Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 30)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 30)

26 February, 2023 03:21 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘જો એક મિનિટમાં તું અંદર નથી આવી તો યાદ રાખજે... આ ઘરના દરવાજા હું કાયમ માટે બંધ કરી દઈશ...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 30

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 30


‘જો એક મિનિટમાં તું અંદર નથી આવી તો યાદ રાખજે... આ ઘરના દરવાજા હું કાયમ માટે બંધ કરી દઈશ...’
પતિના આદેશ સાથે લોકોના ટોળા વચ્ચેથી રવાના થયેલાં સંતોકબહેન ઘરની તરફ આગળ વધ્યાં અને ઘર પાસે પહોંચીને તેમણે દરવાજો ઝટકા સાથે બંધ કર્યો.
ધડામ...
બંધ થતા દરવાજાના અવાજ સાથે જ સૌકોઈની આંખો પહોળી થઈ અને આંખને દેખાયેલા દૃશ્ય સાથે પહોળી થયેલી એ આંખોમાં તાજુબ ઉમેરાયું.
સંતોકબહેને દરવાજો બંધ કરી દીધો હતો બહારથી.
હા, આંગણે પહોંચીને તેમણે જાતે જ પોતાના ઘરનો દરવાજો બંધ કરીને એના પર આગળિયો પણ એવી રીતે ચડાવ્યો જાણે કે પતિને જવાબ આપતાં હોય કે તમે શું મારા માટે દરવાજો બંધ કરવાના, તમારા આ ઘરનો દરવાજો હું જ મારા માટે બંધ કરું છું...
સૌકોઈ સંતોકબહેનને જોતાં રહી ગયા અને દરવાજો બંધ કરીને સંતોકબહેને ફરી કુંદન અને તેના સાથીઓ તરફ પગ ઉપાડ્યા. 
ઘર તરફ જતી વખતે સંતોકબહેનની ચાલમાં વેગ નહોતો, પણ ફરી સૌ પાસે આવતી વખતે તેમની ચાલમાં ઉત્સાહ સ્પષ્ટ રીતે વર્તાતો હતો. બારીમાંથી સંતોકબહેનનો વર પોતાની બૈરીને દૂર જતી જોઈ રહ્યો. બંધ થયેલા ઘરના દરવાજાએ તેને જવાબ આપી દીધો હતો.
‘ઊઘડેલી આંખ કાયમ માટે બંધ થાય એ પહેલાં જો તમારા બધાયની કામે આવી શકું તો...’ સંતોકબહેનની આંખમાં આંસુ હતાં, ‘બીજા કોઈની નઈ, મારી પોતાની ઉપકારી રઈશ...’
કુંદને પ્રેમથી બે હાથ લંબાવ્યા અને માથી પણ મોટી ઉંમરનાં સંતોકબહેન એ બન્ને હાથોમાં સમાઈ ગયાં. પતિના શબ્દોને તેમણે પહેલી વાર ઉથાપ્યા હતા એ વાતનો વસવસો પણ મનમાં હતો તો પહેલી વાર હૈયાએ આપેલી હામનો ઉત્સાહ પણ તેમના મનમાં ઉછાળા ભરતો હતો.
lll
લોંગેવાલ બૉર્ડર પર ટેન્શન વધવા માંડ્યું હતું. 
ખબરીઓ પાસેથી એકધારા સમાચાર આવતા હતા કે પાકિસ્તાની સેના આગળ વધી રહી છે. આવનારા સમાચારો ભારતીય સેનાના ઉત્સાહને તોડવાને બદલે વધારે ને વધારે બેવડાવવાનું કામ કરતા હતા.
ઍરફોર્સના વિંગ કમાન્ડર ઍન્ડી બાજવાએ હજી બે દિવસ પહેલાં જ ફ્લાઇંગ એક્સરસાઇઝ કરી હતી. માત્ર અઢી મિનિટમાં ૧૪૦ મિનિટની રેન્જ પર પહોંચી ગયેલા મિગ સાથે પાછા આવેલા બાજવાએ રિટર્ન થયા પછી સૌથી પહેલું સૂચન ટીમને કર્યું હતું...
‘નેવર ટેક ઇટ લાઇટલી... સ્પોર્ટ્સનો એક નિયમ છે કે જેટલો પરસેવો પ્રૅક્ટિસ વખતે વધારે વહાવો એટલી જ મૅચ વખતે ઓછી હેરાનગતિ થાય.’ બાજવાએ આખી ટીમ સામે જોઈને યુદ્ધનો થમ્બ-રૂલ સમજાવ્યો, ‘યુદ્ધમાં આ જ વાત જુદી રીતે જોવાની હોય. જેટલો પરસેવો આપણે ફ્લાઇંગ એક્સરસાઇઝમાં વહાવીશું એટલું ઓછું લોહી યુદ્ધ દરમ્યાન આપણું વહેશે...’
પણ પરસેવો વહે એ પહેલાં જ લોહી વહે એવો સમય આવી ગયો હતો.
પાકિસ્તાને કરેલી ઍરસ્ટ્રાઇકમાં રાજસ્થાનમાં આવેલી તમામ ઍરસ્ટ્રિપ ખતમ થઈ ગઈ હતી. બૉમ્બાર્ડિંગ પછી નવેસરથી કામ તરત જ શરૂ કરવામાં આવ્યું હતું, પણ શરૂ થયેલા એ કામનો અંદાજ પાકિસ્તાનને પહેલેથી હતો જ અને એટલે જ સ્ટ્રૅટેજી એ પ્રકારની હતી કે પટકાયેલું ભારત ફરી ઊભું થવા મથે એ પહેલાં જ એના પર નવેસરથી હુમલો કરવો અને ભારતને ઊભા થવાની તક ન આપવી.
સ્ટ્રૅટેજી બનતી હતી એ સમયે એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
lll
‘બૉમ્બાર્ડિંગ પછી છથી આઠ કલાકે નવેસરથી અટૅક કરવાને બદલે આપણે સ્ટ્રૅટેજી ચેન્જ કરીને આર્મીને આગળ કરવી જોઈએ...’
ભુટ્ટોના તર્કને ખારીજ કરતાં યાહ્યા ખાને સમજાવ્યું હતું...
‘યે હિન્દુસ્તાન હૈ જનાબ... હર બાત પે આગે રહના ઉનકા સ્વભાવ હૈ...’ યાહ્યા ખાનની વાતમાં તથ્ય હતું, ‘દરેક ઍરબેઝ પર એ લોકોએ ઍરસ્ટ્રિપના નાના-મોટા રિપેરિંગની સામગ્રી રાખી જ હશે. પહેલા અટૅક પછી તરત એ લોકોનું રિપેરિંગ શરૂ થઈ જશે. એ રિપેરિંગનું કામ ચારથી છ કલાકમાં જ્યાં પણ પહોંચ્યું હશે ત્યાં આપણી સાઇડથી ફરીથી અટૅક થશે જેનો સૌથી મોટો ફાયદો એ થશે કે એ લોકો પાસે હશે એ રૉ-મટીરિયલ ખતમ થઈ જશે અને કાફરો લાચાર થઈ જશે...’
‘ઇન્સાલ્લાહ, એ લાચારીનો લાભ આપણી સેના લેશે... અને આપણે...’
ભુટ્ટોની વાત યાહ્યા ખાને પૂરી કરી...
‘શામ કી દાવત દિલ્હી મેં કરેંગે...’
અલબત્ત, આ જે સાંજની દાવતનું સપનું હતું એ છેલ્લા ૭૨ કલાકથી તો પૂરું નહોતું થઈ રહ્યું અને એની માનસિક તૈયારી પણ પાકિસ્તાનની હતી. એ જ તૈયારીના અંતિમ ભાગરૂપે જ હવે આર્મી દ્વારા હિન્દુસ્તાન પર અટૅકની તૈયારીઓ ચાલુ કરવામાં આવી હતી. 
lll
એ જ સાંજની મીટિંગમાં પ્રશ્ન આવ્યો હતો. 
‘હમ સિર્ફ રાજસ્થાન ઔર ગુજરાત બૉર્ડર સે હી ક્યૂં એન્ટર હોંગે? હમારે પાસ પંજાબ ભી હૈ ઔર કશ્મીર કી સરહદ ભી દાખિલ હોને કે લિએ ખુલ્લી પડી હૈ...’
‘એક બાત યાદ રખ્ખો ભુટ્ટોજી...’ દાંતથી બોટી પર ચોંટેલું મીટ ખેંચતા યાહ્યા ખાનને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને કહ્યું, ‘રાજસ્થાન અને ગુજરાત બે એવાં રાજ્યો છે જ્યાંની પબ્લિક વિરોધ નહીં કરે. પંજાબમાં સિખ અંદર દાખલ નહીં થવા દે અને ખાલિસ્તાન માટે હજી એ લોકો મોટી સંખ્યામાં તૈયાર નથી થયા.’
મોંમાં રહેલો માંસનો ટુકડો ચાવીને ગળે ઉતાર્યા પછી ધીમેકથી યાહ્યા ખાને કાશ્મીરની બાબતમાં સ્પષ્ટતા કરી...
‘કાશ્મીર આપણું ઘર છે. ત્યાં તો લોકો હાથમાં ગુલદસ્તો લઈને આપણી રાહ જોઈને ઊભા છે એટલે પહેલાં રાજસ્થાન અને પછી ગુજરાત...’ નવી બોટી હાથમાં લઈને યાહ્યા ખાને ભુટ્ટો સામે જોયું, ‘બાદ મેં કશ્મીર... તબ જા કર પંજાબ અપને આપ હી અપની ગોદી મેં આ કર બૈઠ જાએગા... હિન્દુસ્તાન સે તો વૈસે ભી ખફા વો હૈ હી... બસ, હમેં ઉન્હેં રોને કે લિએ સિર્ફ કંધા દેના હૈ...’
lll
લોંગેવાલ અને બનાસકાંઠા સરહદ તરફ જ્યારે પાકિસ્તાની સેના આગળ વધતી હતી ત્યારે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી અને જનરલ સૅમ માણેકશૉ સહિતના સૌના શ્વાસ અધ્ધર હતા તો કચ્છના માધાપર ગામે પહોંચેલી ઍરફોર્સની ટીમ પણ ગભરાટ સાથે મૂંઝવણનો અનુભવ કરતી હતી.
ગામના દેહાતી લોકોમાંથી કેટલાક લોકો સામે આવીને ઊભા રહી ગયા હતા અને રનવે બનાવવા માટે તૈયારી દર્શાવતા ઍરફોર્સને સમજાવતા રનવે બનાવવાનું કામ અત્યારે જ ચાલુ કરવાનો આગ્રહ રાખતા હતા.
lll
કલેક્ટર ગોપાલસ્વામીએ એ બધામાં આગેવાની લીધી હતી અને એમાં કુંદને સૌથી પહેલો સાથ આપ્યો હતો. કુંદનના આવ્યા પછી તેમની સાથે શ્યામ, મંગુબહેન અને સંતોકબહેન પણ ધીમે-ધીમે જોડાઈ ચૂક્યાં હતાં અને ગોપાલસ્વામીની ટીમ મોટી થવા માંડી હતી. ગોપાલસ્વામીના ચહેરા પર પહેલી વાર હવે હળવાશ જોવા મળતી હતી.
‘અબ બતાઓ ઑફિસર...’ ગોપાલસ્વામીએ સાથે ઊભેલા સૌની સામે નજર કરી, ‘ઔર કિતને ઝ્યાદા ઢૂંઢને હૈ?’
ઍરફોર્સ ઑફિસરે ડાબા ગાલ તરફ હોઠ ખેંચીને કટાક્ષમાં સ્માઇલ કર્યું.
‘ક્રિકેટ ટીમમાં પણ અગિયાર પ્લેયર જોઈએ અને તમે તો હજી છ પર પણ નથી પહોંચ્યા...’
‘અમેય ભેળા જ છીએ...’
અવાજ તરફ સૌનું ધ્યાન ગયું.
ટોળામાંથી જગ્યા કરતી અમરતી આગળ આવી તો અમરતીને આગળ વધતી જોઈને જયશ્રીમાં પણ હિંમત આવી. તે બન્ને આવીને કુંદનની બાજુમાં ઊભી રહી ગઈ. નાનપણથી બહેનપણાં ધરાવતી આ ત્રણ છોકરીઓ માટે ગામ આખામાં એવી વાતો પણ થતી કે એવું કોઈ ઘર શોધો જેમાં ત્રણ ભાઈઓ હોય, આ બહેનપણીઓ એ બહાને ત્યાં સાથે રહી શકશે.
કુંદનની સગાઈ થઈ ત્યારે તો મુખીએ જ પૂછી લીધું હતું...
‘વેવાઈ, એક દીકરી સચવાઈ ગઈ પણ હજી બે જણી બાકી છે... તેના વિના ઈ બેયને ગામમાં ગમવાનું નથી...’ જયશ્રી અને અમરતીની સામે જોઈને મુખીએ કહ્યું, ‘ને એ બેયને ગમશે નહીં એ વાત અમને કોઈને ગમવાની નથી...’
lll
અમરતી અને જયશ્રી આવીને કુંદન પાસે ઊભી રહી એ દૂરથી કુલસુમે પણ જોયું.
કુલસુમે પહેલાં ખાવિંદ સામે અને એ પછી ફરી કુંદન સામે જોયું અને ત્યાર પછી તેના હાથમાં જે સામાન હતો એ નીચે મૂકીને બધા ઊભા હતા એ તરફ પગ ઉપાડ્યા. બે-ચાર કદમ સુધી તો મુશ્તાક પણ કશું સમજ્યો નહોતો, પણ જે મક્કમતા સાથે કુલસુમ આગળ વધતી હતી એ જોઈને તેને અંદેશો આવી ગયો.
‘કુલસુમ...’ 
મુશ્તાકે રાડ પાડી. સ્વર તેનો મોટો હતો અને એમાં રહેલી અકળામણ મુશ્તાકના મનમાં પ્રસરી ગયેલા ગુસ્સાની સ્પષ્ટતા કરતી હતી.
‘સુન...’ કુલસુમે અવાજ નોંધ્યો નહીં એટલે મુશ્તાક ઉતાવળા પગલે તેની પાછળ ગયો, ‘વાપસ ચલ...’
કુલસુમની સાથે પહોંચી ગયેલા મુશ્તાકના હાથમાં રહેલાં તેનાં બન્ને બાળકો પણ અજુગતું લાગતું આ વાતાવરણ જોઈને હેબતાઈ ગયાં હતાં.
‘તુઝે કહતા હૂં કુલસુમ...’ મુશ્તાક રીતસર ધ્રૂજતો હતો, ‘ગલત હો જાએ ઉસસે પહલે વાપસ ચલ...’
ચાલતાં-ચાલતાં કાંતાબહેન સુધી પહોંચેલી કુલસુમે બાજુમાં ઊભેલાં કાંતાબહેનના કાનમાં ગણગણાટ કર્યો એટલે કાંતાબહેને મુશ્તાક સામે જોયું...
‘તે આવવાની ના પાડે છે...’
‘તો ક્યા કરના હૈ ઉસે?!’
‘સબકે સાથ રહકર સબકી મદદ કરના ચાહતી હૂં...’ જવાબ કુલસુમે આપ્યો, ‘યે હી વક્ત હૈ જબ હમ...’
‘એય વક્તવાળી...’ મુશ્તાકે દાંત કચકચાવ્યા, ‘છાનીમૂની પાછી વળ... નહીં તો બધી ફિશિયારી આંય ને આંય કાઢી નાખીશ...’
કુલસુમે ઊંડો શ્વાસ લીધો અને પછી તે મુશ્તાક તરફ ફરી...
