અંગત સાથી શોધવાની બાબતમાં માણસો કરતાંય રોમાંચક પદ્ધતિ ધરાવતું આ શિકારી પક્ષી અનેક રીતે વિશેષ છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે બાલ્ડ ઈગલની પસંદગી કરવામાં આવી છે
ફ્લોરિડામાં બાલ્ડ ઈગલે બનાવેલો વિશ્વનો સૌથી મોટો માળો.
અંગત સાથી શોધવાની બાબતમાં માણસો કરતાંય રોમાંચક પદ્ધતિ ધરાવતું આ શિકારી પક્ષી અનેક રીતે વિશેષ છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે બાલ્ડ ઈગલની પસંદગી કરવામાં આવી છે ત્યારે મૂળ નૉર્થ અમેરિકામાં બારેમાસ જોવા મળતા આ સૌથી મોટા કદના શિકારી પક્ષીની દુનિયામાં એક લટાર મારીએ
આમ તો વિશ્વભરમાં ઈગલની ૬૦થી વધુ પ્રજાતિઓ મોજૂદ છે, પણ નૉર્થ અમેરિકામાં માત્ર બે જ પ્રકારનાં ઈગલ જોવા મળે છે અને એમાં એક છે બાલ્ડ ઈગલ. નામ પરથી એવું ન ધારી લેવું કે એ ટાલિયા હશે. અહીં બાલ્ડ શબ્દનો જૂનો અર્થ વપરાયો છે : વાઇટ હેડેડ, એટલે કે સફેદ માથાવાળું. માથે જાણે શ્વેત મુગટ પહેરાવ્યો હોય એવું સફેદ માથું, જેના પર ગૌરવના ચિહ્ન જેવી પીળી ચળકતી ચાંચ એ છે બાલ્ડ ઈગલની ઓળખ. મોટા ભાગે વિશ્વભરમાં ગોલ્ડન ઈગલ વધુ પ્રચલિત છે પરંતુ નૉર્થ અમેરિકા, મેક્સિકો અને કૅનેડાના કેટલાક ભાગોમાં છૂટથી જોવા મળતું બાલ્ડ ઈગલ આજકાલ ચર્ચામાં છે. એને અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકેની સ્વીકૃતિ મળી છે ત્યારે જાણીએ આ પક્ષી કેમ અમેરિકા માટે આટલું મહત્ત્વ ધરાવે છે અને આ શિકારી પક્ષીની ખાસિયતો શું છે.
ADVERTISEMENT
કદ અને કામ બન્નેમાં ચડિયાતાં
માથા પર સફેદ રંગનાં ઘેરાં પીંછાં ધરાવતા આ ગરુડની ખાસિયત છે એની વિશાળ વિન્ગ્સ. લગભગ સાત-સાડાસાત કિલો વજન ધરાવતું બાલ્ડ ઈગલ જો પાંખો પસારે તો એ લગભગ પાંચથી સાડાસાત ફુટ જેટલી પહોળી થાય. મતલબ કે એક આખો પુખ્ત માણસ લાંબો થઈ શકે. જાયન્ટ કદ અને છતાં વજન ઓછું હોવાને કારણે એ લાંબો સમય આકાશમાં ગગનચુંબી ઊંચાઈએ ઊડી શકે છે. સામાન્ય રીતે ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ ઊડતું આ ગરુડ હવાના ઘર્ષણમાંથી પેદા થતી ગરમીનો ઉપયોગ કરીને લાંબા અંતરના ફ્લાઇંગ માટે એનર્જી જાળવી રાખી શકે છે. આરામથી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડતું આ પક્ષી આરામથી એક ફ્લાઇટમાં ૩૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. એ પછી એની પાંખો થાકી જાય છે.
