‘આશાપુરા માના સોગન...’ કચ્છી ખત્રીએ માતાના મઢને તરત જ યાદ કર્યો, ‘તારું નામ ક્યાંય નહીં આવે અને ધારો કે આવે તો પણ તારે મારું નામ આપી દેવાનું...’
1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા
‘સાહેબ, આ ચોરી કહેવાય હોં...’ ટ્રકમાં રાશન ભરાતું હતું ત્યારે ઍરફોર્સના ડ્રાઇવરે ગોપાલ ખત્રીને કહ્યું, ‘કાલ સવારે ફરિયાદ થઈ તો મારું નામ આવવું ન જોઈએ.’
‘આશાપુરા માના સોગન...’ કચ્છી ખત્રીએ માતાના મઢને તરત જ યાદ કર્યો, ‘તારું નામ ક્યાંય નહીં આવે અને ધારો કે આવે તો પણ તારે મારું નામ આપી દેવાનું...’
ADVERTISEMENT
‘પણ...’
‘તું ચૂપચાપ હાથ ચલાવ, અત્યારે વાતો કરવાનો સમય નથી.’
રૅશનિંગની ત્રીજી દુકાનમાંથી માલ ભરતી વખતે બન્ને વચ્ચે આ વાર્તાલાપ થયો હતો અને ડ્રાઇવરે માલ ભરવાનું ફરી શરૂ કરી દીધું હતું.
માત્ર રૅશનિંગની દુકાન જ નહીં, કલેક્ટરના સેક્રેટરી ગોપાલે કરિયાણાંની બે દુકાનમાંથી પણ માલસામાન ભરી લીધો હતો અને માર્કેટિંગ યાર્ડમાં જઈને બટાટાની બોરીઓ પણ ઉપડાવી લીધી હતી.
‘થઈ ગયું...’
‘હા સાહેબ...’ ક્યારેય આવું કામ કર્યું નહોતું એટલે ઍરફોર્સના ડ્રાઇવરે દાઝમાં કહ્યું, ‘ચોરી થઈ ગઈ.’
‘ચોરી ક્યાં તું તારી દુકાનમાંથી કરે છે...’ ઍરફોર્સના ટેમ્પોમાં બેસતાં ગોપાલ ખત્રીએ કહ્યું, ‘આવી જા, ત્યાં ભાભી રાહ જુએ છે...’
આ એવી ચોરી હતી જેમાં ક્યાંય કોઈને દુઃખ નહોતું થવાનું કે ક્યાંય કોઈને શૉક નહોતો લાગવાનો. જો યુદ્ધ લંબાયું હોત તો આ બધું અનાજ બગડવાનું જ હતું અને એ ફેંકવાનો વારો આવ્યો હોત અને જો એવું ન થયું હોત તો...
lll
ઍરબેઝ પર પાછા આવ્યા પછી સૌથી પહેલું કામ શાકભાજી અને અનાજ ઉતારવાનું થયું હતું અને ઉમા ગોપાલસ્વામીએ તરત કામ શરૂ કરી દીધું હતું. માલ ઉતારીને ગોપાલ ખત્રી રવાના થતો હતો ત્યાં જ ઉમાએ તેને રોક્યો...
‘સબ કુછ લે આએ પર સ્પાઇસિસ...’ ગોપાલને સમજાયું નહીં એ તેના ચહેરા પરથી જ સમજીને ઉમાએ કહ્યું, ‘વો ક્યા કહતે હૈ? હલ્દી, મિર્ચી પાઉડર... વો સબ કુછ?’
‘મૅડમ, મૈં તો નહીં જાનેવાલા...’
‘ક્યૂં...’
સવાલ ગોપાલની પીઠ પાછળથી આવ્યો એટલે ગોપાલ ઝાટકા સાથે પાછળ ફર્યો. કલેક્ટર ઊભા હતા.
‘ક્યૂં નહીં જાનેવાલે ભાઈ...’ ગોપાલસ્વામી નજીક આવ્યા, ‘યા તો આપ યહાં સંભાલો તો મૈં ચલા જાઉં, યા તો આપ...’
‘સર, વો ઍરફોર્સ કા ડ્રાઇવર ઝ્યાદા કચકચ કરતા હૈ...’ ખત્રીએ કહ્યું, ‘તેને એમ છે કે લઈ આવવામાં જો કોઈ અમને પકડશે તો...’
‘અલ્યાવ, શું લેવા જાવાનું છે?!’ અધૂરી વાતે દાખલ થયેલા માધાપરના મુખી માવજી ડોસાએ તમાકુ ચોળતાં-ચોળતાં ગોપાલસ્વામીની સામે જોયું, ‘આ બુઢિયો બીજા કોઈ કામમાં તો લાગવાનો નથી તો પછી ઢાંકોઢૂંબો કરવામાં તેની મદદની જરૂર હોય તો કે’જો બાપલા...’
‘મુખી, આ મારા સેક્રેટરી હોવા...’ કલેક્ટરે કહ્યું, ‘ઉમાને બધાની રસોઈ માટે થોડા મસાલાની જરૂર. જો તમે તેની સાથે...’
‘ફટફટી આવડે આને તો...’ માવજી ડોસાએ ખત્રી સામે જોયું, ‘હાયલ, નીકળી જાય, ઘડીકમાં આવી જાશું પાછા...’
હવે નકારનો કોઈ અર્થ હતો નહીં એટલે ગોપાલ ખત્રીએ પગ ઉપાડ્યા અને ઉમા ગોપાલસ્વામી કામે લાગી. જોકે તે હજી બે ડગલાં પણ આગળ વધે એ પહેલાં તો માવજી ડોસાનો અવાજ આવ્યો...
‘એ સાયબ, વાસણ મગાયવાં છે, થોડીક વારમાં આવી જાય છે...’
‘હું પણ એ જ પૂછવાની હતી અંકલ...’ જવાબ ઉમાએ આપ્યો, ‘કંઈ વાંધો નહીં, અડધો કલાક એની જરૂર નથી પડવાની...’
‘જય મા આશાપુરા...’
ડોસાએ બે હાથ જોડ્યા અને ત્યાંથી રવાના થયા.
lll
ઍરબેઝનો એ જે કૅમ્પ હતો એ કૅમ્પના જ એક રૂમમાં કિચન બનાવવામાં આવ્યું હતું. બળતણ તરીકે હવે લાકડાં વાપરવાનાં હતાં અને એની જોગવાઈ ઑલરેડી પહેલેથી થઈ ગઈ હતી તો માધાપરથી આવેલી અમુક મહિલાઓને અહીં કામ માટે બેસાડી દેવામાં આવી હતી. અફકોર્સ તે આવી હતી રનવેના કામમાં મદદરૂપ થવા, પણ હજી રનવેનું કામ શરૂ થયું નહોતું એટલે તેમણે પણ હોંશે-હોંશે ઉમા ગોપાલસ્વામીને હેલ્પ કરવાનું શરૂ કરી દીધું હતું.
lll
ઓ રાખનાં રમકડાં,
મારી માએ રમતાં રાખ્યાં રે...
મૃત્યુલોકની માટીમાંથી
માનવ થઈને ભાખ્યાં રે...
દૂરથી માધવનો અવાજ ગુંજતો આખા ઍરપોર્ટને પોતાની બાંહોમાં લેતો હતો. ગોપાલસ્વામીના કાને શબ્દો પડ્યા અને તે બહાર આવ્યા. માધવના અવાજમાં રહેલા શૌર્ય અને એ શૌર્યમાં છુપાયેલી નક્કર મર્દાનગી ગોપાલસ્વામીને અજાણતાં જ ગમવા કે પછી પોતાની લાગવા માંડી હતી.
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને, એકબીજાને ભાંડે રે...
ઓ રાખનાં રમકડાં,
મારી માએ રમતાં રાખ્યાં રે...
ઍરફોર્સના રનવે પર પડેલા માથાસમાણા ખાડામાંથી બહાર આવી ગયેલો માધવ એક ઝાડ નીચે બેઠો હતો. કપડાંની પરવા કર્યા વિના ખાડામાં ઊતરી ગયેલા માધવનાં સફેદ કપડાંનો અમુક ભાગ કાળોભમ્મર થઈ ગયો હતો. ઘૂંટણભેર જમીન પર બેસીને ગીત લલકારતા માધવના ચહેરા પર પણ માટી ચોંટી હતી અને વાળ પણ માટીને કારણે ભૂખરા થઈ ગયા હતા.
માધવના અવાજ વચ્ચે જાણે કે રેડિયોની ઘરરાટી ઉમેરાઈ હોય એમ અચાનક જ આકાશમાંથી ઘરરાટી સંભળાવી શરૂ થઈ અને ગોપાલસ્વામીનું ધ્યાન ઉપરની દિશામાં ગયું.
આકાશમાં દૂરથી આવતાં ફાઇટર પ્લેન ખાસ્સા દૂર હતાં, પણ એમની દિશા ભુજ તરફની હતી. ગોપાલસ્વામીના શરીરમાં હરકત આવી ગઈ.
ઍરપોર્ટના બહારના ભાગમાં ઊભેલા સૌકોઈની તરફ તે ભાગ્યા...
‘સબ અંદર... જલ્દી...’
પાકિસ્તાની ફાઇટર પ્લેનનો અવાજ તે સૌએ પણ સાંભળ્યો હતો.
ભાગતા સૌ અંદરની તરફ ગયા એટલે તરત જ ગોપાલસ્વામીએ રનવે તરફ જોયું.
રનવે પાસે ઊભેલી મહિલાઓ અને ઍરફોર્સ ઑફિસરો પણ હરકતમાં આવી ગયાં હતાં. તેમના પગમાં ઉતાવળ ઉમેરાઈ ગઈ હતી. કુંદન, સંતોકબહેન, કુસુમ, શ્યામ અને અન્ય સૌ ઍરબેઝ કૅમ્પ તરફ દોડતાં આવતાં હતાં તો રનવે પાસે પાર્ક કરેલાં વાહનોમાં ઍરફોર્સ ઑફિસરો ચડી ગયા હતા અને એ વાહનોનાં પૈડાં ફરતાં થઈ ગયાં હતાં.
ઍરપોર્ટ તરફ આગળ વધતાં ફાઇટર પ્લેન અને રનવે પાસે રહેલાં વાહનોની સ્પીડ લગભગ સમાન હતી. ફરક માત્ર એટલો હતો કે આવતાં ફાઇટર પ્લેન ઍરપોર્ટ તરફ પ્રયાણ કરતાં હતાં, જ્યારે એ વાહનો રનવે તરફથી દૂર જતાં હતાં.
એકથી દોઢ મિનિટમાં આખા ઍરપોર્ટ પર સન્નાટો પ્રસરી ગયો.
સિવાય એક વ્યક્તિના વર્તનમાં.
ફાઇટર પ્લેનના અવાજે માધવનું ધ્યાન તો એ દિશા તરફ ખેંચ્યું જ હતું, પણ તેના ગીતની લય અને સૂરમાં સહેજ પણ થડકો વર્તાતો નહોતો.
હે કાચી માટીની કાયામાંથી, માયા કેરા રંગ લાગ્યા
ઢીંગલા-ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે...
ઓ રાખનાં રમકડાં,
રાખનાં રમકડાં... મારી માએ રમતાં રાખ્યાં રે...
માથા પરથી ઊડતાં એ ચાર ફાઇટર પ્લેન ઍરપોર્ટ પરથી પસાર થયાં અને પછી તરત જ એમણે યુ-ટર્ન લીધો અને ફરી ઍરપોર્ટ પર આવ્યાં.
પહેલો, બીજો...
બે રાઉન્ડ ઍરપોર્ટ પર માર્યા પછી પણ એ પ્લેન જવાનું નામ ન લેતાં હોય એમ આકાશમાં ફરતાં રહ્યાં.
‘ફિસ...’
વિજય કર્ણિકનું ધ્યાન રનવે પર પડેલી એક વસ્તુ પર ગયું અને તેમની આંખો ત્યાં જડાઈ ગઈ.
‘ધેય હૅવ ડાઉટ...’ કર્ણિકે બાજુમાં ઊભેલા સાથી ઑફિસરને કહ્યું, ‘ઉસી કારન વો વહાં સે હટ નહીં રહે...’
‘સ્ટીલ કા ડિબ્બા ના...’
કર્ણિકે માત્ર ગરદન હલાવી.
રનવેની રેતી બહાર કાઢવા માટે કુંદને તેલ ભરવા માટે વપરાતા લોખંડના ડબ્બાની બહારની ભાગ પર કલાઈ કરી હોવાને લીધે એ દૂરથી સ્ટીલ જેવો લાગતો હતો. એ ડબ્બા પર સૂર્યપ્રકાશ પડતો હોવાથી એની ચમક અનેકગણી વધી ગઈ હતી.
કર્ણિક સમજી ગયા હતા કે પાકિસ્તાની ઍરફોર્સ એ ડબ્બાની ચમકને કારણે અટકી છે. બની શકે કે ફાઇટર પ્લેનમાં રહેલા અધિકારીઓએ ધારણા માંડી હોય કે એ કોઈ ડિકોડર હોય અને એનાથી મોટો બ્લાસ્ટ થઈ શકતો હોય.
જો એવી ધારણા માંડે તો નક્કી કે પાકિસ્તાન ઍરફોર્સ સહેજ પણ ભૂલ કર્યા વિના નવેસરથી અટૅક કરે અને જો એવું બને તો આ વખતે અટૅક વધારે આકરો પણ હોઈ શકે.
‘ફિસ...’
એ ડબ્બો ત્યાંથી હટે એ બેહદ જરૂરી હતું. જો પાકિસ્તાનની નજરમાં ન ચડવું હોય, જો પાકિસ્તાની ઍરફોર્સ નવેસરથી હુમલો કરે એવું પણ ન થવા દેવું હોય તો પહેલું કામ એ કરવું પડે કે એ ડબ્બો ત્યાંથી હટે. જોકે એને ત્યાંથી હટાવવા માટે હરકતમાં આવવું પડે. જો એ હરકત પાકિસ્તાની ઍરફોર્સની નજરમાં આવે તો નિશ્ચિતપણે એ હુમલો કર્યા વિના રહે નહીં.
હવે... હવે કરવું શું?
કર્ણિકના મનમાં વિચારો ચાલતા હતા અને તેમની આંખો આકાશમાં લહેરાતાં ફાઇટર પ્લેનો તરફ હતી. જો એ પ્લેન રનવે પરથી હટે અને દૂર જાય તો પોતે એ ડબ્બો લઈને પાછા આવી શકે.
કર્ણિકના મનમાં કૅલ્ક્યુલેશન પણ શરૂ થઈ ગયું.
ઍરબેઝના બિલ્ડિંગથી રનવે બારસો મીટર દૂર હતો, જે અંતર કાપવામાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડ થવાની હતી. જોકે આ ત્રીસ સેકન્ડ બહુ વધારે પડતી હતી. જો પોતે દસ સેકન્ડમાં આ કામ પતાવીને...
ધબાંગ...
અચાનક અવાજ આવ્યો. અવાજ રનવે પાસેથી આવ્યો હતો. કર્ણિકે અવાજની દિશામાં જોયું. હવે ત્યાં ડબ્બો નહોતો.
સૂર્યપ્રકાશ વચ્ચે ઝગારા મારતો ડબ્બો અચાનક ક્યાં ગયો?
પોતે કંઈ સમજે કે કહે એ પહેલાં તો થોડે દૂર આવેલા ઍરપોર્ટના બિલ્ડિંગમાં ઊભેલી મહિલાઓ અને અન્ય લોકોએ તાળીઓના ગડગડાટથી આખું ઍરપોર્ટ ગજવી નાખ્યું. તાળીઓના એ અવાજ વચ્ચે કર્ણિકે તારણ માંડવાની દિશામાં વિચાર્યું હોત, પણ મોત હજી માથા પર મંડરાતું હતું અને આકાશમાં લહેરાતાં એ ચાર ફાઇટર પ્લેનને દૂર કરવાનાં હતાં.
‘રેડી ફૉર અટૅક...’
કર્ણિક હરકતમાં આવ્યા. હવે તેમને રનવે પાસે પડેલા અને ચળકતા પેલા ડબ્બાની ફિકર નહોતી.
‘ગ્રાઉન્ડ સ્ટાફ...’ કર્ણિકે ઑર્ડર કર્યો, ‘ગ્રીન વૉર વિથ મિનિમમ ટૂ ટાર્ગેટ...’
ગ્રાઉન્ડ સ્ટાફની એક વ્યક્તિ ટ્રક પર જોડવામાં આવેલા રૉકેટ લૉન્ચરની આગેવાની લઈ ચૂકી હતી.
‘અટૅક મોડ ઑન...’
‘બી રેડી...’ કર્ણિકે કાઉન્ટિંગ સ્ટાર્ટ કર્યું, ‘થ્રી...’
ત્રણ કહેતાંની સાથે જ રૉકેટ લૉન્ચરમાં મિસાઇલને ઉપર લાવવામાં આવ્યું.
‘ટૂ...’
લૉન્ચરને ઑન કરવામાં આવ્યું. હવે એક જ કળ દબાવવાની હતી.
‘વન...’
અને એકસાથે બે પ્રક્રિયા બની.
પહેલી, ભુજ ઍરપોર્ટ પર આવી ગયેલાં ચારેચાર ફાઇટર પ્લેને દિશા બદલી અને ઍરપોર્ટનું આકાશ છોડી દીધું અને બીજી, રૉકેટ લૉન્ચરમાંથી મિસાઇલ છૂટ્યું.
સનનન...
૧૪૦ કિલોમીટરની ઝડપે લૉન્ચરમાંથી નીકળેલા મિસાઇલની દિશામાંથી બહાર નીકળી ગયેલાં ચારમાંથી ત્રણ ફાઇટર પ્લેન આગળ નીકળી ગયાં, પણ પાછળ રહેલા ચોથા પ્લેનની પૂંછડીના ભાગને ટાર્ગેટ બનાવવાનું મિસાઇલ ચૂક્યું નહીં. પાકિસ્તાની ઍરફોર્સના એ પ્લેને સહેજ હવામાં જ ગોથું ખાધું, પણ કાબેલ પાઇલેટે તરત જ પ્લેન પર ફરીથી કબજો લઈ લીધો અને ફાઇટરને પાકિસ્તાનની દિશામાં ખેંચી લીધું.
થોડી ક્ષણોમાં આકાશ ફરી શાંત થયું.
ત્યાં હાજર રહેલા કોઈને ખબર નહોતી પડી કે જે ટાર્ગેટ પર આવ્યું હતું એ ફાઇટર પ્લેનમાં આગ લાગી ચૂકી હતી અને પાકિસ્તાની રણવિસ્તારમાં એ ધરાશાયી થવાનું હતું. એ જ રણવિસ્તારમાં જ્યાં રણછોડ પગીએ એકલા હાથે પાકિસ્તાની આર્મીને ધરમધક્કે ચડાવી હતી.
lll
‘અરે તું...’
ફાઇટર પ્લેન રવાના થયા પછી સૌથી પહેલાં દોડતા રનવે પાસે આવેલા વિજય કર્ણિકે રનવે પર પડેલા ખાડામાં જોયું. અંદર માધવ હતો. માધવ ટૂંટિયું વાળીને એવી
રીતે પડ્યો હતો જાણે તેણે પોતાના પેટના ભાગે કંઈ સંતાડીને રાખ્યું
હોય.
‘ક્યા હૂઆ...’
‘કાંય નઈ, તમે જાવ...’ માધવે ઉપર પણ જોયું નહીં, ‘નીકળો આંયથી...’
‘માધવ...’ કર્ણિકની પાછળ કુંદન પણ આવી ગઈ હતી, ‘ગ્યા એ પ્લેન, ઉપર જો...’
માધવે ઉપર જોઈને સીધી આકાશમાં નજર કરી.
‘હા, ગ્યા હોં...’
માધવ ઊભો થયો ત્યારે કર્ણિકે જોયું કે પેલો લોખંડનો ઝગારા મારતો ડબ્બો તેણે પોતાના પેટભરી સંતાડી દીધો હતો.
‘યે ડિબ્બા...’
કર્ણિક વધારે કંઈ પૂછે એ પહેલાં ગોપાલસ્વામીએ આખી ઘટના કહી.
‘ડબ્બો જે રીતે ચમકતો હતો એ જોઈને અમને લાગ્યું કે એ હેરાન કરી દેશે. મેં કુંદનને કહ્યું કે અત્યારે એ ભલે ત્યાં રહ્યો, પણ હવે આ રીતે ચળકાટ મારે એવી કોઈ વસ્તુ વાપરતા નહીં, બધાના જીવ પર જોખમ આવશે...’ ગોપાલસ્વામીએ કુંદન સામે જોયું, ‘કુંદને માધવ સામે જોયું અને કંઈક ઇશારાથી વાત કરી કે તરત માધવ ઝાડ નીચેથી ઊભો થઈને દોડતો ગયો અને ડબ્બાની સાથે તેણે ખાડામાં ઝંપલાવી દીધું.’
‘અમે પણ એ જ ટેન્શનમાં હતાં કે ક્યાંક આ ડબ્બાને કારણે ફાઇટર પ્લેન અહીં નવેસરથી અટૅક ન કરે...’ કર્ણિકે માધવ સામે જોયું, ‘બ્રેવો બૉય... હૅટ્સ ઑફ.’
‘ઈ બધુંય પછે, પે’લા મને ક્યો કે હજી અંદર રઉં કે આવી જાવ બાર?’ માધવે આજુબાજુમાં જોયું, ‘રેવાનું હોય તોય વાંધો નથી. ટાઢક બોવ છે અંદર...’
ટેન્શનના વાતાવરણ વચ્ચે પણ માધવના આ શબ્દોએ બધાના મોઢા પર સ્માઇલ લાવી દીધું.
‘આવી જા ઉપર...’ કુંદને માધવને કહ્યું, ‘હવે બધાએ કામે લાગવાનું છે... આવ ફટાફટ ઉપર...’
દોરી બાંધેલો ડબ્બો માધવે ગળામાં વીંટ્યો અને પછી પોતાના બન્ને હાથ રેતીની દીવાલ પર જડી પગને એ દીવાલ પર ભેરવ્યા.
અંત-અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી ગઈ
તનડા ને મનડાની વાતો, મનની મનમાં રહી ગઈ
ઓ રાખનાં રમકડાં,
રાખનાં રમકડાં... મારી માએ રમતાં રાખ્યાં રે...
વધુ આવતા રવિવારે


