Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે બદલો લેવાની શ્રેષ્ઠ રીત જાણો છો?

શું તમે બદલો લેવાની શ્રેષ્ઠ રીત જાણો છો?

05 February, 2023 02:03 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

વાત અહીં જૂના જમાનામાં લેવામાં આવતા બદલાની નહીં, પણ આજના સમયના રિવેન્જની છે અને એની બેસ્ટ રીત જો કોઈ હોય તો એ છે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં સાવ અનાયાસે જ એક અદ્ભુત સુવિચાર ‘ધડામ’ દઈને મારી સાથે અથડાયો. એ ગૂઢ વિધાન સાથે થયેલી આકસ્મિક અથડામણની મારા પર એવી ગંભીર અસર થઈ કે હું હજીયે એ વાક્યના ઊંડાણમાં દટાયેલો છું. ક્યારેક ફક્ત એક જ વિધાન આપણી આંખો ખોલવા માટે પર્યાપ્ત હોય છે. એને પ્રતીતિ કહો કે પ્રજ્ઞા, રિયલાઇઝેશન કહો કે એપિફેની, હકીકત એ છે કે જે સમજણ ફક્ત અનુભવો કે આપવીતીથી નથી આવતી એ ક્યારેક પુસ્તક, કવિતા કે સાહિત્યનો એક નાનકડો અંશ વાચીને આવી જતી હોય છે. જે કામ સામાન્ય સમજ અને સમાજ નથી કરી શકતાં એ કામ સાહિત્ય કરે છે, આપણને પ્રજ્ઞાવાન કરવાનું અને એવા જ પ્રકારનું એક અફલાતૂન વિધાન તમારી સાથે શૅર કરું છું.

બદલો લેવાની ભાવના કે કોઈને બતાવી દેવાના સંદર્ભમાં લખાયેલું આ વિધાન આપણને દરેકને ઉપયોગી થાય એવું છે. કોઈએ દિલ દુભાવ્યું હોય કે આપણી સાથે ગેરવર્તણૂક કરી હોય, દગો આપ્યો હોય કે વિશ્વાસઘાત કર્યો હોય, છેતરપિંડી કરી હોય કે જૂઠાણું ચલાવ્યું હોય, અચાનક બોલવાનું બંધ કરી દીધું હોય કે સાવ નજીવા કારણસર સંબંધ તોડી નાખ્યો હોય, આ ‘ગોલ્ડન સેન્ટેન્સ’ દરેક વખતે કામ લાગે એવું છે. હકીકતમાં આ વિધાન સોળમી સદીના કવિ જ્યૉર્જ હર્બર્ટ દ્વારા લખાયેલું છે, પણ આજની તારીખેય એ એટલું જ સુસંગત અને પ્રાસંગિક છે. ગોખવું હોય તો ગોખી નાખો, લખવું હોય તો લખી નાખો, તમારા રૂમમાં ક્યાંક ચિપકાવી દેવું હોય તો એમ અને સ્ક્રીનશૉટ પાડીને ગૅલેરીમાં સેવ કરી લેવું હોય તો એમ પણ આ વાક્ય હંમેશાં યાદ રાખજો, Living well is the best revenge. 



સારી રીતે જીવન જીવવું એ શ્રેષ્ઠ બદલો છે. ફરી એક વાર વાંચી લો, ત્યાં સુધી હું તમારી રાહ જોઉં છું.
આ નાનકડા એવા વિધાનના અનેક અર્થ થાય અને નો સરપ્રાઇઝ, બધા જ અર્થ જોરદાર થાય. સારી રીતે જીવવું એટલે કોઈ પણ જાતની કડવાશ, જાત પર અત્યાચાર, ઉદાસી, અફસોસ, ગુસ્સો કે ફરિયાદ વગર પ્રસન્નતાથી જીવન જીવવું. મોજ કરવી, ખુશ રહેવું; કારણ કે જો તમે સારી રીતે જીવો છો તો એનો અર્થ એમ કે તમે વર્તમાન ક્ષણમાં જીવો છો. કોણે શું કહ્યું કે શું કર્યું એની ખરાબ યાદોને ભૂંસીને તમે ફક્ત વર્તમાન ક્ષણની મોજ લઈ રહ્યા હો તો જ તમે સારી રીતે જીવી શકો. બીજી વાત, સારી રીતે જીવવું એટલે પોતાના માટે જીવવું. કોઈને પાઠ ભણાવવા, દેખાડી દેવા, બદલો લેવા કે જાતને સુપિરિયર સાબિત કરવા માટે નહીં; ફક્ત જાતને ખુશ રાખવા માટે જીવવું એટલે સારી રીતે જીવવું. જ્યારે તમે એ રીતે જીવો છો ત્યારે આપોઆપ તમારા જીવનમાંથી અન્ય લોકોનું મહત્ત્વ ઘટવા લાગે છે. તેઓ ગૌણ, સૂક્ષ્મ અને Insignificant બનતા જાય છે. અને એવા લોકો માટે શું કડવાશ રાખવાની જેઓ આપણા માટે ગૌણ છે? સારી રીતે જીવવું એટલે અન્ય દ્વારા સ્વીકારની દરકાર વગર જીવવું. જેમની પાસે ખુશ રહેવાનાં કારણો હોય છે તેમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. તેઓ અન્યને એટલા માટે માફ કરી દે છે, કારણ કે તેઓ પોતે શાંતિ અને પ્રગતિ ઇચ્છે છે. જ્યારે અન્ય લોકો પાસેથી રાખેલી અપેક્ષાનો ભાર ખંખેરી નાખીએ છીએ ત્યારે આપણે ખરા અર્થમાં હળવાશ અનુભવીએ છીએ.
આપણી સાથે પ્રામાણિકતા, પારદર્શકતા અને વફાદારી આપણી પોતાની જાત સિવાય બીજું કોઈ સારી રીતે નિભાવી નહીં શકે એ સમજણ કેળવવી એટલે સારી રીતે જીવવું. અન્યના વ્યવહારથી દુખી થયા વગર આપણી બેસ્ટ પૉસિબલ લાઇફ જીવવી એ શ્રેષ્ઠ બદલો છે. બિલીવ મી, અડધા લોકો તો આપણને ખુશ જોઈને જ બળી જતા હોય છે.
જેઓ આપણી પ્રગતિ અને પ્રસન્નતાથી જ રાખ થઈ જતા હોય, તેમની સાથે બીજો શું બદલો લેવાનો બાકી રહે? તેમના વિશ્વાસઘાત, ગેરવર્તણૂક, છેતરપિંડી કે અન્યાય પછી પણ એ ઘટના કે વ્યક્તિની અસરમાં રહ્યા વગર આપણે ખુશ છીએ, મોજમાં જીવીએ છીએ, આનંદ કરીએ છીએ એનાથી વધારે સારો બદલો બીજો કયો હોઈ શકે? આપણા વિરોધીઓ, વિઘ્નસંતોષીઓ અને નફરત કરનારાના ગાલ પર ‘આપણું સદાય ખુશ રહેવું’ એ જ સૌથી મોટો અને અહિંસક તમાચો છે.


બદલાના સંદર્ભમાં અત્યાર સુધી બે સુવિચારો મારા પ્રિય રહ્યા છે. એક તો માર્કસ ઓરેલિયસનું વિધાન, ‘The best revenge is not to be like your enemy.’ અર્થાત્ તમારા દુશ્મન જેવા ન બનવું અથવા તો તેના જેવો વ્યવહાર ન કરવો એ શ્રેષ્ઠ બદલો છે અને બીજું ફ્રૅન્ક સિનાત્રાનું વિધાન, ‘The best revenge is massive success.’ વિરાટ સફળતા મેળવવી એ જ શ્રેષ્ઠ બદલો છે. પણ જ્યૉર્જ હર્બર્ટના આ વિધાને મારું દિલ જીતી લીધું. શ્રેષ્ઠ અને ખુશખુશાલ જીવન જીવવું એ કોઈ પણ વ્યક્તિ સામેનો શ્રેષ્ઠ બદલો છે. કારણ કે એમાં સ્વના ઉત્થાનની વાત છે. અન્યનું અહિત ઇચ્છવા કે કરવા કરતાં ‘સ્વ’ને વધુ ઉન્નત બનાવવી એ શ્રેષ્ઠ બદલો છે. નવી તક, નવા લોકો અને નવી જાતની શોધમાં આત્મસુધારની યાત્રા પર નીકળી જવું એ શ્રેષ્ઠ બદલો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 02:03 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK