પેરન્ટ્સને બાળકની સ્થિતિ વિશે જાણ કરી સ્કૂલમાં બોલાવવામાં આવ્યાં. પેરન્ટ્સ આવ્યા બાદ શિવાયને હૉસ્પિટલમાં લઈ જવાયો જ્યાં ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખાનગી સ્કૂલમાં ચાર વર્ષના એક બાળકનું મૃત્યુ થયું એવા સમાચાર આવ્યા છે. અખબારોમાં પ્રગટ થયેલા એ વિશેના અહેવાલો મુજબ સાડાત્રણ વર્ષનો શિવાય જયસ્વાલ સ્કૂલમાં રડતો હતો અને છાનો નહોતો રહેતો એટલે તેની શિક્ષિકાએ તેને તેના મોટા ભાઈના ક્લાસમાં બેસાડી દીધો. ત્યાં પણ શિવાયનું રડવાનું ચાલુ રહ્યું. એ ક્લાસમાં આવનારી એક અન્ય ટીચરે શિવાયને માર્યું. તે બેન્ચ પરથી પડી ગયો અને બેભાન થઈ ગયો. તેના પેરન્ટ્સને બાળકની સ્થિતિ વિશે જાણ કરી સ્કૂલમાં બોલાવવામાં આવ્યાં. પેરન્ટ્સ આવ્યા બાદ શિવાયને હૉસ્પિટલમાં લઈ જવાયો જ્યાં ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો.
આપણા દેશમાં વિદ્યાર્થીઓને આવી શારીરિક સજા કરવા પર પ્રતિબંધ છે અને ભારતીય ન્યાય સંહિતા દ્વારા આવી શિક્ષા ગુનો બને છે. એ ગુનો આચરનાર શિક્ષાને પાત્ર ઠરે છે. શિવાયના મૃત્યુ સંદર્ભે સ્કૂલની બે શિક્ષિકાઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સ્કૂલ તેમને બરતરફ કરશે એવા સમાચાર છે. પોલીસ તપાસ કરી રહી છે અને CCTV ફુટેજ ચકાસી રહી છે (એ ઘટનાના છટ્ઠા દિવસ સુધી આ સ્ટેટસ છે)! શિવાયના પિતા કલ્પાંત કરતાં-કરતાં કહે છે કે અમને ચૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પણ અમે ન્યાય મેળવીને રહીશું. તમારામાંથી મોટા ભાગના વાચકોએ આ સમાચાર કદાચ નહીં વાંચ્યા હોય! કારણ બિચ્ચારાં અખબારોને અને ટીવી ચૅનલોને બીજા કેટલા બધા મહત્ત્વના સમાચારો ચગાવવાના હોય છે.
ADVERTISEMENT
આ સમાચાર સાંભળીને અસ્વસ્થ થઈ જવાયું છે. મૅનેજમેન્ટ શિક્ષકોને નોકરી પર રાખતાં પહેલાં શિક્ષણપદ્ધતિ વિશેના પાયાના નિયમોથી પણ વાકેફ નથી કરતું? જોકે સ્કૂલોમાં નાનાં બાળકો સાથેના દુર્વ્યવહારનો આ કંઈ પહેલો કિસ્સો નથી, પરંતુ આવા કિસ્સાઓમાં ભોગ બનેલાને ન્યાય અને ગુનેગારોને સજા મળી હોય એવું રડ્યાખડ્યા કિસ્સાઓમાં બને છે. આ લખું છું ત્યારે થોડા દિવસ અગાઉ એક ફ્રેન્ડ સાથે થયેલી વાતચીત યાદ આવે છે. તેનો દીકરો નાનો હતો ત્યારે તેને નર્સરીમાં મૂકેલો અને પછી KGના ક્લાસ કર્યા. પરંતુ તે પહેલા ધોરણમાં આવ્યો એ પહેલાંથી દીકરાની સ્કૂલ બાબતે તેનું મંથન શરૂ થઈ ગયું હતું. એનું કારણ પૂછતાં તેણે કહેલું કે મારે મારા દીકરાને સ્કૂલજનિત સ્ટ્રેસથી મુરઝાવા નથી દેવો. અને તેને જોઈતી હતી એવી ઓપન સ્કૂલ તેને મળી ગઈ. વડોદરાના એક દંપતી દ્વારા સંચાલિત એ સ્કૂલમાં બોર્ડિંગમાં રહેતો તેનો બાર વર્ષનો દીકરો કૅમ્પસમાં કામ કરતાં-કરતાં ગણિત કે ભૂગોળ શીખે છે. રસોઈકામ હો કે સુથારીકામ, બધાં ટાબરિયાં ખુશી-ખુશી આ નોખી નિશાળમાં શીખે છે.
- તરુ મેઘાણી કજારિયા

