમાં ઊભા રહેવું એના કરતાં આપણે પોતાનું જ પ્લેન લઈ લઈએ એટલે પ્રાઇવેટ જેટ આવી ગયાં અને કહેવાય નહીં, ચંદ્ર પર આપણે પહોંચી તો ગયા જ છીએ, થોડાં વર્ષોમાં આપણામાંના ઘણા ચંદ્ર પર પણ આંટા મારવા જઈ આવતા હશે. હવે તમે વિચારો કે એ રૉકેટ કઈ સ્પીડે જતાં હશે.

આ બધામાં તમે જુઓ, જે મૉડિફિકેશન થતાં ગયાં એ બધાંનો એક જ ટાર્ગેટ હતો સમય બચાવવાનો. પહેલાં કાગળ લખાતાં, પછી ફૅક્સ આવ્યા. પાંચમી મિનિટે પેપર સામેવાળાના હાથમાં અને એ પછી ઈ-મેઇલ આવી. લાઇટનિંગ સ્પીડ સાથે મૅટર સામેના કમ્પ્યુટરમાં.

અત્યારે મારો આ આર્ટિકલ બુધવારની સાંજે પાંચ વાગીને ૪૦ મિનિટે એ જ લાઇટનિંગ સ્પીડ સાથે ‘મિડ-ડે’ની ઑફિસમાં પહોંચ્યો છે.

થૅન્ક ગૉડ, સમય બચાવવાનું આ ઇન્વેન્શન અત્યારે કામ લાગી રહ્યું છે.

સમય બચાવવાની બાબતની ચર્ચાને આપણે આગળ વધારીશું આવતા ગુરુવારે, આજે રજા લઈએ, કારણ કે હું નથી ઇચ્છતો કે કોઈ એવું કહે કે સમગ બગડ્યો...

હાહાહા...

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2023 02:45 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK