સદીઓ પહેલાં ભોજપત્રી વૃક્ષની છાલ પર લખવામાં આવતું હતું. હાલમાં આ ઝાડ જોવું હોય તો નડિયાદના બૉટનિકલ ગાર્ડનમાં જવું પડે. ૧૦૦૦ વર્ષનું આયખું ધરાવતું આ વૃક્ષ અહીં અડીખમ ઊભું છે. ચાલો, આ દુર્લભ ભોજપત્રી વૃક્ષની ખાસિયતો જાણીએ
સદીઓ પહેલાં સંદેશવ્યવહાર માટે વપરાતો કાગળ કયા વૃક્ષમાંથી બનતો હતો, ખબર છે?
જો તમે ક્યારેક સાક્ષર નગરી નડિયાદમાં જે ઍન્ડ જે સાયન્સ કૉલેજની મુલાકાતે જાઓ અને કદાચ તમને લખવા માટે વૃક્ષની છાલ આપે તો અચરજ પામીને ડઘાઈ ન જતા, કેમ કે આ છાલ પર તમે પેનની મદદથી લખી શકશો! આશ્ચર્ય સાથે આનંદિત કરી દે એવી આ ઐતિહાસિક વાતમાં આજે પણ એટલી જ સચ્ચાઈ છે અને આ એક હકીકત પણ છે. અરે, અહીં આવતા વિદ્યાર્થીઓ તો નવાઈ પામીને હોંશે-હોંશે તેમના સેલ્ફ-ઑટોગ્રાફ વૃક્ષની છાલ પર લઈને એને સાચવીને રહ્યા છે !
આપણે ઇતિહાસમાં જે વાંચીએ છીએ, જેનો સ્કૂલ–કૉલેજના અભ્યાસમાં ઉલ્લેખ આવે છે એવું અજાયબી સમાન ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં કાગળની શોધ નહોતી થઈ ત્યારે ગ્રંથ લખવા ઉપરાંત રાજા-મહારાજાઓ કે પછી આપણા ઋષિમુનિઓ–તપસ્વીઓ સંદેશાની આપ-લે કરવા માટે કે અન્ય કોઈ લખાણ લખવા માટે જે વૃક્ષની છાલનો ઉપયોગ કરતા હતા એ ભોજપત્રી વૃક્ષ ગુજરાતમાં છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં જતનથી સચવાઈ રહ્યું છે અને આ દુર્લભ વૃક્ષનું રક્ષણ થઈ રહ્યું છે. ધ નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે ઍન્ડ જે કૉલેજ ઑફ સાયન્સના બૉટનિકલ ગાર્ડનમાં વર્ષો પહેલાં ઉગાડવામાં આવેલા ભોજપત્રી વૃક્ષને ભોજપત્ર કે કાયાપુટી અથવા કાજુપુટી નામથી પણ ઓળખવામાં આવે છે અને મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રન જેવું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ ભોજપત્રી વૃક્ષના છોડને બૉટનિકલ વિભાગના એ સમયના અધ્યક્ષ પી. એસ. ટુરે વાવ્યો હતો. કહેવાય છે કે ગુજરાતમાં આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ છે જેનું આયુષ્ય ૧,૦૦૦ વર્ષનું ગણાય છે. એ છેલ્લાં ૭૦ વર્ષથી અહીં ઊછરીને અડીખમ ઊભું છે. દુર્લભ એવા આ ભોજપત્રી વૃક્ષને ખેડા ફૉરેસ્ટ વિભાગ દ્વારા ૨૦૦૪માં આરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારે એને હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
