મુંબઈના રસ્તાનાં નામ અને નામના રસ્તા

અંગ્રેજ સૈનિકોની બૅરેક્સ
શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? ગુલાબને ગુલાબ કહો કે બીજા કોઈ નામે ઓળખાવો, શો ફરક પડે છે? તેમના જમાનામાં ગ્રેટ બ્રિટનમાં રસ્તાઓને નામ આપવાનો ચાલ હતો કે નહીં એ તો રામ જાણે પણ આજે તો તમે જ્યાં જવાનું હોય એ રસ્તાને બદલે કોઈ ભળતું જ નામ કહો તો તમે પેલા ગીતની પંક્તિ ગણગણતા થઈ જાઓ :
રાત-દિવસનો રસ્તો વ્હાલમ,
નહિ તો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો,
અમે કરીશું પ્રેમ
આજકાલ સાંભળવા મળે છે કે આજે દુનિયામાં જે છે એ બધું જ પ્રાચીન ભારતમાં હતું અને આજના કરતાં વધુ સારું અને સસ્તું હતું. એટલે એ જમાનામાં પણ શહેરના રસ્તા, ગલી, ચોક, વગેરેને નામ આપવાનો રિવાજ પણ હશે. અને એ નામો સોનાનાં પતરાં પર લખીને લટકાવતા હશે. પણ એનો એકે અવશેષ બચ્યો હોય એમ લાગતું નથી – સંસ્થાનવાદીઓના પ્રતાપે. આપણા આ મુંબઈ શહેરની જ વાત કરીએ તો જ્યારે સાત ટાપુ જુદા-જુદા હતા ત્યારે રસ્તાને નામ અપાતાં? પોર્ટુગીઝ શાસકોએ રસ્તાને નામ આપ્યાં હોય એમ લાગતું નથી અથવા એ વિશેની માહિતી સચવાઈ નથી.
પશ્ચિમમાં તો રસ્તાઓના નામનું આખું શાસ્ત્ર છે. રસ્તાના નામને ‘હોડોનિમ’ કહે છે. ગ્રીક ભાષામાં ‘હોડો’ એટલે રસ્તો અને ‘ઓનોમા’ એટલે નામ. અને એના શાસ્ત્રનું નામ છે ટોપોનાઇમિક્સ. ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે કે ‘ટોપોનાયમી’ શબ્દ ૧૮૭૬માં પહેલી વાર વપરાયો હતો. ત્યારથી ‘રોડ નેમ્સ’ જેવો સીધોસાદો શબ્દ વાપરવાને બદલે અભ્યાસીઓ ‘ટોપોનાયમી’ શબ્દ વાપરે છે. પણ આપણે તો ભાઈ, ‘રસ્તાનાં નામ’ એવો સીધોસાદો શબ્દ જ વાપરવાના. આપણે વળી ક્યાં પંડિત છીએ? અને થવુંય નથી પંડિત. કારણ કે કબીરસાહેબ કહી ગયા છે એમ पोथी पढ़ि पढ़ि जग मुआ, पंडित भया न कोय. એટલે આપણે માટે તો મુંબઈ માટેના ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’ જ પૂરતા છે.
કેટલાંક શહેરો રસ્તાને નામ આપવામાં માનતાં જ નથી. એને બદલે તેઓ બારાખડી અને આંકડાનો (કે બંનેનો) ઉપયોગ કરે છે. આપણે ત્યાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બે રાજ્યોનું પાટનગર ચંડીગઢ આના દાખલા છે. પણ આવાં શહેરો રાજકારણીઓ માટે વસૂકી ગયેલી ગાય જેવાં હોય છે, કારણ કે ત્યાં વખતોવખત નામ બદલતાં રહેવાની રમત તેઓ રમી શકતા નથી. આપણે ત્યાં નવા જન્મેલા બાળકનું નામ જન્મરાશિ પ્રમાણે પાડવાનો ચાલ છે. જોકે હવે એ લગભગ ઘસાઈ ગયો છે પણ રસ્તાનું નામ રાશિ પરથી પાડવાનો ચાલ ક્યારેય હોય એવું જાણ્યું નથી.
રસ્તાને નામ આપવા માટે સૌથી પહેલાં નજરે ચડે ભૌગોલિક કે કુદરતી લાક્ષણિકતા. જેમ કે વડાળા, ફણસવાડી, તાડવાડી, ખેતવાડી, મલબાર હિલ વગેરે નામો હજી આજેય લોકજીભે સચવાઈ રહ્યાં છે. આજે નથી જોવા મળતા ધોબી કે નથી ત્યાં તળાવ પણ ટૅક્સીવાળાને ‘ધોબી તળાવ’ કહેશો તો તરત લઈ જશે. એના બદલે ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક’ કહેશો તો પૂછશે : આ જગ્યા મુંબઈમાં આવી છે?
મુંબઈના રસ્તાઓને પહેલી વાર નામ અંગ્રેજોએ આપ્યાં. પોર્ટુગીઝ શાસન દરમ્યાન મુંબઈમાં રસ્તાઓને નામ અપાયાં હોય એવું જાણવા મળતું નથી. જોકે એ વખતે જેને નામ આપી શકાય એવા રસ્તા જ કદાચ મુંબઈમાં નહોતા. સાતે ટાપુ એકબીજાથી અલગ હતા એટલે હોડી કે વહાણ જ વાપરવાં પડતાં હોય. અંગ્રેજોએ જ્યારે મુંબઈના રસ્તાઓને નામ આપવાનું શરૂ કર્યું હશે ત્યારે તેમણે ફક્ત અંગ્રેજ અધિકારીઓ, ગવર્નરો વગેરેનાં નામ જ આપ્યાં એવું નથી. એક દાખલો: ક્રૉફર્ડ માર્કેટ અને પાયધુની વચ્ચેનો રસ્તો. આજે એનું જે નામ છે એ જ ૧૯મી સદીમાં પણ હતું : અબ્દુલ રહેમાન સ્ટ્રીટ. પહેલાં મનાતું કે પીર અબ્દુલ રહેમાનના નામ પરથી આ રસ્તાનું નામ પડ્યું છે. આ પીરની દરગાહ કલ્યાણ નજીક આવેલી છે અને મુંબઈમાં પણ ઘણા લોકો તેમનામાં શ્રદ્ધા ધરાવે છે. પછી કોઈએ કહ્યું કે ના, ના. આ નામ એ પીર પરથી નથી પડ્યું. એ તો પડ્યું છે અબ્દુલ રહેમાન નામના ઘોડાના એક મોટા વેપારીના નામ પરથી. ૧૯મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ ઘણા જાણીતા હતા પણ પછી એક સંશોધકે શોધી કાઢ્યું કે અઢારમી સદીમાં અબ્દુલ રહેમાન આ વિસ્તારના મોટા જમીનદાર હતા. અહીંની ઘણીખરી જમીન તેમની માલિકીની હતી. તેમના અવસાન પછી તેમની મોટા ભાગની જમીન સર જમશેદજી જીજીભાઈ, પહેલા બૅરોનેટે ખરીદી લીધી. ત્યારથી આ રસ્તાનો એક ભાગ ‘બાટલીવાલા મહોલ્લા’ તરીકે ઓળખાવા લાગ્યો, કારણ કે સર જમશેદજીની મૂળ અટક હતી ‘બાટલીવાલા’. તો આ રસ્તાનો બીજો એક ભાગ મચ્છી બજાર કે ફિશ માર્કેટ તરીકે ઓળખાતો. બીજો એક હિસ્સો બંગડી બજાર કહેવાતો તો એક હિસ્સામાં રંગારીઓની વસ્તી વધુ હતી એટલે એ ગલી રંગારી મહોલ્લા તરીકે જાણીતી થયેલી.
એ વખતે રસ્તાનાં નામ પારસીઓની અગિયારી પરથી પણ પડતાં. બોરા બજારથી મિન્ટ રોડ સુધીના રસ્તાનું નામ હતું અગિયારી લેન. એ રસ્તા પર આવેલી અગિયારીનું નામ માણેકજી શેઠ અગિયારી. માણેકજી નવરોજી શેઠે ૧૭૩૩માં એ અગિયારી બંધાવેલી. એ વરસના જૂન મહિનાની ૧૯મી તારીખે આ અગિયારી ‘પરઠાવવામાં’ આવી હતી. નવરોજી શેઠ એટલે નવરોજી હિલ તરીકે ઓળખાતી જગ્યાના માલિક. અસલ મકાનની જગ્યાએ ૧૮૯૧માં નવું મકાન બાંધવામાં આવ્યું. એ વરસના નવેમ્બરની પાંચમી તારીખે આ નવા મકાનનું ઉદ્ઘાટન થયું હતું.
કોળીઓની જેમ અગ્રી – કે અગરી - જાતિના લોકો મુંબઈના અસલ વતનીઓમાંના એક. તેમની વળી ત્રણ પેટા જાતિ. મીઠાના અગર પર મીઠું પકાવવાનું કામ કરનારા તે અસલ અગરી. તો બીજી જમાતના અગરીઓ ભાત કહેતાં ડાંગરની ખેતી કરે. તો ભાજી-પાલા અગરી શાકભાજી ઉગાડીને વેચવાનો ધંધો કરે. એમ મનાય છે કે આ અગરી જાતિના લોકોનાં સાત કુટુંબ ઈ. સ. ૧૨૯૪માં મુંબઈ આવીને વસ્યાં. આ અગરીઓ પરથી એક વિસ્તારનું નામ પડ્યું આગ્રીપાડા. આજ સુધી લોકજીભે આ નામ સચવાઈ રહ્યું છે. આ અગરીઓના પટેલ હતા હીરજી બાલાજી. એટલે કેટલાક આગ્રીપાડાને હીરજી બાલાજી પાડા તરીકે પણ ઓળખતા.
૧૯મી સદીમાં જ્યારે વાહનવ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે પણ ગુજરાત બાકીના મહારાષ્ટ્ર, કોંકણ વગેરે વિસ્તારો સાથે મુંબઈ ધીકતો ધંધો કરતું, દરિયાઈ માર્ગે. મુંબઈની ગોદીનો તથા એની આસપાસનો ઘણો વિસ્તાર પોર્ટ ટ્રસ્ટની માલિકીનો હતો. અને ધીકતા ધંધાને ધ્યાનમાં રાખીને પોર્ટ ટ્રસ્ટના સત્તાવાળાઓએ ઘણા રસ્તાનાં નામ અડોશ-પડોશનાં બંદરનાં રાખ્યાં હતાં. જેમ કે ઘોઘા સ્ટ્રીટ, મૅન્ગલોર સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ગોવા સ્ટ્રીટ વગેરે. તો બીજી એક માન્યતા એવી છે કે સાધારણ રીતે એક ગામથી મુંબઈ આવેલા લોકો એક જ વિસ્તારમાં સાથે રહેવાનું પસંદ કરતા. એટલે આવાં નામ. અમદાવાદ ભલે બંદર નથી, પણ પોર્ટ ટ્રસ્ટની મિલકત પરના એક રસ્તાનું નામ અમદાવાદ સ્ટ્રીટ હતું. અમદાવાદમાં ક્યારેય મુંબઈ માર્ગ હતો કે નહીં એની ખબર નથી.
આપણા મોટા ગજાના સર્જક સુરેશ દલાલ પોતાની કાવ્યયાત્રાને ઘણી વાર ખત્તર ગલીથી અત્તર ગલીની યાત્રા તરીકે ઓળખાવતા. આ બંને નામો કાલ્પનિક નથી, સાચાં છે. જીવનનાં શરૂઆતનાં ઘણાં વરસ સુરેશભાઈએ ખત્તર ગલ્લીના એક મકાનમાં વિતાવેલાં. ઠાકુરદ્વાર રોડથી કાંદાવાડી સુધીની એક ગલીનું નામ હતું ખત્તર ગલી અથવા ખત્તરયાળી લેન. અને અત્તર ગલ્લી નામ પ્રાસ મેળવવા ખાતર ઉપજાવી કાઢેલું નથી. પરેલ રોડથી ભીંડી બજાર જતી એક ગલીનું નામ અત્તર ગલી હતું, કારણ કે એ ગલી પર અત્તરિયાની દુકાનો આવી હતી. આજે તો સુગંધનાં સરનામાં અનેક થઈ ગયાં છે. મોટી-મોટી કંપનીઓ પરફ્યુમના ધંધામાં પડી છે પણ એક જમાનામાં ‘એની સુગંધનો દરિયો’ માણવો હોય તો આ અત્તર ગલી જવું પડે. ઘણીખરી દુકાનો મુસ્લિમ બિરાદરોની. કોઈ ઘરાક આવે એટલે બહુ નજાકતથી એક-એક બાટલી ઉઘાડી અત્તરની સુવાસ ફેલાવે. તો ઘરાક નક્કી ખરીદવા આવ્યો છે, ટાઇમ પાસ કરવા નહીં, એવી ખાતરી થાય તો અત્તરમાં બોળેલાં બે-ત્રણ પૂમડાં પણ આપે. સાથોસાથ એની જીભ એ દરેક અત્તરનાં ગુણગાન ગાતી જાય. હા, આજે આપણી ગલીના નામમાંથી ખત્તર અને અત્તર બંને ગાયબ થઈ ગયાં છે. મૂળ અરબી શબ્દ ‘ઈતર,’ એને આપણે બનાવ્યો ‘અત્તર.’
તો કોટ વિસ્તારની એક ગલીનું નામ હતું બીફ લેન. આજે તો હવે સરકારે બીફ પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ ત્યારેય હિંદુઓ તો ભાગ્યે જ એ ખાતા. પારસી બજારની પશ્ચિમે આવેલી બીફ સ્ટ્રીટના મુખ્ય ઘરાકો હતા બ્રિટિશ સૈનિકો. આ ગલીથી થોડે દૂર સૈનિકો માટેની બૅરેક્સ આવેલી હતી. તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે આ વિસ્તારમાં કેટલીક દુકાનો હતી. એ દુકાનની સામે મિલિટરી સ્ટોર્સ લેન આવેલી હતી. પણ બીજી બધી દુકાનો કરતાં બીફની દુકાન અલગ રાખવાનું જરૂરી હતું એટલે એ ગ્રેહામ્સ ઑફિસની બાજુમાં આવેલી હતી. તેની નજીકમાં પરણેલા સૈનિકો માટેની બૅરેક્સ હતી અને થોડે દૂર બીજા સૈનિકો માટેની બૅરેક્સ હતી. સૈનિકોને રોજિંદા ઉપયોગની વસ્તુઓ સહેલાઈથી મળી રહે એ હેતુથી સીધા-સામાનની બધી દુકાનો આ બૅરેક્સની નજીક રખાઈ હતી.
મુંબઈના રસ્તાઓનાં નામના રંગબેરંગી ઇતિહાસની બીજી થોડી વાતો હવે પછી.