° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

વહાલાં બહેનો, યોગ કરવાથી તમે પાતળાં પણ થઈ શકો

04 March, 2021 10:41 AM IST | Mumbai | Ruchita Shah

વહાલાં બહેનો, યોગ કરવાથી તમે પાતળાં પણ થઈ શકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહિલાઓના જીવનમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સના ઘણા તબક્કા આવે છે. દરેક ઉંમર સાથે, દર મહિનાના અમુક દિવસોમાં, પ્રેગ્નન્સી અને મેનોપૉઝ

દરમ્યાન સતત બદલાતાં હૉર્મોન્સ તેની મેન્ટલ અને ફિઝિકલ સ્ટેટને સતત પડકારતા રહે છે. આ અવસ્થાને કઈ રીતે ટૅકલ કરવી?

સર્વેક્ષણો કહે છે કે યોગિક ઇન્ટરવેન્શન માસિક દરમ્યાન થતી તકલીફોને ઘટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. માત્ર એટલું જ નહીં, મેનોપૉઝ દરમ્યાન, પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી પછી થતી યોગની અસર, મહિલાઓની રીપ્રોડક્ટિવ સિસ્ટમને લગતી સમસ્યાઓ વગેરે પર પણ

ખાસ્સાં સર્વેક્ષણો થયાં છે અને દરેકમાં ઉપયોગી કહી શકાય એવું જ તારણ નીકળ્યું છે. હવે તો આપણે સૌ જાણીએ છીએ કે યોગ તમારા આખા અસ્તિત્વને પ્રભાવિત કરે છે. તમારા પંચ પ્રાણને, પંચ કોષને યોગિક પ્રૅક્ટિસથી પ્રભાવિત કરી શકાય છે. તો મહિલાઓમાં મોટેભાગે જેના માટે ખૂબ ચિંતિત હોય છે એે મોટાપાની અને માસિક ધર્મને લગતી સમસ્યાઓનું સમાધાન શું કામ યોગ પાસે ન હોય? હોય અને છે જ. આગળ કહ્યું એમ સર્વેક્ષણોની મહોર પણ એના પર લાગી છે. આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે અને ત્રણ દિવસ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આવી રહ્યો છે ત્યારે મોટાપો અને માસિક ધર્મને લગતી મહિલાઓના જીવનને સ્પર્શતી બે મુખ્ય સમસ્યા અંગે છેલ્લાં ત્રીસ વર્ષથી યોગ શીખવતાં યોગ નિષ્ણાત રીના જોશી સાથે આજે વાત કરીએ.

ઓબેસિટી

મોટા ભાગની દરેક મહિલાને એક સમસ્યા હંમેશાં રહી હોય છે કે તેમનું વજન વધી ગયું. રીના જોશી કહે છે, ‘આટલાં વર્ષથી યોગ શીખવું છું એમાં આ કૉમન ડાયલૉગ મેં ૯૫ ટકા મહિલાઓ પાસે સાંભળ્યો છે, મારું વજન વધી ગયું. તેમનામાં સ્વીકારભાવ નથી. ઓબેસિટીનું મુખ્ય કારણ છે મહિલા પોતાને પ્રેમ નથી કરતી. તેમને પોતાની જાતથી ઘણીબધી અપેક્ષાઓ છે જેમાંથી કેટલીક તો ગેરવાજબી છે. ઉંમરને કારણે શરીરમાં આવેલા અમુક ફેરફારો પ્રત્યેનું તેમનું રેઝિસ્ટન્સ તેમની તકલીફો વધારવાનું કામ કરે છે. મોટાપા સામે લડવાની શરૂઆત હંમેશાં પહેલાં તો જાતને જેવી છે એવી પ્રેમથી સ્વીકારવાના હકારાત્મક ભાવથી થવી જોઈએ.’

રીના જોશીની વાત તો સાચી જ છે. શું કામ તમારે પાતળી પરમાર દેખાવું જોઈએ? હું જેવી છું એવી પણ પોતાને ખૂબ ગમું છું એ વાક્ય હાસ્યાસ્પદ નથી, જેને કેટલાક લોકોએ બનાવી દીધું છે. તમને અંદાજ પણ નથી કે કારણ વગરના જાત પ્રત્યેના કેટલાક રેઝિસ્ટન્સ તમારા શરીરમાં કેમિકલ લોચા કરતા હોય છે. તમારાં હૉર્મોન્સને ડિસ્ટર્બ કરતા હોય છે. એક્સપર્ટના મતે પોતાનો તેના અસલી રૂપમાં હૅપી-હૅપી સ્વીકાર એ સ્વસ્થ થવાની દિશામાં પહેલું પગલું. હવે યોગમાં શું કરી શકાય એ વિશે રીના જોશીએ શૅર કરેલી વાતો પર ધ્યાન આપીએ.

આહાર

તમે જે પણ નાનપણથી ખાતા હતા એ બધુ જ ખાઓ એક મર્યાદા બાંધીને. લો કૅલરી તરીકે પૉપ્યુલર થયેલા કોઈ ફૅન્સી ફૂડ ખાવાની જરૂર નથી.

થોડું સમયસર ખાઓ.

સાંજના સમયે આથો આવેલી વસ્તુઓ નહીં ખાઓ, એ બધું જ સવારના ટાઇમે ખાઈ લો. જે શરીરને ડીટૉક્સિફાય કરવાનું કામ કરશે.

સૌથી ખરાબ આદત મેં મહિલાઓમાં એ જોઈ છે કે તેઓ છ વાગ્યે ઊઠી જાય, ઘરનાં બધાં કામ કરે પણ ત્યાં સુધી ભૂખ લાગી હોય તો પણ કામમાં જ સમય કાઢી નાખે અને નવ-દસ વાગ્યે નાસ્તો કરે. આ તમારી હેલ્થ માટે યોગ્ય નથી. સવારે ઊઠ્યા પછી દોઢેક કલાકમાં તમારા પેટમાં કંઈક જવું જોઈએ. હેવી બ્રેકફાસ્ટ ન કરો તો કમ સે કમ ફ્રૂટ્સ જ ખાઈ લો, પણ એ જવું જોઈએ.

સૌથી વધું મહત્ત્વનું, જે પણ ખાઓ એને એન્જૉય કરીને ખાઓ. ગિલ્ટી ફીલ કરીને ખાવાની જરૂર નથી.

અરેરે, મેં તો તળેલું ખાધું છે, હવે વજન વધશે એવું વિચાર્યા કરશો તો પાકું વજન વધશે.

આસન

ડાયનૅમિક અને સ્ટેટિક બન્ને આસનો કરો. ડાયનેમિક એટ‍લે એવાં આસનો જેમાં ઝડપ હોય. ધારો કે સૂર્યનમસ્કાર કરતા હો તો પાંચ મિનિટ સુધી સતત સૂર્યનમસ્કાર કરો અને એમાં થોડીક સ્પીડ હોય. સ્ટેટિક એટલે કે તમે જે પણ આસનો કરો એમાં થોડીક વાર માટે હોલ્ડ કરો. જેમ કે તાડાસન કરતા હો અને તમારી નૉર્મલ ક્ષમતા એક મિનિટ હોલ્ડ કરવાની હોય તો એને દોઢથી બે મિનિટ હોલ્ડ કરો. એ જ આસનમાં તમે જેટલો વધારાનો સમય રહ્યાં એ કૅલરી બર્ન કરવામાં મદદ કરશે.

શુદ્ધિ ક્રિયા અને પ્રાણાયામ

કપાલભાતિ અને વમન ધૌતિ વેઇટલૉસ માટે ઉપયોગી છે. પ્રાણાયામમાં ભસ્ત્રિકા, ઉજ્જયી, નાડીશુદ્ધિ અને ભ્રામરી આ ચારેય પ્રાણાયામ કરવાથી લાભ થશે. ભસ્ત્રિકા શરીરમાં હીટ જનરેટ કરે છે અને પ્યુરિફિકેશન કરે છે, ઉજ્જયી થાઇરૉઇડને ઉત્તેજિત કરે છે અને એની સીધી અસર મેટાબોલિઝમ પર પડે, નાડીશુદ્ધિ સંતુલન લાવે અને ભ્રામરી મનને શાંત કરે છે અને સ્ટ્રેસ હૉર્મોન્સમાં ઘટાડો કરે.

મુદ્રા

સૂર્યમુદ્રા, અપાન મુદ્રા, શિવલિંગ મુદ્રા અને અપાન વાયુ મુદ્રા વેઇટલૉસમાં હેલ્પ કરી શકે છે.