સ્વાભાવિક છે કે આપણને નવાઈ લાગે એવા આ વૃક્ષની વિશેષતા પણ અનેક છે. એની વાત કરતાં જે ઍન્ડ જે સાયન્સ કૉલેજના પ્રિન્સિપાલ અલ્પેશ પટેલ કહે છે, ‘આ ભોજપત્રી વૃક્ષને ૭૦ વર્ષ થયાં. આ વૃક્ષનો છોડ લાવીને ૧૯૫૨માં અહીં વાવવામાં આવ્યો હતો. આ વૃક્ષની વિશેષ વાત એ છે કે એના થડમાંથી છાલ ઊખડતી રહે છે અને લેયરિંગ થાય છે. આ લેયરિંગ જેને આપણે છાલ તરીકે ઓળખીએ છીએ એ કાગળ જેવી એકદમ સૉફ્ટ હોય છે જેના પર તમે લખી શકો છો તેમ જ કાર્વિંગ પણ કરી શકો છો. આજે પણ અમે બૉલપેનથી આ વૃક્ષની છાલ પર લખીએ છીએ. જેના પર લખાય પણ છે તેમ જ લખેલું વાંચી પણ શકીએ છીએ એવું આ અજાયબીભર્યું વૃક્ષ છે. તમે વૃક્ષ પર જોશો તો છાલ ઊખડેલી જોવા મળશે. એની છાલ ઊખડીને આપમેળે નીચે પડે છે અને અમે એને ત્યાં જ નૅચરલ કન્ડિશનમાં રહેવા દઈએ છીએ. ખાસ બાબત એ છે કે આ છાલ પાણીમાં કોહવાતી નથી કે પછી એને ઊધઈ પણ નથી લાગતી.’
આ પ્રિન્સિપાલ ઘણીબધી જગ્યાએ ફર્યા છે, પણ તેમના ધ્યાનમાં આવું વૃક્ષ હજી સુધી આવ્યું નથી એની વાત કરતાં તેઓ કહે છે, ‘મારા ધ્યાનમાં ગુજરાતમાં બીજે ક્યાંય આ વૃક્ષ નથી. ભારતનો તો મને ખ્યાલ નથી; પણ રૅર ઑફ ધ રૅર, આંગળીના વેઢે કદાચ ગણી શકાય એવું એ હોઈ શકે છે. હું બધે ફરતો હોઉં છું, પણ મારા ધ્યાનમાં આવું વૃક્ષ આવ્યું નથી. કદાચ ક્યાંક ખૂણેખાંચરે હોય તો આપણને ખ્યાલ ન હોય, પણ આ રૅર વૃક્ષ છે. આ તો બૉટનિક તરીકે આપણે જાણીએ છીએ એટલે આ વૃક્ષની ખબર પડી. બાકી ક્યાંક કોઈ જગ્યાએ આ પ્રકારનું કે આ વૃક્ષ હોય તો કોઈને એ ઓળખવાનો ખ્યાલ ન હોય એવું પણ બની શકે.’
આ દુર્લભ વૃક્ષને જોવા અને એના વિશે જાણવા માટે સ્ટુડન્ટ્સ ખાસ આવતા હોય છે અને ઉત્કંઠાથી એને જોઈ જ રહે છે એ વિશે વાત કરતાં પ્રિન્સિપાલ કહે છે, ‘અમારા બૉટનિકલ ગાર્ડનમાં આ વૃક્ષ વિશે જાણવા અને એને જોવા માટે ઘણીબધી સ્કૂલ અને કૉલેજના સ્ટુડન્ટ્સ આવે છે. અમે સ્ટુડન્ટ્સને સ્ટડી કરાવતા-કરાવતા આ વૃક્ષ બતાવીએ છીએ અને એના વિશે સમજાવીએ છીએ. સ્ટુડન્ટ્સ અહીંની મુલાકાત લે છે ત્યારે ક્યુરિયોસિટીથી છાલ પર લખવાની ટ્રાય કરતા હોય છે. ખાસ તો તેઓ સેલ્ફ-ઑટોગ્રાફ લે છે અને પછી તેમની પાસે એ છાલ રાખી મૂકતા હોય છે. અમે દરરોજ આ વૃક્ષની મુલાકાત લઈએ છીએ અને એનું સંવર્ધન કરીએ છીએ. જોકે આટલું જૂનું વૃક્ષ થઈ ગયા પછી એની જાળવણી કરવાની હોય નહીં. એની મેળે એ મોટું થતું હોય છે. જોકે કોઈ આ વૃક્ષને નુકસાન ન પહોંચાડે એનું અમે ધ્યાન રાખીએ છીએ.’
તોપગોળો, કપિલો, રગતરોહિડો જેવા ૪૫૦થી વધુ રૅર પ્લાન્ટ્સ છે અહીં
જે ઍન્ડ જે કૉલેજ ઑફ સાયન્સના બૉટનિકલ ગાર્ડનના અવનવા પ્લાન્ટ વિશે વાત કરતાં પ્રિન્સિપાલ અલ્પેશ પટેલ કહે છે, ‘કૉલેજનું બૉટનિકલ ગાર્ડન છ એકરમાં ફેલાયેલુ છે જેમાં ૪૫૦થી વધુ રૅર પ્લાન્ટ સંવર્ધિત કરેલા છે. એમાંનું એક આ ભોજપત્રી વૃક્ષ છે.’
બૉટનિકલ ગાર્ડનમાં અનેક દુર્લભ, લુપ્તપ્રાય અને આયુર્વેદિક મહત્ત્વ ધરાવતાં વૃક્ષો અને વનસ્પતિઓ છે. અહીં તોપગોળો, રૂખડો, કપિલો, રગતરોહિડો, માસ રોહિણી, રોણ, હનુમાનફળ, અશોક, રામફળ, કણક, ચંપાની તમામ પ્રકારની જાતો, ડિલેનિયા, રામધન, મનશીલ, વારસ, ખડશિંગી, મેઢાશિંગી, ચારોળી, કુંભી, રક્તચંદન, ગૂગળ, ખેર, અંબાડો જેવી વનસ્પતિઓ છે.
ભારતમાં જોવા મળતાં ઘણાં વૃક્ષોનું આયુર્વેદની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે અને ઘણાં વૃક્ષોની છાલ અને પાંદડાં સહિતના ભાગો એક યા બીજા ઉપચારમાં કામ લાગતા હોય છે એની વાત કરતાં પ્રિન્સિપાલ અલ્પેશ પટેલ કહે છે, ‘અહીં ઘણી વનસ્પતિઓ વિવિધ બીમારીઓમાં ઉપચાર તરીકે ઉપયોગી છે. ડિલેનિયા છોડનાં પાન ઘા કે ઝખમમાં જલદી રૂઝ આવે એ માટે કામમાં આવે છે. અશોક નામના વૃક્ષની છાલનો ઉકાળો સ્ત્રીરોગ માટે ફાયદાકારક છે. ઇન્દ્રજવના વૃક્ષની છાલને કડાછાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો ઉપયોગ ઍન્ટિ-બાયોટિક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત અર્જુન છાલ હૃદયરોગ માટે, કુંભી વૃક્ષની છાલ શરીરની વધારાની ચરબી ઓગાળવા માટે અને રગતરોહિડાની છાલ ગાંઠો ઓગાળવામાં મદદરૂપ છે.’
બૉટનિકલ ગાર્ડન એમાં આવેલાં સંખ્યાબંધ વૃક્ષો અને વનસ્પતિઓથી લીલુંછમ છે અને એક નૈસર્ગિક લહાવો પૂરો પાડવા સાથે પ્રકૃતિનું ધામ બન્યું છે ત્યારે લીલી વનરાજીની શાંત અને શીતળ છાયામાં કંઈકેટલાંય પક્ષીઓ આશરો લઈ રહ્યાં છે. ૧૫૦થી વધુ મોર ઉપરાંત દેશ-વિદેશનાં પક્ષીઓ માટે પણ આ જ્ગ્યા જાણે કે ફેવરિટ ડેસ્ટિનેશન બની ગઈ છે.