માણસ કરતાં આઠ ગણી સ્ટ્રૉન્ગ દૃષ્ટિ
આપણે વિમાનમાં સફર કરતા હોઈએ અને જો ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ વિમાન ઊડતું હોય તો મોટા પહાડ અને વાહનો પણ કીડી જેવાં દેખાઈ શકે, આ ગરુડભાઈનું વિઝન એટલું શાર્પ હોય છે કે જે ઊંચાઈથી આપણને માંડ એક બસ દેખાય, ગરુડને એ બસની બારીઓ પણ દેખાય અને એ બારીમાંથી ડોકિયું કરતો માણસ પણ ચોખ્ખોચણક દેખાય. મેડિકલની ભાષામાં માણસોની આંખો ૨૦/૨૦ વિઝન ધરાવે છે એટલે કે માણસો ૨૦ ફુટના અંતરની ચીજો સ્પષ્ટ જોઈ શકતા હોય છે, જ્યારે ગરુડભાઈ લગભગ બેથી ત્રણ કિલોમીટર દૂરની ઝીણી ચીજ પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આપણે ત્યાં ઈગલ વિઝન એવો શબ્દ છે. મતલબ કે દૂરથી તમને બધું જ, ચોમેરનું સ્પષ્ટ દેખાતું હોય. બાલ્ડ ઈગલ માથું હલાવ્યા વિના આંખો એવી રીતે ફેરવી શકે છે કે એ ૩૪૦ ડિગ્રીની આસપાસનું બધું જ જોઈ શકે છે.
સફેદ માથું પુખ્તતાની નિશાની છે
આપણે આગળ જોયું એમ બાલ્ડ ઈગલ ટાલિયા નહીં, પણ માથે સફેદ પીછાં હોવાને કારણે બાલ્ડ કહેવાય છે. જોકે આ ગરુડ જન્મે ત્યારે એનું માથું શ્વેતવર્ણું નથી હોતું. ચારથી પાંચ વર્ષની ઉંમર પછીથી આ ગરુડને એની ખરી ઓળખ સમાન શ્વેત ગ્લોરી મળે છે.
શિકારની અનોખી તાકાત
એક સામાન્ય કદના માણસ કરતાં એના પંજામાં દસ ગણી તાકાત હોય છે. ભલે એ છ-સાત કિલો વજન ધરાવતું પંખી હોય, શિકાર કરવાનો હોય ત્યારે એના પંજાની પકડ અને પાંખોની લવચિકતા નેક્સ્ટ લેવલની થઈ જાય છે. હવામાં ઉપર એક-બે કિલોમીટર ઊંચેથી તળાવમાં તરતી માછલીને નિશાન બનાવીને નીચે આવીને પંજામાં પકડીને ફરી હવામાં ગાયબ થઈ જવાનો બાલ્ડ ઈગલને જસ્ટ ૨૦ સેકન્ડથીયે ઓછો સમય લાગે છે. પોતાના શરીરના વજન કરતાં ચાર ગણું વજન એટલે કે ૨૫થી ૨૮ કિલો વજનની માછલીઓ કે દરિયાઈ જીવોનો એ ચપળતાથી શિકાર કરી લે છે. શિકારી પક્ષી હોવાથી આ પંખીઓ હવામાં ઊડતાં અન્ય શિકારી પક્ષીઓ પાસેથી શિકાર છીનવવામાં પણ માહેર હોય છે. તેમના શરીરમાં લગભગ ૭૨૦૦થી વધુ પીંછાં હોય છે અને એનું જ વજન વધુ હોય છે. તેમના શરીરનું હાડપિંજર અને આંતરિક અવયવોનું વજન તો માત્ર બેથી અઢી કિલો જેટલું જ હોય છે, બાકી શરીરનું વજન માત્ર પીંછાં જ છે. એને કારણે તેઓ ખૂબ ઓછું ખાય તો પણ સર્વાઇવ થઈ શકે છે. સામાન્ય રીતે બાલ્ડ ઈગલને ખાવા માટે ૨૫૦થી ૫૦૦ ગ્રામ જેટલું માંસ જોઈએ, પણ એ માટે તેમને રોજ શિકાર કરવો નથી પડતો. જ્યારે પણ શિકાર કરે ત્યારે જરૂર પૂરતું ખાઈને બાકીનો ખોરાક તેમની અન્નનળીની બાજુમાં એક પાઉચ જેવું હોય છે એમાં સંઘરી રાખે છે. એને કારણે બે દિવસ સુધી જો તેમને ફૂડ ન મળે તો આ સાચવેલા સ્ટોરેજ ફૂડમાંથી તેઓ ચલાવી લે છે.
રોમૅન્ટિક સ્કાય ડાન્સ અને વફાદારી
જે શિકારી પક્ષી શિકાર છીનવવા માટે કોઈ પણ હિંસક હદે જઈ શકે છે એ જ જ્યારે પ્રેમમાં પડે છે અને રોમૅન્ટિક સંબંધો માટે એકમેકને રીઝવવાની પ્રક્રિયા કરે છે ત્યારે પણ એટલી જ શિદ્દત દેખાડે છે. પ્રેમિકાને રીઝવવા માટે બાલ્ડ ઈગલ પણ ડાન્સ કરે છે. ખાસ કરીને જ્યારે તેમનો કોર્ટશિપ પિરિયડ ચાલતો હોય ત્યારે માદા અને નર ગરુડ એકમેકને ઍટ્રૅક્ટ અને ઇમ્પ્રેસ કરવા માટે જે ડાન્સ કરે છે એ આકાશમાં ખૂબ સુંદર દૃશ્યો રચે છે. બન્ને પોતાની ઍક્રોબૅટિક મૂવમેન્ટથી એકમેકને રીઝવે છે. ખૂબ ઊંચાઈએથી પગના પંજા અને પાંખો લૉક કરીને જમીન તરફ ધસીને જ્યારે તેઓ ફુલ સ્પીડમાં નીચે આવે છે એ દિલધડક ખેલ હોય છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે આ પક્ષીઓ પહેલી વારના રોમૅન્સ માટે જ નહીં, પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે પણ હવામાં ૫૦૦થી ૮૦૦ ફુટની ઊંચાઈએ રોમૅન્ટિક અને ક્યારેક ભયાનક લાગે એવો પૅશનેટ ડાન્સ કરતાં હોય છે અને પૅશન જેટલું ઊંચું એટલી જ વફાદારી પણ ખરી. એક વાર જે પાર્ટનર સાથે સંબંધ બાંધ્યો એની સાથે જીવનનાં લગભગ ૩૦ વર્ષ એક જ સાથી સાથે જ ગાળે છે.

મેટિંગ પહેલાં એકમેકને ઇમ્પ્રેસ કરવા નર-માદા બાલ્ડ ઈગલનો રોમાંચક કપલ ડાન્સ.
ફૅમિલીના માળાની અનોખી દુનિયા
બાલ્ડ ઈગલ સૌથી મોટા માળા બનાવવા માટે જાણીતાં છે. તેઓ ૬૦થી ૨૦૦ ફુટ ઊંચાં વૃક્ષો પર માળા બાંધે છે. એટલું જ નહીં, એની સાઇઝ પણ લગભગ ચારથી છ ફુટ જેટલી જાયન્ટ હોય છે. માળામાં વચ્ચે ઊંડો ખાડો હોય છે અને એની અંદર નાનાં પક્ષીઓ અથવા તો ઈંડાં છુપાવી રાખવામાં આવે છે. અમેરિકાના ફ્લૉરિડામાં બાલ્ડ ઈગલનો સૌથી મોટો માળો મળી આવેલો જે ૧૦ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો હતો અને એનું વજન લગભગ ૩૦૦ કિલો જેટલું હતું. આ એક વિશ્વવિક્રમ પણ છે. આ માળા લાંબો સમય રહેવા માટે નહીં, પણ ઈંડાંને સેવીને બચ્ચાંને ઊડતાં કરવાની પ્રક્રિયા દરમ્યાન વધુ મહત્ત્વનાં હોય છે. આ પક્ષીઓ પાસેથી માણસે પણ ઘણું શીખવા જેવું છે. ઈંડાંને સેવવાનું કામ નર અને માદા બન્ને કરે છે અને બાળકને ખવડાવવાથી લઈને એને ઊડતાં શીખવવાનું કામ પણ બન્ને સાથે કરે છે. જન્મ પછીના પ્રથમ દસથી બાર અઠવાડિયાં ગરુડનાં બચ્ચાંને ટ્રેઇનિંગ આપવાનું કામ મા-બાપ બન્ને ભેગાં મળીને કરે છે. ઊંચી ઉડાન ભરતાં શીખવતાં પહેલાં બચ્ચાંઓને પોતાનું રક્ષણ કરવાની તાલીમ માદા ગરુડ આપે છે.
દેશનું રાષ્ટ્રીય પક્ષી નક્કી કરવામાં ૨૪૮ કરતાં વધુ વર્ષ કેમ લાગી ગયાં?
અમેરિકાના નિવૃત્ત થઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકારે ક્રિસમસની સાંજે દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે બાલ્ડ ઈગલને સ્વીકૃતિ આપી છે. નવાઈની વાત કહેવાય કે અમેરિકા જેવો દેશ જેને વિશ્વ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખે છે એને પોતાના દેશનું રાષ્ટ્રીય પક્ષી નક્કી કરવામાં ૨૪૮ કરતાં વધુ વર્ષ લાગી ગયાં. ખેર, એ જે હોય એ પણ વાસ્તવિકતા કંઈક એવી છે કે બાલ્ડ ઈગલ અને અમેરિકાનો સંબંધ આજકાલનો નથી, ખૂબ જૂનો છે. બાઇડનની સરકારે બાલ્ડ ઈગલને રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકાર્યું છે તો આપણને મોકો મળ્યો છે એ વિશે વાત કરવાનો. અમેરિકા આઝાદ થયું હતું ૧૭૭૬ની ૪ જુલાઈએ અને અમેરિકાનો બાલ્ડ ઈગલ સાથેનો નાતો પણ કંઈક એ જ સમયની આસપાસ શરૂ થયો હતો.

ઘડીના છઠ્ઠા ભાગમાં પાણીમાંથી શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે બાલ્ડ ઈગલ.
શું કામ બાલ્ડ ઈગલ
મૂળ એક શિકારી પક્ષીની પ્રજાતિમાં આવતું બાલ્ડ ઈગલ પહેલી વાર ૧૭૮૨માં અમેરિકાના દસ્તાવેજોમાં રાષ્ટ્રીય મહોર તરીકે દેખાયું હતું. એની પાછળનો ઇતિહાસ કંઈક એવો છે કે ૧૭૭૬ની ૪ જુલાઈએ ‘અમેરિકા હવે એક આઝાદ દેશ છે’ એવા ઘોષણાપત્ર પર સહી થઈ. ત્યાર બાદ તરત કૉન્ટિનેન્ટલ કૉન્ગ્રેસ દેશના કોઈ પણ પત્રવ્યવહાર, સંદેશવ્યવહાર કે સરકારી દસ્તાવેજો માટે એક ઑફિશ્યલ સિમ્બૉલ (સત્તાવાર મહોર)ની ડિઝાઇન બનાવવા માગતી હતી જેને સરકારી મહોર તરીકે ઓળખાવી શકાય, બીજા શબ્દોમાં કહીએ તો નૅશનલ એમ્બ્લમ (ભારતનું નૅશનલ એમ્બલમ ચાર સિંહના મુખવાળું નિશાન છે એવું). એ માટે કૉન્ગ્રેસે ત્રણ વ્યક્તિઓને સહિયારી જવાબદારી સોંપી; બેન્જામિન ફ્રૅન્કલિન, થૉમસ જેફરસન અને જૉન ઍડમ્સ. ઘણી મથામણ પછી પણ એ ત્રણે કોઈ એક ડિઝાઇન પર પોતાની સહમતી ન સાધી શક્યા ત્યારે કૉન્ટિનેન્ટલ કૉન્ગ્રેસે આ કામ માટે ત્રણ અલગ-અલગ સમિતિઓની રચના કરી અને તેમને કહ્યું કે દેશની રાષ્ટ્રીય મહોર માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવે.
૧૭૮૨ના જૂન મહિનામાં આ ત્રણે સમિતિઓએ પોતે બનાવેલી ડિઝાઇન્સ કૉન્ગ્રેસના સેક્રેટરી ચાર્લ્સ થૉમસનને સબમિટ કરી. થૉમસને બધી ડિઝાઇન્સનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. ત્યાર બાદ એ બધી ડિઝાઇન્સમાં તેમને જે સૌથી વધુ સારી લાગી એ ડિઝાઇનને તેમણે પોતાની રીતે કલાત્મક આવૃત્તિમાં બદલવાનો નિર્ણય કર્યો. આ ત્રણ સમિતિમાંથી એક સમિતિમાં સભ્ય તરીકે પેન્સિલ્વેનિયાના એક વકીલ વિલિયમ બાર્ટન હતા, જેમણે ઈગલની ડિઝાઇન બનાવી હતી. ચાર્લ્સ થૉમસનને ઈગલની એ ડિઝાઇન સૌથી વધુ પસંદ પડી. તેમણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઈગલની એ ડિઝાઇન સ્વીકારવાનું નક્કી કર્યું, એમાં પોતે વિચાર્યા હતા એ પ્રમાણેના ફેરફાર કર્યા બાદ. હવે ચાર્લ્સે આ ઈગલની ડિઝાઇન સ્વીકારી એની પાછળ પણ એક કારણ હતું. અમેરિકામાં પ્રાચીનકાળથી જ ઈગલને શક્તિનું પ્રતીક અને પ્રેરણાત્મક ઊર્જા માનવામાં આવતું હતું.
મૂળ ડિઝાઇન અને સ્વીકૃત ડિઝાઇન
ચાર્લ્સ થૉમસનને વકીલ બાર્ટને બનાવેલી ડિઝાઇન પસંદ તો પડી, પરંતુ બાર્ટને પોતાની ઈગલની ડિઝાઇનમાં એક નાનું વાઇટ ઈગલ બનાવ્યું હતું. ચાર્લ્સને લાગ્યું કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઈગલને સ્વીકારીએ એ તો વાજબી છે, પરંતુ આ નાના વાઇટ ઈગલની જગ્યાએ અમેરિકાના સ્થાનિક પક્ષી એવા બાલ્ડ ઈગલને જ સ્વીકારવામાં આવે તો? એથી તેમણે કૉન્ગ્રેસ સામે પોતાનો એ પ્રસ્તાવ રજૂ કર્યો. કૉન્ગ્રેસે ચાર્લ્સનો એ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ૧૭૮૨ની ૨૦ જૂને અમેરિકાના કોઈ પણ ઑફિશ્યલ કમ્યુનિકેશન માટે સરકારી મહોર તરીકે બાલ્ડ ઈગલનું ચિત્ર સ્વીકારવામાં આવ્યું.
એક માન્યતા એવી પણ છે કે બેન ફ્રૅન્કલિને બાલ્ડ ઈગલને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવા સંદર્ભે વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે બાલ્ડ ઈગલ ભલે શક્તિનું પ્રતીક હોય, પરંતુ સાથે જ એ નૈતિકતાની દૃષ્ટિએ એક ખરાબ ઇમેજ ધરાવતું પક્ષી પણ છે. એથી દેશના રાષ્ટ્રીય પ્રતીક તરીકે બાલ્ડ ઈગલનો સ્વીકાર કરવો ન જોઈએ. એ વિશે તેમણે પોતાની દીકરીને લખેલા એક પત્રમાં ઉલ્લેખ પણ કર્યો હતો.
અમેરિકાની કૉન્ગ્રેસ દ્વારા આખરે પોતાનાં સરકારી કાર્યો, સંદેશવ્યવહાર અને દસ્તાવેજો પરના પ્રતીક તરીકે બાલ્ડ ઈગલને જ મંજૂરી આપવામાં આવી અને ધીરે-ધીરે અમેરિકાના દરેક સત્તાવાર દસ્તાવેજ પર, મુદ્રાઓ પર, ઝંડા સાથે, સરકારી અને સાર્વજનિક મકાનો અને બાંધકામો પર તથા બીજી તમામ સરકાર સંબંધિત વસ્તુઓ પર બાલ્ડ ઈગલનું ચિત્ર દેખાવા માંડ્યું.
રાષ્ટ્રીય ચિહ્નની વાસ્તવિક પરિસ્થિતિ
અમેરિકાએ બાલ્ડ ઈગલને પોતાના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે તો સ્વીકારી લીધું, પરંતુ કોઈ પક્ષીના ચિત્રને સરકારી પાને ચિહ્ન તરીકે સ્વીકારી લેવા માત્રથી તો કામ પૂર્ણ નથી થઈ જતુંને. એક સમય એવો પણ આવી ગયો કે મૂળ અમેરિકામાં જ જોવા મળતું આ પક્ષી બધાં સરકારી કાગળો પર તો મુદ્રિત હતું, પરંતુ દેશમાંથી એનું નામોનિશાન મટી રહ્યું હતું.
એક સમય એવો હતો જ્યારે આખા અમેરિકામાં બાલ્ડ ઈગલના અનેક માળા જોવા મળતા. ૧૮૦૦ની સાલના દસકાની જ વાત કરીએ તો લગભગ ૧ લાખ જેટલા બાલ્ડ ઈગલના માળા (ઘર) અમેરિકામાં હતા; પરંતુ ઝડપથી થતું રહેલું શહેરીકરણ, જંગલોની કાપણી અને માનવીય રહેણાકોના બાંધકામની સાથે શિકાર જેવાં કારણોને લીધે આ શિકારી પક્ષીની વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતો ગયો. આખરે એક સમય એવો આવી ગયો કે ૧૯૪૦માં તો અમેરિકાની સરકારે બાલ્ડ ઈગલ પ્રોટેક્શન ઍક્ટ નામનો કાયદો બનાવવો પડ્યો. આ કાયદામાં અમેરિકાની તત્કાલીન સરકારે સ્પષ્ટ કર્યું કે બાલ્ડ ઈગલને ઘરમાં પાળતુ પક્ષી તરીકે રાખવાની, એનો શિકાર કરવાની, એને વેચવાની કે ખરીદવાની કાયદા દ્વારા મનાઈ ફરમાવવામાં આવે છે; જો કોઈ પણ વ્યક્તિ આવું કરતાં પકડાયો તો તે દેશનો ગુનેગાર ગણાશે. સરકારને હતું કે આવો કાયદો બનાવવાથી કામ પૂર્ણ થઈ જશે, પરંતુ વાસ્તવમાં એવું નહોતું. આ બધાં સિવાય બીજાં પણ બે કારણો હતાં જે આ પક્ષીઓનું નિકંદન કાઢી રહ્યાં હતાં. એક હતું પેસ્ટિસાઇડ્સ જેવી દવાઓનો ખેતી વગેરેમાં વધુ પડતો ઉપયોગ જે બીજા વિશ્વયુદ્ધ બાદ મહત્તમ થવા માંડ્યો હતો, બીજું હતું પ્રદૂષણ. આ બન્ને કારણો બાલ્ડ ઈગલનો જીવ લઈ રહ્યાં હતાં. આખરે ૧૯૬૦ની સાલ આવતાં-આવતાં તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે બાલ્ડ ઈગલનાં માત્ર ૪૦૦ જોડાં જ જીવિત બચ્યાં હતાં. ૧૯૭૮ સુધીમાં તો આ મહાકાય પક્ષી લગભગ લુપ્ત થવાની અણી પર આવી ગયું હતું.
અમેરિકી સરકારે ત્વરિત નિર્ણય લીધો અને ૧૯૭૮ની સાલમાં જ બાલ્ડ ઈગલને લુપ્ત થઈ રહેલી પ્રજાતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યું, જેથી એમની સુરક્ષા માટે કડક પગલાં લઈ શકાય. આ સાથે જ ખેતી અને ખોરાકમાં પેસ્ટિસાઇડ્સના ઉપયોગ વિશેના નિયમો પણ બદલવામાં આવ્યા અને બાલ્ડ ઈગલને બચાવી લેવા માટેનાં બાકીનાં જરૂરી એવાં તમામ પગલાં પણ લેવામાં આવ્યાં. આખરે પરિણામ સકારાત્મક મળ્યું અને ૧૯૯૫ સુધીમાં આ પક્ષીઓની સંખ્યા ફરી એટલી થઈ ગઈ કે એને લુપ્ત થઈ રહેલી પ્રજાતિની યાદીમાંથી કાઢી નાખવું હવે યોગ્ય હતું. ૧૯૯૫માં યાદીમાં ફેરફાર થયો અને બાલ્ડ ઈગલ હવે અમેરિકામાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિ નહોતી.
બાલ્ડ ઈગલ રાષ્ટ્રીય પક્ષી અને કાયદો
અમેરિકાનું કહેવું છે કે ‘વિશ્વભરનાં દરેક અન્ય ઈગલ્સની જેમ જ અમેરિકાનું બાલ્ડ ઈગલ પણ તાકાત, સાહસ, સ્વતંત્રતા અને અમરતાનું પ્રતીક છે. વિશ્વભરમાં ભલે અનેક પ્રકારનાં ઈગલ્સ જોવા મળતાં હોય, પરંતુ અમને ગર્વ છે કે બાલ્ડ ઈગલ એ મૂળ અમેરિકાનું જ પક્ષી છે અને એ મૂળતઃ ઉત્તર અમેરિકાનું નિવાસી છે.’

બાલ્ડ ઈગલને અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકારવામાં આવવું જોઈએ અને એને કાયદા દ્વારા મંજૂરી મળવી જોઈએ એવો પ્રસ્તાવ અમેરિકાના મિનેસોટાના સાંસદો દ્વારા સરકાર સામે મૂકવામાં આવ્યો હતો. મિનેસોટાના સેનેટર ઍમી ક્લોબૂચરે કહ્યું કે આખા વિશ્વમાં બાલ્ડ ઈગલની સૌથી વધુ આબાદી જો કોઈ રાષ્ટ્રમાં હોય તો એ છે અમેરિકા. ૧૯૪૦માં આપણે એને સુરક્ષિત કરવા માટે સંરક્ષણનો કાયદો પણ બનાવવો પડ્યો હતો. એને કારણે આપણને સફળતા મળી અને ૨૦૦૯ સુધીમાં આ પક્ષીની વસ્તી ફરી એટલી થઈ ગઈ કે આજે આપણે ગર્વથી કહી શકીએ કે બાલ્ડ ઈગલ એક અમેરિકન પક્ષી છે.
અમેરિકાની સરકાર તરીકે જો બાઇડનના કાર્યકાળમાં લગભગ ૫૦ જેટલા નવા કાયદા કે સુધારણાઓ થયા છે જેમાનાં એક કાયદા પર આ ક્રિસમસની સાંજે બાઇડને હસ્તાક્ષર કર્યા અને એ કાયદો એટલે બાલ્ડ ઈગલને અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકેની મંજૂરી.


