Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 18)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 18)

04 December, 2022 10:33 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સુગર સ્ટેટ તરીકે પાકિસ્તાનભરમાં આજે પણ પૉપ્યુલર એવું બાદિન પાકિસ્તાન સરકાર માટે પણ ત્યાં બનાવવામાં આવેલા રડાર સેન્ટરને કારણે બહુ મહત્ત્વનું હતું. જોકે ૧૯૭૧ની વૉરમાં ભારતીય ઍરફોર્સે કરેલા હુમલામાં બાદિનનું રડાર સેન્ટર તહસનહસ થઈ ગયું.

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા નવલકથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


૧૯૭૧, ત્રીજી ડિસેમ્બર અને રવિવાર. 
પઠાણકોટ, પંજાબ.
સમય : સાંજે ૦પઃ૩૦ મિનિટ
પાકિસ્તાન ઍરફોર્સનાં ફાઇટર પ્લેન ભારતીય સીમામાં દાખલ થયાં. ભારત સરકારે એ પ્લેનને પાછાં ફરવાનો આદેશ રિલીઝ કર્યો, પણ પહેલી વૉર્નિંગ પછી તરત તમામ પાકિસ્તાની ફાઇટર પ્લેનના વાયરલેસ સેટ ઑફ થઈ ગયા અને ભારત સરકાર કોઈ પગલું ભરે લે એ પહેલાં એક્ઝૅક્ટ સાંજે ૫.૪૦ વાગ્યે પઠાણકોટ ઍરબેઝ પર અટૅક થયો.
રૉકેટથી થયેલા એ હુમલામાં ૧૨પ કિલોના બૉમ્બ ફેંકવામાં આવ્યા. ત્રણ બૉમ્બ સાથે પઠાણકોટ ઍરબેઝ પર સન્નાટો પ્રસરી ગયો અને પાકિસ્તાને ઐલાન-એ-જંગ જાહેર કર્યો. વાત અહીં જ અટકી નહીં. એક્ઝૅક્ટ ૫.૪૫ વાગ્યે એટલે કે પહેલા હુમલાની પંદર મિનિટ પછી પાકિસ્તાન ઍરફોર્સ દ્વારા બીજો અટૅક થયો. આ વખતે પણ ટાર્ગેટ પંજાબ જ હતું, પણ હવે અમૃતસર ઍરબેઝને નિશાન પર લેવામાં આવ્યું હતું અને હુમલાની તીવ્રતામાં ઉમેરો થઈ ગયો હતો. અમૃતસર ઍરબેઝ પર ૫૦૦ કિલોના વજનના બૉમ્બ અને રૉકેટ છોડવામાં આવ્યાં હતાં.
lll
પ.૪પ વાગ્યા પછી સાત જ મિનિટમાં ફરી હુમલો પઠાણકોટ ઍરબેઝ પર થયો અને એ પછી લગભગ ૪૫ મિનિટ સુધી પઠાણકોટ અને અમૃતસર ઍરબેઝ પર એકધારો અટૅક ચાલુ રહ્યો. હુમલાની તીવ્રતા જોઈને તાત્કાલિક અસરથી આખા પંજાબમાં અંધારપટનો આદેશ આપવામાં આવ્યો. 
શિયાળાના દિવસો હતા અને હુમલા માટે મોડી સાંજનો સમય પસંદ કરવામાં આવ્યો હતો, જેનો થોડો ઘણો ફાયદો થયો; પણ ફાઇટર પ્લેનમાં સેટ થઈ ગયેલા પઠાણકોટ અને અમૃતસર ઍરબેઝને શોધવાનું કામ પાકિસ્તાની ઍરફોર્સ માટે અઘરું નહોતું. પરિણામે એ બન્ને ઍરબેઝ પર હુમલાઓ છેક પોણાસાત વાગ્યા સુધી ચાલુ રહ્યા અને પછી થોડી મિનિટો માટે શાંતિ છવાઈ. 
છવાયેલી એ શાંતિ વચ્ચે એવું અનુમાન મૂકવામાં આવ્યું કે હવે નવો અટૅક નહીં થાય, પણ એ અનુમાન ભૂલ ભરેલું હતું. 
સાત વાગ્યા પછી પાકિસ્તાની ઍરફોર્સની સ્ટ્રૅટેજીમાં ચેન્જ આવ્યો અને પઠાણકોટ - અમૃતસરને છોડી હિન્દુસ્તાનનાં અન્ય ઍરબેઝને નિશાન પર લેવામાં આવ્યાં. પઠાણકોટ-અમૃતસર પછી ત્રીજો હુમલો સૌથી પહેલાં અંબાલા ઍરબેઝ પર થયો અને એ પછી આગરા, સિરસા, ઉત્તરલાઇ, જેસલમેર, જોધપુર અને ગુજરાતના જામનગર ઍરબેઝ પર બૉમ્બાર્ડિંગ શરૂ થયું, જે છેક રાતના સાડાદસ વાગ્યા સુધી ચાલ્યું.
અટૅકની સ્ટાઇલ ઑલમોસ્ટ સરખી જ હતી.
દરેક જગ્યાએ ઍરબેઝ અને રડાર તોડવાનું કામ થતું હતું અને હિન્દુસ્તાની ઍરફોર્સ લાચાર થતી જતી હતી. ઍરસ્ટ્રિપ્સ તહસનહસ થયા પછી છતાં ફાઇટર પ્લેને ઍરફોર્સ એ પ્લેનને સ્ટ્રિપ્સ પર લાવી શકતાં નહોતાં અને લાવે પણ ક્યાંથી? વળતા હુમલાનો આદેશ હજી સુધી તેમની પાસે પહોંચ્યો નહોતો.
lll
વૉર શરૂ થયાના સમાચાર હવે દેશભરમાં પ્રસરી ગયા હતા. 
સૌથી પહેલાં આ ન્યુઝ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને કલકત્તા પહોંચાડવામાં આવ્યા હતા. કલકત્તા આ સમાચાર પહોંચ્યા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર પોતાની જાહેર સભા પૂરી કરીને કૉન્ગ્રેસ હાઉસ મીટિંગ માટે જતાં હતાં. રસ્તામાં જ તેમને આ સમાચાર આપવામાં આવ્યા અને એ માટે તેમનો કાફલો રોકવામાં આવ્યો હતો.
એ સમયે મોબાઇલ હતા નહીં. ઇમર્જન્સી માટે વૉકીટૉકીનો ઉપયોગ થતો. વૉકીટૉકી લઈને પ્રાઇમ મિનિસ્ટરની આગળ કારમાં સિક્યૉરિટી હૅન્ડલ કરતા ચીફ ઑફિસરને સૌથી પહેલો મેસેજ મળ્યો અને તેણે કાફલો રોકીને વૉકીટૉકી સેટ પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં આપ્યો.
‘વૉર ઑન...’
કલકત્તાની સડક પર ઇન્દિરા ગાંધીને આ મેસેજ મળ્યો હતો અને તેમણે તરત જ આગળના તમામ પ્રોગ્રામ રદ કરીને કાફલો ડમડમ ઍરપોર્ટ તરફ લઈ લીધો. જોકે એ પહેલાં તેઓ પોતાની કાર છોડીને સિક્યૉરિટી ઑફિસર સાથેની જીપમાં બેસી ગયાં હતાં, જેથી તમામ પ્રકારના સંદેશાઓની આપ-લે લાઇટનિંગ ટાઇમમાં થઈ શકે.
‘કલકત્તા કી સભી ફ્લાઇટ્સ ઇસી વક્ત રદ કર દો...’
કોઈ જાતનો જવાબ આપ્યા વિના જ સિક્યૉરિટી ઑફિસર વૉકીટૉકી સેટ હાથમાં લઈને આદેશ પહોંચાડવાના કામે લાગી ગયો.
lll
એ સમયે ડમડમ ઍરપોર્ટ પર બે પ્લેન ભરાતાં હતાં અને બીજાં બે પ્લેન ટેકઑફ થવાની તૈયારીમાં હતાં. ઍરપોર્ટ સિક્યૉરિટી ઇમર્જન્સી સાથે રનવે પર ઊતરી આવી તો ઍર ટ્રાફિક કન્ટ્રોલ રૂમમાંથી પણ ચારેચાર ફ્લાઇટને રનવે ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો.
‘વી આર રેડી ટુ મૂવ...’
‘ઇટ્સ ઑર્ડર ફ્રૉમ સેન્ટ્રલ ગવર્નમેન્ટ...’ કન્ટ્રોલ રૂમમાં રહેલા ઇન્ચાર્જના સ્વરમાં સત્તાવાહી આદેશ હતો, ‘ક્વિક ફાસ્ટ...’
રનવે પરથી બન્ને પ્લેન તાત્કાલિક પાછાં ફર્યાં તો ભરાઈ રહેલાં બાકીનાં બે પ્લેનના પૅસેન્જરોને રિટર્ન કરવાનું શરૂ કરવામાં આવ્યું. શરૂઆતમાં ટેક્નિકલ કારણ આપવામાં આવ્યું હતું, જેથી પ્લેન તાત્કાલિક ખાલી થાય અને કોઈ ઊહાપોહ ન થાય.
lll
‘કનેક્ટ જગજીવનજી...’
ઇન્દિરા ગાંધીનો બીજો આદેશ આવ્યો અને તાત્કાલિક દેશના સંરક્ષણપ્રધાન બાબુ જગજીવનરામનો સંપર્ક કરવામાં આવ્યો. તેમને પણ આ જ ક્ષણે સંદેશો મળ્યો હતો અને તેઓ પટનાથી નીકળવાની તૈયારી કરતા હતા.
વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાને હવે સામાન્ય પ્લેનમાં સવારી નહોતી કરવાની. હવે તેમના માટે ઍરફોર્સનાં સ્પેશ્યલ પ્લેન આવવાનાં હતાં. પટના અને કલકત્તા એ પ્લેન પહોંચતાં એકાદ કલાક નીકળી ગયો, પણ ઍરફોર્સનાં ઇમર્જન્સી પ્લેન જેવાં પહોંચ્યાં કે બન્ને દિલ્હી આવવા માટે એમાં ગોઠવાયાં.
‘દિલ્હી ઍરપોર્ટ પે સભી ઑફિસ-બેરર્સ કો બુલા લો...’
છેલ્લો આદેશ આપીને ઇન્દિરા ગાંધી સીધાં કૉકપિટમાં ગયાં. હવે કૉકપિટના રેડિયો સેટની ફ્રીક્વન્સી પર તેઓ બાબુ જગજીવનરામ સાથે અહીંથી જ મીટિંગ શરૂ કરવાનાં હતાં, જે ભારતીય ઇતિહાસની પહેલી આ પ્રકારની મીટિંગ હતી જેમાં રાષ્ટ્રપતિને સામેલ કર્યા વિના જ દેશનાં વડાં પ્રધાન અને સંરક્ષણપ્રધાન વૉર પર મંત્રણા કરવાનાં હતાં.
lll
દિલ્હી ઍરપોર્ટ પર સૌથી પહેલાં બાબુ જગજીવનરામ પહોંચ્યા અને એ પછી ઇન્દિરા ગાંધી પહોંચ્યાં. બાબુ જગજીવનરામની ઇચ્છા હતી કે વડાં પ્રધાન સાથે એક પર્સનલ મીટિંગ કરે, પણ વડાં પ્રધાને બન્ને ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને અન્ય ચાર ડિપાર્ટમેન્ટના મિનિસ્ટરની હાજરીમાં જ તેમને ના પાડી દીધી.
‘વક્ત નહીં હૈ સલાહ-મશવરોં કા...’ ઇન્દિરા ગાંધીની વાત જરા પણ ખોટી નહોતી, ‘જો બાત કરની હૈ અબ સબકે સામને કરેંગે... બતાઇએ, ક્યા બાત હૈ?’
‘ઉનકી સ્ટ્રૅટેજી સમઝની જરૂરી હૈ...’
બાબુ જગજીવનરામની વાત સાંભળીને ઇન્દિરા ગાંધીએ નિસાસો નાખ્યો.
‘બાબુજી, જબ કોઈ હમલા કરે તબ ક્યા હમ ઉસકી સ્ટ્રૅટેજી દેખતે હૈં યા ફિર બચાવ શુરૂ કરતે હૈં?’ ઇન્દિરા ગાંધીએ ઊંડો શ્વાસ લીધો, ‘ઇસ વક્ત હમારે લિએ દો બાતેં સબસે મહત્ત્વપૂર્ણ હૈ. એક, જવાબ દો ઔર દૂસરી... હાવી હો જાઓ...’
ઊભેલા તમામ ઑફિસર્સ અને અન્ય પ્રધાનોને ઇન્દિરા ગાંધીએ આંખોના ઇશારે જ બેસવા કહ્યું અને પોતે પણ બેઠક લીધી.
એક પછી એક ઑફિસર પાસેથી માહિતીઓ લેવાની શરૂ થઈ અને મળતી જતી માહિતીના આધારે આછીસરખી રૂપરેખા ઊભી કરવાનું કામ પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસનો સ્ટાફ કરવા માંડ્યો. ૪૦ મિનિટ ચાલેલી એ મીટિંગના આધારે ઇન્દિરા ગાંધી એક નિર્ણય પર આવી ગયાં...
‘હમ પૂરે દેશ મેં ઇમર્જન્સી ઘોષિત કરતે હૈં...’
‘રાષ્ટ્રપતિ...’
બાબુ જગજીવનરામ આગળ કંઈ બોલે એ પહેલાં જ મિસિસ ગાંધીએ કહી દીધું...
‘ઉન્હે મૈં સંભાલ લૂંગી... આપ દેશ મેં ઇમર્જન્સી ઘોષિત કરો.’
ઇન્દિરા ગાંધી પ્રેસિડન્ટને મળવા રવાના થયાં અને બાકીનો સ્ટાફ તેમની સૂચના મુજબ કામે લાગ્યો તો અધિકૃત અધિકારોને આધીન રહીને બાબુ જગજીવનરામે ઑલ ઇન્ડિયા રેડિયોને ચોવીસ કલાક ચાલુ રાખવાનો આદેશ આપીને રેડિયોની કામચલાઉ ઑફિસ વડા પ્રધાનના કાર્યાલયમાં ગોઠવવાનો પણ ઑર્ડર આપી દીધો.
lll
દેશમાં ઇમર્જન્સી જાહેર થઈ.
ઇમર્જન્સી જાહેર થતાંની સાથે જ એ વાત ઑફિશ્યલ થઈ ગઈ કે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો છે અને એને લીધે ફફડાટની માત્રા અનેકગણી વધી ગઈ. ઘણાં સ્ટેટનાં શહેરો એવાં હતાં જ્યાંથી રાતના સમયે પ્લેનના અવાજો સંભળાતા હતા. શહેરોમાં ગભરાટ ચરમસીમા પર પહોંચ્યો હતો. 
ઇમર્જન્સી જાહેર થતાંની સાથે જ દેશના તમામ સરકારી કર્મચારીઓની રજા તત્કાળ અસરથી રદ થઈ તો સાથોસાથ તમામ ખાનગી હૉલ્પિટલો અને ક્લિનિકના ડૉક્ટરોને પણ સૂચના આપી દેવામાં આવી કે નવી સૂચના ન મળે ત્યાં સુધી તેમણે પોતાની હૉસ્પિટલ કે ક્લિનિક બંધ કરવાનાં રહેશે નહીં.
ઇમર્જન્સી રાતના સમયે જાહેર થઈ હતી એટલે સૌથી પહેલી અમલવારી જો કોઈ કરવામાં આવી હોય તો એ અંધારપટની હતી. દેશનાં તમામ શહેરોમાં અંધકારપટ કરવાનો આદેશ મળ્યો હતો, જેના અમલમાં સ્થાનિ પોલીસ લાગી ગઈ હતી.
જ્યાં ફરજિયાત લાઇટ ચાલુ રાખવાની હતી એ બિલ્ડિંગના કાચ પર કાળો કલર લગાવવામાં આવ્યો. એને લીધે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ૪૮ કલાકમાં જ દેશમાં કાળા રંગના ઑઇલ પેઇન્ટની અછત ઊભી થઈ ગઈ. કલર મળતો બંધ થયો એટલે લોકોએ જાડાં પૂંઠાં બારીના કાચની આડશમાં ફિટ કરવાનું શરૂ કરી દીધું, જેથી અંદર ચાલુ રહેલી લાઇટનો પ્રકાશ બહાર જાય નહીં. અલબત્ત, ઇમર્જન્સી વિના કે પછી હૉસ્પિટલ અને સરકારી ઑફિસ સિવાય કોઈ જગ્યાએ લાઇટ નહીં કરવાની સૂચના હતી તો સરહદ નજીક આવેલાં શહેરોમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.
lll
૧૯૭૧, ત્રીજી ડિસેમ્બર અને રવિવાર
સમય : રાતના ૧૧ઃ૩૦.
પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાં ફરીથી તાકીદની બેઠક શરૂ થઈ. એ બેઠકમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘વૉરના જવાબમાં આપણે શું કર્યું?’
જવાબ મળ્યો કે આપણાં પ્લેન અટૅક માટે તૈયાર છે અને રાજસ્થાન, પંજાબ બૉર્ડર પર આર્મી પણ રેડી છે.
‘રેડી હૈ, પર કાર્યવાહી શુરૂ નહીં હુઈ...’
‘જી...’
પ્રાઇમ મિનિસ્ટરે દીવાલ પર લટકતી ઘડિયાળમાં જોયું. ઘડિયાળમાં સમય હતો ૧૧ વાગી ને ૩પ મિનિટનો.
પાકિસ્તાને અટૅક કર્યો એ પછી ઑલમોસ્ટ પાંચ કલાક ૫૫ મિનિટ પછી ભારત જવાબ આપવાની શરૂઆત કરવાનું હતું અને જવાબદેહી કાર્યવાહી શરૂ થઈ છ કલાક પછી. આ છ કલાક ભારતને નડી ગયા. જો જવાબ આપવાનું કામ બીજી જ મિનિટથી થયું હોત તો કદાચ અત્યારનું વાતાવરણ અને દૃશ્ય જુદું હોત. જોકે એમાં ભારતનો પણ કોઈ વાંક નહોતો. પાકિસ્તાની ઍરફોર્સે જે રીતે સ્ટ્રૅટેજી સાથે કામ ચાલુ કર્યું હતું એ ખરેખર કોઈ પણ દેશને થોડો સમય માટે ભારે પડી જાય એવું હતું. 
ભારતે જવાબ આપવાનો શરૂ કર્યો ત્યારે ભારતીય ઍરફોર્સ પૅરૅલાઇઝ્ડ થવાની અણી પર આવી ચૂક્યું હતું. બસ, હવે થોડા જ સમયની રાહ હતી. ભારતનાં મોંઘાંદાટ અને અત્યાધુનિક ફાઇટર પ્લેન શોભાના ગાંઠિયા બનીને ઍરબેઝ પર પડ્યા રહેવાનાં હતાં.
lll

આ પણ વાંચો : 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૧૭)



૧૯૭૧, ચોથી ડિસેમ્બર અને સોમવાર.
બીજા દિવસે પણ દિવસભર પાકિસ્તાનનો હુમલો ચાલુ જ રહ્યો. હુમલાનો જવાબ આસમાની રસ્તે આપવો ભારતીય સેના માટે દુષ્કર બનતું જતું હતું.
પાકિસ્તાન રનવે તોડતું અને ભારતીય સેના પોતાનાં ફાઇટર પ્લેનને રનવે પર લાવવા માટે એ રનવે રિપેર કરવાની પ્રક્રિયામાં લાગતું, પણ બે-ચાર કલાકમાં ફરી હુમલો થતો અને તૈયાર થતો રનવે વધારે ભયાનક રીતે તૂટતો. અનેક રનવે પર દસ-બાર અને પંદર ફુટના ખાઈ જેવા ખાડા પડી ગયા હતા તો અનેક રનવે પર એવી હાલત થઈ ગઈ હતી કે મૂળ રનવે શોધવામાં જ દિવસો નીકળી જાય.
એવું નહોતું કે ઍરફોર્સ બેસી રહ્યું હતું. ના, વિક્રાંત અને એવાં જ નેવીનાં બીજાં જહાજો પર રહેલાં ફાઇટર પ્લેન કામે લાગ્યાં હતાં, પણ એ ગણ્યાંગાંઠ્યાં ફાઇટર હતાં જેનો ઉપયોગ મધ્ય માર્ગ માટે કરવાનો હતો અને એ ફાઇટર પ્લેનોએ હવે મુખ્ય રૂટ પર કામ કરવાનું હતું, જે સામેનાં ફાઇટર પ્લેનોની તોતિંગ સંખ્યાને પહોંચી વળવામાં દૂર-દૂર સુધી અસમર્થ પુરવાર થતાં હતાં.
ક્યાંક આપણાં ફાઇટર પ્લેન પહોંચી પણ વળતાં, પરંતુ એવું બનતું ત્યારે મર્યાદિત સંખ્યાનાં રૉકેટની ખૂટતી જતી માત્રા કનડગત ઊભી કરી જતી. રૉકેટ માટે પણ નવાં ફાઇટર પ્લેનોને આકાશમાં લાવવા જરૂરી હતાં અને એમને આકાશમાં લાવવા માટે પહેલાં રનવે પર લાવવાનાં હતાં, પણ ઍરપોર્ટ પર રનવે નેસ્તનાબૂદ થઈ ગયા હતા.
તાત્કાલિક ધોરણે એવા ઍરબેઝને કામે લગાડવામાં આવ્યાં જ્યાં હજી પાકિસ્તાની ઍરફોર્સ પહોંચી નહોતી. એ ઍરબેઝમાં સૌથી પહેલાં સહારે આવ્યું જામનગર.
lll
જામનગર ઍરફોર્સના બેઝ પર હુમલો થયો હતો, પણ એ ઍરબેઝ પર ચાર નવા રનવે બન્યા હતા જેમનું ઓપનિંગ હજી બાકી હતું. પરિણામે એ રનવે પાકિસ્તાનની નજર બહાર હતા.
ભારતીય ઍરફોર્સે આ રનવેનો ઉપયોગ કર્યો અને જામનગર ઍરબેઝથી પાકિસ્તાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો.
આદેશ મળતાં જ આઠ હન્ટર પ્લેન રવાના થયાં. આ હન્ટર પ્લેન પૂરા આયોજન સાથે રવાના થયાં હતાં. હન્ટર પ્લેન પાસે માસ્ટર પ્લાન હતો, જે મુજબ એમણે પાકિસ્તાન ઍરબેઝને હવે નેસ્તનાબૂદ કરવાનાં હતાં. આઠ હન્ટરને પાકિસ્તાનનાં કુલ ૧૪ ઍરબેઝ પર હુમલો કરવાની જવાબદારી આપવામાં આવી હતી. એ ૧૪માંથી નવ પર હુમલો કરવામાં હન્ટર સફળ રહ્યાં અને એ નવમાંથી સૌથી મહત્ત્વનો અટૅક હતો એ પાકિસ્તાનના બાદિન પર હતો.
સિંધમાં આવેલું બાદિન શહેર બાદિન જિલ્લાનું સૌથી મોટું મથક હતું અને પાકિસ્તાની સંરક્ષણ માટે પણ અત્યંત મહત્ત્વનું હતું. પાકિસ્તાન ઍરફોર્સનું મેઇન રડાર સેન્ટર આ બાદિનમાં બનાવવામાં આવ્યું હતું, જેના પર ૧૯૬પના યુદ્ધ દરમ્યાન પણ હુમલો થયો હતો અને ૧૯૭૧ના યુદ્ધના આરંભમાં પણ હુમલો થયો હતો.
૧૯૬પમાં થયેલા અટૅક પછી પાકિસ્તાને બાદિનમાં અમેરિકી સહાયથી અલ્ટ્રા મૉડર્ન રડાર સેન્ટર બનાવ્યું હતું જે પાકિસ્તાન જ નહીં, છેક અફઘાનિસ્તાન સુધીના અવકાશી માર્ગ પર નજર રાખતું. બાદિનના રડાર સેન્ટરની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમાં ટેક્નૉલૉજિકલ એવી અરેન્જમેન્ટ હતી કે એ પાકિસ્તાની ઍરફોર્સ અને ઍરવેઝ સિવાયનાં તમામ પ્લેનને ઑટોમૅટિકલી મેસેજ આપતી તો સાથોસાથ પાકિસ્તાનમાં રહેલાં અન્ય રડાર સેન્ટરને પણ એની ઇન્ફર્મેશન શૅર કરતી.
જ્યાં સુધી એ સેન્ટર પરથી જવાબ ન મળે ત્યાં સુધી એ પ્લેન પર નજર રાખીને બેઠેલા બાદિન રડાર સેન્ટરને જો સમયસર સંદેશો ન મળે તો એ ઑટો-મોડ પર રહેલા રૉકેટ લૉન્ચરને પણ ઑન કરવાની કુનેહ ધરાવતું હતું.
બાદિન રડારની નજરમાં ન આવવું હોય તો ૪૦ સેકન્ડ મળતી અને એ પણ અમુક અક્ષાંશ-રેખાંશ પર. ભારતીય હન્ટરે એ જ તકનો લાભ લઈને બાદિન રડાર સેન્ટર પર હુમલો કર્યો અને એમાં આખું રડાર સેન્ટર ખતમ કરી નાખ્યું. 
હુમલો કરીને હન્ટર પ્લેન ક્ષેમકુશળ પાછાં આવી ગયાં અને રાતના સમયે નવા હુમલાની તૈયારીમાં લાગી ગયાં. જોકે એ હુમલો શક્ય બન્યો નહીં.


વધુ આવતા રવિવારે


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 10:33 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK