‘શું કરવું જોઈ ઈ તમે બધાય નક્કી કરો તો આપણે એ બાજુએ હાલીએ...’ મુખીએ વારાફરતી આગળની હરોળમાં ઊભા સૌ સામે જોઈને કહ્યું, ‘મારું મન એક વાત ક્યે છે, આપણે નીકળી જાવું જોઈ... બેચાર દા’ડાંની વાત છે. પછી ક્યાં પાછું નથી અવાતું?!’
1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા
જામનગર ઍરફોર્સના બેઝ પર પાકિસ્તાનનો હુમલો થયો પણ એ ઍરબેઝ ઉપર ચાર નવા રનવે બન્યા હતા, જેનું ઓપનિંગ હજુ બાકી હતું. પરિણામે એ રનવે પાકિસ્તાનની નજર બહાર રહ્યા અને ભારતીય ઍરફોર્સે એ રનવેનો ઉપયોગ કરી જામનગર ઍરબેઝથી પાકિસ્તાન પર હુમલો કર્યો, જે અટૅકમાં આઠ હન્ટર પ્લેન રવાનાં થયાં. ભારતીય ઍરફોર્સ પર પાકિસ્તાનના કુલ ચૌદ ઍરબેઝ પર હુમલો કરવાની જવાબદારી હતી. ચૌદમાંથી નવ પર હુમલો કરવામાં હન્ટર સફળ રહ્યાં અને એ નવમાંથી સૌથી મહત્ત્વનો અટૅક હતો એ પાકિસ્તાનના બાદિન પરનો. બાદિન રડારની નજરમાં ન આવવું હોય તો ચાલીસ સેકન્ડ મળતી અને એ પણ અમુક અક્ષાંશ-રેખાંશ પરથી તમારી એન્ટ્રી થતી હોય તો. ભારતીય હન્ટરે એ જ તકનો લાભ લઈને બાદિન રડાર સેન્ટર પર હુમલો કર્યો અને એમાં આખું રડાર સેન્ટર ખતમ કરી નાખ્યું.
હુમલો કરીને હન્ટર પ્લેન ક્ષેમકુશળ રીતે પાછાં આવી ગયાં અને રાતના સમયે નવા હુમલાની તૈયારીમાં લાગી ગયાં, જોકે એ હુમલો શક્ય બન્યો નહીં.
lll
રાવલપિંડી, પાકિસ્તાન.
બાદિન પરના હુમલા પછી પાકિસ્તાન ઍરફોર્સે નવી સ્ટ્રૅટેજી પર કામ શરૂ કર્યું. જે વિસ્તારમાંથી બાદિન પર હુમલો થયો હતો એ વિસ્તારમાં કાં તો ઍરબેઝ સલામત છે અને કાં તો ઍરબેઝ નજરઅંદાજ થયાં છે એવી ગણતરી સાથે પાકિસ્તાન ઍરફોર્સે ૪ ડિસેમ્બરની રાતે જ એટલે કે ભારતીય હન્ટર રવાના થાય એ પહેલાં જ અટૅક કરવાની રણનીતિ બનાવી.
સામાન્ય સંજોગો હોત તો હન્ટર પાછાં આવ્યા પછી રાજસ્થાન કે પંજાબનાં ઍરબેઝ પરથી ફરી વાર પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હોત અને હિન્દુસ્તાને પાકિસ્તાનને એમાં જ વ્યસ્ત રાખ્યું હોત, પણ ૧૯૭૧ના યુદ્ધ સમયે સામાન્ય સંજોગો હતા નહીં.
પાકિસ્તાન ઑલરેડી ભારતનાં અનેક ઍરબેઝ ખતમ કરી ચૂક્યું હતું એટલે બૅકઅપ અટૅકની સીધીસાદી કે સરળ કહેવાય એવી સ્ટ્રૅટેજી પણ ભારત વપરાશમાં લઈ શકે એમ નહોતું. એની પાસે એક જ રસ્તો હતો, પાછા આવવું અને પાછા આવીને નવેસરથી તૈયારી કરીને ફરી હુમલો કરવો.
ભારતીય હન્ટર હુમલો કરવા માટે તૈયારી કરતાં હતાં એ દરમ્યાન પાકિસ્તાની ઍરફોર્સની નવી સ્ટ્રૅટેજી અમલમાં આવી ગઈ અને તેણે વળતો હુમલો કર્યો, જેમાં ગુજરાતમાં રહેલાં તમામ ઍરબેઝને ખતમ કરવાની મુરાદ અમલમાં મૂકવામાં આવી.
lll
હિન્દુસ્તાની ઍરબેઝ પર હુમલો શરૂ થતાં અને પાકિસ્તાન એ જ સ્ટ્રૅટેજી પર આગળ વધતું હોવાનું સ્પષ્ટ થતાં સાવચેતીના ભાગરૂપે ભૂજ ઍરબેઝના રનવે પર ઑઇલ અને ડીઝલ પાથરી દેવામાં આવ્યું હતું તો રનવેની બન્ને સાઇડ પર આવેલી લાઇટ પર કાગળો ચીપકાવી દેવામાં આવ્યા હતા.
રનવે પર ડીઝલ અને ઑઇલ પાથરી દેવાની પાછળ બે કારણો મહત્ત્વનાં હતાં.
પહેલું કારણ, રનવે ક્યારેય ચળકાટ નથી ધરાવતા હોતા. રનવે મેટ-ફિનિશ જ હોય, પણ જો સડક હોય તો એ ડામરના કારણે ચળકાટ ધરાવતી હોય. ઉપરથી જો રનવે દેખાય તો એ રનવે સામાન્ય ડામર સડક ભાસે એ એક સીધું કારણ હતું તો બીજું કારણ, પાકિસ્તાન ઍરફોર્સ રનવે પર ઊતરવાની હિંમત કરે તો એ દુઃસાહસ પુરવાર થાય.
રનવે પર જ્યારે પણ પ્લેન લૅન્ડ થતું હોય છે ત્યારે ઘર્ષણને લીધે ગરમીનું પ્રમાણ વધતું હોય છે અને એમાં ઘણી વખત બારીક તિખારા પણ છૂટતા હોય છે. જો પાકિસ્તાનનાં ફાઇટર પ્લેન ભૂજ ઍરબેઝ પર લૅન્ડ થાય અને ઘર્ષણના કારણે સામાન્ય તિખારા થાય તો રનવે પર પથરાયેલું ઑઇલ અને ડીઝલ આગ પકડે અને ફાઇટર પ્લેનમાં બ્લાસ્ટ થાય.
બહુ સહજ એવું આ ગણિત હતું અને આ ગણિત આજના સમયે પણ એટલું જ અસરકારક રીતે વાપરવામાં આવે છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે યુક્રેને પોણાબે મહિના સુધી ત્યાંનાં તમામ ઍરપોર્ટ પર ડીઝલ અને ઑઇલ પાથરી રાખ્યાં હતાં.
lll
ભૂજ ઍરપોર્ટના રડારમાં મોડી રાતે ચાર પ્લેન દેખાયાં. પહેલી વાર ચારેચાર પ્લેન આકાશ પરથી જ પસાર થઈ ગયાં, પણ અડધા કલાક પછી એ પ્લેન ફરી આવ્યાં અને એવી રીતે પસાર થયાં કે શરૂઆતમાં એમ જ લાગે કે એ રનવે પર લૅન્ડ થવાનાં છે. અલબત્ત, લૅન્ડ થયાં નહીં અને છેક નીચેની સપાટી પર આવીને આંખના પલકારામાં રવાના થઈ ગયાં. ભારતીય ઍરફોર્સ અને સેના કોઈ ઍક્શન લે એ પહેલાં જ એ ચારેચાર પ્લેન ફરી પાછાં આવ્યાં અને ફરી એક વાર રનવેની નજીક સુધી આવીને લૅન્ડ થયા વિના જ રવાના થઈ ગયા. આવેલાં એ ચારેચાર પ્લેન પર ક્યાંય પાકિસ્તાની ઍરફોર્સનો સિમ્બૉલ નહોતો તો અધૂરામાં પૂરું, એ ચારેચાર પ્લેન જે સિગ્નલ્સ આપતાં હતાં એ ભારતીય ઍરફોર્સ સિગ્નલ પાસ કરે એ પ્રકારનાં હતાં.