‘છૂટ હૈ આપકો... પર આજ પહલે દેશ, ઉસકે આગે કોઈ નહીં.’
જો બન્ને બાજુએ એક-એક છોકરો તેડાયેલો ન હોત તો અત્યારે મુશ્તાકે ખરેખર કુલસુમને થપ્પડ મારી દીધી હોત, પણ છોકરાઓને કારણે તેના હાથ ફ્રી નહોતા અને એટલે જ તેને પોતાની ટાંગ યાદ આવી.
મુશ્તાકે જમણો પગ અધ્ધર કરીને કુલસુમને હળવી લાત મારવાની કોશિશ કરી. જોકે એ પછી પણ તેનો વિચાર સફળ થયો નહીં, પણ જાહેરમાં થયેલું આ વર્તન સરકારી ઑફિસર જોવા રાજી નહોતા. ઍરફોર્સ ઑફિસર ઉતાવળા પગલે આગળ વધ્યા...
‘દેખો, તુમ...’
‘એ સા’બ...’ મુશ્તાક ગિન્નાયો, ‘યે મેરે ઘર કા મામલા હૈ, દેશ કા નહીં... બેહતર હૈ આપ દૂર રહો...’
‘ભૂલો મત, આપ હો તો દેશ હૈ...’ ઑફિસરે કુલસુમ સામે જોયું, ‘ઐસી ઝાક્કતી બિલકુલ નહીં ચલેગી...’
‘ઉખાડ લેના જો કરના હૈ વો...’ મુશ્તાકનું દિમાગ સાતમા આસમાન પર હતું, ‘કુલસુમ, ચૂપચાપ ચલ વર્ના...’
‘દેખો... આપ ઐસે...’
કુલસુમના હાથના ઇશારાએ ઍરફોર્સ ઑફિસરને બોલતા અટકાવ્યા.
ઑફિસર માટે પણ અત્યારે જે સિચુએશન હતી એ વિટંબણાભરી હતી. શું કરવું અને કેવી રીતે કરવું એ ગડમથલ તેમના મનમાં ચાલતી હતી. એ જ ગડમથલ વચ્ચે તેમણે જોયું. તેમણે જ નહીં, આખા ગામે જોયું.
કુલસુમે ચહેરા પરથી બુરખો હટાવી દીધો.
‘સહી બાત હૈ આપકી...’ મુશ્તાકના શૉકને વધારે ગંભીર બનાવતાં કુલસુમે કહ્યું, ‘યે દેશ કા નહીં, હમારા મામલા હૈ ઔર આપકી યહી સોચ મુઝે નહીં ચાહિએ... આપ ઔર આપકી યે ઘટિયા સોચ...’
મુશ્તાકનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચ્યો. જેનો ક્યારેય અવાજ પણ કોઈ પરપુરુષે સાંભળ્યો નહોતો તે બીવી અત્યારે, જાહેરમાં, પાદર વચ્ચે, સમગ્ર ગામવાસીની હાજરીમાં ખુલ્લા મોઢે, ખુલ્લા માથે ઊભી હતી અને તેને ધમકાવતી હતી.
શરીરમાં ગરમીની લાયનો અનુભવ કરતા મુશ્તાકથી હવે કન્ટ્રોલ નહોતો થતો. તેણે ફરી કુલસુમને લાત મારવાની કોશિશ કરી. અલબત્ત, આ વખતે કુલસુમ વધારે સજાગ હતી અને એટલે જ મુશ્તાકની લાત હવામાં જ પાછી ફરી.
‘ઐસી ગલતી...’ કુલસુમે મુશ્તાકના ચહેરા પર ચપટી વગાડી, ‘તીસરી બાર મત કરના... વર્ના સચ મેં જો હોગા વો આપ સહ નહીં પાઓગે...’
‘તુમ... તુમ... બહોત ગલત કર રહી હો... ઇસ દેશ કે લિએ, જીસને હમેં...’
‘દેશની વાતમાં મને સમજ નથી પડતી; પણ હા, એક વાત કહીશ...’ કુલસુમનો ચહેરો પણ તગતગવા માંડ્યો હતો, ‘મને એટલી ખબર છે કે મારા માધાપરના બધાય ભેગા મળીને જે કામ કરવા જાય છે એ કામ મહત્ત્વનું છે ને એટલે જ... આ બધાય અહીં ભેગા થ્યા છે. આવા વખતે મારે તેમની સાથે ઊભા રહેવાનું હોય...’
‘પણ તું...’
‘મૈં ઔર આપ... ભૂલ જાઓ યે સબ અભી...’ કુંદન આણિ મંડળી તરફ કુલસુમ ફરી, ‘ઇતના સોચો કિ સબકી ઝરૂરત હોગી તભી તો યે સબ યહાં ઇક્કઠે હૂએ હૈ...’
‘ફાલતુ બાતેં બંધ કરો કુલસુમ... અભી ભી વક્ત હૈ, અભી ભી દિમાગ કા ઇસ્તમાલ કરો...’ મુશ્તાકે ધમકીના ભાગરૂપે કહી દીધું, ‘યા તો આપ મેરે સાથ અભી નિકલો... યા તો...’
‘યા તો?’
‘યે રિશ્તા યહીં પે...’
મુશ્તાકના આગળના શબ્દો સાંભળ્યા વિના જ કુલસુમે કહી દીધું...
‘કુબૂલ હૈ...’
મુશ્તાકે ઊંડો શ્વાસ લીધો, જે ત્યાં હાજર હતા એ સૌએ પણ અનુભવ્યું.
‘તલ્લાક... તલ્લાક...’ ત્રીજી વખત એ જ શબ્દ દોહરાવતી વખતે મુશ્તાકે આંખો બંધ કરી દીધી હતી, ‘તલ્લાક...’
કુલસુમની આંખો ભીની થઈ તો ત્યાં હાજર હતા એ સૌ ધબકારો ચૂકી ગયા. અલબત્ત, વાતાવરણ અને વ્યવહારને આંખ સામે રાખીને કુલસુમે સજદા કરતા મુશ્તાકની આંખમાં જોયું અને એ પણ અંતિમ વાર.
‘ખુદા હાફિઝ...’
મુશ્તાક પોતાના બન્ને છોકરાઓને લઈને ત્યાંથી નીકળી ગયો. ઘર બંધ કરીને જે સામાન સાથે લીધો હતો એ લેવાની તસ્દી પણ તેણે લીધી નહીં.
ઍરફોર્સ ઑફિસર અને કલેક્ટર ગોપાલસ્વામીની સાથે આખું ગામ તેને માધાપરની હદ વટાવતાં જોતું રહ્યું. પાદરમાં પ્રસરી ગયેલા ભારેખમ અને બોઝિલ વાતાવરણને તોડવાનું કામ પણ બીજા કોઈએ નહીં કુલસુમે જ કર્યું...
‘મૈં આપકે સાથ હૂં... જહાં, જો મદદ કર સકું ઉસમેં મુઝે ભી શામિલ કરના...’
હવે બાજી કુંદને પોતાના હાથમાં લીધી. 
અધિકારીની સામે જોતાં જ તેણે પોતાની ડાબી તરફ હાથ લંબાવ્યો અને શ્યામે સૌથી પહેલો હાથ પકડ્યો. શ્યામનો હાથ તેની બાજુમાં ઊભેલી અમરતી અને અમરતીનો હાથ તેના પડખે ઊભેલી જયશ્રીએ પકડ્યો. લાંબી ચેઇન બની અને એ ચેઇનને લઈને કુંદન ઍરફોર્સના અધિકારીની નજીક પહોંચી...
‘હજી જરૂર હોય તો વધારે લોકો ભેગા કરી દઉં સાહેબ...’
અધિકારી અને કુંદનની ચાર થતી આંખોના બૅકગ્રાઉન્ડમાં માધવનો અવાજ ગુંજતો હતો...
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં,
ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ,
ચોળ્યો કસુંબીનો રંગ
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...

વધુ આવતા રવિવારે


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 03:21 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK