છેલ્લાં કેટલાંક વર્ષોથી તો આવા અનેક જાહેર ઉત્સવો વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કબજામાં કરી લીધા છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં, પોતાના પ્રમોશન માટે અનેક જાતનાં સ્થાપિત હિતો અહીં આવે
પ્રતીકાત્મક તસવીર
તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી ગઈ છે. શ્રાવણ મહિનો, પર્યુષણ, હવે થશે ગણપતિબાપ્પાનું આગમન, એ પછી નવરાત્રિના રાસ-ગરબા વગેરેને કારણે કથિત ભક્તિની સીઝન ચાલ્યા કરશે. હાલ તો ગણપતિબાપ્પાના નામે પૈસા ઉઘરાવવાનું કામ ચાલુ છે. મંડપ સજાવો, કયા વિસ્તારોમાં કોની અને ક્યાંની મૂર્તિ કેવી એ વાતો ચર્ચાનો વિષય બનશે. દર્શનના ભાવ (પૈસામાં) બોલાશે. જેટલો વધુ પ્રચાર એટલી વધુ ભીડ, જેટલી વધુ ભીડ એટલો વધુ પ્રચાર; જેટલી લાંબી કતાર એટલી લાંબી ચર્ચા, એટલા વધુ નાણાં અને ભેટ-સોગાદની આવક. રૂપિયા ગણવા માણસો બેસાડવા પડે, મશીનો લાવવાં પડે, ભેટોની હરાજી યોજાય. વાહ, ભગવાનના નામે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એકમેકમાં એવાં ભળીને ચાલે કે સાચું કોણ એ ખબર જ ન પડે.
ગણપતિબાપ્પાના મંડપમાં હજી પણ શીલા કી જવાની, મંગડા-મંગડા જેવાં હલકી કક્ષાનાં ગીતો વાગે. આસપાસ રહેતાં સાવ નાનાં બાળકો, વડીલો, બુઝુર્ગો અને માંદા લોકોની ચિંતા કોણ કરે? આપણે તો ઉત્સવ મનાવો ભાઈઓ. ભગવાનની ભક્તિ કરીને તેને રાજી કરો (આમ રાજી થતા હશે ભગવાન?), માણસોનું માણસો જાણે! અહીં કોઈની સાચી શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. બાકી શ્રદ્ધાના નામે જેમને પોતાના મનને ફાવે એમ કરવું છે એ લોકોનો રસ તો આવા જાહેર ઉત્સવોના નામે જલસા કરવાનો હોય છે. મનોરંજન મેળવવું હોય છે; પૈસાની કમાણી કરવી હોય છે; રાજકીય પક્ષો અને કમર્શિયલ આયોજકોને પોતાનું વર્ચસ, પોતાની શાખ, નામના, ઇમેજ વધારવાં હોય છે.
ADVERTISEMENT
છેલ્લાં કેટલાંક વર્ષોથી તો આવા અનેક જાહેર ઉત્સવો વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કબજામાં કરી લીધા છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં, પોતાના પ્રમોશન માટે અનેક જાતનાં સ્થાપિત હિતો અહીં આવે. એમાં આખા ને આખા ઉત્સવો કમર્શિયલ બની ગયા છે. ઇટ્સ અ બિગ બિઝનેસ નાઓ... ક્યાં કોણ ગાવા-વગાડવાવાળા આવે છે એનો પ્રચાર થાય અને એના આધારે જ્યાં-ત્યાં લોકોનાં મોટાં ટોળાં થાય. જાહેરખબરો પુરજોશમાં ચાલે. તહેવારો-ઉત્સવોના નામે કંઈ પણ ચાલે. સંસ્કૃતિની ઐસી કી તૈસી... નવરાત્રિમાં માતાજી એક બાજુ મૂર્તિ સ્વરૂપે યા છબિ સ્વરૂપે ખૂણામાં પડ્યાં હોય. ઇનામો, પોસ્ટર્સ અને બૅનર્સની બોલબાલા હોય. આવનારી સેલિબ્રિટીઝના નામે ટિકિટ-પાસ વેચાય, ટોળાં ભેગા થાય, પૈસા જમા થાય, આયોજકોની બોલબાલા થાય.
આ બધાં દૃશ્યો ટીવી-ચૅનલો પર પણ જોવાય. ઘણા લોકો વળી આને પણ દર્શન માનીને શ્રદ્ધાપૂર્વક ટીવી સામે બેસી જાય. બહાર નીકળો તો મેળા જેવી ભીડનાં દર્શન થાય. આટલા લાંબા વર્ણન પછી એક સવાલ પૂછવો છે કે ‘સાચું કહેજો, આ ભીડને ભગવાન સાથે કંઈ લાગેવળગે ખરું? શું આ ભક્તિ છે? શ્રદ્ધા છે? આ ખરો ઉત્સવ છે?’
માની લઈએ કે આ ધાર્મિક પરંપરાઓ છે, વર્ષોથી ચાલતી રહે છે, અનેક લોકોની શ્રદ્ધા (?) એમાં સમાયેલી છે જેમાં સમય સાથે પરિવર્તન પણ આવે એ સ્વાભાવિક છે; પરંતુ પરિવર્તનના નામે આવું પતન ચાલે? જવાબ જાતને જ આપજો.