એવું અનુમાન મૂકવામાં આવ્યું કે અત્યારની પરિસ્થિતિમાં વધારાની સહાયરૂપે કે પછી પ્રોટેક્શન વધારે બળવત્તર બનાવવાના હેતુથી ઇન્ડિયન ઍરફોર્સનાં પ્લેન ભૂજ આવ્યાં છે. અનુમાન અંધકારમાં લઈ જવાનું કામ કરવાને સક્ષમ હોય છે.
એવું જ બન્યું એ રાતે પણ.
‘સહાય કે લિયે અપને ફાઇટર્સ આયે હૈ...’
‘પર...’
જુનિયરની વાત સાંભળ્યા વિના જ ડ્યુટી પરના ઑફિસરે તરત જ લાઇટની ઇન્ટેન્સિટી વધારવાનો ઑર્ડર આપ્યો.
રનવે પર લાઇટ્સની ઇન્ટેન્સિટી વધી અને જાણે કે આ જ રાહ જોવાતી હોય એમ ચારેચાર ફાઇટર એક લાઇનમાં પથરાઈને ફરી વખત રનવે તરફ આગળ વધ્યાં. ધીમે-ધીમે ઉપરથી નીચેની દિશામાં આવતાં એ ફાઇટર પ્લેન જેવાં રનવેની નજીક આવ્યાં કે બીજી જ ક્ષણે અધિકારીએ ઍરપોર્ટની બીજી લાઇટ્સ ચાલુ કરવાનો આદેશ આપ્યો.
‘ઑલ લાઇટ્સ ઑન...’
ખટાક...
એક જ સ્વિચ સાથે બીજી લાઇટ્સ પણ ચાલુ થઈ અને જેવી લાઇટ્સ ઑન થઈ કે તરત જ આવી રહેલાં ફાઇટર પ્લેનોએ પોતાનાં કારનામાં દેખાડી દીધાં.
પાકિસ્તાની ઍરફોર્સનાં એ પ્લેને સાવ ગ્રાઉન્ડ લેવલ પર આવીને બૉમ્બાર્ડિંગ શરૂ કર્યું અને આમ કચ્છના ભૂજના રનવે પર હુમલો શરૂ થયો.
એ એક જ રાતમાં ભૂજ ઍરબેઝ પર કુલ ૪૨ બૉમ્બ ફેંકવામાં આવ્યા, જેની ક્ષમતા ૯૦ કિલોથી લઈને ૪૫૦ કિલોની હતી. પાંચ કલાક સુધી ચાલેલા એ બોમ્બાર્ડિંગમાં ભૂજ ઍરબેઝના રનવેને તહસનહસ કરી નાખવામાં આવ્યો.
lll
પાકિસ્તાને બનાવેલી રણનીતિ મુજબ, એ રાતે માત્ર ગુજરાતના ઍરબેઝને જ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. જમીન, આકાશ અને દરિયાઈ એમ ત્રણેત્રણ માર્ગે હિન્દુસ્તાનને પાકિસ્તાન સાથે જોડતું જો કોઈ એક રાજ્ય હોય તો એ ગુજરાત હતું અને ગુજરાત હવે પાકિસ્તાનના ટાર્ગેટ પર આવતું જતું હતું. એવું નહોતું કે પાકિસ્તાન માત્ર ગુજરાત પર હુમલો કરવાનું હતું. ગુજરાત
ઉપરાંત રાજસ્થાન પણ તેમના નાપાક ઇરાદામાં સામેલ હતું. આ બન્ને રાજ્યો પર ઍરફોર્સ ઉપરાંત હવે બાકીની બન્ને સેના દ્વારા પણ હુમલો શરૂ કરવાનું પ્લાનિંગ પાકિસ્તાનની સ્ટ્રૅટેજીમાં
સામેલ હતું.
અલબત્ત, એને ખબર નહોતી કે એ સ્ટ્રૅટેજી આવનારા અડતાલીસ કલાકમાં જ કેવી રીતે કચ્છના સામાન્ય એવા માધાપર નામના ગામડાની કચ્છી મહિલાઓ તોડી પાડી દેશના ઇતિહાસમાં એક મોટો ચેન્જ લાવવાની છે.
lll
જમીન, આકાશ અને દરિયો.
ત્રણેત્રણ સરહદથી દુશ્મન સાથે જોડાયેલા હોઈએ એ જિલ્લા પર જ્યારે દુશ્મનનો હુમલો થાય ત્યારે સ્વાભાવિક રીતે ટેન્શન જન્મે. એવું જ બન્યું હતું એ સમયે પણ. ભૂજ પર થયેલા પછી એ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી.
ભૂજ પર થયેલા અટૅકે માત્ર ગુજરાત સરકારને જ નહીં, ભારત સરકારને પણ ટેન્શન ઊભું કરી દીધું હતું. ગુજરાતમાં એ સમયે ગવર્નર શાસન હતું. ભૂજના હુમલા વિશે જેવી ખબર પડી કે તરત જ કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ભૂજના લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાવો અને ઇમિડિયેટ ઇફેક્ટથી એ દિશામાં કામ શરૂ થયું અને સરકારી અધિકારી ભૂજ ખાલી કરાવવામાં લાગી ગયા.
બાર કલાક.
હા, બાર કલાકમાં ઑલમોસ્ટ આખું ભૂજ ખાલી થઈ ગયું અને ખાલી થયેલા ભૂજના લોકો મોરબી અને રાજકોટ તરફ રવાના થઈ ગયા. ભૂજ ખાલી થતું જોઈને એની સીધી અસર ભૂજની બિલકુલ બાજુમાં આવેલા પૂર્વ દિશાના પહેલા ગામ એવા માધાપરમાં પણ ખળભળાટ શરૂ થયો હતો.
lll
ભૂજ જેવું ખાલી થવાનું શરૂ થયું કે તરત જ માધાપરમાં આ સમાચાર પહોંચી ગયા અને માધાપરવાસીઓ પણ એકત્રિત થયા.
છેલ્લા બે દિવસથી ઘરની બહાર નહીં નીકળેલા માધાપરવાસીઓ માટે આજનો દિવસ અત્યંત મહત્ત્વનો હતો. ગામ ખાલી કરવાનો સંદેશો આડકતરી રીતે તો મુખી સુધી પહોંચી ગયો હતો, પણ પહેલેથી સૌ કોઈ સાથે રહેવાની ભાવના ધરાવતા માધાપરના લોકોને વિશ્વાસમાં લીધા વિના એમ જ નિર્ણય લઈ લેવો માવજી ડોસાને યોગ્ય લાગતું નહોતું અને એટલે જ તેમણે નક્કી કર્યું હતું કે સીધો નિર્ણય લેવાને બદલે બહેતર છે કે ગામવાસીઓને વિશ્વાસમાં લઈને આગળ વધવું.
એ જ કર્યું હતું તેમણે અને મુખીએ સૌ કોઈને ગામના પાદરમાં એકત્રિત કર્યા.
‘શું કરવું જોઈ ઈ તમે બધાય નક્કી કરો તો આપણે એ બાજુએ હાલીએ...’ મુખીએ વારાફરતી આગળની હરોળમાં ઊભા સૌ સામે જોઈને કહ્યું, ‘મારું મન એક વાત ક્યે છે, આપણે નીકળી જાવું જોઈ... બેચાર દા’ડાંની વાત છે. પછી ક્યાં પાછું નથી અવાતું?!’
‘વાત તમારી સાચી, પણ...’ થોડી ખામોશી પથરાયેલી રહી અને કોઈ બોલ્યું નહીં એટલે કાનજીઅદાએ કહ્યું, ‘આમ ભાગતાં શાને કાજ ફરતાં રહેવાનું?! આપણો મલક, આપણું ગામ... રે’વાનું તો આયાં જ હોયને.’
મુખી મનોમન ખુશ થયા. એ શબ્દો તેમને સાંભળવા મળ્યા હતા જેની તે રાહ જોતા હતા, પણ લોકોનો પ્રત્યાઘાત કેવો આવે છે એ હજુ જોવાનું હતું અને ધાર્યું હતું એવું જ બન્યું. પ્રત્યાઘાત પણ એ જ આવ્યો.
ઘડીભરના સન્નાટા પછી પાછળની બાજુએ ઊભેલા સૌ કોઈ એકીઅવાજે મોટા અવાજે બોલી ઊઠ્યા.
‘સાચી વાત... સાચી વાત...’
મુખી પોતાના મનની વાત કહેવા આગળ આવ્યા ત્યાં અચાનક ટોળા વચ્ચેથી અવાજ આવ્યો.
‘મુખી, આયાં જ રઈ, રઈ ને એ માયકાંગલાવને દેખાડી કે આંયથી આગળ જાવું એ કંઈ નાની માના ખેલ નથી.’
‘હા, પણ...’ ટોળા વચ્ચેથી જ અવાજ આવ્યો, ‘જીવનું પણ વિચારવાનુંને?!’
‘ક્યો જીવ ને શીદને જીવ...’ કાનજીઅદાએ પાછળ જોયું, ‘જો ગામ મેકીને ભાગવાનો વારો આવે તો એ જીવને કીડા કરડે ને જીવડાં ફોલે...’
મુખીએ હવામાં હાથ ઊંચો કર્યો અને ટોળામાં શરૂ થયેલી ચડભડ અટકી ગઈ.
‘કરવું છે શું એ બધાય નક્કી કરો...’ મુખીએ ફરી વખત સામે ઊભેલા સૌની ઉપર નજર ફેરવી, ‘કહેતા હોય તો કલાક બધાય વાતુ કરી લ્યો, ઘરનાવને પૂછો ને પછી નક્કી કરો કે કરવું છે શું...’
મુખીએ ગળું ખંખેરીને ચોખવટ પણ કરી.
‘જે કરીશું, જેટલું કરીશું એ બધાય ભેળાં મળીને કરશું એ તો નક્કી છે... નીકળશું તો ભેળાં ને માધાપરનું રખોપું કરતાં આંયા બેઠાં રે’શું તોય ભેળાં...’
‘નક્કી છે બધાયનું...’
આગેવાની લેતાં હોય એમ કાનજીઅદા મુખીને પરવાનગી લીધા વિના જ પાદરના ઓટલા પર ચડી ગયા.
‘રે’વું છે આંયા ને આંયથી જ કટ્ટાવને...’
મુખીએ જોરથી ખોંખારો ખાધો એટલે કાનજીઅદાએ ભાષા પર કાબૂ કરી લીધો.
‘કે’વાનું એમ કે, રે’વું છે આંયા ને આંયથી જ દુશ્મન દેશના સૈનિકોને પાછા તગેડવા છે... બસ, બીજું કાંય નઈં...’
કાનજીઅદાએ માથે પહેરેલી પાઘડી હાથમાં લીધી.
‘આ ઊતરે તોય માધાપરની ભૂમિ ઉપર ને જમીન ઉપર પડે તોય માધાપરની જમીન ઉપર...’ અદાએ પહેલાં મુખી સામે અને પછી ગામવાસીઓ સામે જોઈ આહ્વાન કર્યું, ‘શું ક્યો છો ભાયું...’
‘સાચી વાત...’
‘સાચી વાત...’
મળી રહેલા પ્રત્યુત્તર સાથે મુખીના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમના મનમાં પણ એ જ વાત હતી કે નીકળવું નથી, માધાપરને રેઢું મૂકવું નથી, પણ જાતમેળે નક્કી કરવાને બદલે તે ગામવાસીઓને સાથે લેવા માગતા હતા અને એવું જ થયું હતું. ગામવાસીઓ પણ એ જ વાત પર હતા, જે તેમના મનમાં ચાલતી હતી.
‘તો હાલો, સંધાય નક્કી કરો...’ મુખીએ હાથ લાંબો કર્યો, ‘મા અંબાના સોગન...’
કહ્યા વિના જ ગામવાસીઓ સમજી ગયા હોય એમ મુખીના શબ્દોનું જ નહીં, તેમની વર્તણૂકનું પણ પુનરાવર્તન કરતા હોય એમ સૌ કોઈએ હાથ લંબાવ્યો અને માધાપરનું ગગન લોકોના સ્વરથી ગુંજી ઊઠ્યું.
‘મા અંબાના સોગન...’
‘જે નક્કી કરશું એ...’
પડઘો ઝિલાતો હોય એમ માધાપરવાસીઓએ પણ સાદ ઝીલ્યો.
‘જે કાંય નક્કી કરશું એ...’
‘ભેળાં મળીને નક્કી કરશું...’
‘આપણે ભેળાં મળીને નક્કી કરશું...’
મુખીએ ઊંડો શ્વાસ લઈ વાત આગળ વધારી.
‘એક જણની પણ ના એ...’
ગામવાસીઓએ શબ્દો ઝીલ્યા.
‘એક જણની પણ ના એ...’
‘આપણાં સૌની ના કે’વાશે...’
કેટલાક લોકોની જીભ અટકી ગઈ, પણ પછી સાદમાં સૌ કોઈ સાથે મળી ગયા.
‘આપણાં સૌની ના કે’વાશે...’
મુખીએ હાથ પાછો ખેંચ્યો અને ઊંડો શ્વાસ લઈ આંખો ખોલી સૌ સામે જોયું.
‘પંદર મિનિટ પછી બધાય પાછા આયા ભેળા થાય છીએ...’ મુખીની નજર સૌ કોઈની સામે ફરતી હતી, ‘ન્યાં લગીમાં બધાય પોતપોતાના ઘરનાવને પૂછી લ્યે ને નક્કી કરે કે શું કરવું છે હવે...’
કેટલાક વડીલોએ બોલવા માટે હાથ ઊંચો કર્યો પણ મુખી માવજીડોસાએ હાથના ઇશારે જ એ સૌને હાથ નીચે કરવાનું કહ્યું અને પોતાની વાત આગળ વધારી.
‘સૌની સહમતીની વાત એટલે સૌની સહમતીની વાત... એમાં કોઈએ દલીલ નઈ કરવાની ને કોઈએ ખોટી રમતું નઈ રમવાની...’
વડીલોના મનમાં જે વાત હતી એનો જવાબ મળી ગયો એટલે તેમણે માત્ર હાથ જ નહીં, નજર પણ નીચે કરી લીધી અને મુખી પાદરના ઓટલેથી નીચે ઊતરીને પોતાના ઘર તરફ ચાલતા થઈ ગયા. નિયમનું પાલન તેમણે પણ કરવાનું હતું અને તેમણે પણ ઘરેથી પરવાનગી લેવાની હતી. ખબર હતી કે મુખિયાણી તેમના જ શબ્દોનું પાલન કરવાનાં છે એમ છતાં પણ.
lll
પંદર મિનિટને બદલે વાતને પોણો કલાક વીતી ગયો.
પોણો કલાક પછી ગામની બારસો લોકોની રૈયત ફરી માધાપરના પાદર પર એકત્રિત થઈ અને ખોંખારો ખાઈ મુખી આગળ આવ્યા.
‘કોઈએ ખોટું બોલવાનું નથી, ખોટું કે’વાનું નથી...’ ઊંડો શ્વાસ લઈ મુખીએ વાત આગળ વધારી, ‘વાત મારી ન્યાંથી ચાલુ કરું તો... મારી ન્યાંથી એક જ જવાબ મલ્યો છે. આપણે આંયા જ રે’વું છે... હવે વારાફરતી તમારા સૌએ જવાબ દેવાનો છે.’
મુખીએ લાઇનમાં જમણી બાજુએ ઊભેલા પહેલા ગામવાસી સામે જોયું અને ગામવાસી એક પગલું આગળ આવ્યો.
‘આંયા જ રે’વાનું થાય છે...’
બીજાનો પણ આ જ જવાબ હતો અને પછી દરેકેદરેકનો આ જ જવાબ આવતો હતો. વાત આગળ વધતી રહી અને દરેક આ જ જવાબ આપતા રહ્યા, પણ સાતમી લાઇનમાં ઊભેલા રવજી ખત્રીના પગ સહેજ ખચકાયા. તેણે ડાબી બાજુએ જોયું અને જાણે કે નજરથી જ વાત થઈ હોય એમ, બાજુમાં ઊભેલી દીકરીએ એક ડગલું આગળ માંડ્યું.
‘આં’યા જ...’
ડગલું આગળ માંડનારી વીસ વર્ષની કુંદન ખત્રી હતી. એ કુંદન, જેણે ત્યાર પછી દુનિયાની આંખોમાં અચરજ આંજવાનું કામ સતત અડતાલીસ કલાક સુધી કર્યું.
વધુ આવતા રવિવારે