માસિક ધર્મની સમસ્યાઓ

માસિક વખતે થતી સમસ્યાઓમાં આજકાલ જે સામાન્ય જોવા મળી રહ્યું છે એનો ઉલ્લેખ કરતાં રીના જોશી કહે છે, ‘આપણી અંદર બે પ્રકારની એનર્જી છે, મસ્ક્યુલિન અને ફેમિનિન. જ્યારે ફેમિનિન એનર્જીનું પ્રમાણ ઘટે ત્યારે માસિક ધર્મ અને રીપ્રોડક્શનને લગતી સમસ્યાઓ આવે. આપણે ત્યાં આજે પણ પિરિયડ્સને ઘૃણા સાથે જોવાય છે. તમને લૂઝ મોશન થયા છે એવું તમે કહી શકો પણ આજે પિરિયડ્સને કારણે પેટ દુખે છે એવું કોઈને કહી ન શકે. શરમાય. શું કામ? જાતનો સ્ત્રી તરીકે સ્વીકારનો આ અભાવ જ ફેમિનિન એનર્જીમાં વિક્ષેપ ઊભો કરે છે. હું મણિપુરમાં હતી ત્યારે એક પ્રયોગ મેં ત્યાંના આદિવાસીઓમાં જોયો હતો. ફેમિનિન એનર્જી ડાર્કનેસને સિમ્બૉલાઇઝ્ડ કરે. આજે આપણે ડાર્કનેસમાં રહેવાનું ઓછું કરી દીધું છે. જેમ આપણે સૂર્યના તડકામાં એક્સપોઝ થઈને સનબાથ કરીએ છીએ એમ અંધારામાં સમય પસાર કરીને ડાર્કનેસને પણ અંદર એન્ટર થવા દેવી જોઈએ. એના માટે મણિપુરની બહેનોને એક બીજો પ્રયોગ કરતાં પણ જોઈ છે. ચાંદીના લોટામાં પાણી ભરવાનું અને એને એવી જગ્યાએ મૂકવાનું જ્યાં અંધારું હોય. પછી એ પાણી પીવાનું જે તમારી ફેમિનિન એનર્જીમાં વધારો કરે. સંપૂર્ણ અંધારામાં મેડિટેશન કરો. ફેમિનિન એનર્જી વધારવાથી બ્લીડિંગનો ફ્લો ઓછો થવો, ક્રેમ્પિંગ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે.’

હવે રીનાબહેન પાસેથી પ્રૅક્ટિસ વિશે જાણીએ.

આસનો

સુપ્તબદ્ધ કોણાસન બેસ્ટ આસન છે. એ સિવાય પગ પહોળા થાય અને એમાં સ્ટ્રેચ આવે એવાં આસનો આ દિવસોમાં કરી શકાય. મલાસનમાં બેસીને પાણી પીઓ. સૂક્ષ્મ વ્યાયામમાં આવે છે એ ઍન્કલ રોટેશનથી ઘણાને પિરિયડ્સના પેઇનમાં, કમરના દુખાવામાં ફાયદો થયો હોવાનું મેં ઑબ્ઝર્વ કર્યું છે. જોકે ઍન્કલ રોટેશન કરતી વખતે તમારી એડી ઊઠવી ન જોઈએ. એ રીતે કરો તો પગના અમુક મસલ્સ અને ખાસ તો ઘૂંટણના સ્નાયુઓને અદ્ભુત સ્ટ્રેચ મળે છે જે ઘણી સમસ્યામાં ઉપયોગી થઈ શકે છે.

શું ન કરવું? પેટ પર વજન આવે અથવા તો ઇન્વર્ઝન હોય એવાં આસનો ન કરવાં. આ દિવસોમાં વજન ન ઉપાડવું, ઓવર-એક્સર્શન ન કરવું.

પ્રાણાયામ

નાડીશુદ્ધિ પ્રાણાયામ, શીતલી, શીતકારી અને ચંદ્રભેદી પ્રાણાયામ આ દિવસોમાં કરવાથી ફાયદો થશે.

મુદ્રા

અપાન મુદ્રા જેમને ફ્લો ઓછો હોય તેઓ કરે તો અદ્ભુત પરિણામ મળશે. અપાનનું કામ શરીરનાં ટૉક્સિન્સને બહાર ફેંકવાનું છે. જોકે હેવી ફ્લોવાળાએ આ મુદ્રા અવૉઇડ કરવી. પિરિયડ્સના દિવસોમાં યોનિ મુદ્રા પણ ક્રૅમ્પ્સ ઓછા કરવામાં મદદ કરશે. શિવલિંગ મુદ્રા શરીરમાં એનર્જી વધારે છે એટલે હેવી ફ્લોવાળા આ મુદ્રા કરી શકે.

04 March, 2021 10:41 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK