Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સફળતાની પહેલી શરત, જાત પર ભરોસો રાખો

સફળતાની પહેલી શરત, જાત પર ભરોસો રાખો

10 February, 2024 12:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંબંધ હોય કે સાયન્સ, વિશ્વાસ સાથે આગળ વધવાનો નિયમ બધે જ લાગુ પડે. જો જાત પર અને તમે જેની સાથે જોડાયેલા છો એના પર ભરોસો હશે તો તમારું અડધું કામ ત્યાં જ પૂરું થઈ જશે.

આયુષ ગુપ્તા

આયુષ ગુપ્તા


મારી બહેન મુંબઈમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હતી. તેના કહેવાથી જ અમે સહપરિવાર મુંબઈ સેટલ થયાં. એ સમયે મારી ઉંમર અંદાજે ૧૨ વર્ષની અને હું સેલ્ફ-હીલિંગ ટેક્નિક સાથે જોડાઈ ચૂક્યો હતો. મારા પિતાજી ધાર્મિક વૃત્તિના અને મને પણ સાવ નાનપણથી એટલે કે સાતેક વર્ષની ઉંમરથી જ તેમણે પલાંઠી વાળીને બેસવાનું અને આંખ બંધ કરી શ્વાસ પર ધ્યાન આપતા રહેવાની ટેક્નિક શીખવેલી. સાચું કહું તો મારા પર એની મૅજિકલ અસર થઈ હતી. પપ્પાએ જ મને રેકી હીલિંગનો કોર્સ કરાવ્યો હતો. ગ્રાન્ડમાસ્ટર દેવાંક શુક્લા પાસે હું રેકી શીખ્યો અને થોડા સમયમાં બન્યું એવું કે મમ્મીને થયેલી ગંભીર બીમારીમાં તેમને રાહત રહે એટલે માત્ર સકારાત્મક એક્સપરિમેન્ટ માટે કરેલા રેકી હીલિંગનું સુખદ પરિણામ આવ્યું અને મારી લાઇફની દિશા ચેન્જ થઈ ગઈ.


હું મારા અનુભવ પરથી કહું છું કે જીવનમાં જેકંઈ થાય છે, જેકોઈ નિર્ણય આપણાથી લેવાય છે કે જેકોઈ પ્રકારના બદલાવ આપણા જીવનમાં આવે છે એની પાછળ પરમશક્તિ કામ કરતી હોય છે. એ એમ જ થવાનું હતું અને એ જ પ્રમાણે થયું છે. દરેક નિર્ણય, દરેક ઘટના, દરેક જીવનમાં આવતી વ્યક્તિઓ કોઈ કારણથી આપણા જીવનમાં આવે છે અને જો આ વિચારોને આપણે પકડી રાખીએ તો જીવનમાં ક્યારેય અફસોસ નહીં રહે. જે પણ થાય એ સકારણથી છે એ વિચાર તમને વર્તમાનમાં જીવતાં શીખવશે. તમને ભૂતકાળની ભૂલોમાં કે ભવિષ્યનાં સપનાંઓમાં ખોવાયેલા નહીં રાખે. તમે સહજ રીતે જાતને આ બદલાવ સામે ઢાળી શકશો. આ બધાના મૂળમાં શું છે ખબર છે? વિશ્વાસ. તમને પરમશક્તિ પર વિશ્વાસ છે કે પ્રકૃતિ થકી જેકંઈ થઈ રહ્યું છે, જે-તે માહોલમાં પણ આપણે છીએ અને જે સંજોગો આજના છે એમાં આપણું અંતિમ હિત સમાયેલું છે અને બધું જ સારું થવાનું છે, સારું થઈ રહ્યું છે અને સારા માટે જ થઈ રહ્યું છે. આ વિશ્વાસ એ આપણા જીવનની પગદંડી છે. આ વિશ્વાસ જ શ્વાસમાં પૂરી હકારાત્મકતા ભરવાનું પેટ્રોલ છે. આ વિશ્વાસ જ તમામ વિજ્ઞાન અને તમામ સંબંધોનો પાયો છે.



તમે માની શકો કે હું ૧૫ વર્ષની ઉંમરે પ્રોફેશનલી લોકોને રેકી હીલિંગ આપતો થઈ ગયો હતો. હા, મૂછ પણ નહોતી આવી ત્યારે સક્સેસફુલ લોકો સાથે ઊર્જાવિજ્ઞાનની કલાકો સુધી વાતો કરતો. તમે જ્યારે વર્તમાનમાં હો, જ્યારે તમે પરમશક્તિનો અંશ હોવાનો અનુભવ કરતા હો ત્યારે ઇન્ફિરિયોરિટી તમને નડતી નથી. તમે તમારા ઓરિજિનલ એસેન્સમાં હો છો અને તમે સહજ રીતે તમારી જાત અને તમારા સંજોગો પર ભરોસો કરતા હો છો. તમારા મનમાં ઊંડે-ઊંડે એ ધરપત હોય છે કે જે થશે એ સારા માટે જ અને એ તમારા આત્મવિશ્વાસને પ્રબળ બનાવીને તમને કંઈક નવું કરવા સતત પ્રેર્યા કરશે અને સતત તમારી અંદર કંઈક કરવાની ઉત્કંઠા, હિંમત અને મહેનતને જાળવેલી રાખશે. આ કોઈ નાની બાબત નથી એટલે જ હું માનું છું કે જીવનમાં સક્સેસ જોઈતી હોય તો પહેલાં ભરોસો કરતાં શીખો. જાત પર, તમારી જોડે હોય તેના સાથ પર અને પરમશક્તિ દ્વારા સામે મુકાતા દરેક સંજોગો પર. રેકી મારા જીવનમાં આવ્યું એ પણ કોઈક પૂર્વનિયોજિત બાબત હતી.


અત્યારે મારા મનમાં છે કે દુનિયાની બીજા નંબરની રેકી હૉસ્પિટલ ભારતમાં બનાવવી. પહેલી હૉસ્પિટલ ચીનમાં છે, જ્યાં રેકી હીલર્સ ઍક્સિડન્ટમાં વ્યક્તિના વહેતા લોહીને રોકવામાં પણ સફળતા મેળવી ચૂક્યા છે. આપણે ત્યાં ઘરેઘરમાં એક રેકી હીલર હોય જે વ્યક્તિને ઘરે જ સેલ્ફ-હીલિંગ થકી સાજા રાખવામાં મદદ કરી શકે એની ખૂબ જરૂર છે.

હું અત્યારે આવી વાત કરું છું એવું નથી. આજથી પાંચ વર્ષ પહેલાં પંદર-સોળની ઉંમરે પણ મારામાં આ સમજણ હતી. મને પેરન્ટ્સ પૂછતા કે અમારાં ટીનેજ સંતાનો તો અમને સાંભળવા પણ તૈયાર નથી અને તમે કેવી મોટી-મોટી વાતો કરો છો. અફકોર્સ, મારી બાળપણની મેડિટેશનની પ્રૅક્ટિસ મને ખૂબ કામ લાગી છે. સવારે વહેલા ઊઠીને બ્રહ્મમુરતમાં ધ્યાન ધરવાનું, પરમ ઊર્જા સાથે કનેક્ટ થઈને ઊર્જા ચૅનલાઇઝેશન કરવાનું. આ બધું સંભળાય છે એટલું સરળ નથી હોતું, આ કાર્ય માટે બહુ જ ઊંડે સુધી જવું પડે.


મૂળ વાત પર આવું કે ફૅમિલીમાં પેરન્ટ્સ અને સંતાનો વચ્ચે જો કમ્યુનિકેશન સુધારવું હશે તો બન્નેએ એકબીજા પર ભરોસો મૂકવો એ પહેલી શરત છે. તમારું સંતાન અમુક પ્રકારનું બિહેવ કરે તો તેને જજ કરવાને બદલે તેને અને તેની માનસિકતાને સમજો. નાનપણથી સતત બંધનમાં રહેલા બાળકને કૉલેજમાં જવા મળે ત્યારે તેને અમુક પ્રકારના ફ્રીડમનો અનુભવ થતો હોય, તેને પોતાની રીતે જીવવાની મોકળાશનો અનુભવ થતો હોય અને ત્યારે પોતાનું ધાર્યું કરવાના પ્રયાસ કરતા હોય તો તેમને તમારા નિર્ણયની કે દોરવણીની નહીં, તમારા સાથની જરૂર છે. આપસમાં એકબીજા સાથે ઘર્ષણ થાય એમાં ખોટું નથી, પણ કૉન્ફ્લિક્ટ થાય ત્યારે વાતને મહત્ત્વ આપ્યા વિના ઇન્ટેન્શન પર ફોકસ કરો. પેરન્ટ્સ અને સંતાનો બન્ને જો આટલો બદલાવ લાવશે તો તેમની વચ્ચે સ્મૂધનેસ આવી જશે. તેમનો એકબીજા માટેનો ગુસ્સો અને આવેશ ઓસરી જશે. નાનપણથી જ બાળકોમાં સારી આદતોને કલ્ટિવેટ કરો અને એને માટે એ આદતો પહેલાં તો પેરન્ટ્સે જીવનમાં ઉતારવી પડશે. વહેલા ઊઠવું, ઊઠીને ધ્યાન ધરવું, દિવસ દરમ્યાન કોઈકના આશીર્વાદ મળે એવા કામ કરવા વગેરેનું ઊર્જાવિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે.

તમને ખબર છે કે આપણે બહારના વિશ્વમાં ખૂબ ડેવલપમેન્ટ કર્યું છે. ટેક્નૉલૉજીની દૃષ્ટિએ આપણે સતત આગળ વધતા જઈએ છીએ. રોબો ડૉક્ટર બને અને મશીન સ્વીપર બનીને કામ કરે એવી સ્માર્ટનેસ ત્યારે આવી છે જ્યારે આપણું મગજ માત્ર પાંચથી સાત ટકા કામ કરે છે. જરા વિચાર કરો કે આપણા બ્રેઇનની કાર્યક્ષમતા હજી વધારવામાં આવે તો આપણે શું ન કરી શકીએ. પોતાની સાધના દ્વારા આંતરજગત પર ખૂબ કામ કરનારા યોગીઓ ટેલિપથી દ્વારા લાખો કિલોમીટર દૂર બેસેલી વ્યક્તિ સાથે કોઈ પણ જાતના નેટવર્ક વિના વાત કરી શકતી હોય એવું શું કામ ન બને‍? અરે માણસનું મન જબરદસ્ત રીતે પાવરફુલ છે. તમે વ્યક્તિને પાણી પીવડાવ્યું હોય અને કહો કે એમાં પૉઇઝન હતું તો તેના મનના તરંગોને કારણે તેના શરીરની ક્ષમતા છે કે જાતે જ એ પૉઇઝન શરીરમાં ક્રીએટ કરવાનું. આપણું શરીર એક પ્રકારની કેમિકલ ફૅક્ટરી જ છે. બસ એને બ્રેઇન તરફથી કમાન્ડ મળવો જોઈએ એટલે મેડિટેશનનો અભ્યાસ કરો, એ તમારા માઇન્ડને બહુ અદ્ભુત રીતે ટ્રેઇન કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK