Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૧૭)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૧૭)

27 November, 2022 08:02 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

થાકેલી વાનરસેનાના ચહેરા પરથી રામ પારખી ગયા એટલે તેમણે હનુમાનજીને બોલાવ્યા અને સૌને આરામ કરવા માટે કહ્યું, પણ હનુમાનજીએ સાચી વાત કહી...

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

નવલકથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


૧૯૭૧, ત્રીજી ડિસેમ્બર અને રવિવાર.

ભુજ, ગુજરાત.



સમય : ૦૩ઃ૦૧ મિનિટ.


માધાપરના હટાણું-મથક એવા ભુજમાં ડિસેમ્બરમાં વહેલી શરૂ થઈ ગયેલી ઠંડીની કોઈ ખાસ અસર દેખાતી નહોતી અને તડકો આકરો થઈ ગયો હતો. કાળા ડુંગરે જવા માટે હમીરસર તળાવ પાસે ઊભેલી ટૂરની બસમાં બધા બેસતા હતા. રાજકોટથી કચ્છ જોવા આવેલો સંઘ આજે સિટીની ટૂર કરતો હતો. આજે તેમનો છેલ્લો દિવસ હતો. આવતી કાલે બપોરે તેમણે નીકળી જવાનું હતું. કાળા ડુંગરથી સીધા જ સફેદ રણ જવાનું હતું અને સફેદ રણમાં સૂર્યાસ્ત જોઈ પાછા ફરવાનું હતું.

સરકાર દ્વારા આપવામાં આવતા એલટીસીની યોજનાનો લાભ લઈને સંઘમાં જોડાનારા સૌ સરકારી કર્મચારીઓ અને તેમના ફૅમિલી મેમ્બર્સ હતા.


‘જલદી કરો જલદી...’ હમીરસર તળાવની પાળે બેસીને દાબેલી ખાતા પ્રવાસીઓને ટૂર-ઑપરેટરે રાડ પાડીને કહ્યું, ‘હજી સો કિલોમીટર દૂર જવાનું છે... સાંજ જો કાળા ડુંગરે પડી ગઈ તો સફેદ રણ પહોંચાશે નહીં.’

‘બા, રણ તો સમજયા, આ સફેદ રણ શું હોય?’

‘ન્યાંથી દીકરા ચૂનો નીકળે...’ બાએ પોતાની રીતે ગપગોળો હાંકી દીધો, ‘એટલે ઓ’લી રણની રેતી હોયને એ સફેદ થઈ ગઈ હોય...’

‘તમે જોઈ છે ઈ?’

‘ના હોં, મારે તારી ભેગી ઈ રેતી આજે જ જોવાની છે...’ છોકરાનો હાથ ખેંચીને બા બસ તરફ આગળ વધી, ‘હડી કાઢ બચુડા, નઈ તો બસ મેલીને નીકળી જાહે...’

બા અને બાના બચુને ક્યાં ખબર હતી સફેદ રણની આ વાર્તાની જેમ જ બાએ કલાક પછી એવી-એવી વાર્તા ઊભી કરવાની છે જેથી બચુનો જીવ અથરો થાય નહીં.

lll

માધાપરના પાદરમાં હજીયે બેઠક જામેલી હતી.

બપોરના ભોજન પછીની આ બેઠકમાં મુદ્દો તો એ જ ચાલુ રહ્યો હતો જેની ચર્ચા અનાયાસ શરૂ થઈ હતી.

‘તો પછી હવે કરવું છે શું?’

વાતનો વિષય ગોરુભાએ જ ઉખેડ્યો એટલે માવજીભાઈએ ગોરુભા સામે જોયું.

‘બીજું શું, કીધું ઈ...’ માવજી ડોસાએ બીડી સળગાવી, ‘થઈ જાય શહેરવાળા... રૅલિયું કાઢશું તો જ બધાયને ભાન થાશે કે આપણનેય બધું આવડે છે. ચૂપ છીએ એનો અરથ એવો નહીં કાઢવાનો કે બંગડિયું પેયરી છે...’

‘ઈ તો કીધુંને તમને મુખી...’ ગોરુભાએ મુદ્દો ફરી એક વાર પકડી લીધો, ‘કરો કાલે બધાયને ભેગા. પાળી દઈએ છાકો.’

‘હા રે, સારા કામમાં ઢીલ શેની હવે...’ પાદરે બેઠેલા અન્ય એક વડીલે મુખીને કહ્યું, ‘સોનામાં સુગંધ ભેળવવી હોય તો બાપુનેય વચ્ચે નાખીએ.’

માવજી ડોસાએ પ્રશ્નાર્થ નજરે એ વડીલ સામે જોયું એટલે વડીલે ફોડ પાડ્યો...

‘માંડી દે આખી રૅલી આમરણ અપવાસ. બાપુ જો અપવાસથી અંગ્રેજોને ભગાડી દેતા હોય તો આ સંધાય કઈ વાડીના મૂળા?!’

‘કઈ વાડીના?!’ મુખીનો ચહેરો સહેજ આકરો થ્યો, ‘તમ પૂછો છો કઈ વાડીના?! સાંયભળી નથી ઓ’લી રામ ને દેડકાની વાત?!’

મુખીએ ઊંડો શ્વાસ લીધો અને ત્યાં હાજર રહેલાં સૌકોઈએ પણ કાન સરવા કર્યા. સૌને ખબર હતી કે હવે માવજી ડોસા જે વાત કરશે એમાં જીવનસારનો કોઈ સરસ પ્રસંગ સાંભળવા મળશે.

પાદરે બેઠેલા ૧૭ જણની ૩૪ આંખો મુખી પર જડી ગઈ હતી અને મુખીની આંખો આકાશ તરફ.

‘રામાયણની વાત છે... દરિયાકિનારે બધાય ભેગા મળીને લંકા જાવા માટે રામસેતુ બનાવતા’તા ત્યારની વાત...’ આંખોમાં આકાશ ભરતાં મુખીએ વાત શરૂ કરી, ‘એકધારું સવારથી કામ કરતી વાનરસેના સાંજ પડતાં સુધીમાં તો થાકી ગઈ; પણ આ તો રામનું કામ, એમ કંઈ થોડું પડતું મૂકીને આરામ કરવા બેસાય છે. એક બાજુ થાક તો બીજી બાજુ ભૂખ અને તરસ. પાણી આંખ સામે હતું, પણ એ તો ક્ષારવાળું પાણી. તરસ વચ્ચે બે-ચાર ટીપાં પી લે, પણ જો એવું કરે તો શરીરમાંથી બાકીની તાકાતેય નીકળી જાય...’

lll

થાકેલી વાનરસેનાના ચહેરા પરથી રામ પારખી ગયા એટલે તેમણે હનુમાનજીને બોલાવ્યા અને સૌને આરામ કરવા માટે કહ્યું, પણ હનુમાનજીએ સાચી વાત કહી...

‘પ્રભુ, થાક્યા કામથી નથી પણ તરસથી છે. બધાને પાણી પીવું છે અને અહીં ક્યાંય આસપાસ પાણી નથી... કરવું શું એ સમજાતું નથી.’

રામના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે હનુમાનજીના ખભા પર હાથ મૂક્યો અને પછી પોતાના જમણા હાથે ડાબા ખભા પર લટકતા ભાથામાંથી તીર કાઢ્યું.

તીર આંખે મૂકીને પ્રભુએ આંખ બંધ કરી, તૃષાદેવીનું સ્મરણ કરીને રામે તીર જમીન પર છોડ્યું અને બીજી જ ક્ષણે જમીનમાંથી પાણીનો ફુવારો છૂટ્યો.

‘જય શ્રી રામ...’

હનુમાનજી ખુશ થઈ ગયા. તેમને ખાતરી હતી કે આ પાણી મીઠું હોવાનું અને એટલે જ તેમણે સીધું પાણી પોતાના મુખમાં ઝીલ્યું. ખરેખર એવું જ હતું. મીઠું મધ જેવું પાણી. હનુમાનજી પાણી પાસેથી હટ્યા અને વાનરસેનાને રાડ પાડી, પણ ત્યાં જ...

આ શું?

જમીનમાંથી નીકળતું પાણી લાલ થઈ ગયું.

‘હનુમંત... જલદી ખાડો ખોદો...’ રામે આદેશ આપ્યો, ‘ત્યાં કોઈ જીવ છે.’

હનુમાનજી કામે લાગ્યા તો તેમને સાથ આપવા લક્ષ્મણજી પણ કામે લાગી ગયા. માંડ એકાદ ફુટ ખાડો ખોદ્યો હશે ત્યાં તો જમીનમાંથી દેડકો મળ્યો. રામે છોડેલું તીર દેડકાની આરપાર નીકળી ગયું હતું. એના બિચારાના છેલ્લા શ્વાસ ચાલતા હતા.

રામ તરત જ જમીન પર બેસી ગયા. તેમણે દેડકાને હાથમાં લીધો અને ધીમેકથી તેના શરીરમાંથી તીર બહાર ખેંચી કાઢ્યું. દેડકાની આંખમાં આંસુ હતાં. અંતિમ ઘડી હવે નજીક હતી.

‘તું અંદર હતો, તને ખબર હતી કે હું તીર છોડું છું તો તારે બૂમ પાડવી જોઈએને?’

રામનો પ્રશ્નમાં યથાર્થ હતો અને દેડકાનો જવાબ એથી પણ વધારે ઉચિત.

‘પારકો તીર મારતો હોય તો બચાવવા માટે મારા રામને બૂમ પાડું, પણ મારો રામ જ જ્યારે તીર મારતો હોય ત્યારે હું કોને સાદ દઉં?!’

lll

‘પહેલાંના અને અત્યારના સમયમાં આ તો મોટો ફેર છે...’ માવજી ડોસાએ ધીમેકથી નજર પાદર પર બેઠેલા સૌ પર માંડી, ‘પહેલાં પારકા સામે લડવાનું હતું અને હવે... હવે આપણા પોતાના સામે લડત મૂકવાની છે... ને લડાઈ જ્યારે પોતાના સામે હોય ત્યારે જીત એની જ થાય જેના પક્ષે શ્રીકૃષ્ણ હોય...’

હકની લડાઈની વાત કરતા માધાપરવાસીઓને ક્યાં ખબર હતી કે સાચી લડાઈ શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અને પાકિસ્તાને અલર્ટ મોડમાં આવીને ઑલરેડી તૈયારીઓ પણ આરંભી દીધી છે.

lll

ઇસ્લામાબાદ, પાકિસ્તાન

સમય : ૦પઃ૦૧ મિનિટ.

અલ્લાહૂ અકબર અલ્લાહ... હૂ અકબર...

મસ્જિદ પર લગાવવામાં આવેલા લાઉડ સ્પીકરમાંથી રેલાતો અવાજ ઇસ્લામાબાદની સડકો પર પ્રસરી ગયો અને વાહનો ધીમાં પડવા માંડ્યાં. મોટા ભાગના દરેકેદરેકે એક વખત કાંડાઘડિયાળમાં સમય ચેક પણ કરી લીધો હતો.

શિયાળાને કારણે સૂર્યાસ્ત વહેલો થતો; પણ અત્યારે તો સૂર્યાસ્ત શું, હજી સાંજ પણ નહોતી પડી અને એકાએક આ નમાજ. કેટલાક ચુસ્ત મજહબી બિરાદરો રસ્તાની સડકની બન્ને બાજુઓ પર બંદગીની મુદ્રામાં ગોઠવાઈ ગયા તો અનેક લોકોએ અદબીભાવ સાથે વાહન રોકી દીધાં.

શહેરમાં કોઈ બાકી નહોતું જેને વહેલી શરૂ થયેલી બંદગીથી તાજુબ ન થયું હોય. સિવાય પાકિસ્તાની સેના, સરકારી અધિકારી અને યાહ્યા ખાન.

અલ્લાહૂ અકબર અલ્લાહ... હૂ અકબર...

બંદગીના અવાજે યાહ્યા ખાનના ચહેરા પર સુકૂન પાથરી દીધું. જનરલ રાણીને બર્થ-ડેની મુબારકબાદી આપવા માટે સવારે ફોન કર્યો ત્યારે જ તેમણે કહી દીધું...

‘ચૌબીસ ઘંટે... સિર્ફ ચૌબીસ ઘંટે મોહતરમા... ફિર હિન્દુસ્તાન આપ કી ગોદ મેં.’

- અનઑફિશ્યલ બેગમ એવી જનરલ રાણીને હિન્દુસ્તાનની ભેટ આપવાની દિશામાં તેમનું પહેલું પગલું મંડાઈ ચૂક્યું હતું.

અલબત્ત, તેમને ખબર નહોતી કે તેમના આ સપનાની સામે કચ્છના મુઠ્ઠીસરીખા માધાપર ગામની ત્રણસો મહિલાઓ કાળ બનીને એવી ઊભી રહેવાની છે જેની તેમણે કલ્પના સુધ્ધાં નથી કરી.

lll

જે સમયે ઇસ્લામાબાદમાં અધિકારીઓ નમાજ પઢતા હતા એ સમયે હિન્દુસ્તાનની અવામ રવિવારની રજાનો આનંદ માણતી હતી. સામાન્ય રીતે આઠ વાગ્યા પછી ઘરની બહાર નીકળતી ફૅમિલી પણ શિયાળાની ઠંડી સહન ન કરવી પડે એટલે બાળકોને લઈને વહેલી બહાર ફરવા નીકળી ગઈ હતી. દિલ્હીની પાલિકાબજાર લોકોથી ઊભરાવા લાગી હતી તો મુંબઈની ગિરગામ ચોપાટી પર પણ જાણે કે માનવમહેરામણ જામ્યો હતો. અમદાવાદના કાંકરિયા તળાવે રીતસર કીડિયારું હતું અને ચેન્નઈના પાલી બીચ પર જ્યાફત શરૂ થઈ ગઈ હતી.

ગરમ કપડાંમાં સજ્જ હિન્દુસ્તાનીઓને પાકિસ્તાનમાં ચાલતા રાજકીય ગરમાવાનો અણસાર ક્યાંથી હોવાનો? એવું જ હિન્દુસ્તાની સરકારનું પણ હતું.

કલકત્તાની યાત્રા પર ગયેલાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી મીટિંગોમાં બિઝી હતાં તો રૉની ઑફિસમાં બેઠેલા અધિકારીઓ પણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તાજેતરમાં જ શરૂ થયેલા રૉને યુદ્ધ પહેલાંની તમામ માહિતીઓ મળતી હતી, પણ અગત્યની કહેવાય એવી આ એક માહિતી મળી નહીં અને ધારો કે મળી પણ હોત તોય પાકિસ્તાનનો ગેમપ્લાન ખબર હોવો જરૂરી હતો જેનો પણ અણસાર નહોતો.

lll

ઇસ્લામાબાદ, પાકિસ્તાન.

સમય : ૦પઃ૦૮ મિનિટ.

ડૉટ આ જ સમય પર નમાજ પૂરી થઈ અને અધિકારીઓ તથા આર્મી, ઍરફોર્સ અને નેવી સહિત સૌ પાકિસ્તાની અમલદારો-કર્મચારીઓ પોતપોતાની રીતે ફ્રેશ થવાના કામ પર લાગી ગયા. બે જ મિનિટમાં પાકિસ્તાનનાં ચાર શહેરોમાં પાકિસ્તાની ધ્વજ હવામાં લહેરાયો. આ આરંભની સાઇન હતી અને ચાર શહેરોની તમામ સરકારી કચેરીમાં આ કામ થયું હતું.

ધ્વજ લહેરાયાની એકાદ મિનિટ પછી તરત જ આ ચારેચાર શહેરોની સરકારી કચેરીમાંથી આકાશમાં લીલા રંગની કલર-ગનથી હવામાં શૉટ્સ થયા અને પછી તરત જ જાહેર સ્થળો નજીક આવેલી ઊંચી ઇમારત પરથી લીલા રંગના ગુબ્બારા હવામાં છોડવામાં આવ્યા. પ્રક્રિયા જેવી પૂરી થઈ કે તરત જ વાયરલેસ અને ટ્રન્કકૉલ શરૂ થઈ ગયા અને પાકિસ્તાને સત્તાવાર રીતે વૉર શરૂ થવાનો સંદેશો દેશભરના સરકારી અધિકારીઓને પહોંચાડી દીધો.

આ સંદેશ પણ સામાન્ય સ્તરની ઔપચારિકતા માત્ર હતી, કારણ કે છેલ્લા એક મહિનાથી સરકારી અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી હતી. નિકટતમ વ્યક્તિના મૃત્યુ સમયે પણ માંડ ચાર કલાકની રજા મળતી હતી, જે જોઈને મોટા ભાગના સનદી અધિકારીઓને આવનારા સમયની કટોકટીનો અણસાર આવી ગયો હતો અને એની ખાતરી આ ક્ષણે થઈ હતી.

ટિક્કા ખાને સૌથી પહેલો ઑર્ડર પાકિસ્તાન ઍરફોર્સને આપ્યો અને જેવો આદેશ મળ્યો કે બીજી જ ક્ષણે પાકિસ્તાની ઍરફોર્સ દ્વારા ઑપરેશન ચંગેઝ ખાનનો પ્રારંભ થયો.

lll

સમય : ૦પઃ૩૦ મિનિટ.

પાકિસ્તાનથી નીકળેલાં ઍરફોર્સનાં ફાઇટર પ્લેન એક્ઝૅક્ટ ૫.૩૦ વાગ્યે ભારતીય સીમામાં દાખલ થયાં. દાખલ થતાં આ ફાઇટર પ્લેન ઇન્ડિયન ઍરફોર્સની નજરમાં આવતાંની સાથે જ ભારત સરકારે એ પ્લેનને પાછાં ફરવાનો આદેશ રિલીઝ કર્યો અને બીજી જ ક્ષણે ભારત સરકારને એની જાણકારી આપવામાં આવી.

જાણકારી મળતાં જ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ત્રણ વૉર્નિંગ પછી પણ જો એ ફાઇટર પ્લેન પાછાં ન ફરે તો અટૅક કરીને એમને તહસ્ત કરવામાં આવે. જોકે ત્રણ વૉર્નિંગની વાત જ નહોતી. બીજી વૉર્નિંગ સમયે જ રડાર ઑપરેટર સમજી ગયા હતા કે દેશની આસમાની સરહદમાં દાખલ થનારાં એ ફાઇટર પ્લેનનો ઇરાદો નેક નથી.

દેશમાં દાખલ થયેલાં તમામ પાકિસ્તાની ફાઇટર પ્લેનના વાયરલેસ સેટ બીજા મેસેજ સમયે ઑફ થઈ ગયા હતા!

પહેલો મેસેજ વાજબી રીતે ડિલિવર થયો, પણ બીજો મેસેજ ડિલિવર નહોતો થતો અને પ્લેનની ભારત તરફની યાત્રા પણ અકબંધ હતી.

ફરી ભારત સરકારને જાણ કરવામાં આવી, પણ ભારત સરકાર કોઈ પગલું ભરે કે પછી ત્વરા સાથે કોઈ નિર્ણય લે એ પહેલાં એક્ઝૅક્ટ પાંચ વાગીને ૪૦ મિનિટે હિન્દુસ્તાન પર પાકિસ્તાને હુમલો કર્યો.

પહેલો હુમલો પંજાબના પઠાણકોટ શહેરના ઍરબેઝ પર થયો.

રૉકેટથી થયેલા એ હુમલામાં ૧૨પ કિલોના બૉમ્બ ફેંકવામાં આવ્યા. ત્રણ બૉમ્બ સાથે પઠાણકોટ ઍરબેઝ નેસ્તનાબૂદ થઈ ગયું અને પાકિસ્તાની ફાઇટર પ્લેન ફરી પોતાની સીમામાં દાખલ થઈ ગયું.

એલાન-એ-જંગ હવે સત્તાવાર હતો અને આ પાકિસ્તાનની પહેલી નાપાક હરકત હતી જે હવે એકધારી ચાલુ રહેવાની હતી.

lll

પઠાણકોટ ઍરબેઝ પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે દેશભરના સંરક્ષણ વિભાગમાં પહોંચાડવામાં આવ્યા તો સાથોસાથ ઍરમાર્શલ એચ. એન. ચૅટરજીને પણ જાણ કરવામાં આવી.

હુમલાની વિગત આવતાં જ ચૅટરજી તાત્કાલિક ગૃહપ્રધાન બાબુ જગજીવન રામની ચેમ્બરમાં દાખલ થયા. બાબુ જગજીવન રામ તો પ્રવાસ પર હતા, પણ તેમના સેક્રેટરી પી. સી. લાલ હાજર હતા. લાલને જાણ કરવામાં આવી કે તરત જ લાલે બાબુ જગજીવન રામનો સંપર્ક કર્યો, પણ તેમનો સંપર્ક શક્ય બન્યો નહીં અને પી. સી. લાલ જમીન પર ફસડાઈ પડ્યા.

હવે કરવું શું?

આખી વાત ઍરમાર્શલ ચૅટરજીએ પોતાના હાથમાં લીધી અને દિલ્હીમાં હાઈ અલર્ટ જાહેર કરવાનું તેમણે નક્કી કર્યું. સંભવિતપણે દેશમાં પહેલી વાર એવું બન્યું હતું કે હોમ મિનિસ્ટરને જાણ ન હોય અને દેશના કૅપિટલમાં હાઈ અલર્ટ આપવામાં આવી હોય.

‘પાકિસ્તાન અટૅક્ટ્ડ... દિલ્હી ઑન હાઈ અલર્ટ.’

શહેરભરમાં સાયરન શરૂ થઈ ગઈ. શહેર પોલીસ પણ રસ્તા પર આવી ગઈ. પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસને વિશ્વાસમાં લઈને તાત્કાલિક આકાશવાણી રેડિયો પરથી પણ આ હાઈ અલર્ટની જાહેરાત કરી દેવામાં આવી.

‘ખેદ કે સાથ કહના પડતા હૈ કિ હમારે પાટનગર દિલ્હી મેં હાઈ અલર્ટ ઘોષિત કિયા ગયા હૈ. પાકિસ્તાની હમલે કે જોખમ કે કારન ઘોષિત કિયે ગયે ઇસ હાઈ અલર્ટ મેં જલ્દ સે જલ્દ આપ અપને નિવાસસ્થાન યા તો સુરક્ષિત જગહ પે પહોંચ જાએ.’

વાગી રહેલી સાયરન વચ્ચે દિલ્હીમાં માઇક્રોફોન સાથે પોલીસ વૅન પણ બહાર આવી ગઈ. કોઈ શંકા નહોતી કે આ પાકિસ્તાની હુમલો જ હતો. સાંજનો સમય હતો, શિયાળાની સાંજ હતી એટલે બ્લૅકઆઉટ પણ અનિવાર્ય હતો. હવે વધારાની કોઈ પણ જાહેરાત પાટનગરને પૅનિક કરી દે એવી સંભાવના હતી, પણ ખુશનસીબી હિન્દુસ્તાનની કે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીનો સંપર્ક થયો.

કલકત્તાથી ચાર મિનિટ થયેલી એ વાતચીતમાં ઇન્દિરા ગાંધીએ જ આદેશ આપી દીધો : ‘પૅનિક કી નહીં, દેશ કી પરવા કરો... બ્લૅકઆઉટ ઘોષિત કરો...’

અને દિલ્હીમાં બ્લૅકઆઉટની ઘોષણા થઈ ગઈ.

આજની રાત હવે આખું દિલ્હી અંધારપટ વચ્ચે જીવવાનું હતું. પાકિસ્તાન ક્યારેય હુમલો કરે એવી સંભાવના હતી, જે જરા પણ ખોટી નહોતી તો પાકિસ્તાન રાહ જોવાના મૂડમાં પણ નહોતું.

એક્ઝૅક્ટ ૫.૪૫ વાગ્યે એટલે કે પહેલા હુમલાની પંદરમી મિનિટે પાકિસ્તાને બીજો અટૅક કર્યો અમ્રિતસર ઍરબેઝ પર. આ વખતે હુમલાની તીવ્રતા વધી ગઈ. અમ્રિતસર ઍરબેઝ પર ૫૦૦ કિલોના વજનના બૉમ્બ અને રૉકેટ છોડવામાં આવ્યાં.

 

વધુ આવતા રવિવારે

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 08:02 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK