અને સાંભળ... તું જેને વીણાવતી સમજતો રહ્યો તે પણ મારી જ ગોઠવેલી કઠપૂતળી હતી!
ઇલસ્ટ્રેશન
સવારે જ ભાટિયાનો ફોન
આવ્યો, ‘ઓ દાસગુપ્તા! કે પછી તારું જે અસલી નામ હોય તે! આપણે કોઈ એકાંત જગ્યાએ
ADVERTISEMENT
મળવું પડશે!’
‘એકાંત જગ્યા’ એવા શબ્દો સાંભળતાં જ ડેવિડના મનમાં એક પ્લાન આકાર લેવા માંડ્યો... પણ પહેલાં ભાટિયાની વાત સાંભળી લેવી જરૂરી હતી.
‘તું મારી બૈરીને મળવા માટે
ગયો હતો?’
‘હા ગયો હતો, કેમ?’ ડેવિડે રુઆબ છાંટ્યો.
‘અરે યાર તારું જે નામ હોય એ... બહુ મોટી બબાલ થઈ ગઈ છે. મારી બૈરીએ મારી સાથે બહુ મોટો ઝઘડો કર્યો છે! તેં તેને કોઈ ફોટો બતાવ્યા હતા?’
ડેવિડ હસ્યો, ‘કેમ? તમારી વાઇફ તો આંધળી છેને? તેને ક્યાં કંઈ દેખાય જ છે?’
‘એ બધું છોડ... તારું જે નામ હોય તે, તું મને મળ. મારે એ તમામ ફોટો અને નેગેટિવ્સ જોઈએ.’
‘મારું નામ ડેવિડ છે મિસ્ટર ભાટિયા અને એ ફોટો તથા નેગેટિવ્સની કિંમત પંદર કરોડથી એક રૂપિયો પણ કમ નહીં
થાય. મંજૂર હોય તો જ આગળ વાત કરો.’
‘પચાસ લાખ... એનાથી વધારે મારી પાસે છે જ નહીં.’
ડેવિડને થયું કે ભાટિયા જો હાથમાંથી છટકી જશે તો વીણાવતીના વીસ કરોડ પણ હાથમાંથી જશે. આ જ મોકો હતો ભાટિયાને પતાવી દેવાનો. તેણે હસતાં-હસતાં કહ્યું,
‘શું વાત છે ભાટિયા? આટલો બધો ગભરાટ શાને લીધે છે? બૈરીની બહુ બીક લાગે છે?’
‘યાર ડેવિડ, તું સમજ. તે બહુ વિચિત્ર સ્વભાવની છે. બે દિવસમાં દિલ્હીથી એક બહુ મોટી પાર્ટી મારી સાથે એક સોદો કરવા આવવાની છે, પણ મારી વાઇફ કહે છે કે આ બધા ફોટો તે તેના સરનામે મોકલી આપશે અને જો એમ થાય તો...’
‘સોદો કેટલા કરોડનો છે?’ ડેવિડ ખંધું હસ્યો, ‘તારી બૈરીનો સફરજનનો બગીચો વેચવાનો છે કે એકાદ બંધ પડેલી આલીશાન હોટેલનું બિલ્ડિંગ?’
‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ!’
‘ગુસ્સો શું કામ કરે છે ડિયર? ચાલ, એટલું પ્રૉમિસ કર કે
જો સોદો થઈ જાય તો પચાસ લાખને ટોકન ગણવાનું અને
બાકીના સાડાચૌદ કરોડ...’
‘ભાડમાં જા સાલા!’ ભાટિયા બગડ્યો.
‘અરે ડિયર ગુસ્સે થઈ ગયો? ચલ, સૉરી! હવે બોલ, મળવાનું ક્યાં છે?’
ભાટિયા હવે જરા નરમ પડ્યો, ‘આપણે બંગોતુ વ્યુ પૉઇન્ટ પાસે મળીએ છીએ. સાંજે સાત ને પિસ્તાલીસે.’
‘એ ક્યાં આવ્યો?’
‘ધરમશાલાથી થોડે દૂર છે. હું તને લોકેશન સેન્ડ કરું છું.’
ભાટિયાએ લોકેશન સેન્ડ કરીને મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી નાખ્યો.
lll
આખો પ્લાન લગભગ તૈયાર હતો. ડેવિડ અને જુલીએ નક્કી કરી નાખ્યું હતું કે ભાટિયા કાર લઈને બંગોતુ વ્યુ પૉઇન્ટ પર આવે ત્યારે ત્યાંથી જ તેની કારને ખીણમાં ગબડાવીને તેને પતાવી નાખવો. તાત્કાલિક મળી જશે પચાસ લાખ અને જ્યારે પોલીસને લાશ મળે ત્યારે પૂરા વીસ કરોડ...
પણ ટૅક્સીમાં બેસીને એ જગ્યાએ પહોંચ્યા પછી ડેવિડના પગ ઢીલા થઈ ગયા, કારણ કે આ જગ્યા જરાય સલામત નહોતી લાગતી. એક તો મેઇન રોડથી બહુ જ નજીક હતી. ઉપરથી છૂટાંછવાયાં વાહનોની અવરજવર ચાલુ જ હતી. બીજું, મેઇન રોડના અમુક ઍન્ગલથી આ જગ્યા સ્પષ્ટ જોઈ શકાતી હતી. હા, અંધારું થયા પછી અહીં કેટલી અવરજવર રહેતી હશે એનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો
છતાં આજે મળે એવો મોકો ફરી મળે એવા ચાન્સ બહુ ઓછા હતા. જુલીએ ડેવિડને કહ્યું, ‘તું કહેતો હોય તો હું તેને વાતોમાં પરોવીને ચારે બાજુ સન્નાટો છવાઈ જાય ત્યાં સુધી રોકી રાખું?’
‘ના.’ ડેવિડે ચોખ્ખી ના
પાડી દીધી, ‘અહીંના લોકો ચહેરા તરત યાદ રાખી લે છે. તને ભાટિયા સાથે આ રીતે થોડા સમય માટે પણ જોશે તો પ્રૉબ્લેમ થઈ શકે. એના કરતાં બને એટલી ઝડપથી ફેંસલો કરી નાખવો જ બહેતર રહેશે.’
ડેવિડ અને જુલી ત્યાં રેલિંગના ટેકે ઊભાં-ઊભાં રાહ જોતાં રહ્યાં. સાંજે સાત પછી ઝડપથી અંધારું થવા લાગ્યું. સાડાસાત સુધીમાં તો તમામ ટૂરિસ્ટ્સ જતા રહ્યા હતા.
બરાબર પોણાઆઠ વાગ્યે ભાટિયાની કાર જરાય અવાજ
કર્યા વિના ઢાળ પરથી સરકતી આવીને ઊભી રહી ગઈ.
કારની હેડલાઇટ ચાલુ રાખીને ભાટિયા ઊતર્યો.
‘હેડલાઇટ્સ બંધ કરો...’ ડેવિડે તરત જ બૂમ પાડી.
ભાટિયા પાછા ફર્યા. હેડલાઇટ્સની સ્વિચ ઑફ કરી. કારનો દરવાજો બંધ કર્યો. તેનો ગોળમટોળ આકાર આ તરફ આવતો જણાયો. અંધકાર એટલો ગાઢ હતો કે દૂરથી તો શું નજીકથી પણ કોઈનો ચહેરો ઓળખી શકાય એમ નહોતું. ડેવિડ માટે આ બેસ્ટ સિચુએશન હતી. ઉતાવળ તો ભાટિયાને પણ હતી. તે હાથમાં બૅગ લઈને ડેવિડ તરફ આવી રહ્યો હતો.
ડેવિડે હાથ ઊંચો કરીને તેને અટકાવ્યો, ‘હું જ એ તરફ
આવું છું’ એવો ઇશારો હાથ વડે કરીને તે એકદમ સાવધ પગલે ભાટિયા તરફ આગળ વધવા
લાગ્યો. ડેવિડ જાણીજોઈને ધીમા પગલે ચાલી રહ્યો હતો, કેમ કે ભાટિયાની પીઠ પાછળ જુલી
હાથમાં લોખંડનો સળિયો પકડીને દબાતે પગલે આગળ ધપી રહી હતી. રસ્તા પરથી પસાર થતી કારની લાઇટનો ઝાંખો પ્રકાશ આ તરફ ઝબકી જતો હતો.
જુલીએ નજીક આવતાંની સાથે જ ભાટિયાની ખોપરીના પાછળના ભાગે લોખંડનો સળિયો ફટકારી દીધો. બીજી ઘડીએ ડેવિડ સામેથી ધસી આવ્યો અને કોટમાંથી મોટો હથોડો કાઢીને ભાટિયાના કપાળે ઝીંકી દીધો.
ભાટિયા તરત જ ફસડાઈ પડ્યો. એ પછી ડેવિડે તેના શરીરને ફટાફટ ઢસડીને કારમાં હડસેલી દીધું. એ પછી એને સ્ટિયરિંગ-વ્હીલ સામે ગોઠવી દીધું. બારીના કાચ ચડાવ્યા અને દરવાજો બંધ કરતાં પહેલાં કારને સ્ટાર્ટ કરીને ન્યુટ્રલ ગિયરમાં
નાખી દીધી.
એ પછી જુલી તેની મદદે
આવી ગઈ. બન્નેએ કારને જોરથી ધકેલવા માંડી. ઢાળ તો હતો જ. રેલિંગ નજીક આવતાં-આવતાં
તો કારે ખરેખર સ્પીડ પકડી
લીધી અને છેવટે ખીણમાં ધડાકાભેર ગબડી ગઈ.
lll
બીજા દિવસે બપોર સુધીમાં તો ભાટિયાની લાશ પણ મળી ગઈ એટલું જ નહીં, બરાબર ત્રણ વાગ્યે ધરમશાલાના રહેવાસીઓની ખાસ્સી ભીડ ‘વીણાસદન’ એટલે કે ભાટિયાના બંગલાના કમ્પાઉન્ડમાં ભેગી થઈ ગઈ હતી.
ડેવિડ અને જુલી પણ ત્યાં સૉલિસિટર દાસગુપ્તા અને પ્રિયંવદા સાન્યાલ બનીને પહોંચી ગયાં હતાં. ત્યાં ઊભેલા ઇન્સ્પેક્ટરને સવાલ પૂછવાનું મન થાય એ પહેલાં જ દાસગુપ્તા બનેલા ડેવિડે ખરખરો કરવાના બહાને કહેવા માંડ્યું,
‘અસલમાં તો ભાટિયાસાહેબના નામે છત્રીસ કરોડની વસિયત લખાયેલી હતી. હું છેક આસામના અગરતલાથી અહીં આ વસિયતના કામે આવ્યો હતો, પણ જુઓને...’
જુલીની ઓળખાણ કરાવતાં તે બોલ્યો, ‘આ પ્રિયંવદા સાન્યાલ છે. અગરતલાની પ્રૉપર્ટી આમને પણ મળવાની હતી, પરંતુ હવે મામલો કૉમ્પ્લીકેટેડ થઈ ગયો.’
ઇન્સ્પેક્ટરે ખભા ઉલાળતાં કહ્યું, ‘ખરી વાત છે... જુઓને, અહીં પણ પ્રૉપર્ટી અને વસિયતનાં જ ચક્કર છે. જ્યાં સુધી મિસિસ વીણાવતી ભાટિયા લંડનથી આવે નહીં ત્યાં સુધી આ લાશનું શું કરવું એ પણ સમજાતું નથી.’
ડેવિડ ચમક્યો, ‘વીણાવતી લંડન ક્યારે પહોંચી ગયાં?’
‘લ્યો, એ તો લંડનમાં જ રહે છેને!’ ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘અહીંના લોકોને ખબર જ ક્યાં છે? આ તો મારા પર આજે સવારે વીણાવતીજીનો ફોન આવ્યો ત્યારે જ મને ખબર પડી.’
ડેવિડનું મગજ ભમવા લાગ્યું, ‘આ ચક્કર શું છે?’ ત્યાં જ બંગલાની પરસાળમાં હમીદાબાનુ જેવું કોઈ દેખાયું! તે તેમની તરફ જવા જતો હતો ત્યાં છ-સાત જણ તેને ઘેરી વળ્યા.
‘મિસ્ટર દાસગુપ્તા. આ વસિયતની શું વાત છે?’
‘કેટલા રૂપિયાની વસિયત છે?’
‘અરે, મારે ભાટિયા પાસેથી ચાર કરોડ લેવાના છે.’
‘મારે તો સોળ કરોડ
લેવાના હતા.’
‘ભાટિયો તો મને આ પ્રૉપર્ટી વેચવાનું કહીને ચાલીસ કરોડ લઈને બેઠો હતો, પણ હજી પેપર્સ તૈયાર નથી થયાં.’
‘શું વાત કરો છો? આ પ્રૉપર્ટી તો તે મને વેચવાનો હતો! મારી પાસેથી પચાસ કરોડ લીધા છે!’
lll
ડેવિડનું દિમાગ બહેર મારી ગયું હતું. ઉપરથી જુલી ઝઘડો કરીને તેનું મગજ ચાટી રહી હતી. ત્યાં હોટેલની રૂમનો ફોન રણક્યો,
‘મિસ્ટર દાસગુપ્તા, તમારે માટે મલેશિયાથી ફોન છે.’
‘મલેશિયા?’ ડેવિડ ગૂંચવાયો, પણ સામેથી અવાજ આવ્યો,
‘હાય ડેવિડ! કેમ છે? ઓળખ્યો મને? હું જતિનકુમાર ભાટિયા!’
‘ભાટિયા?’ ડેવિડ ચોંક્યો. ‘મેં તો તને...’
‘બોલ? બોલ?’ સામેથી ખડખડાટ હાસ્ય સંભળાયું,
‘ડેવિડ, તેં જેને પતાવી દીધો તે મારા જેવી જ હાઇટ-બૉડીવાળો કોઈ બીજો માણસ હતો!’
‘હેં?’
‘અને સાંભળ... તું જેને વીણાવતી સમજતો રહ્યો તે પણ મારી જ ગોઠવેલી કઠપૂતળી હતી! વીણાવતી તો ત્રણ વરસ પહેલાં જ મરી ગઈ હતી!’
‘હેં? તો પછી...’
‘વસિયત સૉલિસિટરજી, વસિયત!’ ભાટિયા હસી રહ્યો હતો, ‘એ બાઈ એવું વસિયત કરીને મરી ગઈ હતી કે તેના મૃત્યુ પછી મને ફૂટી કોડીયે ન મળે... એટલે છેલ્લાં ત્રણ વરસથી હું આ ખેલ ખેલી રહ્યો હતો. મેં શ્રીનગરના, દિલ્હીના, ચંડીગઢના ડઝન જેટલા પૈસાદારોને મારી જાળમાં ફસાવીને પ્રૉપર્ટીઓના સોદા કરવા માંડ્યા હતા,
પણ એકેય સોદો મેં પૂરેપૂરો પાર
નહોતો પાડ્યો... કોઈ ને કોઈ બહાનું કાઢીને હું બધાને રમાડતો હતો, પણ છેલ્લે-છેલ્લે મારો ભાંડો ફૂટી જવાની અણી પર હતો ત્યાં જ તું અને તારી રૂપાળી પાર્ટનર ધરમશાલામાં આવી પહોંચ્યાં... તમે લોકોએ મને ફસાવ્યો દોસ્ત, પણ એમાંથી મને આ પ્લાન સૂઝ્યો!’
‘મેં જ એક બાઈને આંધળી વીણાવતી બનાવીને બંગલામાં બેસાડી! પેલી હમીદાબાનુ પણ મારી જ કઠપૂતળી હતી અને ડેવિડ, તું એમાં ફસાઈ ગયો! પંદર કરોડ મારી પાસેથી ન મળ્યા એટલે તું વીસ કરોડના બાટલામાં ઊતર્યો! તેં મને ઍક્સિડન્ટમાં મારી નાખ્યો એટલે હું તો મુક્ત જ થઈ ગયોને? ભારતની પોલીસના હિસાબે જતિનકુમાર ભાટિયા મરી ગયા છે!’
‘સમજી ગયો....’ ડેવિડે કહ્યું, ‘વીણાવતીના નામે લંડનથી ફોન પણ તેં જ કરાવ્યો હશે અને જર્મનીમાં વીણાવતીની કોઈ દીકરી છે જ નહીં. રાઇટ?’
‘યસ, હવે કોઈ વીણાવતી આવવાની નથી કે કોઈ ભાટિયા પણ આવવાનો નથી. મારી પ્રૉપર્ટીની કિંમત કરતાં ત્રણ ગણા રૂપિયા મેં બનાવી લીધા છે. હવે છો એ બધા કોર્ટમાં લડ્યા કરતા!’
ડેવિડને હસવું આવી ગયું, ‘ગેમ તો બહુ ઊંચી રમી ગયા ભાટિયાસાહેબ! એમ જોવા જાઓ તો હું પણ કંઈ ખાસ ખોટમાં નથી રહ્યો. મારી પાસે પચાસ લાખ રોકડા અને પેલી બાર લાખની વીંટી છે.’
‘માત્ર વીંટી જ છે!’ ભાટિયા હસ્યો, ‘કેમ કે પેલી બૅગમાં તેં બરાબર જોયું લાગતું નથી. એમાં ઉપરની દસેક હજારની નોટો જ અસલી છે... બાકી....’
(સમાપ્ત)

