Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૂઠને પડકાર કર

જૂઠને પડકાર કર

22 January, 2023 12:26 PM IST | Mumbai
Hiten Anandpara

જિંદગી આપણને કંઈક કરવા માટે મળી છે. શું કરવું એનો નિર્ણય કરવામાં અઢી દાયકા જતા રહે

જૂઠને પડકાર કર અર્ઝ કિયા હૈ

જૂઠને પડકાર કર


જિંદગી આપણને કંઈક કરવા માટે મળી છે. શું કરવું એનો નિર્ણય કરવામાં અઢી દાયકા જતા રહે. નિર્ણય કર્યા પછી સાકાર કરવામાં બીજા બેએક દાયકા સહેજે જોઈએ. એમાં જો ખોટી ગલીમાં ફંટાઈ ગયા તો બીજાં થોડાંક વર્ષો હોમવા પડે. કંઈક કરવું જ માત્ર અગત્યનું નથી, શું કરીએ છીએ એ પણ અગત્યનું છે. રઈશ મનીઆરની પંક્તિમાં આપણી અનેક અવસ્થાના ઉતાર-ચડાવ જોવા મળશે...

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું
ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું... નીકળ્યું



ખોટી માન્યતાઓ ઘર કરી બેસે પછી એને કાઢવી મુશ્કેલ બને. બિલાડી ઘરમાં મનપસંદ જગ્યાએ આસન જમાવે પછી એને ઉઠાડવાની કોશિશ કરો તો એ ધરાર મચક ન આપે. પાળેલી હોવાને કારણે જોરજુલમ ન જ થાય. ઘણી ઇચ્છાઓ આવી જ હોય છે. સુંવાળી હોય, ગમતી હોય એટલે પંપાળવાનું મન થયા કરે. બદલામાં આ ઇચ્છાઓ પોતાનું ધાર્યું કરાવી લે. ગની દહીંવાલા કહે છે...
ક્ષમા કર હે જગત! છે કર મહીં બેડી મહોબ્બતની
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો
ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું 
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો


પાકિસ્તાનના વડા પ્રધાને હમણાં એક મુલાકાતમાં ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂક્યો. આપણને એમ થાય કે અચાનક મિત્રતાની વાત કેમ છેડી? કશું અચાનક નથી. પાડોશી દેશમાં લોટનાં ફાંફાં છે. દેવાળું ફૂંકવા તરફ ગતિમાન છે. સૈન્ય પાછળ હાથી જેટલો ખર્ચ થાય છે અને પ્રજા પાછળ ઉંદરની પૂંછડી જેટલો. આ સ્થિતિ નહીં સુધરે તો વિદ્રોહની સંભાવના છે. એવામાં ભારત જો પીઓકે લેવાની તજવીજ કરે તો પાકિસ્તાન ખર્ચાના પહાડમાં દબાઈને ડૂચો થઈ જાય. પ્રજા તો હમણાંથી જ ત્રાહિમામ પોકારી ગઈ છે. લોટ માટે લૂંટાલૂંટ થાય છે. દિનેશ કાનાણીની પંક્તિઓ વાસ્તવિકતા દર્શાવે છે...
બે’ક સપનાં તો બધાને હોય, મારે પણ હતાં
ઘરમાં ઝઘડા તો બધાને હોય, મારે પણ હતા
શું કરીએ જિંદગી નાટક કરાવે છે સતત
એક-બે ચહેરા તો બધાને હોય, મારે પણ હતા

નાટ્યપ્રવૃત્તિ ભાષાના પ્રચાર-પ્રસાર માટે જરૂરી છે. મુંબઈમાં ભજવાતાં નાટકોમાં વચ્ચે એક હતાશ તબક્કો પસાર થઈ ગયો. એ ઉલ્લાસથી પૂરેપૂરો ભરાયો નથી છતાં ધીરે-ધીરે થાળે પડે એ જરૂરી છે. ભાઈદાસ સભાગૃહ બંધ થવાથી નાટ્યજગતને ગાલે સણસણતો તમાચો પડ્યો. વિલે પાર્લેમાં ધબકતી એક નાનકડી સંસ્કૃતિ જાણે વિલીન થઈ ગઈ. તાજેતરમાં મીરા રોડમાં લતા મંગેશકર સભાગૃહ ખુલ્લું મુકાયું એ જાણીને હાશ થઈ. દહિસરથી વિરારના પટ્ટામાં રહેતી નાટ્યરસિક પ્રજા માટે આ આશીર્વાદ ફળવા જોઈએ. જાતુશ જોશી કહે છે એવો વિરાગ સાહિત્ય અને કલાજગતને પાલવે એવો નથી...
દીવો બળ્યા કરે છે અંધારનો યુગોથી
એને હરખથી ભેટે એવો ઉજાસ ક્યાં છે?
જેની પ્રતીતિ પળમાં પાવન કરે છે સઘળું
વૈરાગ્યથી સવાયો એવો વિલાસ ક્યાં છે?


ભાઈદાસ સભાગૃહની બહાર ખેલૈયા નામે સુંદર કન્સેપ્ટ સાકાર થયો હતો જેમાં કલાકારો ભેગા થતા કલાજગત માટે આ પ્રકારનો મંચ એક યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ચાય પે ચર્ચામાંથી ઘણી વાર અસ્તવ્યસ્ત વિચારો સાર્થકતા પામે. કિરણકુમારસિંહ ચૌહાણ આની મહત્તા માંડે છે...  
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત?
એટલે એ રાત રોકાતો નથી
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત

સાહિત્ય અને કલાના સંવર્ધન માટે સતત આહુતિ આપવી પડે. આરોગ્ય અને શિક્ષણની જેમ આ બંને ક્ષેત્રોને પણ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી યંત્રણાની જરૂર છે. મળે તો સારું, ન મળે તોય કલાકારે ભીતરની ખોજ અને મોજ ચાલુ રાખવી પડશે. લક્ષ્મી ડોબરિયા વલણ વ્યક્ત કરે છે...
કાયમી રહેવાની જીદ કરતાં નથી
આ સ્મરણ બસ આવ-જા કરતાં રહે
સ્થિર છું ને ધીર છું... કહેતાં નથી
ઝાડવાં બસ, સાધના કરતાં રહે

લાસ્ટ લાઇન

સત્યને આધાર કર
જૂઠને પડકાર કર

છે જગત, એ બોલશે
ના કદી દરકાર કર

દર્દ, ગમ ને દુઃખનો
પ્રેમથી સત્કાર કર

હોય ખોટી વાત તો
તું સદા ઇનકાર કર

હોય ગમતી ધૂન તો
જાતને ફનકાર કર

મિત્ર સૌ બનશે સહજ
‘રાજ’નો સ્વીકાર કર

રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’
ગઝલસંગ્રહ : શબ્દની ક્યારી

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 12:26 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK