Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > દિવાળી દે દીનાનાથ

દિવાળી દે દીનાનાથ

11 November, 2023 08:01 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

થોડાંક વર્ષ પહેલાં ગુજરાતના કોઈક સામયિકના સંપાદકે કેટલાક લેખકોને પૂછ્યું હતું કે ‘તમારાં વીતેલાં વરસોમાંથી કયા સમયને સૌથી સુખી માનો છો? તમને ફરી વાર જીવવાનું મન થાય એવો સમયગાળો કયો?’

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)

દિવાળી (પ્રતીકાત્મક તસવીર)


 થોડાંક વર્ષ પહેલાં ગુજરાતના કોઈક સામયિકના સંપાદકે કેટલાક લેખકોને પૂછ્યું હતું કે ‘તમારાં વીતેલાં વરસોમાંથી કયા સમયને સૌથી સુખી માનો છો? તમને ફરી વાર જીવવાનું મન થાય એવો સમયગાળો કયો?’


આ પ્રશ્નનો ઉત્તર જુદા-જુદા લેખકોએ જરૂર જુદો-જુદો આપ્યો હશે, આજે આપણે એ જાણતા નથી. આજે આપણે દિવાળીના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ. દિવાળી નિમિત્તે આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ છીએ. વીતેલાં વર્ષો યાદ નથી કરવાના, પણ વીતી ગયેલું વરસ એટલે કે સંવત ૨૦૭૯ના ૩૬૫ દિવસ યાદ કરીએ. કહો જોઈએ આ વીતેલા ૩૬૫ દિવસમાંથી કયો એક દિવસ તમને સૌથી સુખદાયી અને ફરી વાર જીવવાનું મન થાય એવો લાગે છે?



આ રહ્યા એ દિવસો |  જુદી-જુદી વ્યક્તિને જુદો-જુદો દિવસ યાદ આવશે. ખાતરીપૂર્વક કોઈ એક દિવસને સૌથી સુખી દિવસ ગણવાનું કદાચ મુશ્કેલ પણ થશે અને આમ છતાં તમે યાદ કરો, જે દિવસે તમને પ્રમોશન મળ્યું અને તમે ઑફિસમાં સાહેબ બની ગયા એ દિવસે તમે કેટલા રાજી થયા હતા! જે સાહેબની ખુરશી માટે તમે રાજીના રેડ થઈ ગયા હતા એ સાહેબની ખુરશી ઉપર આ પહેલાં જ ઘણા સાહેબ બેસી ગયા હતા. તમે થોડોક વખત આ ખુરશી ઉપર બેસશો અને પછી ફરી એક વાર બીજા કોઈક સાહેબ રાજીના રેડ થઈ જશે. 


પણ તમે જાણો જ છો કે જે દિવસે તમે રાજીના રેડ થયા હતા એ જ દિવસે તમારા અત્યંત નિકટના મિત્ર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તમને દુઃખ થયું, તમે સુખના તરંગો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા અને વચ્ચે આ દુઃખનાં મોજાં આવી પડ્યાં. યાદ કરો, સુખ ઓછું થયું હતું? સુખ અને દુઃખ બંને સાથે જ હતાં. 

તો વળી કોઈને લૉટરી લાગી હતી એ પણ સુખના સાગરમાં - સુખના ઘૂઘવતા દરિયામાં મહાલતો હતો ત્યાં અચાનક એ જ દિવસે એના ઘરમાં કશુંક અઘટિત બન્યું. એ પરેશાન થઈ ગયો. લૉટરીનો આનંદ માણવો કે પછી પરિવારમાં જે અઘટિત બન્યું એની વેદના વેઠવી? 


વાસ્તવમાં બને છે એવું કે કોઈ એક ચોક્કસ દિવસને ફરી વાર જીવવું ગમે આમ કહીને ઓળખવો અઘરો પડે છે. તમે અહીં એક ક્ષણ શાંતિથી બેઠા છો, બરાબર એ જ વખતે તમને યાદ આવે છે. યુક્રેન અને પૅલેસ્ટીનમાં ભારે અમાનુષી અને ઘાતકી અત્યાચાર થઈ રહ્યો છે. માણસો કમોતે મરી રહ્યા છે. બાળકો અને સ્ત્રીઓ અત્યાચારનું ભારે દુઃખ વેઠી રહ્યાં છે. તમારી શાંતિ ખંડિત થાય છે. સુખની ક્ષણ, શાંતિની પળ વેરવિખેર થઈ જાય છે. 

કદાચ એવું ન પણ બને, સુખની ક્ષણને યાદ કરતી વખતે તમે કદાચ આસપાસ સંભળાતા દુઃખના ચિત્કારોને ન પણ સાંભળો. તમે એમ વિચારો કે આવું બધું તો હંમેશાં બન્યા જ કરે છે. બધાની આવી પીડા જો તમે સંભાર્યા જ કરો તો કદાચ એકેય દિવસ તમે સુખ મેળવી ન શકો એવુંય બને. 

તો પછી કરવું શું ?  | માણસે ઉત્સવના દિવસો અને પર્વના પ્રસંગો એટલા માટે બનાવ્યા છે કે જીવનયાત્રાની ખરબચડી કેડીએ ક્યાંક ઘડીક ઊભા રહીને હવાની કોઈક ઠંડી લહેરખી આવતી હોય તો માણી શકાય. આપણો દેશ ઉત્સવપ્રિય છે. દિવાળીના દિવસો દિવાળી અગાઉ દસ-વીસ દિવસથી જ આપણે માણવા માંડીએ છીએ. દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, પ્રકાશ એટલે સુખ અને જ્ઞાનનો મહિમા. આજે આપણે દિવાળી માણી રહ્યા છીએ ત્યારે આસપાસ વીંટળાયેલી વ્યથાઓ પણ ભૂલવા જેવી નથી. આનો આધાર માણસની સંવેદના ઉપર છે. તમારી સંવેદનશીલતા તમને ક્યાં અને કેટલે સુધી લઈ જાય છે એ ટકોરાબંધ કહી શકાતું નથી. આપણે વધુમાં વધુ પરમાત્માની પ્રાર્થના કરી શકીએ કે ‘હે દેવ! તેં એમને દીવાઓથી ઝળહળતી દિવાળી તો દીધી પણ આ દિવાળી સુધ્ધાં જો અમારી આસપાસ વેદના અને વ્યથાઓને સજીવ રાખતી હોય તો પેલી સંવેદનશીલતા સાથે અમે આને શી રીતે માણી શકીશું?’ 

સંવેદનશીલતા એ સુખ છે કે દુઃખ એનો નિર્ણય કરવા માટે કોઈ ચોક્કસ માપદંડ આપણી પાસે નથી. ગાંધીજીને કોઈએ એક વાર એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ‘વર્તમાન યુગમાં તમને સૌથી મોટો સમસ્યા કઈ લાગે છે?’ એના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘માણસ દિવસે-દિવસે વધુ અને વધુ સંવેદના વિહોણો બનતો જાય છે એ જ મોટી સમસ્યા છે.’ 

જિંદગીના વહેતા પ્રવાહમાં સુખ અને દુઃખ બંને સાથે જ રહ્યાં છે. કોને સુખ માનવું અને કોને દુઃખ માનવું એ દરેકનો વ્યક્તિગત પ્રશ્ન બની જાય છે. વ્યવહારિક જીવનમાં એવું સદાય બનતું રહ્યું છે કે જેને તમે દિવાળીનો દીપોત્સવ માનો છો એ જ દીપોત્સવ બીજા કોઈના જીવનમાં એક વખતે અંધકાર રેલાવતો હોય છે. પ્રકાશ અને અંધકાર એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને સાથે જ હોય છે. બંનેને જુદા પાડી શકાતા નથી. સિક્કો ઊંચે ઉછાળીને કાંટો કે છાપ જેવી રમત રમવા જેવી આ ચાલ છે. 

તો પછી એનો અર્થ શું?  |  જીવન આપણને માગ્યું મળતું નથી. જે મળે છે એમાંથી આપણી સૂઝ-સમજ પ્રમાણે ભાગ મેળવી લેવાનો હોય છે. આ ભાગ આપણે જ મેળવ્યો છે આપણી પોતાની શક્તિ અને સમજ મુજબ. હવે એના વિશે ફરિયાદ કરવાને બદલે જે મળ્યું છે એને ઉજવણું કરવામાં વધુ શાણપણ છે. શરત માત્ર એટલી જ છે કે આપણે જે ભાગ મેળવીએ છીએ એ ભાગ બીજા કોઈના અધિકારમાં લોંટોઝોંટો તો નથી કરતાને? આવો લોંટોઝોંટો કરતા રહીએ અને દેવને દિવાળીના દિવસો ઉજ્જવળ કરવાની વાતો કરતા રહીએ એ બંનેને સાથે તો શી રીતે રાખી શકાય? આપણી મથામણ આમને સાથે રાખીને સાથે નથી રાખ્યું એવું દેખાડતા રહેવાની છે. આ મથામણને કારણે સમસ્યાઓ સર્જાતી રહે છે. દેવ દીવા આપે અને દિવાળી આંગણે આવીને ઊભી રહે તો પણ આપણે પ્રકાશ પામી શકતા નથી અને અંધકારમાં અટવાયા કરીએ છીએ. 

અહીંથી આપણી પ્રાર્થના શરૂ થાય છે. અહીંથી આપણું નવું વર્ષ શરૂ થાય છે. આ નવું વર્ષ એટલે માત્ર નવા નક્કોર દિવસો નહીં પણ નવી નક્કોર વિભાવના. જે દિવસો સમાપ્ત થઈ ચૂક્યા છે એ દિવસોને પણ અંધકારને બદલે પ્રકાશના પર્વ તરીકે સ્વીકારી લેવા રહ્યા, કેમ કે આ વીતેલા દિવસોએ પણ જિંદગીને કાંઈક આપ્યું છે. આપણે જો કંઈ ન મેળવ્યું હોય તો એ દોષ દેવના દીધેલા દીવાનો નથી. આપણે દીનાનાથને ફરી એક વાર એટલું જ કહેવાનું રહે કે ‘અમને જે દિવાળી દે એ દિવાળીને પ્રકાશનું પર્વ બનાવવાની અમને ક્ષમતા પણ આપજે.’ 

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2023 08:01 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK